‘હું નસીબદાર છું કે ગુજરાત આવી. લોકો ભગવાનનો સાક્ષાત્કાર ઇચ્છે છે. મને અહીં નરસિંહ મહેતાનો સાક્ષાત્કાર થયો. ભગવાન છે કે નથી એવો એક પ્રશ્ન મનમાં રહ્યા કરતો, એ નરસિંહ મહેતાએ દૂર કર્યો…’
આ શબ્દો છે મૂળ કટક (ઓડિસા)ના વતની અને જાણીતા શાસ્ત્રીય નૃત્યાંગના સુપ્રભા મિશ્રાના. આમ તો સુપ્રભાજી ઓડિસાના, પણ એમના લગ્ન થયા ગુજરાતી પરિવારમાં એટલે એ પણ ગુજરાતમય બનીને સવાયા ગુજરાતી બની ગયા. મેરેજ પછી ગુજરાતી સાહિત્ય સાથે નાતો વધ્યો એટલે એને ઓડિસી નૃત્ય સાથે વણીને સતત કંઇક નવુ કરવાની કોશિષ કરી. ઓડિસી નૃત્યને વૈષ્ણવજન સાથે વણી લઇને જગન્નાથથી દ્વારકાની નૃત્યમય રજૂઆત કરી. ગુજરાતની પ્રસિધ્ધ રાણ કી વાવના સ્થાપત્ય પર અભ્યાસ કરી નીર અને નારી નૃત્ય તૈયાર કર્યું. રાધા-કૃષ્ણની સંવેદના ઉપર એક નૃત્ય તૈયાર કર્યું. શ્રી રાધે પર શોર્ટ ફિલ્મ પણ તૈયાર કરી. ગુજરાતના મંદિરો અને નૃત્યનું મહત્વ એ વિષય પર ઉંડાણપૂર્વક અભ્યાસ કર્યો. અરે, પાણીના પ્રોજેક્ટ પરય એક નૃત્યનાટિકા રજૂ કરી. એક સંવેદનશીલ કલાકાર તરીકે સુપ્રભાજી ઓડિસી નૃત્યશૈલી અને ગુજરાતી કલ્ચરને જોડતા ગયા અને બે કલ્ચર વચ્ચે કલાના માધ્યમથી નવો જ સંગમ રચતા ગયા.
કોણ છે સુપ્રભા મિશ્રા?
માતા લક્ષ્મીદેવી અને પિતા રવિનારાયણ મિશ્રાની પ્રેરણાથી સંગીત અને નૃત્ય ક્ષેત્રે પોતાની સાધનાની શરૂઆત કરનાર સુપ્રભાજીએ પ્રારંભમાં તો એક વર્ષ સુધી ગાયનની તાલીમ લીધી હતી, પણ નૃત્યની તાલીમ લેતા લોકોને જોઇને એમને ઓડિસી નૃત્યમાં વધારે રસ પડવા માંડ્યો. એમણે માતાને કહ્યું કે, મારે સારેગમપ નથી કરવું. મારે તો નૃત્ય જ શીખવું છે…
બસ, એ રીતે છ વર્ષની ઉંમરથી જ એમની નૃત્ય શીખવાનું તાલીમ શરૂ થઇ. ગુરુ રઘુનાથ દત્તજી, પદ્મવિભુષણ ગુરુ કેલુચરણ મહાપાત્રજી, ગુરુ હરિહર મોહંતી, ગુરુ શુધાકર સાહુ જોડે તબક્કાવાર ઓડિસી નૃત્યની તાલીમ લીધી. પોતે ભણવામાં અભ્યાસમાં હોંશિયાર અને માતા લક્ષ્મીદેવી સંગીત ક્ષેત્રે આગળ પડતા હોવાથી સ્ટેજ પર પરફોર્મ કરવાની તક મળતી ગઇ. આપણે ત્યાં પહેલી મે ગુજરાત દિન તરીકે ઉજવાય છે એમ ઓડિસામાં પહેલી એપ્રિલ ઓડિસા ડે તરીકે ઉજવાય છે. આ ઉજવણીમાં સતત દસ વર્ષ સુધી પરફોર્મ કર્યું. ફિઝિક્સમાં ઇલેક્ટ્રોનિક્સ સાથે એમ. એસસી. ની ડીગ્રી મેળવનાર સુપ્રભાજીએ નૃત્યમાં પણ માસ્ટરની પદવી પ્રાપ્ત કરી. આખાય પરિવારમાં ગીત, સંગીત નૃત્ય, ભક્તિ અને આધ્યાત્મનું વાતાવરણ એટલે આ બધા સંસ્કારોએ એમની કરિયર અને સમગ્ર જીવનના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવ્યો.
સુપ્રભાજી ચિત્રલેખા.કોમને કહે છે, ‘ભણતરની સાથે નૃત્ય જેવી કોઇપણ કળા શિખવાથી મનની આંતરિક શક્તિ પણ વધે છે. મને નાનપણથી જ ગુરુજી હરિહર મોહંતી પાસેથી નાની નાની વાર્તાઓની સાથે કોરિયોગ્રોફી પણ શીખવા મળી. અત્યારે જે ઓડિસી નૃત્ય છે એ માહરી નૃત્ય અને ગોટિપુઆ નૃત્યનું મિશ્રણ છે. મોટા મોટા કલાકારો પણ પહેલાં ગોટિપુઆ નૃત્ય કરતાં હતા.’
કર્મભૂમિ ગુજરાત
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન-બીએસએનએલની નોકરી-તાલીમ દરમિયાન સાથી કર્મચારી દીપક પાઠક સાથે મુલાકાત થઇ. એકબીજાના સ્વભાર અને રુચિના સંયોગના કારણે લગ્નગ્રંથીએ જોડાયા એટલે લગ્ન થયા એ પછી સુપ્રભાજી ગુજરાત આવ્યા.
એ કહે છે, ‘લગ્ન પછી નોકરીની સાથે સાથે મોટા સંયુક્ત પરિવારને સાચવવાની ય જવાબદારી હતી. આ સંજોગોમાં નૃત્યાંગના તરીકેની મારી તાલીમનું શું થશે એની મને ચિંતા હતી. હું ઓડિશી નૃત્યનેય જીવંત રાખવા ઇચ્છતી હતી.’
જો કે, પતિ અને પરિવારે એમને પૂરતો સપોર્ટ કર્યો. એમણે રાજકોટમાં ભરતનાટ્યમની તાલીમ લેવાનું શરૂ કર્યું એ ખૂબ કામમાં આવી. રાજકોટમાં નૃત્ય-સંગીતના વર્તુળમાં લોકોમાં અહીં કોઇ ઓડિશી કરે છે એવી ખબર પડવા માંડી. ઓડિશામાં હતા ત્યારે તો મહિનામાં એકાદવાર તો એક પરફોર્મન્સ થઇ જતું, પરંતુ રાજકોટમાં એ વખતે એવો માહોલ નહોતો. ધીમે ધીમે સ્થાનિક સંપર્કોથી અમુક કાર્યક્રમોમાં પરફોર્મ કરવાની તક મળતી ગઇ. એ પછી કેટલાક લોકોને નૃત્યની તાલીમમાં રસ પડયો એટલે એક તાલીમ કેન્દ્ર શરૂ કર્યું.
રાજકોટમાં કોઇ કાર્યક્રમ શરૂ થાય એટલે ઓડિસીનું મંગલાચરણ કરવાનો મોકો એમને મળી જતો. 1995માં એમણે પોતાની સંસ્થાનો ‘ગ્લિમ્પસીસ ઓફ ક્લાસિકલ ડાન્સ’ નામે એક કાર્યક્રમ કર્યો, જેમાં ઓડિસીની સાથે કથક અને ભારત નાટ્યમનો પણ સમાવેશ કર્યો. કાર્યક્મ સફળ થયો, લોકોએ માણ્યો અને એની નોંધ પણ લેવાઇ. પછી તો દર વર્ષે શિવશક્તિ ઉપાસના, ધ જર્ની ઓફ ક્લાસિકલ ડાન્સ, અને ગીત-ગોવિંદ જેવા કાર્યક્રમો કર્યા.
2009માં બદલી થઇ એટલે અમદાવાદ રહેવા આવ્યાં. અહીં એક નવી શરૂઆત કરવાની હતી, પરંતુ સ્મિતાબેન શાસ્ત્રી અને કૌમુદિનીબેન લાખિયા જેવા જાણીતા કલાકારોએ એમને પોતાના કાર્યક્રમોમાં બોલાવી સન્માન આપ્યું. શહેરમાં ઓડિયા એસોશિએશન હોવાને કારણે એમની પાસે શીખવા આવનાર ઓડિયા વિદ્યાર્થીઓ પણ વધ્યા. કોર્પોરેટ પ્રોગ્રામ્સ પણ મળ્યા અને ઘણાં મોટા પ્રોજેક્ટ કરવાની તક પણ મળી. આજે તો સુપ્રભાજી નોકરીમાથી નિવૃત્ત થઇ ચૂક્યા છે, પણ કલાકાર માટે કોઇ નિવૃત્તિની વય હોતી નથી. એમની નૃત્યયાત્રા તો આજેય શરૂ છે.
ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવનાર સુપ્રભાજીએ પુસ્તકો પણ લખ્યાં છે અને કલાના ક્ષેત્રે પ્રદાન કરવા માટે એમને અનેક એવોર્ડઝ પણ મળ્યા છે. ઓડિસાના અત્યંત લોકપ્રિય ‘ઓડિસી નૃત્ય’ ને ગુજરાતમાં લોકપ્રિય અને જાણીતું બનાવવામાં એમને મહત્વનો ફાળો છે. પારંપરિક નૃત્યની સાથે એમણે પ્રયોગાત્મક નૃત્ય નાટિકા પણ રચી છે જેમાં ‘ગંગા-અમૃત સરિતા’, ભક્તકવિ શ્રી નરસિંહ મહેતાના ભજન પર આધારિત ‘ વૈષ્ણવ જન તેને રે કહીએ’, રમાકાંત રથની કવિતા પર આધારિત નૃત્યનાટિકા ‘શ્રીરાધા’, ‘રાણીની વાવ’ આધારિત નૃત્યનાટિકા, સુપ્રસિધ્ધ સાહિત્યકાર દિનકર જોષીના પુસ્તક ‘ચક્રથી ચરખા’ પર આધારિત ‘મોહનથી મોહન’ નો સમાવેશ થાય છે.
સુપ્રભાજીએ દેશભરમાં ૪૦થી વધુ શહેરમાં પરફોર્મ કર્યું છે અને ખજુરાહો, કોર્ણક, મોઢેરા, ચક્રધર, જાજોલય અને ઓરછા મહોત્સવ જેવા પ્રતિષ્ઠિત કહી શકાય એવા લગભગ તમામ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવોમાં ભાગ લીધો છે. ‘ભારતીય નૃત્ય’, ‘ઓડીસી નૃત્ય ઔર ભારતીય સંસ્કૃતિ’, ‘દ્વારિકાનો સૂર્યાસ્ત’, ‘ભકતકવિ શ્રી નરસિંહ મહેતા’, ‘ગુજરાત કે જલમંદિરો મે પ્રતિબિંબત સાંસ્કૃતિક વિરાસત’ જેવા પુસ્તકો પણ લખ્યા છે.
‘ઓડીસી નૃત્ય ઔર ભારતીય સંસ્કૃતિ’ માટે એમને ભારત સરકારનો પ્રતિષ્ઠિત ‘ઈન્દિરા ગાંધી રાજભાષા એવોર્ડ’ પણ પ્રાપ્ત થયેલ છે. આ ઉપરાંત, વર્ષ 2013માં એમને ઓડીસી નૃત્યના ક્ષેત્રમાં કરેલા પ્રદાન માટે ‘ગુજરાત ગૌરવ પુરસ્કાર’ પણ પ્રાપ્ત થયો છે.
(અહેવાલ-તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)