રામમંદિરથી રફાલઃ સુપ્રીમ કોર્ટના એક પછી એક મહત્ત્વના ચુકાદા

મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ 17 નવેમ્બરે નિવૃત્ત થઈ જવાના હતા એટલે તે પહેલાં તેમની સમક્ષ ચાલી રહેલી સુનાવણીના કેટલાક અગત્યના ચુકાદા આવી જશે એવી ધારણા પહેલેથી જ હતી. તે પ્રમાણે 12થી 15 સુધીમાં મોડામાં મોડા ચુકાદા આવશે તેવી ધારણા હતી, પણ શરૂઆત 9 નવેમ્બરથી થઈ ગઈ. રામમંદિરનો ચુકાદો થોડા દિવસ વહેલા આપી દેવાની જાહેરાત થઈ અને શનિવારે પણ સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓએ કામ કરીને ચુકાદો જાહેર કરી દીધો. સૌથી વધુ વિવાદાસ્પદ કેસ અયોધ્યાનો જ હતો અને તેનો ચુકાદો આખરે સમાધાન થાય તે રીતે આપી દેવાયો.

બાકી રહેલા કેસમાં સબરીમાલાનો વિવાદ પણ ધાર્મિક ઉપરાંત રાજકીય બન્યો હતો, કેમ કે તેનો લાભ લેવા માટે ભાજપ, કોંગ્રેસ અને ડાબેરીઓ ત્રણેય કુદી પડ્યા હતા. માત્ર રાજકીય રીતે વધારે વિવાદાસ્પદ મુદ્દો હતો રફાલ જેટ વિમાનોની ખરીદીનો. તે સિવાયનો એક અગત્યનો કેસ હતો મુખ્ય ન્યાયાધીશના કાર્યાલયને પણ આરટીઆઈ એક્ટ હેઠળ આવરી લેવું કે કેમ. તે વહિવટી પ્રકારનો હતો, પણ તેની રાજકીય અસરો થઈ શકે છે. ન્યાયાધીશોની નિમણૂક, તેમની બઢતી, બદલીઓ અને રોસ્ટર પ્રથામાં પારદર્શિતા ના હોય ત્યારે રાજકીય હસ્તક્ષેપની શંકા લોકોના મનમાં જાગે. રાહુલ ગાંધી સામે બદનક્ષીનો કેસ થયો હતો તે રાજકીય ઉપરાંત મહદ્ અંશે કાનૂની હતો. આ રીતે ધાર્મિક અને રાજકીય, ધાર્મિક અને સાંપ્રદાયિક પરંપરા, વહીવટી અને રાજકીય અને રાજકીય અને કાનૂની ક્ષેત્રને સ્પર્શતા બધા જ કેસના ચુકાદા નવેમ્બરના પ્રથમ બે અઠવાડિયામાં આવી ગયા. 9 નવેમ્બરે રામમંદિર પછી 13 નવેમ્બર બુધવારે આરટીઆઈને લગતો ચુકાદો આવ્યો અને ગુરુવારે 14 નવેમ્બરે સબરીમાલા અને રફાલ મામલે પણ ચુકાદા આવી ગયા.

આ ધમાલમાં રામમંદિર પછી સૌથી વધુ ચર્ચા કદાચ સબરીમાલાની જ થઈ હોત, પણ તે ચુકાદો અધૂરો રહ્યો છે. અધુરો એ અર્થમાં કે ગુરુવારે પાંચ ન્યાયાધીશોની બેન્ચે કહ્યું કે આ મામલે વધારે ઊંડી રીતે વિચાર કરવો જરૂરી છે. તેથી અગાઉના ચુકાદા પર સ્ટે આપ્યા સિવાય સાત ન્યાયાધીશોની લાર્જર બેન્ચને મામલો સોંપવાનું નક્કી થયું છે. આમાં ન્યાયાધીશોને દોષ દઈ શકાય તેમ નથી, કેમ કે રામમંદિર અને સબરીમાલા જેવા સમાજમાં વ્યાપક રીતે અસર કરનારા મામલાના ઉકેલની જવાબદારી સમાજના, ધર્મના અને શાસનના નેતાઓની છે. આ નેતાઓએ હાથ ઊંચી કરી દીધા અને મામલો અદાલત પર ઢોળી દેવામાં આવ્યો. તેથી રામમંદિરમાં જે કામ સત્તાધીશોએ કરવાનું હતું તે સુપ્રીમ કોર્ટે કરવું પડ્યું અને કહેવું પડ્યું કે અયોધ્યામાં રામમંદિર બને તે જ સમસ્યાનો ઉકેલ છે.

પરંતુ સબરીમાલા મુદ્દે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ અને અન્ય ન્યાયાધીશોએ વધારે સમય લેવાનું નક્કી કર્યું. અહીં જોકે સર્વાનુમતે ચુકાદો આવ્યો નથી. પાંચમાંથી બે ન્યાયાધીશોએ સબરીમાલાનો મૂળ ચુકાદો યોગ્ય ગણ્યો છે. ત્રણ ન્યાયાધીશો સાત જજની બેન્ચ માટે કહ્યું. તે રીતે બહુમતી ચુકાદો છે. લાર્જર બેન્ચને મામલો સોંપતી વખતે ન્યાયાધીશઓએ જે અભિપ્રાયો આપ્યા છે તે બહુ અગત્યના છે. એવું કહેવાયું કે સબરીમાલામાં બધી જ ઉંમરની અને રજસ્વલા હોય તો પણ પ્રવેશ માટેની માગણી માન્ય રાખવામાં આવે તે સાથે કેટલીક બીજી બાબતો જોડાઈ જાય છે. સ્ત્રીઓના સ્ટેટસ અંગેનો આ મામલો છે અને તેમાં મુસ્લિમ સ્ત્રીઓને મસ્જિદમાં પ્રવેશ, પારસીઓમાં સ્ત્રીઓની અંતિમ ક્રિયાનો મુદ્દો અને મુસ્લિમ વોરા સમાજમાં છોકરીઓની સુન્નતનો મામલો પણ સાથે જોડાયો છે.


આડકતરી રીતે આ નિરીક્ષણો દ્વારા સુપ્રીમ કોર્ટે સમાન નાગરિક ધારા માટેની ભૂમિકા પણ ઊભી કરી છે. અહીં માત્ર સબરીમાલામાં સ્ત્રીઓને પ્રવેશના અધિકારનો મામલો નથી. મામલો સમગ્ર રીતે સ્ત્રીઓના અધિકારનો છે. અને સ્ત્રી એટલે સ્ત્રી, તેને હિન્દુ, મુસ્લિમ, પારસી, ખ્રિસ્તી એમ વહેંચીને જોઈ શકાય નહિ તેવું અદાલતે આડકતરી રીતે કહ્યું છે. બધા જ ધર્મોની સ્ત્રીઓ માટે જો સમાન રીતે વિચારવાવું હોય તો સમાન રીતના કાયદા પણ લાવવા પડે. હવે જ્યારે સ્ત્રીઓ માટે સમાન કાયદા લાવવાની વાત હોય ત્યારે પુરુષો માટે, એટલે કે હિન્દુ, મુસ્લિમ, પારસી, ખ્રિસ્તી પુરુષો માટે પણ અલગ અલગ કાયદા અતાર્કિક સાબિત થાય. ટૂંકમાં દેશના બધા જ નાગરિકો માટે, સ્ત્રી અને પુરુષના ભેદ વિના, ધર્મો અને પંથોના ભેદ વિના, જાતીયતાના ભેદ વિના કાયદા કરવા પડે. સૌ કોઈને મનુષ્ય સમજીને સમાન અધિકારની વાત લાવવી પડે.

રફાલનો મુદ્દો રાજકીય સ્વરૂપનો જ વધારે હતો. ચૂંટણી પહેલાં તે બહુ ગાજ્યો હતો. તેની સાથે જ રાહુલ ગાંધી સામેની બદનક્ષીનો કેસ પણ જોડાયેલો હતો, કેમ કે તેમણે સીધો જ ભ્રષ્ટાચારનો આક્ષેપ કરીને ચોકિદાર ચોર હૈનું સૂત્ર સતત ગજાવ્યું હતું. અદાલતે એ કેસમાં રાહુલ ગાંધીને ટકોર કરીને છોડ્યા છે. રાહુલ ગાંધીએ પણ માફી માગી હતી, તેથી તે કેસને પૂરો કરવામાં આવ્યો છે અને સાથે જ રફાલ જેટનો સોદો પણ બે સરકાર વચ્ચે થયો છે ત્યારે તેની તપાસ કરવાનું અદાલતના ક્ષેત્રમાં નથી આવતું તેવું સ્પષ્ટ કરી દેવાયું છે.

રફાલ જેટના સોદાને બોફર્સ કેસ કક્ષાએ લઈ જવાની કોશિશ થઈ હતી. રાહુલ ગાંધીના સલાહકારોની ટીમે કદાચ સલાહ આપી હતી કે આ મુદ્દામાં શંકા ઊભી કરવી. જોકે બોફર્સ કેસને આકાર લેતા બહુ સમય લાગ્યો હતો અને તેમાં મની ટ્રેઇલ નીકળી તે પછી જ તે કેસ વધારે ચગ્યો હતો. કોઈ પણ સંરક્ષણ સોદામાં શંકા વ્યક્ત કરવી સહેલી છે, પણ તેમાં નક્કર મની ટ્રેઇલ ના નીકળે ત્યાં સુધી તેને ભ્રષ્ટાચાર તરીકે ચૂંટણીનો મુદ્દો બનાવતા પહેલાં વિચાર કરવો પડે એટલો સાર રફાલ કેસમાં નીકળ્યો છે.

રફાલ કેસમાં પણ એક ન્યાયાધીશે કહ્યું છે કે સીબીઆઈ સમક્ષ થયેલી ફરિયાદમાં નિર્ણય લેવાની સત્તા સીબીઆઈને છે. સીબીઆઈ પોતાની રીતે યોગ્ય નિર્ણય કરી શકે છે, પણ એવું થવાની શક્યતા નથી. રફાલ વિમાનોની ડિલિવરી ધીરે ધીરે શરૂ પણ થઈ રહી છે. બીજું વચેટિયાને નિવારવા માટે જ ભારત અને ફ્રાન્સ સરકાર વચ્ચે કરાર થયા હતા. તે પછી પણ કિંમત સહિતની કેટલીક બાબતોમાં વિવાદ થયો અને મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. આ કેસમાં કોંગ્રેસે રાજકીય આક્ષેપો કર્યા હતા, પણ વકીલ પ્રશાંત ભૂષણની સાથે અરુણ શૌરી, યશવંત સિંહા જેવા એક જમાના ભાજપના નેતાઓએ સીબીઆઈને ફરિયાદ કરી હતી. તે પછી સીબીઆઈના વડાને રાતોરાત હટાવાયા, રાતોરાત એટલે અડધી રાતે સીબીઆઈ કાર્યાલયમાં દરોડો પડાયો તે બધી ઘટનાઓ વધારે વિવાદાસ્પદ બની હતી. તેને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં સરકારોએ સંરક્ષણ સોદામાં હજી પણ સાવધાની અને પારદર્શિતા રાખવી પડશે એમ કહી શકાય.

બાકી રહ્યો આરટીઆઈને લગતો ચુકાદો. આ ચુકાદાની બહુ ચર્ચા નથી થઈ, પણ તે બહુ અગત્યનો સાબિત થઈ શકે છે. આરટીઆઈના અમલ પછી સરકારી તંત્ર બહુ મુશ્કેલીમાં મૂકાતું રહ્યું છે, કેમ કે નાગરિકો અરજી કરીને માહિતી માગે છે અને માહિતી આપવી પડે ત્યારે ભોપાળું ખૂલી જાય છે. મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ તો નિવૃત્ત થઈ રહ્યા છે એટલે તેમને સીધી અસર ના થાય, પણ ભવિષ્યમાં આવનારા દરેક મુખ્ય ન્યાયાધીશે સાવધાની રાખવી પડશે. તેમના કાર્યાલયની કામગીર માટે માહિતી માંગી શકાશે. આગળ જતા રેલો રાજકીય પક્ષો સુધી પહોંચવાનો છે.
રાજકીય પક્ષો હજીય પોતાના હિસાબો ગુપચાવીને રાખે છે. ખાસ કરીને ઇલેક્ટ્રોરલ બોન્ડનો મામલો આગામી દિવસોમાં ચગવાનો છે, કેમ કે હજી સુધી 3500 કરોડ રૂપિયાનો હિસાબ મળી રહ્યો નથી. આરટીઆઈ તથા ચૂંટણી પંચ સમક્ષ ફાઇલ થયેલા રાજકીય પક્ષોના હિસાબમાં એવું બહાર આવ્યું છે કે 6000 કરોડ રૂપિયાના કુલ ઇલેક્ટોરલ બોન્ડ ખરીદવામાં આવ્યા છે. તેમાંથી જુદા જુદા પક્ષોએ હિસાબ આપ્યા છે, તે પ્રમાણે 1500 કરોડ રૂપિયાનો તાળો મળી શકે છે. પરંતુ અંદાજે 4500 કરોડ રૂપિયા કયા પક્ષને મળ્યા તે હજી સ્પષ્ટ થતું નથી.


નાના અને મધ્યમ પક્ષો સહિત ડઝન જેટલા પક્ષનો હિસાબ બાકી છે. ભાજપે પણ લોકસભા ચૂંટણી પછી પોતાનો હિસાબ ચૂંટણી પંચમાં રજૂ કર્યો નથી. આથી ભાજપ અને બાકીના પક્ષો હિસાબ રજૂ કરે અને તેમાં કયો પક્ષ કેટલા કરોડના ઇલેક્ટોરલ બોન્ડ મળ્યા તે દર્શાવે છે તેની રાહ જોવાઈ રહી છે. કોંગ્રેસની આવક એક હજાર કરોડ સુધી પહોંચવાની શક્યતા છે, બીજા નંબરે તૃણમૂલ કોંગ્રેસ, શિવસેના, જેડીયુ, આરજેડી, ટીઆરએસ, ડીએમકે વગેરે હશે. આમ છતાં 3500 કરોડનો હિસાબ કદાચ બાકી રહેશે તો શું તેટલી રકમ માત્ર ભાજપને એકલાને મળી હશે.
રાહ જોવી પડશે અને ભવિષ્યમાં રાજકીય પક્ષોના હિસાબ, રાજકીય પક્ષોમાં હોદ્દેદારોની પસંદગી, રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગી, જુદા જુદા મોરચાઓમાં હોદ્દેદારોની નિમણૂક વગેરે બાબતોમાં જે તે પક્ષોના બંધારણ પ્રમાણે પ્રક્રિયા થઈ કે નહિ તે પ્રજાને જાણવા મળે તે જરૂરી છે. તો શું કોઈ આરટીઆઈ એક્ટિવિસ્ટ જાહેર હિતની અરજી કરશે કે જો દેશના મુખ્ય ન્યાયાધીશના કાર્યાલયની વિગતો જાણવાનો પ્રજાને અધિકાર હોય તો રાજકીય પક્ષોની કામગીરી જાણવાનો અધિકાર કેમ નહિ? ધાર્મિક કે સાંપ્રદાયિક કે ભ્રષ્ટાચારના આક્ષેપો કરતાંય કદાચ એ અરજી વધારે ચકચાર ભરી બનશે, કે નહિ?

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]