શિવસેના સાથે એનસીપી અને કોંગ્રેસના જોડાણમાં ફરી વિલંબ થયો છે. સોમવારે સાંજે હજી તો એનસીપી અને કોંગ્રેસ વચ્ચે બેઠક થશે. સોનિયા ગાંધી અને શરદ પવાર વચ્ચે બેઠક થશે અને તેમાં સમાન લઘુતમ કાર્યક્રમ વિશે ચર્ચાઓ થશે અને મંજૂરી અપાશે. કાર્યક્રમ સ્વીકાર્ય હશે તો વાત આગળ વધશે અને સુધારા વધારા હશે તો વાટાઘાટો આગળ વધશે. ટૂંકમાં હજી થોડું મોડું થાય તેવી શક્યતા છે.
જોડાણમાં કોંગ્રેસ તરફથી વિલંબ થઈ રહ્યો છે એમ લાગે છે અને તેના કારણો પણ છે. પણ તે કારણો પહેલાં કોંગ્રેસ આખરે સિદ્ધાંતની રીતે શિવસેના સાથે જોડાણ માટે તૈયાર થયો તેનું એક રસપ્રદ કારણ મહારાષ્ટ્રમાં ચર્ચામાં છે. મહારાષ્ટ્રમાં આ વખતે ઘણા બધા પક્ષપલટુ પણ ચૂંટણીમાં હતા. દર વખત હોય છે, પણ આ વખતે ભાજપે શિવસેના અને કોંગ્રેસના ઘણા બધા નેતાઓને તોડી નાખ્યા હતા. શિવસેનાએ પણ મળે તેટલા નેતા એનસીપી અને કોંગ્રેસમાંથી લઈ લીધા હતા. તેમાંથી કેટલાક જીત્યા, કેટલાક હાર્યા, હાર્ય વધારે. પણ એક પક્ષપલટું નેતાની જીત થઈ. તેમનું નામ અબ્દુલ સત્તાર. અબ્દુલ સત્તાર બહુ જૂના નેતા છે, મૂળ કોંગ્રેસના છે.
અબ્દુલ સત્તાર ધીમે ધીમે સ્થાનિક રીતે મજબૂત બન્યા છે. તેઓ 1994માં સિલોડના મેયર બન્યા હતા. 1999ની તેમણે કોંગ્રેસની ટિકિટ માગી પણ ના મળી એટલે ચૂંટણીમાં અપક્ષ તરીકે લડ્યા અને બીજા નંબરે આવ્યા. કોંગ્રેસે હવે તેમને પક્ષમાં લઈ લીધા અને 2001માં વિધાન પરિષદમાં મોકલ્યા હતા. 2004માં ટિકિટ મળી પણ માત્ર 301 મતે હારી ગયા. 2009માં લકી સાબિત થયા અને જીત્યા અને અશોક ચવાણની સરકારમાં પ્રધાન બન્યા હતા. 2014માં છેલ્લે છેલ્લે જૂન મહિનામાં પ્રધાન બનવા મળ્યું હતું અને ફરી ચૂંટણી આવી તેમાં બીજી વાર જીત્યા પણ હવે સરકાર બદલાઈ ગઈ હતી.
2009માં તેઓ જીત્યા ત્યારે કોંગ્રેસના એક નેતા પ્રભાકર પલોડકરે મદદ કરી હતી. પલોડકર પોતે 12 વર્ષ કોંગ્રેસમાં પાછા ફર્યા હતા. જોકે 2016માં સિલોડ કોર્પોરેશનની ચૂંટણીમાં તેમનું ધાર્યું ના થયું એટલે કોંગ્રેસથી નારાજ થયા. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને બે વર્ષ બાદ જુલાઈ 2018માં વિધાનસભામાંથી પણ રાજીનામું આપી દીધું. આ વખતની ચૂંટણી પહેલા સપ્ટેમ્બર 2019માં તેઓ આખરે શિવસેનામાં જોડાઈ ગયા.
સિલોડમાંથી શિવસેનાએ તેમને ટિકિટ આપી અને કેટલાક પક્ષપલટુઓ જીત્યા તેમાં અબ્દુલ સત્તાર પણ જીતી ગયા. પક્ષપલટુ તરીકે જીત્યા એ કરતાંય શિવસેનાના નેતા તરીકે જીત્યા તે વાતે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. કોંગ્રેસના બે દાયકા જૂના નેતા અને મુસ્લિમ નેતા અને શિવસેનામાં જોડાઈ ગયા અને જીતી ગયા! લોકસભાની ચૂંટણી પહેલાં તેમણે કોંગ્રેસમાં પાછા ફરવાની અને ઔરંગાબાદમાંથી લોકસભાની ટિકિટ મેળવવા કોશિશ કરી હતી. ટિકિટ મળી નહિ અને તે પછી તેમણે હવે પક્ષ બદલવાનું નક્કી કરી નાખ્યું હતું. તેમણે પ્રથમ તો ભાજપનો સંપર્ક કર્યો હતો. તેઓ ફડણવીસને મળ્યા હતા, પણ ભાજપમાં મેળ પડે તેમ નથી તેવું લાગ્યું ત્યારે આખરે શિવસેનામાં જોડાઈ ગયા. ઉદ્વવ ઠાકરેની હાજરીમાં તેઓ ટેકેદારો સાથે ધામધૂમથી શિવેસેનામાં જોડાયા હતા. સિલોડમાં મુસ્લિમ મતો મહત્ત્વના છે. તેઓ જીતી પણ ગયા અને કોંગ્રેસના ઉમેદવાર ત્રીજા સ્થાને જતા રહ્યા. એક અપક્ષે ઉમેદવારી કરી હતી અને 90,000 મતો મેળવ્યા હતા.
શિવસેના સાથે જોડાવાની વાત આવી, ત્યારે કોંગ્રેસના ઘણા સ્થાનિક નેતાઓ અને કેરળ લોબી તરીકે ઓળખાતા જૂથના નેતાઓએ વિરોધ કર્યો હતો. મુસ્લિમ મતો અને ખ્રિસ્તી મતોનું શું થશે તેવી દલીલો થઈ હતી. જોકે કોંગ્રેસના 44માંથી 32 ધારાસભ્યો શિવસેના સાથે જોડાવાનો અભિપ્રાય ધરાવતા થયા હતા. તેમની વાતમાં અબ્દુલ સત્તારનો દાખલો અપાતો હતો.
અબ્દુલ સત્તાર મૂળ કોંગ્રેસી નેતા, પણ તેમને સાચવી ના શકાય એટલા શિવસેનામાં ગયા. શિવસેનામાં ગયા પછીય મતદારોએ, તેમના મુસ્લિમ ટેકેદારોએ પણ તેમને ફરીથી મતો આપ્યા. તેથી કોંગ્રેસના મોવડીઓને એવું સમજાવાયું કે મતદારો આપણે માનીએ છીએ એટલા સંકુચિત નથી હોતા. તેઓ સ્થાનિક મુદ્દા ખાતર અને સારા ઉમેદવાર ખાતર કોઈ પણ પક્ષને મતો આપી શકે. મુસ્લિમો પણ સારો ઉમેદવાર હોય અને સ્થાનિક હિત હોય તો ભાજપના કે શિવસેનાને પણ મતો આપે. માટે શિવસેના સાથે માત્ર જોડાણ કરવાથી જ મુસ્લિમ મતો કોંગ્રેસથી દૂર થઈ જશે એમ માનવાની જરૂર નથી. મતદારો કોંગ્રેસથી દૂર થયા છે તેના કારણો જુદા છે. અબ્દુલ સત્તાર જેવા સ્થાનિક નેતાઓને, મજબૂત ઉમેદવારોને મહત્ત્વ નથી અપાતું તેવી દલીલો પણ થઈ. મૂળ વાત સારા ઉમેદવારો, સ્થાનિક મુદ્દાઓનું મહત્ત્વ અને સારું શાસન આપીને કેવી રીતે નાગરિકોનું ભલું થઈ શકે તે જરૂરી છે.
બીજું જો હિન્દુત્વની વિચારધારા ધરાવતી પાર્ટી મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપે તો કોંગ્રેસને શા માટે શિવસેના સામે મુસ્લિમ મતદારોના નામે વાંધો હોવો જોઈએ? બીજી એક અગત્યની વાત એ છે કે આ વખતે મહારાષ્ટ્રમાં ગયા વખત કરતાં વધુ એક મુસ્લિમ ધારાસભ્ય બન્યા છે. 2014માં નવની સામે આ વખતે 10 મુસ્લિમ ધારાસભ્યો છે. (સૌથી વધુ મુસ્લિમ ધારાસભ્યો 1999માં 13 હતા.) 10માંથી સૌથી વધુ કોંગ્રેસના 3 છે, એનસીપીના 2, સમાજવાદી પાર્ટીના 2, ઓવૈસીના પક્ષના બે અને એક અબ્દુલ સત્તાર શિવસેનાના પણ ખરા. ત્રણેક મુસ્લિમ ઉમેદવારો બહુ ઓછા માર્જિનથી હાર્યા છે.
આ બધા કારણોસર કોંગ્રેસ મોવડીઓને મનાવાયા કે બીજા સ્ટ્રેટેજિક કારણો વિચારો, માત્ર મુસ્લિમ મતદારો ખાતર શિવસેનાથી દૂર રહેવાનો કોઈ અર્થ નથી. ભાજપ અને શિવસેના વચ્ચે લાંબો સમય સુધરે નહિ તેવી તિરાડ પડી છે એવું લાગવા લાગ્યું તે પછી કોંગ્રેસ આ બાબતમાં ગંભીર બની હતી. શિવસેના જો ભાજપથી દૂર થાય અને પોતાની વિચારસરણીમાં ફેરફારો કરે અને કેટલાક મુદ્દાઓ પડતા મૂકે તો કોંગ્રેસ માટે ટેકો આપવાનું મુશ્કેલ ના બને.
ગુજરાતની ચૂંટણી વખતથી કોંગ્રેસે સોફ્ટ હિન્દુત્વનો પ્રયોગ શરૂ કર્યો હતો. રાહુલ ગાંધી દરેક જિલ્લાના અગત્યના ધાર્મિક સ્થળોએ માથું ટેકવવા જવા લાગ્યા હતા. બાદમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાનની ચૂંટણીમાં પણ સોફ્ટ હિન્દુત્વનો મુદ્દો આગળ રખાયો હતો. લોકસભા પહેલાં જનેવધારી સહિતના મુદ્દાએ વિવાદ થતો રહ્યો હતો. ભાજપ તરફથી કોંગ્રેસના દંભી હિન્દુત્વની ટીકા થતી રહી, પણ કોંગ્રેસ તેને પકડી રાખ્યો. ચૂંટણીઓમાં કોઈ મોટા ફાયદો થયો નહિ, પણ લોકસભાની ચૂંટણી પછી એ.કે. એન્ટની કમિટીએ અહેવાલ આપ્યો તેમાં એવું જણાવાયું હોવાનું કહેવાય છે કે કોંગ્રેસની હિન્દુવિરોધી પક્ષ તરીકેને છાપ નડી રહી છે.
તો શું શિવસેના સાથે જોડાણ કરીને આ છાપને દૂર કરી શકાય ખરી? કોંગ્રેસ માટે તક રહેલી છે. રામમંદિરના ચુકાદા પછી થોડાને બાદ કરતાં મોટા ભાગના મુસ્લિમ નેતાઓએ તેને આવકાર આપવાની જ વાત કરી છે. મતલબ કે ધર્મના મુદ્દાને વિખવાદનો મુદ્દો ના બનવા દો અને લોકોના મૂળ મુદ્દા તરફ પાછા ફરો. સાથે જ વિશાળ હિન્દુ જનસમુદાયની ભાવનાઓનો આદર કરવો પણ જરૂરી છે, તેવું કોંગ્રેસના મુસ્લિમ નેતાઓ પણ માનતા થયા છે.
ટૂંકમાં સોફ્ટ હિન્દુત્વને આગળ વધારવા માટે કોંગ્રેસ શિવસેના સાથે જોડાણ કરવા તૈયાર થયો હતો. જોકે કર્ણાટકનો અનુભવ તાજો છે એટલે ઉતાવળ કરવામાં આવી રહી નથી. રાતોરાત જોડાણ કરી નાખવાના બદલે સમાન લઘુતમ કાર્યક્રમ તૈયાર કરવો અને ભૂમિકા ઊભા કર્યા પછી જોડાણ કરવું. માત્ર ભાજપને સત્તાથી દૂર રાખવા માટે નહિ કે માત્ર સત્તાલાલસા માટે નહિ, પણ મહારાષ્ટ્રના લોકોની સમસ્યા ઉકેલવા માટે સરકાર રચવી જરૂરી છે તેવું દર્શાવવા માટે શક્ય એટલું મોડું કરાઈ રહ્યું છે.
બીજું વચ્ચે એનસીપી હોવાના કારણે કેટલીક શંકાઓ કોંગ્રેસના નેતાઓના મનમાં હતી. કોંગ્રેસ અને શિવસેના વચ્ચે સીધી વાતચીત ના થાય ત્યાં સુધી રાહ જોવામાં આવી હતી. સાથે જ માતોશ્રીના બદલે બીજી જગ્યાએ વાટાઘાટો થઈ. એટલું જ નહિ, ઉદ્વવ ઠાકરે હજી એકવાર દિલ્હી જઈને સોનિયા ગાંધીને મળે અને તે પછી આખરે જોડાણ પર મત્તુ મારવામાં આવે તેવી કોશિશોના ભાગરૂપે મોડું થઈ રહ્યું છે.
સોમવારે સંસદનું સત્ર પણ શરૂ થયું. સત્ર અગાઉ રવિવારે એનડીએના સાથી પક્ષોની બેઠક મળી હતી. શિવસેના તેમાં ગેરહાજર હતો. આમ તો સેનાના પ્રધાને મોદી સરકારમાંથી રાજીનામું આપી દીધું જ છે, પણ એનડીએમાં તે નથી તે વાત સ્પષ્ટપણે રવિવારે બહાર આવી. એટલું જ નહિ, ગૃહમાં બેઠક વ્યવસ્થામાં પણ શિવસેનાએ ફેરફાર માગી લીધો છે. સ્પીકર હવે શિવસેનાના સાંસદોને વિપક્ષની પાટલીઓ પર જગ્યા આપશે. મતબલ કે શિવસૈનિકો સ્પષ્ટપણે વિપક્ષ સાથે બેઠેલા જોવા મળશે.
શિવસેના આખરે બદલાઇ છે અને તેણે મહારાષ્ટ્રના હિત ખાતર પોતાના હિન્દુત્વના અને ભાજપને માફક આવે તેવા મુદ્દા છોડ્યા છે. રાજ્યના કલ્યાણ ખાતર આખરે એનસીપી અને કોંગ્રેસનો સાથ લીધો છે તેવી વાતો લોકોના ગળે ઉતારવાનો આ પ્રયાસ ચાલી રહ્યો છે. મોડું એટલે થઈ રહ્યું છે, પણ ખરેખર આ કારણ જ મોડું થઈ રહ્યું છે કે પછી મહારાષ્ટ્રની મહા તડજોડમાં હજીય નાટક આગળ ચાલશે. અહીં વાંચતા રહેજો…