- કેતન ત્રિવેદી (ભાવનગર)
થોડાક સમય પહેલાં કથાકાર મોરારિબાપુએ એક વિચાર રજૂ કરેલો કે, દેશ જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે સ્વતંત્રતા વખતે જેમણે સૌથી પહેલું રાજ્ય રાષ્ટ્રના ચરણે સમર્પિત કર્યું હતું એવા ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજીને મરણોત્તર ભારતરત્ન આપવામાં આવે એવી મારી લાગણી છે…
બાપુની આ લાગણીનો વિડીયો પછી તો સોશિયલ મિડીયામાં ઘણો ફેલાયો અને વાતે વેગ પકડ્યો કે ખરા અર્થમાં પ્રજાવત્સલ એવા આ રાજવીને મરણોત્તર તો મરણોત્તર, પણ આ સમ્માન મળવું જ જોઇએ. તો, ઘણાના મનમાં સવાલ ય ઉઠ્યો કે, મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું નિધન થયાને ય (1965) આજે સત્તાવન વર્ષ વીતી ગયાં. હવે આજે વળી અચાનક એમને ભારતરત્નથી નવાજવાની માગણી કેમ?
વેલ, ભાવેણાના આ લોકલાડીલા રાજવીને આ સમ્માન આપવાની લાગણી કે માગણી નવી નથી. અગાઉ પણ ઘણા લોકોએ પોતપોતાની રીતે યોગ્ય કક્ષાએ રજૂઆતો કરીને આવી લાગણી વ્યક્ત કરી છે, પણ મુદ્દો એ છે કે, આઝાદી વખતે લોકતંત્રનું મહત્વ સમજીને, દોમદોમ સાહ્યબી એકઝાટકે છોડીને પોતાનું સાતસો વર્ષ જૂનું રજવાડું સામે ચાલીને રાષ્ટ્રને ચરણે ધરવાની પહેલ કરનાર આ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના જીવનથી, એમની આ અભૂતપૂર્વ સમર્પણભાવનાથી આજની પેઢી (ખાસ કરીને આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવીએ છીએ ત્યારે) કેટલી માહિતગાર છે? એવું તે શું હતું આ રાજવીના વ્યક્તિત્વમાં કે ભાવનગરના લોકો આજે પણ એમને પ્રેમથી યાદ કરે છે? એમને આ સર્વોચ્ચ નાગરિક સમ્માન મળે એવી લાગણી અને માગણી અવારનવાર આજે પણ કેમ થયા કરે છે?
ના, આ રાજવીએ સામે ચાલીને ભાવનગર રાજ્ય દેશને સોંપી દીધું એટલા માત્રથી જ એ વ્યક્તિત્વ આદરને પાત્ર છે એવું નથી. 19 મે, 1912ના રોજ જન્મેલા કૃષ્ણકુમારસિંહજીએ 1918માં માતા નંદકુંવરબા અને 1919માં પિતા ભાવસિંહજીની છત્રછાયા ગુમાવી. 19 જૂલાઇ, 1919ના રોજ એમનું રાજતિલક થયું, પણ એ સગીર હોવાથી રાજ્યના વહીવટ માટે સર પ્રભાશંકર પટ્ટણીના અધ્યક્ષસ્થાને કમિટી બની. થોડોક સમય રાજકોટની રાજકુમાર કોલેજમાં ભણ્યા પછી એ લંડનની બ્રેયર્સ પ્રેપરેટરી અને હેરો સ્કૂલમાં ભણવા ગયા. મહારાજા તરીકે એમનો વિધિવત રાજ્યાભિષેક તો 18 એપ્રિલ, 1931 ના રોજ થયો અને એમણે રાજ્યની ધૂરા સંભાળી.
ભાવનગર રાજવી પરિવારના વર્તમાન મહારાણી અને કૃષ્ણકુમારસિંહજીની પ્રપૌત્ર-વધૂ સમયુક્તાકુમારી યોગ્ય રીતે જ કહે છેઃ ‘આઠ વર્ષની ઉંમરે અનાથ બન્યા, વિદેશમાં ભણ્યા-ઉછર્યા એમ છતાં એ ભારતીય મૂલ્યો અને સંસ્કારોને ન ભૂલ્યા. એમના જીવનમાંથી આજે પણ મને કાંઇક નવું શીખવા મળે છે.’
એ સમયમાં પ્રોગ્રેસિવ કહી શકાય એવા અનેક પગલાંઓ ભરીને આ રાજવીએ એમની પ્રજાવત્સલતા, રાષ્ટ્ર પરત્વનો પ્રેમ અને ડેમોક્રેટીક વલણનો પરિચય આપ્યો છે. 1930માં એ લંડનની ગોળમેજી પરિષદમાં પ્રેક્ષક તરીકે આપે છે તો 1941માં એ ભાવનગર રાજ્યમાં ધારાસભા પ્રથાની શરૂઆત કરાવીને પોતે લોકતંત્રમાં કેટલો અતૂટ વિશ્વાસ ધરાવે છે એની પ્રતીતિ પણ કરાવે છે.
ભાવનગરના નિવૃત્ત પ્રિન્સિપાલ અને ઇતિહાસકાર ગંભીરસિંહજી ગોહિલે ‘પ્રજાવત્સલ રાજવી’ એ નામે 576 પાનાના દળદાર ગ્રંથમાં કૃષ્ણકુમારસિંહજીનું જીવનવૃતાંત લખ્યું છે. ભારતની અખંડતા માટે એ કેટલા પ્રતિબધ્ધ હતા એના અમુક પ્રસંગો એમાં વાંચવા મળે છે. ભાવનગરના વિલિનીકરણની વાતો ચાલતી હતી ત્યારે મહારાજાને પૂછવામાં આવ્યું કે, ‘તમે રાજ્ય શા માટે આપી દો છો? આપને શો ડર લાગ્યો છે?’ ત્યારે જવાબમાં મહારાજા કહે છેઃ ‘મને કશો ડર નથી. દેશના ભાગલા પડ્યા એનું દુઃખ છે. દેશ અખંડિત રહેવો જોઇએ. હવે રાજાઓ માટે અલગ રાજસ્થાન ઉભું થાય તો ત્રીજા ભાગલા પડે. એ ન થવું જોઇએ. વ્યક્તિગત સત્તા કરતાં દેશનું હિત મોટું છે.’ (પેજ 6-7) એ સમયે અન્ય રાજવીઓ મહારાજા પર રાજવીઓ માટેની અલગ વ્યવસ્થામાં જોડાવા ખૂબ દબાણ કરતા હતા, પણ આ રાજવી એને વશ ન થયા. એ ગાંધી-સરદારના માર્ગે ચાલવા મક્કમ હતા.
17 ડિસેમ્બર, 1947ના રોજ દિલ્હીના બિરલાભવનમાં રાત્રિના 11 વાગ્યે એ ગાંધીજીને મળવા ગયા અને પોતાનું રાજ્ય રાષ્ટ્રને સોંપવાની ઇચ્છા વ્યક્ત કરી એ રજવાડાંઓના એકીકરણની તવારીખમાં નોંધાયેલી વિરલ ઘટના છે. સામાન્ય રીતે ગાંધીજી કોઇપણ મુલાકાતીને આવકારવા ઊભા ન થતાં, પણ કૃષ્ણકુમારસિંહજીને આવકારવા એમણે મનુબહેનને ખાસ મોકલ્યા અને એ આવ્યા ત્યારે પોતે ઊભા થઇને એમને આવકાર્યા. એમને વળાવવા એમની કાર સુધી ગયા. મનુબહેને પાછળથી બાપુને એનું કારણ પૂછ્યું તો ગાંધીજીએ કહેલું કે, ‘હું ભાવનગરની શામળદાસ કોલેજમાં ભણતો એ નાતે મારા તો એ રાજા ને? મારે એને માન તો આપવું જોઇએ ને?’ આ મુલાકાતમાં જ મહારાજાએ ભાવનગર રાજ્ય સોંપવાનો નિર્ણય ગાંધીજીને જણાવીને સાલિયાણું અને મિલકત પણ ગાંધીજી જેટલી કહે અને જે રીતે કહે એ સ્વીકારવાનું જાહેર કર્યું. ગાંધીજીએ પછીથી નહેરુ-સરદાર સહિત સૌને કહેલું કે, ‘બીજા રાજાઓએ પણ આ મહારાજાના રસ્તે ચાલ્યા સિવાય છૂટકો નથી!’
મહારાજાની આવી ઉદ્દાત ભાવના અને રાષ્ટ્રનિષ્ઠાથી નહેરુ અને સરદાર પટેલ સહિત અનેક નેતાઓ પ્રભાવિત થયેલા. 15 જાન્યુઆરી, 1948ના રોજ ભાવનગરમાં મોતીબાગ પેલેસ ખાતે રાજ્ય વિધિવત રીતે રાષ્ટ્રને અર્પણ કરવાનો સમારોહ યોજાયો ત્યારે સરદાર પટેલ ખાસ ઉપસ્થિત રહેલા. મહારાજા ઉંમરમાં એમનાથી ઘણા નાના હોવા છતાં એમની વચ્ચે લાગણીનો સેતુ બાંધવામાં મહારાજાની પ્રજાપરાયણતા જ કારણભૂત હતી. ‘રાજા મટી જઇને પછી શું કરશો?’ સરદારે એમને આ સવાલ પૂછેલો ત્યારે જવાબમાં મહારાજાએ કહેલુઃ ‘ખેતી કરીશ. નવા જમાના પ્રમાણે રાજપરિવારના-સમાજના મનોવલણો કેળવવાની મારી જવાબદારી છે.’ એ જમાનામાં ખેતીમાં બળદથી વધુ ફાયદો થાય કે ટ્રેક્ટરથી એ અંગેના પ્રયોગો મહારાજાએ પોતાના રાજ્યમાં શરૂ કરાવેલા. એના પરથી એ કેટલો આધુનિક દ્રષ્ટિકોણ ધરાવતા હતા એનો ખ્યાલ આવે છે.
અને આવો પ્રગતિશીલ દ્રષ્ટિકોણ ફ્કત મહારાજાનો જ હતો એવું નથી. એમણે રાજ્ય સોંપવાનો નિર્ણય ગાંધીજી પાસે મૂક્યો ત્યારે ગાંધીજીએ એમને મહારાણીનો શું મત છે એવું પૂછેલું. પછીથી મનુબહેન જ્યારે મહારાણી વિજયાબાને મળવા ભાવનગર આવ્યા ત્યારે એમણે પણ મહારાણીને પૂછેલું કે, ‘આટલું મોટું રાજ્ય હાથમાંથી જતું કરતાં તમને કેવું લાગ્યું?’ વિજયાબાનો જવાબ પણ અદ્દલ મહારાણીને શોભે એવો જ હતોઃ ‘રાજ્ય પ્રજાનું હતું અને પ્રજાને આપ્યું, એમાં અમે શો ઉપકાર કર્યો?’
રાજ્ય સોંપવાના આ નિર્ણયમાં વિજયાબાની આ સહમતિનું મૂલ્ય ઓછું નહોતું. પરિવારની સંમતિ વિના પેન્સિલનો ટુકડો ય કોઇ દાનમાં આપી શકતું નથી ત્યારે આ તો આખેઆખું રાજપાટ આપી દેવાનું હતું! ચિત્રલેખા સાથેની વાતચીતમાં સમયુક્તાકુમારી કહે છે, ‘પરિવારને સાચવવામાં સ્ત્રીનું યોગદાન મહત્વનું હોય છે. એક સ્ત્રી તરીકે એમનામાં અદભૂત ગુણો હતા. મને લગ્ન પછી એક વર્ષ સુધી એમની સાથે રહેવાની તક મળી છે એ માટે હું આજેય મારી જાતને ભાગ્યશાળી માનું છું.’
એક વખત જવાહરલાલ નહેરુ સાથે નાસ્તાના ટેબલ પર ચર્ચા ચાલતી હતી ત્યારે નહેરુએ વાતવાતમાં મહારાજાને કહ્યું કે, ‘તમે પ્રજાની માગણી સ્વીકારી તે બહુ સારું કર્યું.’ એ વખતે મહારાજએ આપેલો જવાબ સાંભળવા જેવો છેઃ ‘અમે ભાવનગરની ભૂમિમાં 700 વર્ષથી પ્રજાની લાગણીઓને માન આપતા આવ્યા છીએ. અમારા માટે આ નવું નથી. હું મારા પૂર્વજોને અનુસર્યો છું.’
હવે જે રાજવી પરિવાર પ્રજાની લાગણીઓને આટલું માન-સમ્માન આપતો હોય એમના માટે પ્રજાને પણ એટલી જ લાગણી હોય ને? સ્વતંત્રતા પછી મહારાજા મદ્રાસ પ્રાંતના ગવર્નર તરીકે જઇ રહ્યા છે એ સમાચાર વહેતા થયા ત્યારે કવિ દુલા ભાયા કાગે લોકલાગણીને વાચા આપતાં લખેલું કે, તમારા ગામ ગોકુળને, ન ભૂલી કૃષ્ણનૃપ જાજો…
એ મહારાજા માટેની લાગણી જ છે, જેના કારણે આ રાજવીને ભારતરત્ન આપવાની માગણી વાંરવાર ઉઠતી આવી છે. મુંબઇસ્થિત જાણીતા સામાજિક કાર્યકર્તા અને ન્યૂઝપેપર વિક્રેતા ભરત મહેતાએ ગુજરાત સરકાર સમક્ષ આ મુદ્દે રાજ્ય સરકાર જરૂરી રજૂઆતો કરે એવી માગણી કરી છે. મુંબઇમાં થોડાક સમય પહેલાં કાંદિવલીના એક માર્ગને જાણીતા પત્રકાર કાન્તિ ભટ્ટનું નામ અપાયું એમાં પણ ભરતભાઇની રજૂઆતનો મોટો ફાળો હતો.
રાજવી કૃષ્ણકુમારસિંહજીનું જીવનચરિત્ર આલેખનાર ભાવનગરના નિવૃત્ત પ્રિન્સિપાલ અને ઇતિહાસકાર ગંભીરસિંહજી ગોહિલ કહે છે કે, ‘વર્ષો પહેલાં મેં સરકારને પત્ર લખ્યો હતો. એ સમયના ભાવનગરના સંસદસભ્ય રાજેન્દ્રસિંહ રાણાને પણ મળીને આ વાત મૂકેલી.’ ચિત્રલેખા સાથેની વાતચીતમાં રાજેન્દ્રસિંહ રાણા પણ એ વાતને અનુમોદન આપતાં કહે છે કે, ‘હું સંસદસભ્ય હતો ત્યારે કેન્દ્રિય ગૃહમંત્રી, વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ એમ તમામસ્તરે આ માટે લેખિત માગણી કરી હતી.’ ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અને ભાવનગર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય રહી ચૂકેલા શિશિર ત્રિવેદી પણ કહે છે કે, ‘યુનિવર્સિટી સાથે જ્યારે મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું નામ જોડવામાં આવ્યું ત્યારે પણ લોકોમાં આ લાગણી પ્રવર્તતી હતી કે મહારાજાને ભારતરત્ન જેવું સમ્માન મળવું જ જોઇએ.’
અને, ભાવેણાવાસીઓની મહારાજા પ્રત્યેના લાગણીની વાત આટલેથી અટકતી નથી. અમદાવાદ દૂરદર્શનમાંથી પ્રોગ્રામ એક્ઝિક્યુટીવ-આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે 2014માં નિવૃત્ત થયેલા કિશોર જોશીના મનમાં છેક 1974 થી કૃષ્ણકુમારસિંહજીના જીવન પર ડોક્યુમેન્ટરી બનાવવાની વાત રમતી હતી. એમણે દૂરદર્શનમાં આ માટેની ફાઇલ અવારનવાર મૂકેલી, પણ મંજૂર થતી નહોતી. નિવૃત્તિનો છેલ્લો મહિનો બાકી હતો ત્યારે ફરી એમણે રજૂઆત કરી અને યેનકેન પ્રકારે આ પ્રપોઝલ મંજૂર કરાવી. નિવૃત્તિ પછીય કામ કરીને એમણે આ ડોક્યુમેન્ટરી પૂરી કરી. કારણ ફક્ત આ રાજવી પ્રત્યેનો આદર અને અહોભાવ. મોરારિબાપુના હસ્તે જ પછીથી ભાવનગરમાં એનું વિમોચન થયેલું. લોકો આજે પણ એમના માટે કેટલો આદરભાવ રાખે છે એ વાત કિશોરભાઇએ કહેલા એમના શૂટીંગ વખતના એક પ્રસંગ પરથી જાણવા મળે છે.
ડોક્યુમેન્ટરીના શૂટીંગ માટે કિશોરભાઇ મહારાજાના સમાધિ સ્થળે ગયા ત્યારે વહેલી સવારે ૯૦ વર્ષના એક માજી દીવો લઇને મહારાજાની સમાધિ ફરતે પ્રદક્ષિણા કરતા હતા. વાતચીતમાં એમને ખ્યાલ આવ્યો કે આ માજી તો વર્ષોથી દરરોજ સવારે નિયમિત રીતે અહીં દીવો લઈને પ્રદક્ષિણા કરે છે. એક સામાન્ય નાગરિકનો સદગત મહારાજા પ્રત્યે આવો પ્રેમ આટલા વર્ષ પછીય જળવાઇ રહે એ જવલ્લે જ જોવા મળતી ઘટના છે!
હવે જે રાજવીને એમના અવસાનના દાયકાઓ પછીય પ્રજા આટલો પ્રેમ કરતી હોય એ રાજવી કોઇ સરકારી ખિતાબ-ઇલકાબ-માન-સમ્માનના મોહતાજ હોય ખરા? કૃષ્ણકુમારસિંહજીને સરકાર ભારતરત્ન આપે કે ન આપે, પણ એ ખરા અર્થમાં ‘ભારતના રત્ન’ તો હતા જ અને રહેશે.
(તસવીર સૌજન્યઃ મહારાણી સમયુક્તાકુમારી, ભાવનગર)