દેશભક્તિની વાત આવે ત્યારે બીજી વાતો નહિ કરવાની ભાઈ, ભૂખ્યા રહીને પણ ભક્તિ કરવાની. આમ પણ ભૂખ્યા હોઈએ ત્યારે ભક્તિ કર્યા સિવાય બીજું કરી પણ શું શકાય? એટલે જ વર્તમાન સરકાર આંકડાંઓ છુપાવી રહી છે. વર્તમાન સરકારને આંકડાં બહુ અણગમતા લાગે છે. બહુ ભેદભાવ કરે છે આ સરકાર – આંકડાંને પોતાના અને પારકા એમ ગણીને ભેદભાવ કરે છે. સરકાર ધરાર એવું સાબિત કરવા માગે છે કે ચારે બાજુ એટલી બધી નોકરીઓ છે કે માણસો મળતા નથી.
બીજી બાજુ આંકડાશાસ્ત્રીઓ અકળાઈ રહ્યા છે, કેમ કે દેશની આંકડાં એકઠી કરીને તેનું વિશ્લેષણ કરવાની પદ્ધતિ સરકાર એવી રીતે બદલી રહી છે કે અસલી ચિત્ર કદી સામ આવે જ નહિ. રોજગારીની સમસ્યાનો યોગ્ય રીતે ઉકેલ આવ્યો કે ના આવ્યો તે જુદો મુદ્દો છે. તેમાં આજ સુધીની સરકારોની કામગીરી એક સમાન રહી છે – બેકારી લગભગ એટલી ને એટલી રહી છે, પણ કમ સે કમ સ્થિતિ શું છે તેની સાચી જાણકારી હોવી જરૂરી છે.
સાચી જાણકારી હશે તો સાચો ઉકેલ આજે નહિ તો કાલે મળશે. દર વર્ષે હવે લગભગ 2 કરોડ મતદારો ઉમેરાશે. સીધો જ હિસાબ કરો, બે કરોડ યુવાનોને નોકરી જોઈશે. બે કરોડમાંથી અડધા સ્ત્રી મતદારો અને તેના અડધાથી વધારેને કદાચ નોકરી ના પણ કરવી હોય. પુરુષ મતદારોમાંથી કેટલાક નોકરી ના મળે તોય માતા પિતા કે સંયુક્ત કુટુંબની ખેતી અને વેપારમાં નભી જાય. તોય કાચો હિસાબ કરોને એક કરોડ નવી નોકરીઓ જોઈએ. આજ સુધીની કોઈ સરકારોએ ફાટફાટ થતી વસતિ માટે નોકરીઓ જોઈશે તે વિચાર્યું નથી. આર્થિક પ્રગતિ એકવાત છે, આર્થિક પ્રગતિ થઈ છે, જીડીપી વધ્યો છે, પણ નાગરિકોને કામ સગડ પણ રાખવા જરૂરી છે. નવરો બેઠો નખ્ખોદ કાઢે.
સૌથી ચિંતાજનક બાબત એવી છે કે ગ્રામીણ વિસ્તારોમાં પાંચ કરોડ સ્ત્રીઓના હાથમાંથી મજૂરી કામ પણ જતું રહ્યું છે. એક મિનિટ, આ આંકડો છેલ્લા પાંચ વર્ષનો નથી અને તેથી રાજકીય નથી. આ અંદાજ છેક 2004-05થી અત્યાર સુધીનો છે. 2011-12 પછી રોજગારી માગતી સ્ત્રીઓની ટકાવારી સાત ટકા ઘટી છે. અંદાજે 2.8 કરોડ સ્ત્રીઓ હવે રોજગારી માટે લાઈનમાં નથી.
જાણકારો તેનું તારણ કાઢતા કહે છે કે કુલ નોકરીઓ અને મજૂરીઓ ઓછી થાય ત્યારે સ્ત્રીઓએ જ પહેલાં ઘરે બેસવાનો વારો આવે. કામ કરવા પુરુષો ના મળતા હોય ત્યારે જ સ્ત્રીઓને જોડવામાં આવતી હોય છે, એટલે ઓછી થતી રોજગારીમાં સ્ત્રીઓને કહેવામાં આવી રહ્યું છે કે તમે હાલમાં ઘરે બેસો.
NSSO નિયમિત સર્વે કરાવીને આંકડાકીય અંદાજો મૂકતું રહે છે. હાલમાં વિવાદ એ થયો છે કે સરકારે તેના આંકડાં જાહેર કર્યા નથી. તેના કારણે મામલો રાજકીય થઈ ગયો છે. NSSOએ 2017-18માં પિરિયોડિક લેબર ફૉર્સ સર્વે કર્યો તેમાં ખ્યાલ આવ્યો કે ગ્રામીણ વિસ્તારમાં કામ કરતી સ્ત્રીઓની સંખ્યા ઘટી ગઈ છે. અગાઉ 2004-05માં સર્વે થયો હતો ત્યારે ગ્રામીણ વિસ્તારમાં મજૂરી કરનારામાં મહિલાઓનો હિસ્સો 49.4 ટકા હતો. 2011-12 તે ઘટીને 35.8 ટકા થયો હતો અને હવે 2017-18માં માત્ર 24.6 ટકા જ હિસ્સો રહી ગયો છે.
બેટી બચાવ, બેટી પઢાવને કારણે કન્યાઓને શાળામાં મોકલવામાં આવે છે. તેના કારણે કિશોરીઓ કામે લાગી જતી હતી તે મજૂરીએ જતી નથી. તેના કારણે સંખ્યા ઘટી હોય તેમ બની શકે, પણ આ ઘટાડો બહુ મોટો છે. કિશોરી કન્યા થાય અને પરણીને જાય પછી સાસરાના ઘરે કામકાજમાં હાથ આપવો જ પડે.
શહેરી વિસ્તારોમાં બહુ ફર્ક પડ્યો નથી. અહીં સ્ત્રીઓ પહેલાની જેમ નોકરીઓ કરી રહી છે. અહીં સ્થિતિમાં સુધારો થયો છે. 2004-05 અને 2011-12માં શહેરોમાં નોકરિયાત અને કામ કરતી મહિલાઓનું પ્રમાણ 2.2 ઘટ્યું હતું, જ્યારે 2017-18માં તેમાં મામુલી 0.4 ટકાનો વધારો થયો છે, પણ વધારો થયો છે ખરો. થોડી રાહતદાયક વાત એ છે કે સ્ત્રીઓને કાયમી પ્રકારની અને વધારે સારા પગારની નોકરીઓ થોડી વધારે મળી છે. કંપનીઓમાં મહિલા કર્મચારીઓની ભરતી તેનું કારણ હોઇ શકે છે. શહેરોમાં કાયમી અને પગારદાર સ્ત્રીઓની સંખ્યામાં 2011-12ની સામે 2017-18માં 9.6 ટકા જેટલો વધારો થયો છે. ગ્રામીણ વિસ્તારોમાં તે વધારો 4.9 ટકાનો હતો. અંદાજે 15 લાખ નોકરીઓ ગ્રામીણ નારીઓને એવી મળી જે થોડી કાયમી હોય અને નિયમિત પગારવાળી હોય.
જોકે ચિંતા એટલા માટે છે કે મજૂરી, છુટ્ટક કામ અને ખેતીના કામમાં રોજગારી ઘટી છે. નાના અને મધ્યમ કદના એકમોમાં નોકરીઓ ઘટી હોય તેવો અંદાજ છે. તેમાં અંદાજે 13.6 ટકાનો ઘટાડો થયો છે. જાણકારો કહે છે કે નોટબંધી અને ઉતાવળે લવાયેલા જીએસટીને કારણે એમએસએમઇ સેક્ટરમાં કૉસ્ટ કટિંગ કરવું પડ્યું છે. નાના એકમોમાં ખર્ચ બચાવવાની વાત આવે ત્યારે સૌ પ્રથમ ભોગ મહિલા કર્મચારીઓ અને કામદારોનો લેવાઇ જાય. આખું કુટુંબ એક જ યુનિટમાં કામ કરતું હોય ત્યારે પતિ અને દીકરાનું કામ ચાલુ રહે, પણ પત્નીએ ઘરે બેસવું પડે.
નોટબંધીએ ગરીબ અને નિમ્ન મધ્યમ વર્ગની કેડ ભાંગી નાખી છે તેના વિશે કોઈ કશું બોલતું નથી. હિંમતભર્યા અને કડક નિર્ણયો સાથેના અલોકપ્રિય પ્રયોગો કરવા પડે તેની ના નહિ, પણ નોટબંધી જેવું ના કરાય. જીએસટી જેવું ઉતાવળિયું પગલું ચાલી જાય અને સમય જતા સ્થિતિ થાળે પડે, પણ નોટબંધીના કારણે નાના માણસની મરણ મૂડી જેવી મૂડી કાયમી ધોરણે ધોવાઈ ગઈ. નાના હાટડી બંધ કરીને મજૂરીએ જોતરાઇ ગયેલો માણસ ફરી હાટડી માંડી શકે તેવી હામ રહી નથી. સૌથી વધુ નુકસાન એ થયું કે કામ કરી શકે તેવી સ્ત્રીઓએ ઘરે બેસી જવું પડ્યું છે.