હિન્દી પટ્ટાના એટલે કે ઉત્તર ભારતના ત્રણ રાજ્યો, દક્ષિણ ભારતનું એક રાજ્ય અને એક ઇશાન ભારતનું રાજ્ય. પાંચ રાજ્યોમાં ચૂંટણીના પરિણામો આવી ગયા અને હવે લોકસભા 2019માં શું થશે તેની ચર્ચા પણ શરૂ થઈ છે. કોની સામે પડકારો ઊભા થયા અને કેવા પ્રકારના તે પણ વિચારવામાં આવશે. જીતી જનારા સામે પણ પડકાર છે એ યાદ રાખવું પડે, હારી જનારા સામે તો હોવાના જ અને હારજીતથી પર એવા નાગરિકો અને સરકારી તંત્ર માટે પણ દરેક અનુભવ પછી પાઠ શીખવાનો પડકાર હોય છે.પાંચ રાજ્યોમાં પાંચ પડકાર કેવા અને કોની સામે તેની વાત કરીએ તો તેમાં સૌપ્રથમ ચૂંટણી પંચનું નામ લેવું પડે તેમ છે. આ વખતે ચૂંટણી પંચે જે રીતે કામગીરી બજાવીને છે તેના કારણે કેટલાક સવાલો અને શંકાઓ ઊભી થઈ છે. આગામી ચૂંટણી પહેલાં ચૂંટણી પંચે આ પડકારોનો સામનો કરવાનો છે.
(1) ચૂંટણી પંચ સામે પડકાર
મતપત્રકથી ચૂંટણી થતી હતી ત્યારે આજે મતગણતરી શરૂ થઈ હોય તો બીજા દિવસે પરિણામો જાહેર થતા હતા. નવી પેઢીને તે દિવસો યાદ નહિ હોય, પણ પરિણામ માટે બીજા દિવસની રાહ જોવી પડે તેનો આ વખતની ચૂંટણીમાં થઈ ગયો. મધ્ય પ્રદેશની ચૂંટણીમાં ભાજપ હારી રહ્યું છે એવું લાગ્યું તે સાથે જ પરિણામો ધીમા થવા લાગ્યા હતા. જેમ જેમ ભાજપની હારનો આંક મોટો લાગતો ગયો અને બીજા રાજ્યોમાં પણ હાર દેખાવા લાગી તે સાથે ચૂંટણી પંચની મતોની ગણતરી મંદ થવા લાગી હતી.
આ કારણ કોઈને સમજાતું નથી અને તેના કોઈ ખુલાસા સોશ્યલ મીડિયામાં મેસેજ ફેલાવવા માટે જાણીતા ટીકાખોર લોકોને ગળે ઉતરવાના નથી. મધ્ય પ્રદેશની ચૂંટણીના પરિણામો મંગળવારની મધરાતે પણ સ્પષ્ટ થયા નહોતા. છેલ્લી એક બેઠકનું પરિણામ આખરે બીજા દિવસે બુધવારે નવેક વાગ્યે, મતગણતરી શરૂ થઈ તેના પચ્ચીસ કલાક પછી આવ્યું. એવું તો આ વખતે શું થયું કે આટલી ધીમી મતગણતરી થઈ તેનો ખુલાસો ચૂંટણી પંચે આપવો પડશે.
પાંચ રાજ્યોનો ચૂંટણી કાર્યક્રમ પણ લાંબો લાગ્યો હતો. રાજ્યોની ચૂંટણી વચ્ચેનો સમયગાળો વધારે લાગતો હતો. અગાઉ પણ વધારે સમયગાળો રહ્યો છે, પણ જેમ જેમ અનુભવ વધતો જાય, વાહન વ્યવહારની સુવિધા વધતી જાય તે સાથે મતદાન વચ્ચેનો સમયગાળો ઓછો થતો જોવો જોઈએ. અહીં થયું હતું એવું કે એક રાજ્યમાં મતદાન થઈ રહ્યું હોય ત્યારે બીજા રાજ્યમાં ચૂંટણી પ્રચાર ચાલતો હોય છે. 48 કલાક પહેલાં પ્રચારના પડઘમ શાંત થઈ જાય તે માટેના નિયમો અર્થહિન બની ગયા છે.
ગુજરાત કરતાં રાજસ્થાન અને મધ્ય પ્રદેશ બંને મોટા રાજ્યો હોવા છતાં એક તબક્કે મતદાન થયું, જ્યારે ગુજરાતમાં બે તબક્કે મતદાન થયું હતું. ગુજરાતમાં બે તબક્કા શા માટે હતા અને હિમાચલની ચૂંટણીની જાહેરાત કરી દીધાના ઘણા દિવસ બાદ કેમ જાહેરાત થઈ હતી તે સવાલો ત્યારે પણ પૂછાયા હતા. તે જ રીતે ગુજરાતની પેટાચૂંટણી જસદણની તારીખો પણ એવી રીતે મોડી જાહેર થઈ કે પાંચેય રાજ્યોની ચૂંટણી પતી ગઈ હોય.
પાંચ રાજ્યોની ચૂંટણીમાં આટલો લાંબો સમયગાળો લાગતો હોય તો ભવિષ્યમાં સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજવાની યોજના ચૂંટણી પંચ કેવી રીતે પાર પાડી શકશે તે પડકાર પંચ સામે ઊભો થયો છે.
(2) ભાજપ અને એનડીએ સામે પડકાર
હિન્દી પટ્ટાના ત્રણ મહત્ત્વના રાજ્યોમાં સત્તા ગુમાવી તેથી સ્વાભાવિક છે કે ભાજપ સામે હવે પડકાર ઊભો થવાનો છે. નરેન્દ્ર મોદીની સભાઓ આ રાજ્યોમાં માત્ર 31 થઈ, જ્યારે યોગી આદિત્યનાથની સભાઓ 76 થઈ હતી. તેના બે અર્થ થાય છે. નરેન્દ્ર મોદીને ખ્યાલ આવી ગયો હતો કે આ રાજ્યમાં સભાઓ કરીને, ભાષણ કરીને લોકો મિજાજ બદલી શકાય તેમ નથી. બીજો અર્થ એ થાય છે કે યોગીને આગળ કરવાની સંઘની ઇચ્છા સામે ભાજપનું કંઈ ચાલ્યું નહિ હોય. યોગી-ટાઇપ રાજકારણને આગલ કરવાની ચાલ અત્યારે ચાલી નથી તો લોકસભામાં કેવી રીતે ચાલશે તે પડકાર ભાજપ સામે છે. મોદીની લોકપ્રિયતાનો લાભ પણ મળ્યો નથી તે પડકાર પણ ખરો.
આ ચૂંટણીઓમાં ભાજપને ત્રણ રાજ્યોમાં કોઈ નવા સાથીની જરૂર નહોતી, પણ બાકીના બે રાજ્યોમાં જોડાણની જરૂર હતી. પણ કોઈ નવો પ્રાદેશિક પક્ષ સાથે તરીકે ભાજપને મળ્યો નથી. ઉલટાનો એક સાથે નાયડુ હાલના સમયમાં ગુમાવ્યો છે અને બીજો બિહારના નાનો સાથી કુશવાહાના સ્વરૂપમાં પણ ગુમાવ્યો છે. તેલંગાણામાં ટીઆરએસ અને મિઝોરમમાં એમએનએફ ખાનગીમાં ભાજપ સાથે દોસ્તી ધરાવે છે. આ ખાનગી દોસ્તી ત્રણ મહિના પછી જાહેર કરવાની આવશે ત્યારે હાલના પ્રચારમાં એકબીજાની કરેલી ટીકા નડતરરૂપ થશે.
આ પાંચેય રાજ્યોમાં ગ્રામીણ વિસ્તાર વધારે હતો. ગામડાનો માણસ અને ખેડૂત ભાજપની સરકારોથી નારાજ છે તે સાબિત થયું છે. ત્રણ જ મહિનામાં તેમને કેવી રીતે રાજી કરવા તે પડકાર ભાજપ સામે રહેશે. નવો મતદાર, યુવાન મતદાર પણ રોજગારી ના મળતી હોવાથી શાસનની વિરુદ્ધમાં ગયો છે. ત્રણ જ મહિનામાં હવે રોજગારીનું સપનું કેવી રીતે દેખાડવું તે ભાજપ માટે પડકાર છે.
(3) કોંગ્રેસ માટે પડકાર
ત્રણ રાજ્યોમાં જીતી ગયા પછી કોંગ્રેસ માટે ઉલટાનો પડકાર ઊભો થયો છે. આ ત્રણ રાજ્યોમાં અન્ય પક્ષો સાથે કોઈ સમજૂતિ કોંગ્રેસ કરી શક્યો નહોતો. કદાચ પોતાની તાકાત માપી લેવાની ગણતરી હતી, તેથી સમજૂતિ કરી નહોતી. પણ હવે તાકાત મપાઇ ગઈ છે અને સાચું વિશ્લેષણ કરે તો ખ્યાલ આવશે કે માંડ માંડ જીતવા મળ્યું છે. મધ્ય પ્રદેશમાં 0.1 ટકા મત ભાજપના વધારે છે, રાજસ્થાનમાં ફક્ત 0.5 ટકા મતો ભાજપ કરતાં વધારે મળ્યા છે. લોકસભાની બેઠકો જીતવા માટે આટલી મતોની ટકાવારી પૂરતી નથી.
મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કોને મુખ્ય પ્રધાન બનાવવા કે માંડ માંડ કાબૂમાં લીધેલી જૂથબંધી ફરી વકરે નહીં તે પણ કોંગ્રેસ માટે પડકાર છે. પાઇલટ કે ગેહલોત, સિંઘિયા કે કમલ નાથ – બેમાંથી એક જૂથને નારાજ કરીને નેતાની પસંદગી થશે તે પછી તે જૂથ લોકસભામાં કેવી રીતે પક્ષ માટે કામ કરશે તે પડકાર રહેવાનો છે. છત્તીસગઢમાં ભાજપ કરતાં 11 ટકા મતો વધારે મળ્યા છે, પણ જોગી અને માયાવતીનો પક્ષ પણ 11 ટકા મતો લઈ ગયો છે. તેમની સાથે ચૂંટણી પછી જોડાણ થયું નથી, તેથી લોકસભા વખતે શું થશે તે વિચારવાનું બાકી રહે છે.
માયાવતીએ મધ્ય પ્રદેશમાં ટેકો આપ્યો છે, પણ ટેકો આપવાની જાહેરાત કરતી વખતે કોંગ્રેસે પણ હંમેશા દલિતો અને પછાતોનું અહિત કરેલું છે તેની ટીકા ભારપૂર્વક કરી હતી. ઉત્તર પ્રદેશમાં ટિકિટો આપવાની વાત આવશે ત્યારે કોંગ્રેસનું કોઠું નહિ આપવાનું વલણ હજી પણ એસપી-બીએસપી રાખી શકે છે. તેલંગાણામાં નાયડુએ કોંગ્રેસની સાથે જોડાણ કરવાનો નિર્ણય લીધો તે ભારે પડ્યો છે. દાયકાઓથી કોંગ્રેસનો વિરોધ કર્યા પછી કાર્યકરોને તેના માટે કામ કરવાનું કહેવું સહેલું નથી. બંગાળમાં મમતા બેનરજીને, યુપીમાં એસપી-બીએસપીને, ઓડિશામાં નવીન પટનાયકને કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીને હજીય વિમાસણ થઈ શકે છે કે કોંગ્રેસની સાથે કે કોંગ્રેસની આગેવાની સાથેના ગઠબંધનમાં જોડાવું કે કેમ.
(4) પ્રાદેશિક પક્ષો સામે પડકાર
તેલંગાણામાં એક પ્રાદેશિક પક્ષ ટીઆરએસને જબરદસ્ત વિજય મળ્યો છે. સામે કોંગ્રેસ અને ટીડીપીનું ગઠબંધન હોવા છતાં વધારે મતો અને બેઠકો ચંદ્રશેખર રાવને મળ્યા છે. પરંતુ હવે રાષ્ટ્રીય રાજકારણમાં કેસીઆરે ક્યાં જવું તે પડકાર છે. ખાનગી સમજૂતિ ભાજપ સાથે હોવા છતાં અને મુસ્લિમોના મતો લેવાના હોવાથી ભાજપની ભરપુર ટીકા કરી હતી. હવે ભાજપ સાથે પણ ખુલ્લું ગઠબંધન ત્રણ જ મહિના પછી કરવું ચંદ્રેશખર માટે પડકાર રહેશે.
કોંગ્રેસ સાથે જોડાવાથી કોઈ ફાયદો ચંદ્રબાબુ નાયડુને થયો નથી. હવે તેમણે પોતાના રાજ્ય આંધ્રમાં પણ જોડાણ કરવું પડશે. ફાયદો થવાના બદલે નુકસાન થાય તો રાષ્ટ્રીય ભૂમિકાની વાત બાજુએ રહી, નાયડુએ રાજ્યમાં પણ પોતાની સત્તા ગુમાવવી પડે. તેથી ભાજપ કે કોંગ્રેસ કોઈ પણ રાષ્ટ્રીય પક્ષ સાથે જોડાણ કરતી વખતે પોતાની સ્થિતિ કેવી રીતે બચાવી રાખવી તે પ્રાદેશિક પક્ષો માટે પડકાર રહેશે.
માયાવતીએ કોંગ્રેસ સાથે જોડાણ ના કર્યું, તેના કારણે મધ્ય પ્રદેશમાં ઉલટાની તેની સ્થિતિ નબળી પડી અને બે જ બેઠકો મળી. છત્તીસગઢમાં પોતાના કરતાં જોગીના પક્ષને વધારે ફાયદો થયો અને રાજસ્થાનમાં સ્થિતિ યથાવત રહી. ભાજપવિરોધી હવાનો લાભ બીએસપીને મળ્યો નથી. તેથી માયાવતીની મજબૂતીની એક મર્યાદા આવી ગઈ છે તે હવે સ્પષ્ટ થઈ ગયું છે ત્યારે કોંગ્રેસ કે ભાજપ પહેલાં જેટલો ભાવ આપશે નહિ. ઉત્તર પ્રદેશમાં એસપી પણ ભાજપ સાથે બેસી શકે તેમ નથી. તેણે પણ મજબૂત કોંગ્રેસ સાથે વાટાઘાટો કરવાનો પડકાર રહેશે.
ચંદ્રશેખર રાવને ટેકો આપનારા એમઆઇએમના ઓવૈસીએ કહ્યું છે કે બિનકોંગ્રેસ, બિનભાજપ અસલી ત્રીજો મોરચો ઊબો કરવામાં આવશે. પરંતુ આવા મોરચામાં ઓડિશાના પટનાયક કે મમતા બેનરજી કે કાશ્મીરના કેટલાક પક્ષો અથવા શિવસેના જેવા પક્ષો જોડાશે ખરા તે સવાલ છે. જોડાણ થાય તો પણ ફાયદો શું તે પણ એક પડકાર છે.
(5) નાગરિકો સામે પડકાર
પાંચ રાજ્યોમાંથી ચાર રાજ્યોમાં નાગરિકોએ સત્તા પરિવર્તન કર્યું, પણ તેના કારણે સ્થિતિમાં કેટલો ફરક પડશે તે સવાલ ઊભો છે. તેલંગાણામાં લોકપ્રિયતા ખાતર કલ્યાણ યોજનાઓ શરૂ કરાઇ હતી. ચૂંટણી પહેલાંના છેલ્લા બે વર્ષમાં તે યોજનાઓ થઈ હતી. તેને હવે પાંચ વર્ષ ચલાવવી પડશે અને નવા વચનો પણ પાળવા પડશે. 80,000 કરોડ રૂપિયાની સૌથી જંગી ખર્ચવાળી સિંચાઈ યોજના શરૂ થઈ છે તે સરકારી તીજોરીને ભારે પડવાની છે. લાંબા ગાળે આર્થિક રીતે તંદુરસ્ત ના ગણાય તેવી યોજનાઓથી રાજ્યનું બજેટ વીંખાયેલું રહેશે તો રાજ્યનો વિકાસ કેવી રીતે થશે?
મિઝોરમ જેવા રાજ્યમાં સત્તા પરિવર્તનથી રાતોરાત ફરક પડવાનો નથી. કેન્દ્રની સરકાર સાથે દોસ્તી જરૂરી છે. સત્તામાં આવેલા પક્ષ એમએનએફને ભાજપ સાથે દોસ્તી છે, પણ છ મહિના પછી સરકાર બદલાઈ ગઈ તો?
ત્રણ હિન્દીપટ્ટાના રાજ્યોમાં પણ નવી સરકારે વચન આપ્યા પ્રમાણે ખેડૂતોના દેવા માફ કરવા પડશે. તેના કારણે સરકારી તીજોરી પર બોજ પડસે અને ખોટો ધારો પડશે. થોડા વર્ષોમાં ખેડૂતોને ખ્યાલ આવશે કે દેવા માફીથી ઉદ્ધાર થતો નથી.રાજસ્થાનના નાગરિકો દર પાંચ વર્ષે સરકાર બદલી નાખે છે તેથી વિકાસના કાર્યો માટે નેતાઓમાં હરિફાઇ રહેશે તેમ લાગતું હતું. પણ કેટલાક જાણકારો કહે છે કે થયું છે ઉલટું. પાંચ વર્ષ કામ કરીએ કે ના કરીએ, પ્રજા સત્તા પાછી જ લઈ લેવાની છે તેવી ઉદાસીનતા નેતાઓમાં આવી ગઈ છે. પરિવર્તન ના કરે તો પણ સમસ્યા અને પરિવર્તન કરે તો પણ પ્રજા માટે સમસ્યા. તો હવે નાગરિકોએ શું કરવું તે પડકાર છે. બહુ આશા સાથે કોંગ્રેસની સરકારને હટાવીને ભાજપની સરકાર બેસાડી હતી, પણ આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. હવે ફરી હવા બંધાઈ રહી છે કે આ રાજ્યોની જેમ કેન્દ્રમાં પણ નાગિરકો પ્રચારના ગુબ્બારાથી ભરમાયા વિના સત્તા પરિવર્તન કરશે. પરંતુ સત્તા પરિવર્તન પછી સ્થિતિ પરિવર્તન આવે છે કે કેમ તે જોવાનું રહેશે. નાગરિકો માટે આ પરિણામો અને લોકસભાની આગામી ચૂંટણીના પરિણામો પછી પણ એ જ પડકાર રહેશે – કે કેવું પરિવર્તન લાવવું જોઈએ કે જેથી સ્થિતિ પરિવર્તન પણ આવે?