સેતાનિક વર્સિસ સિવાયના રશદી

ગયા અઠવાડિયે અમેરિકાના ન્યૂયોર્ક નજીક આવેલા ચૌટાકોવા ખાતે વિખ્યાત લેખક સલમાન રશદી પર જે રીતે સરાજાહેર હુમલો થયો એ ઘટનાના પડઘા વિશ્વભરમાં પડયા છે. પડે જ, કેમ કે આ ઘટનાથી ફરી એકવાર ઇસ્લામિક કટ્ટરવાદીઓનો રશદી વિરુધ્ધનો ફતવો ચર્ચામાં છે. એ પણ સાબિત થયું છે કે, રશદીના એ વિવાદાસ્પદ પુસ્તક ધ સેતાનિક વર્સિસ પ્રકાશિત થયાને (1988) અને એમના વિરુધ્ધ ઇરાનના તત્કાલિન સર્વોચ્ચ નેતા ખોમૈનીએ જાહેર કરેલા ફતવાને આજે પણ, એ ઘટનાના સાડા ત્રણ દાયકા પછી પણ, કટ્ટરવાદીઓ ભૂલ્યા નથી. ઊલટાનું, રશદીને સમર્થન આપનાર વિખ્યાત લેખિકા (હેરી પોટર ફેમ) જે. કે. રોલિંગને પણ મારવાની ધમકી મળી છે.

ના, આજે અહીં હુમલાની, ધ સેતાનિક વર્સિસની કે એની સામે જારી થયેલા ફતવાની વાત નથી કરવી. ધ સેતાનિક વર્સિસ એ રશદીનું અત્યંત ચર્ચાસ્પદ પુસ્તક છે, ઇરાનના ફતવા પછી ભારતમાં રાજીવ ગાંધી સરકારે એ પુસ્તક પર પ્રતિબંધ મૂક્યો, બ્રિટને ઇરાન સાથેના રાજદ્વારી સંબંધો તોડીને પણ રશદીને પ્રોટેક્શન આપ્યું એ બધી બાબતો ઘણી જાણીતી છે.

આમ પણ, આપણે સલમાન રશદીને મોટાભાગે ધ સેતાનિક વર્સિસથી જ ઓળખીએ છીએ. એ સિવાયના રશદી મોટાભાગના લોકો માટે અજાણ્યા છે. સાહિત્યિક વિશ્વમાં સલમાન રશદી એમની ‘મેજિકલ રિઅલિઝમ’ શૈલીથી (સાહિત્ય-કલાના ક્ષેત્રમાં જાદુઇ-કાલ્પનિક રંગો ઉમેરીને ચિત્રણ-સર્જન કરવાની સ્ટાઇલને મેજિકલ રિઅલિઝમ કહે છે, જે કલ્પના અને વાસ્તવ વચ્ચેની ભેદરેખાને લગભગ ધૂંધળી કરી નાખે છે) લખવા માટે જાણીતા છે, પણ 19 જૂન, 1947ના રોજ મુંબઇમાં કશ્મીરી મુસ્લિમ પરિવારમાં જન્મેલા રશદીની અંગત જિંદગી, એમની સર્જનયાત્રા પણ મેજિકલ રિઅલિઝમથી કમ નથી.

ભારતની સ્વતંત્રતાના ઠીક બે મહિના પહેલાં જન્મેલા રશદી ભારતીય-બ્રિટીશર છે. એમના પિતા અનીસ અહેમદ રશદી કેમ્બ્રિજમાં ભણેલા અને બ્રિટીશ સમયની આઇસીએસ-ઇન્ડિયન સિવિલ સર્વિસમાં જોડાયેલા, પણ પાછળથી એમને સર્વિસમાંથી બરતરફ કરાયેલા કેમ કે એમણે જન્મતારીખનો પૂરાવો ખોટો આપેલો.  એમની માતા નેગીન ભટ્ટ શિક્ષિકા હતી. 2012માં પ્રકાશિત થયેલા સંસ્મરણોમાં રશદી લખે છે કે, એમના પિતાએ ઇબ્ન રશ્દ નામના મહાન ઇસ્લામિક સ્કોલરથી પ્રેરાઇને એમના નામમાં (હવે એ સરનેમ બની ચૂકી છે) રશદી લગાવેલું.

અચ્છા, જો રશદીએ ધ સેતાનિક વર્સિસ ન લખ્યું હોત તો એમને આટલી નામના-સફળતા મળી હોત? એનો જવાબ હા કે ના માં મળવો મુશ્કેલ છે. પરંતુ એ યાદ રહે કે, રશદીએ 1988માં ધ સેતાનિક વર્સિસ લખ્યું એના સાત વર્ષ પહેલાં મિડનાઇટ્સ ચિલ્ડ્રન એ નામે નવલકથા લખેલી. આ નવલકથાને સાહિત્યનું બુકર પ્રાઇઝ મળેલું અને લિટરરી વર્લ્ડમાં રશદી સ્ટાર બની ગયા. મિડનાઇટ્સ ચિલ્ડ્રન એમની બીજી નવલકથા હતી. 1975માં એમણે લખેલી પહેલી નવલકથા ગ્રિમસ વાચકો-વિવેચકોનું ધ્યાન ખેંચી શકી નહોતી. ઘણા માને છે કે રશદી માટે ફેમસ થવા ફક્ત મિડનાઇટ્સ ચિલ્ડ્રન નવલકથા જ પૂરતી હતી. રશદીએ એમાં 15 ઓગસ્ટ, 1947ની મધ્યરાત્રિએ ભારત આઝાદ થતું હતું ત્યારે રાત્રિના બારથી એક વાગ્યાના એ ગોલ્ડન અવરમાં જન્મેલા બે બાળકની, એમની અદલાબદલીની, ઉછેરની કાલ્પનિક વાત કહી છે. વાસ્તવિક ઘટનાઓને ફેન્ટસી સાથે જોડીને રશદીએ લખેલી આ નવલકથા પરથી દીપા મહેતાએ 2012માં એ જ નામે ફિલ્મ પણ બનાવેલી. એ પછી તો રશદીએ અનેક નવલકથાઓ-નોન ફિક્શન્સ લખ્યાં. બ્રિટનના નાઇટહૂડ સહિતના અનેક ઇનામો, ઉપાધિઓ એમને મળી. ખૂબ નામ અને દામ કમાયા.

પણ એમની આ સર્જનયાત્રા દરમ્યાન ખોમૈનીનો ફતવો અને વિવાદો સતત એમનો પીછો કરતા રહ્યા. ખાસ કરીને એમનાં લગ્નો. અત્યાર સુધીમાં રશદી ચાર સ્ત્રી ક્લેરિસા લુર્ડ, મેરી વિગિન્સ, એલિઝાબેથ અને ભારતીય-અમેરિકન મોડેલ પદ્મા લક્ષ્મી સાથે પરણી ચૂક્યા છે. એ સિવાય ફેશન જગતની અમુક સુંદરીઓ સાથેના અફેર્સને લઇને વિવાદોમાં સતત ઘેરાતા રહ્યા એ જૂદું. બોલ્ડનેસ માટે જાણીતી પદ્મા લક્ષ્મીએ તો રશદી પર આંચકાજનક આક્ષેપો કરતાં અમુક મુલાકાતોમાં કહ્યું છે કે, રશદીને સ્ત્રીઓ સાથે માત્ર સેક્સમાં જ રસ છે. એ સંવેદનશીલ વ્યક્તિ નથી. પદ્મા લક્ષ્મી પથારીવશ હતી ત્યારે રશદીએ એને ‘ખોટું ઇન્વેસ્ટમેન્ટ’ ગણાવેલી!  2004માં એમના લગ્ન થયાં અને 2007માં એ છૂટા પડ્યા. અમેરિકન ટેલિવિઝન શો ટોપ શેફ ની જજ રહી ચૂકેલી પદ્માએ રશદી સાથેના નિષ્ફળ લગ્નજીવનની આવી કેટલીક સનસનાટીભરી વાતો પોતાના સંસ્મરણોમાં લખી છે.

2009માં રશદીએ ફિલ્મ દિગ્દર્શક રોમન પોલન્સ્કીની તરફેણમાં એમની મુક્તિ માટેની પિટીશનમાં સહી કરેલી ત્યારે પણ ઘણાને એમના આ વલણથી આંચકો લાગેલો. પોલન્સ્કીની ડ્રગ્સ અને 13 વર્ષની બાળકી પર બળાત્કાર જેવા ગંભીર આક્ષેપોને લઇને સ્વીત્ઝર્લેન્ડમાં ધરપકડ થયેલી. પોતાના લખાણોમાં માનવતા અને ઉદારતાવાદની વકીલાત કરતા સર્જકો વાસ્તવિક જીવનમાં આવું કેમ કરતા હશે?

2009થી અમેરિકામાં અને એ પહેલાં બ્રિટનમાં સતત ભય અને સુરક્ષાના ઓથાર વચ્ચે જીવતા આવેલા રશદીએ ક્યારેય ધ સેતાનિક વર્સિસ માટે માફી માગવાનું વલણ દર્શાવ્યું નથી. 22 જાન્યુઆરી, 1989ના ધ ઓબ્ઝર્વરમાં એ પોતાની સામેના ધરણાં-વિરોધના જવાબમાં મોહમ્મદને ‘વિશ્વ ઇતિહાસના કેટલાક મહાન જિનિયસો પૈકીના એક’ ગણાવે છે, પણ સાથે સાથે પોતે જે લખ્યું છે એને વળગી ય રહે છે. કટ્ટરવાદીઓ તરફથી એમને દર 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ગિફ્ટમાં ધમકી મળતી, પણ રશદી એને ‘માય અન-ફની વેલેન્ટાઇન’ ગણાવતા રહ્યા. ઓગસ્ટ, 1993માં એક તરફ વિશ્વના દેશોમાં ફતવાને લઇને વ્યાપક હિંસા-પ્રદર્શનો થતા હતા તો બીજી તરફ રશદી લંડનના વેમ્બલીમાં યોજાતી કોન્સર્ટ બિન્દાસ્ત માણતા હતા! આ જ રશદીએ પોતાના પર જોખમ તોળાતું હોવા છતાં ફાન્સના વિખ્યાત સાપ્તાહિક ચાર્લી હેબ્દો ને એમણે ખુલ્લું સમર્થન આપેલું.

અને લાસ્ટ. રશદી કશ્મીરી મુસ્લિમ પરિવારમાં જન્મ્યા છે, પણ 2006માં અમેરિકન સરકારી ટીવીને આપેલી મુલાકાતમાં એમણે પોતાને હાર્ડલાઇન એથિસ્ટ એટલે કે કટ્ટર નાસ્તિક ગણાવ્યા હતા. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના એ કટ્ટર ટીકાકાર રહ્યા છે તો કશ્મીરમાં 370 મી કલમ નાબૂદીના મુદ્દે પણ એમણે ભારત સરકારની આકરી ટીકા કરી હતી. કશ્મીર મુદ્દે એમનું વલણ આપણને, ભારતીયોને માફક આવે એવું રહ્યું નથી.

2017માં એક પ્રવચનમાં રશદીએ કહેલુઃ સત્તા સાથેના સંઘર્ષથી કલાકારની જિંદગી મુશ્કેલ તો બને છે, પણ કલાકાર-સર્જકનું તો કામ જ બ્રહ્માંડને ખોલી આપવાનું છે…

 

(તસવીર સૌજન્યઃ સલમાન રશદીની વેબસાઇટ અને સોશિયલ મિડીયા એકાઉન્ટ્સ પરથી)

(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે. વિચારો એમના અંગત છે.)