નવજોત સિદ્ધુની નવી કરિયર – રાજકીય રિઆલિટી શૉ?

વા જમાનાના ચાહકોને નવજોતસિંહ સિદ્ધુ ક્રિકેટર હતો તે બરાબર યાદ નહિ હોય. ક્રિકેટર તરીકે પણ સિદ્ધુ કંઈ જેવોતેવો નહોતો અને સારી ફટકાબાજી કરી જાણતો હતો. જોકે ક્રિકેટર તરીકેની તેની કારકિર્દી બહુ લાંબી ચાલી નહોતી, પણ તેને 1987ના ક્રિકેટ વર્લ્ડ કપ માટે યાદ કરાય છે. ટોપ ઓર્ડરમાં આવીને ચાર અર્ધ સદીઓ ફટકારી હતી. ફટાફટ સિક્સર ફટકારતો હતો એટલે સિક્સર સિદ્ધુ તરીકે ચાહકોમાં જાણીતો થયો હતો.

ક્રિકેટર તરીકે પણ તેનો માથાભારે સ્વભાવ જાણીતો બન્યો હતો. 1996માં ઇંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ટીમમાં તેનો સમાવેશ થયો હતો, પણ કેપ્ટન અઝહરુદ્દિન સાથે ઝઘડો કરીને પાછો આવી ગયો હતો. તેના કારણે તેના પર 10 મેચનો બેન મૂકાયો હતો. સિદ્ધુએ 1997માં વેસ્ટ ઇન્ડિઝ સામે બેવડી સદી કરી હતી, પણ ખ્યાલ છે કેટલાક દિવસ લાગ્યા હતા? ચાર દિવસ! ક્રિકેટ જગતની સૌથી ધીમી બેવડી સદીમાં તેનો સમાવેશ થાય છે. ચાર દિવસ, 671 મિનિટ અને 488 બોલમાં 201 રન થયા હતા. એવું કહેવાય છે કે અમદાવાદમાં 1983માં તેણે 90 મિનિટમાં 20 રન બનાવ્યા હતા અને દર્શકોએ કંટાળીને તેનો હુરિયો બોલાવ્યો હતો.

જોકે ક્રિકેટમાં તેની ધીમી રમત સામે ટીવી અને ફિલ્મોની દુનિયામાં તથા રાજકારણમાં નવજોત સિંહ સિદ્ધુએ બહુ ઝડપી ચઢાવઉતાર જોયા છે. તેમના જીવનમાં પણ ચઢાવઉતાર આવતા રહ્યા છે. ક્રિકેટર તરીકેની નામના બની રહી હતી તે દરમિયાન વાહન ટકરાવાના મુદ્દે ઝઘડો થયો હતો અને તેમાં એકની હત્યાનો આરોપ સિદ્ધુ પર લાગ્યો હતો. 1991માં સિદ્ધુ અને તેમના કોઈ મિત્ર કારમાં જતા હતા ત્યારે રેલવે ફાટક પાસે ઝઘડો થયો હતો. ગુરનામ સિંહ નામની વ્યક્તિને તેઓએ ફટકાર્યો અને બાદમાં તેમનું મોત થઈ ગયું. પટિયાલા પોલીસે સિદ્ધુની હત્યાના આરોપસર ધરપકડ કરી હતી અને આ કેસ દાયકાઓ સુધી ચાલ્યો હતો.

દરમિયાન ક્રિકેટરમાંથી કોમેન્ટેટર, કોમેન્ટેટરમાંથી કોમેડિયન અને કોમેડિયનમાંથી રાજકારણી બની ગયેલા સિદ્ધુએ આ કેસના કારણે જ 2007માં રાજીનામું આપવું પડ્યું હતું. આખરે કેસનો ચુકાદો ડિસેમ્બર 2006માં આવ્યો હતો અને માર મારીને હત્યા કરવા બદલ 3 વર્ષની કેદની સજા કોર્ટે કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટમાં સજા સામે અપીલ કરવામાં આવેલી છે. સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે મળ્યો હોવાથી 2007માં ફરીથી ચૂંટણી લડવાની તક સિદ્ધુને મળી હતી.

1999માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી અને 2001માં ભારતની ક્રિકેટ ટીમ શ્રીલંકામાં પ્રવાસે હતી ત્યારે કોમેન્ટેટર તરીકે સિદ્ધુએ નવી કરિયર શરૂ કરી. તે વખતે તેનું નવું સ્વરૂપ બહાર આવ્યું હતું અને તે હતું શબ્દોની ફટકાબાજી કરવાનું. જાતભાતની કહેવતો અને રૂઢિપ્રયોગોના કારણે સિદ્ધુની કોમેન્ટ્રી બહુ લોકપ્રિય બની હતી. સોની મેક્સ ટીવીએ સિદ્ધુના નામે આખી વેબસાઇટ ખોલી હતી. સિદ્ધુઇઝમ.કોમ નામની વેબસાઇટ ખોલીને તેમાં સિદ્ધુના વન-લાઇનર રોજેરોજ મૂકવામાં આવતા હતા. જોકે વાણીવિલાસ ક્યારેય ભારે પણ પડી જાય. વાતવાતમાં ગાળો બોલી જવાના કારણે ઇએસપીએન-સ્ટાર ટીવીએ સિદ્ધુને પડતા મૂક્યા હતા. જોકે તેના કારણે કરિયર વધારે આગળ વધી. વિવાદ સિદ્ધુને માફક આવતા હોય તેમ લાગ્યું. કોમેન્ટટેટર તરીકે અને ભારતમાં વધી રહેલી ટીવી ચેનલોમાં એક્સપર્ટ તરીકે સિદ્ધુને ઉલટાનું વધારે ને વધારે કામ મળવા લાગ્યું હતું.

ક્રિકેટની સિઝન મર્યાદિત હોય એટલે બાકીના બચેલા સમયમાં શું કરવું તે સિદ્ધુએ વિચાર્યું હશે. એથી તેમણે હવે કોમેડી શોમાં જજ તરીકે કે ગેસ્ટ તરીકે આવવાનું શરૂ કરી દીધું હતું. અહીં કોમેન્ટ્રી વખતે બોલાતા વનલાઇનર કામ આવ્યા હતા. અહીં વિષયોનું પણ વૈવિધ્ય મળતું હતું એટલે જાતભાતની કવિતાઓ અને શેરો ફટકારીને સિદ્ધુ સૌનું ધ્યાન ખેંચવા લાગ્યા હતા.

ટીવી પર વિવાદનો ફાયદો વધારે લેવા માટે વિવાદાસ્પદ ટીવી શો બિગબોસમાં પણ 2012માં ભાગ લીધો હતો. ખોટાખોટા વિવાદો કરીને બિગબોસનો કાર્યક્રમ ચાલતો રહેતો હોય છે. જોકે સિદ્ધુને ખોટા વિવાદોની જરૂર નથી હોતી. તે પોતે જાતે સ્વંય વિવાદો ઊભા કરી શકે. ઇએસપીએન-સ્ટારે કાઢી મૂક્યા પણ ફરી કોમેન્ટેટર તરીકે લીધા પણ ખરા. પણ સિદ્ધુએ વળી સોની મેક્સ સાથે પણ કામ કર્યું. 2014માં આઇપીએલ વખતે સોની સાથે કામ કર્યું એટલે સ્ટાર નેટવર્કે ફરી તેમની સામે કેસ કર્યો હતો. સ્ટારનું કહેવું હતું કે તેમના કોમેન્ટેટર તરીકે તેઓ હરિફ સાથે કામ કરી શકે નહિ અને 22.5 કરોડ રૂપિયાના કોન્ટ્રેક્ટનો ભંગ કર્યો છે. સિદ્ધુ પાસેથી નાણાં વસૂલ કરવા કેસ પણ કર્યો હતો.

કોમેડી શોમાં ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જમાં અને બાદમાં કપિલ શર્માના શૉમાં ગેસ્ટ તરીકે સિદ્ધુની હાજરી મનોરંજક બની રહી હતી. જોકે સિદ્ધુ હોય ત્યાં વિવાદો આવ્યા વિના રહે નહિ. કપિલ શર્માના શૉમાં પણ ભારે ડખા થયા હતા. કલાકારો અંદરોઅદર બાખડ્યા અને લોકપ્રિય શૉને તાળા લાગી ગયા. દરમિયાન સિદ્ધુએ પોતાની રાજકીય કરિયર આગળ વધારી દીધી હતી. 2004માં સિદ્ધુ ભારતીય જનતા પક્ષમાં જોડાઇ ગયા હતા. વક્તા તરીકે તેમની ભારે ડિમાન્ડ રહેતી હતી. ચૂંટણી વખતે ઉમેદવારો સિદ્ધુની એક સભા પોતાના વિસ્તારમાં કરવા માટે પડાપડી કરતા રહેતા હતા. જોકે ભાજપમાં પણ તેમનો એક દાયકો જ દબદબો રહ્યો. 2014 સુધીમાં ભાજપમાં પણ યુગ પરિવર્તન આવ્યું હતું. હવે મોદીનો જમાનો હતો અને અસલી સ્ટાર મોદી હોય ત્યારે કચકડાંના સ્ટાર સિદ્ધુની જરૂર ના હોય.

સિદ્ધુ અરૂણ જેટલીને કારણે રાજકારણમાં અને ભાજપમાં આવ્યા હતા તેમ મનાય છે. જેટલી દિલ્હી ક્રિકેટ એસોસિએશનમાં હોવાથી તેમની સાથેનો પરિચય ક્રિકેટર તરીકેની કરિયર વખતનો હતો. જોકે સિદ્ધુની સામે જેટલીને જ ભાજપે મૂકી દીધા. જેટલીને અમૃતસર બેઠકની ટિકિટ આપી દેવાનું નક્કી થયું હતું. જીદ્દી સ્વભાવના સિદ્ધુ માટે આ નિર્ણય મુશ્કેલ હતો. 2004થી અહીંથી પોતે જીતતા હતા અને હવે બેઠક બદલવાની વાત આવી. જોકે તેમની જગ્યાએ જેટલીનું નામ હતું એટલે વધારે વિરોધ પણ ના કરી શકે. સિદ્ધુએ વચલો રસ્તો કાઢ્યો. તેમણે કહ્યું કે પોતે અમૃતસર બેઠક ખાલી કરી આપશે, પણ અન્ય કોઈ બેઠક પર પોતે લડશે નહિ. 2014માં મોદીના નામે ભાજપને વિજય મળ્યો તે પછી પક્ષમાં કોઈનું કશું મહત્ત્વ રહ્યું નહોતું. સિદ્ધુ જેવા મીજાજી લોકો માટે આવી સ્થિતિ આકરી હોય છે. પોતાએ માત્ર કઠપૂતળી બની રહેવાનું હોય તેવું ફાવે નહિ.

દરમિયાન ક્રિકેટ અને ટીવી-સિરિયલો-ફિલ્મોમાં પોતાની રીતે સફળતા મેળવનારા સિદ્ધુની મહત્ત્વાકાંક્ષા રાજકારણમાં પણ વધી હતી. તેમને લાગતું હતું કે પંજાબમાં પોતે મુખ્ય પ્રધાન બની શકે છે. 2014 પછીના ગાળામાં ભાજપ સામે ટક્કર આપી શકે તેવો એક માત્ર પક્ષ આમ આદમી પાર્ટી હતો. આપને દિલ્હીમાં જબરી સફળતા મળી હતી. પંજાબમાંથી પણ તેના ચાર સાંસદો જીતીને આવ્યા હતા. તેના કારણે પંજાબમાં આપની સરકાર બને અથવા આપના ટેકાની સરકાર બને તેવી શક્યતા ઊભી થઈ હતી. ભાજપને લાગ્યું કે સિદ્ધુ આપમાં જોડાઈ જશે એટલે 2016માં તેમને રાજ્યસભામાં મોકલી અપાયા હતા. જોકે ભાજપમાં પોતાને ભાષણ આપનારા નેતા સિવાય વધારે મહત્ત્વ અપાતું નથી તે જાણતા સિદ્ધુને અકળામણ થઈ રહી હતી. તેથી ત્રણ જ મહિનામાં રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું હતું.

બીજી બાજુ આમ આદમી પાર્ટીએ પંજાબ વિધાનસભાની ચૂંટણી વખતે સિદ્ધુને મુખ્ય પ્રધાનપદના દાવેદાર બનાવવાની ના પાડી. તેમને અને તેમના પત્નીને પક્ષમાં લેવા તૈયાર હતા, પણ મુખ્ય પ્રધાન માટે કે મુખ્ય નેતા તરીકે આગળ કરવા માટે કેજરીવાલ તૈયાર નહોતા. હકીકતમાં કેજરીવાલની પોતાની મહત્ત્વાકાંક્ષા પંજાબમાં મુખ્ય પ્રધાન બનવાની હતી. આખરે લાંબી સોદાબાજી પછી સિદ્ધુએ સૌને ચોંકાવ્યા. રાબેતા મુજબ તેમણે રાજકારણમાં પણ ધડાકાભેર જાહેરાત કરી કે પોતે કોંગ્રેસમાં જોડાશે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં અમૃતસર પૂર્વમાં તેઓ લડ્યા. તેમના પત્નીને પણ ટિકિટ મળી હતી. પોતે સીધા રાહુલ ગાંધીના કહેવાથી કોંગ્રેસમાં આવ્યા છે એટલે કેપ્ટન અમરિન્દર સિંહ કરતાંય પોતે પાવરફુલ છે એમ તેઓ માનવા લાગ્યા હતા.

જોકે દેશભરમાં કોંગ્રેસનું ધોવાણ થવા લાગ્યું હતું ત્યારે પંજાબમાં કેપ્ટને કોંગ્રેસને જીતાડી. તેના કારણે કેપ્ટનનું કદ વધ્યું અને સિદ્ધુની મનની મનમાં રહી ગઈ. કેપ્ટન સાથે કેબિનેટના શપથ લેવાયા ત્યારે પ્રધાન તરીકે ત્રીજું નામ સિદ્ધુનું હતું. એ રીતે તેમને ત્રીજું સ્થાન અપાયું હતું, પણ નંબર વનની જ મહત્ત્વાકાંક્ષા રાખનારા સિદ્ધુને તે માફક આવે તેવું નહોતું. કોંગ્રેસમાં પણ તેમનો કકળાટ થોડા વખતમાં શરૂ થઈ ગયો હતો. દરમિયાન વધુ એક વિવાદ અને પડતી જેવું તેમના જીવનમાં આવ્યું. તેમના પત્ની રાવણદહનના એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યાં જ ટ્રેન પસાર થઈ અને મોટી સંખ્યામાં લોકો ટ્રેન નીચે કપાઈ ગયા. તેમની પત્ની ત્યાંથી જતા રહ્યા હતા. આ વિવાદના કારણે પતિ-પત્નીના રાજકારણ સામે સવાલો થવા લાગ્યા હતા.

 

દરમિયાન 2019ની લોકસભાની ચૂંટણી પહેલાં પણ સિદ્ધુએ વિવાદો ઊભા કર્યા હતા. કેપ્ટન? કેપ્ટન કોણ? અરે ભઇ મેરે કેપ્ટન તો રાહુલ ગાંધી હૈં. અચ્છા… વો કેપ્ટન. વો તો સેના કે કેપ્ટન હૈ… એવી મજાકીયા ભાષામાં વાત કરીને અમરિન્દરનું અપમાન કર્યું હતું. આજે પણ નેટ પર આ ક્લિપ બહુ જોવાતી ક્લિપ છે. 2019ના પરિણામો પછી સ્થિતિ ફરી એકવાર બદલાઈ છે. પંજાબમાં કોંગ્રેસનો દેખાવ સારો રહ્યો, જ્યારે દેશભરમાં કોંગ્રેસ બીજીવાર ધોવાઈ ગઈ. સિદ્ધુના કેપ્ટન રાહુલ ગાંધી પોતે જ મેદાન છોડીને ભાગી રહ્યા છે. કેપ્ટન વિનાના સિદ્ધુ માટે હવે કોંગ્રેસમાં રહેવું મુશ્કેલ છે. ચૂંટણી પછી કેપ્ટને પ્રધાનમંડળમાં ફેરફારો કરીને સિદ્ધુનું ખાતું બદલી નાખ્યું. ત્યારથી સિદ્ધુ અકળાઇ રહ્યા છે. તેમણે મહિના પહેલાં રાહુલ ગાંધીને રાજીનામું મોકલી આપ્યું હતું. જોકે રાહુલ પોતે જ રાજીનામું આપીને બેઠા હતા એટલે સિદ્ધુને જવાબ આપનારા કોઈ નહોતા.

 

દરમિયાન પંજાબમાં સિદ્ધુના નામે ફરી હોબાળો થયો. વિપક્ષે આક્ષેપ કર્યો કે ખાતા બદલાયા તેને મહિનો થઈ ગયો, પણ સિદ્ધુ નવા મંત્રાલયમાં કામ જ કરી રહ્યા નથી. સિદ્ધુ પ્રધાન તરીકે કામ કરવા ઓફિસે આવ્યા જ નથી અને મફતનો પગાર ખાઈ રહ્યા છે તેવી ભારે ટીકા પછી આખરે ગયા અઠવાડિયે સોશ્યલ મીડિયામાં સિદ્ધુએ સૌને જાણ કરી કે પોતે તો રાજીનામું આપી ચૂક્યા છે.

એક મહિના પહેલાં રાહુલને મોકલેલો રાજીનામાનો પત્ર તેમણે જાહેર કર્યો. જોકે મોકો જોઈને કેપ્ટન અમરિન્દરે પણ ફટકો માર્યો છે. તેમણે કહ્યું કે મને કોઈ રાજીનામાનો પત્ર મળ્યો નથી. સિદ્ધુએ તેમને રાજીનામું મોકલ્યું તે પછીય કેપ્ટને કહ્યું કે પોતાને હજી પત્ર મળ્યો નથી. પોતે દિલ્હીમાં છે અને પત્ર ઘરે પડ્યો હશે એવો ઉડાઉ જવાબ તેમણે આપ્યો છે. સિદ્ધુ રહે કે જાય પોતાને કશી પડી તેવો સ્પષ્ટ સંદેશ કેપ્ટને આપ્યો છે. એક કેપ્ટન મેદાન છોડીને જતા રહ્યા છે અને બીજા કેપ્ટનને તેઓ રહે કે જાય તેની પરવા નથી ત્યારે ખેલાડી સિદ્ધુએ હવે ક્યાં જવું તે સવાલ છે. કેપ્ટન વિનાના થઈ ગયેલા સિદ્ધુએ હવે કદાચ નવી કરિયર શોધવી પડશે. આપ પણ લોકસભામાં કંઈ ઉકાળી શક્યો નથી. પંજાબમાં પણ આપ માટે કોઈ તક નથી. ભાજપ તેને ફરી લેશે નહિ અને લે તો કિંમત કોડીની કરીને. ભાજપમાં હતાશ થયેલા શત્રુઘ્ન સિંહે તેમને સાંત્વના આપી એટલું જ અને આપે કહ્યું છે કે હજી પણ સિદ્ધુને આવવું હોય તો આવે.

જોકે સિદ્ધુ પોતાના સ્વભાવ પ્રમાણે હવે કોઈ નવી કરિયર શોધશે ખરા… તે સવાલ પણ છે. તેમણે પાકિસ્તાન સાથે કરતારપુર કોરિડર મંત્રણા કરીને આંતરરાષ્ટ્રીય ડિપ્લોમસીમાં, મધ્યસ્થી તરીકે કામ કરવાનો અનુભવ થોડો લીધો છે. આવી કોઈ કરિયર સિદ્ધુ શોધી કાઢે ત્યાં સુધી રાહ જુઓ. મોદી યુગમાં તેમના જેવા અનેક લોકો મૂરઝાઇ રહ્યા છે ત્યારે તે બધાને ભેગા કરીને રાજકીય રિઆલિટિ શૉના નિર્માતા તરીકે સિદ્ધુ નવી કરિયર શરૂ કરે તો કહેવાય નહિ…