ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની એક મુલાકાત હિન્દુસ્તાન ટાઇમ્સમાં ગુરુવારે પ્રગટ થઈ. એનડીટીવી છોડીને અખબારમાં જોડાયેલી સુનેત્રા ચૌધરીને આપેલી મુલાકાતમાં તેમણે કહ્યું કે કોંગ્રેસની સરકાર વખતે પણ એકથી વધુ વાર સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી. નવી નોકરીમાં પ્રથમ ઇન્ટરવ્યૂ જ સુનેત્રાએ ન્યૂઝી બનાવ્યો તે પછી કોંગ્રેસના પ્રવક્તા રાજીવ શુક્લે પત્રકાર પરિષદ બોલાવી અને નીચે પ્રમાણે વિગતો આપી.
કોંગ્રેસના શાસન વખતે થયેલી સર્જિકલ સ્ટ્રાઇલ
|
વાજપેયી સરકાર વખતે થયેલી સર્જિકલ સ્ટ્રાઇક
|
મનમોહન સિંહે કહ્યું કે “હું તમને યાદ અપાવવા માગું છું કે કોઈ પણ જોખમનો સામનો કરવા માટે કાર્યવાહી કરવાની છુટ હંમેશાથી આપણા સશસ્ત્ર દળોને અપાયેલી છે. અમારા શાસનકાળમાં પણ એકથી વધુ વાર સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી. અમારા માટે લશ્કરી કાર્યવાહીએ એ વ્યૂહાત્મક ધાક માટે અને ભારતવિરોધી તત્ત્વોને યોગ્ય પ્રતિસાદ આપવા માટે છે, મતો મેળવવા માટે નથી.” ઓછું બોલતા મનમોહન સિંહ ઉમેર્યું, “છેલ્લા 70 વર્ષોમાં સત્તામાં બેઠેલી કોઈ સરકારે સેનાની બહાદુરી પાછળ પોતાને છુપાવવાની કોશિશ કરી નથી. આપણા સશસ્ત્ર દળોનો રાજકીય ઉપયોગ કરવાના આવા પ્રયાસો શરમજનક અને અસ્વીકાર્ય છે. આર્થિક મોરચે, રોજગારીની બાબતમાં, ગ્રામીણ વિસ્તારોની તકલીફો માટે તથા એમએસએમઈ અને ઇન્ફોર્મલ સેક્ટરમાં મોદી સરકારને માફ ના કરી શકાય તેવી નિષ્ફળતાઓ મળી છે તેના પરથી ધ્યાન હટાવવા માટે આ બધું થઈ રહ્યું છે.”
મનમોહન સિંહ ઓછું બોલતા હતા, તેવું બધા સ્વીકારે છે, પણ ખોટું બોલતા હતા તેવું કોઈ માને નથી. વધારે બોલબોલ કરનારા થોડું વધારીને બોલતા હોય છે, ઓછું બોલનારા માપમાં બોલતા હોય છે. તેથી જ ભૂતપૂર્વ વડાપ્રધાનની વિશ્વસનીયતા જળવાઈ રહે અને તેમણે દાવો કર્યો કે સર્જિકલ સ્ટ્રાઇક એકથી વધારે વાર થઈ હતી ત્યારે કોંગ્રેસ પક્ષ માટે તેની વિગતો આપવી જરૂરી બની હતી.
કદાચ તેથી જ પ્રવક્તા રાજીવ શુક્લે બાદમાં પત્રકાર પરિષદ બોલાવીને ઉપર પ્રમાણેની વિગતો આપી. તેમણે ભાજપના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સરકારે પણ બે વાર સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી તેવી વિગતો આપી. કમ સે કમ ભાજપ પોતાની જ ભૂતકાળની સરકારે કશું નહોતું કર્યું એવું બોલવાનું પસંદ નહિ કરે. જોકે રાબેતા મુજબ ભાજપના નેતાઓએ આવીને કહ્યું કે આ બધી ખોટી વાતો છે. અર્થાત વાજપેયીની સરકારને પણ કશું કર્યું નહોતું તેવું માની લેવું પડે. રાજ્યવર્ધન રાઠોડે તો એવું કહ્યું કે પોતે સેનામાં હતા એટલે હકીકત જાણે છે અને કોંગ્રેસની વાત ખોટી છે.
તો સાચું કોણ? મનમોહન સિંહ વધારે સાચા કે રાજ્યવર્ધન રાઠોડ? મનમોહન સિંહ સત્યવચન માટે જાણીતા હોવાનું મોટા ભાગના લોકો માને છે, રાઠોડ વિશે લોકો શું માને છે તે આપણે જાણતા નથી, એથી સૌએ પોતાની રીતે વિચારી લેવું.
દરમિયાન ટીવી પર ડિબેટ તો થાય જ. સુનેત્રાની નોકરીની જૂની જગ્યા એનડીટીવીમાં ડિબેટ દરમિયાન ભાજપના પ્રવક્તા વિવેક રેડ્ડી એવું બોલી ગયા કે તુષ્ટિકરણ માટે થઈને કોંગ્રેસ ક્યારેય સર્જિકલ સ્ટ્રાઇક કર્યાનો દાવો નહોતી કરતી. તે બહાને તેણે એટલું સ્વીકાર્યું કે સ્ટ્રાઇક થઈ હતી ખરી. બીજા પ્રવક્તા અને ભાજપના સાંસદ લલિતા કુમારમંગલમે પણ એવા મતલબનું કહ્યું કે કરી હોય તો સારું, પણ તેઓ આ વિશે વાત તો નહોતા કરતા. હું એવું નથી કહેતી કે તેઓ સાચું બોલી રહ્યા છે કે ખોટું, પણ મસૂદ ત્રાસવાદી જાહેર થયો તે પછી મનમોહન સિંહે આવું નિવેદન કર્યું છે એવું કહેવાનો તેમનો પ્રયાસ હતો. આમ તો ભાજપના પ્રવક્તાઓએ પત્રકાર પરિષદ બોલાવીને કોંગ્રેસ તદ્દન જૂઠ્ઠાડી હોવાનો સત્તાવાર પ્રતિસાદ આપ્યો હતો, પણ ડિબેટમાં ભાજપના પ્રવક્તાઓ આ રીતે ગોળગોળ વાતો કરતા હતા. એ પણ નોંધવું કે સંસદમાં અપાયેલા, વિસ્ફોટ તથા ઉદ્દામવાદી અને ત્રાસવાદી પ્રકારના હુમલાના આંકડાં પણ ખોટા છે એવું બિન્ધાસ્ત વિવેક રેડ્ડી કહતા હતા, પણ એની વે એ મુદ્દો જુદો છે.
મૂળ મુદ્દો એ છે કે કોંગ્રેસના જમાનામાં સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી તો કોંગ્રેસ જોરશોરથી બોલતી કેમ નથી? ઉરીની જાહેરાત વખતે જ ખ્યાલ આવી ગયો હતો કે ભાજપ આ મુદ્દાનો ભરપુર ઉપયોગ ચૂંટણી વખતે કરવાની છે. તે વખતે જ કોંગ્રેસ કેમ ના સમજી કે આ મુદ્દો રાજકીય બનવાનો છે અને તેનો જોરશોરથી અત્યારથી જ સામનો કરવો જરૂરી છે?
હકીકતમાં કોંગ્રેસના નેતાઓ સમયાંતરે આ વિશે બોલતા રહ્યા છે. અગાઉ પણ કોંગ્રેસ વખતે ઘણી સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી તેવું જુદા જુદા પ્રસંગે, જુદા જુદા કોંગ્રેસના નેતાઓ બોલ્યા હતા. હાલના જ સમયમાં યાદ કરીએ તો કોંગ્રેસ શાસન વખતના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન એ. કે. એન્ટનીએ કહ્યું હતું કે પોતે સંરક્ષણ પ્રધાન હતા ત્યારે પણ ત્રણ વાર સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી. કોંગ્રેસના અન્ય એક નેતા સી. એમ. ઇબ્રાહિમે વધુ જૂની વાત કરતાં કહ્યું કે ઇન્દિરા ગાંધી વડા પ્રધાન હતા ત્યારે 12 વાર સર્જિકલ સ્ટ્રાઇલ થઈ હતી (12 વત્તા 6 વત્તા વાજપેયીની 2 એમ 18 થઈ ગઈ). ઇબ્રાહમે પણ એ જ વાત કરી કે સર્જકલ સ્ટ્રાઇકનો ઉપયોગ ઇન્દિરા ગાંધીએ ક્યારેય રાજકીય હેતુસર કર્યો નહોતો. (પાકિસ્તાના ટુકડા કરી નાખ્યા તે વાત કરીને ઇન્દિરા કેટલા મજબૂત નેતા છે તેની વાત શું નહોતી થતી?)
આ રીતે દાવા તો થતા હતા જ. દરમિયાન પીટીઆઈએ જ સાચો આંકડો જાણવા માટે આરટીઆઈ કરી હતી. તેના જવાબમાં ડિરેક્ટૉરેટ જનરલ ઑફ મિલિટરી ઑપરેશન્સ (DGMO)એ જણાવ્યું કે 29 સપ્ટેમ્બર 2016 પહેલાં કરવામાં આવેલી કોઈ પણ “સર્જિકલ સ્ટ્રાઇક”નો કોઈ રેકર્ડ સેના પાસે નથી. આ જવાબ સૂચક છે. સર્જિકલ સ્ટ્રાઇક નથી થઈ તેવો આ જવાબ નથી. તેનો કોઈ રેકર્ડ સેના પાસે નથી તેવો સરકારી જવાબ છે. 29 સપ્ટેમ્બરે થઈ હતી ખરી એવું જવાબમાં કહેવાયું, પણ તે પહેલાં ‘કોઈ સર્જિકલ અગાઉ થઈ હોય તો તેનો રેકર્ડ આ વિભાગ જાળવતી.” ભારતીય સેનાના રેકર્ડમાં સર્જિકલ સ્ટ્રાઇક તરીકે કશું નોંધવામાં આવે તો તેની વ્યાખ્યા શું તે જાણવાની, ટૂંકમાં કેવી કાર્યવાહીને સર્જિકલ સ્ટ્રાઇક કહેવી તે જાણવાની પણ કોશિશ આરટીઆઈમાં થઈ હતી. જવાબમાં વ્યાખ્યા આપવામાં આવી હતી, પણ લાંબી છે અને અહીં અપ્રસ્તૂત છે તેને જવા દઈએ, પણ અગાઉની સ્ટ્રાઇકનો રેકર્ડ રખાયો નથી એવા જવાબ પછી કોંગ્રેસે રજૂ કર્યો તે રેકર્ડ કયો છે? આ સવાલ પણ હવે રહે છે અને તેના માટે યોગ્ય જગ્યાએ કદાચ ભવિષ્યમાં આરટીઆઈ પણ થશે.
ત્યારની વાત ત્યારે, અત્યારે આપણે ખાતરીપૂર્વક સર્જિકલ સ્ટ્રાઇક વિશે અને તેના સામસામા દાવા વિશે અને રાજકીય ઉપયોગ થઈ રહ્યો છે કે નથી થઈ રહ્યો તે વિશે અને થવો જોઈએ કે ના થવો જોઈએ વગેરેની ચર્ચા કરી શકીએ ખરા. થોડી કરવી પણ જોઈએ. પણ વધારે અગત્યનો સવાલ એ છે કે કોંગ્રેસ આ મુદ્દે વધારે પ્રચાર કેમ નથી કરતી.
એ સવાલનો જવાબ પણ મને લાગે છે કે કોંગ્રેસે જ આપવો રહ્યો. હાલમાં પ્રચાર દરમિયાન સિનિયર પત્રકાર વાસુને આપેલા ઇન્ટરવ્યૂમાં રાહુલ ગાંધીએ, આગ્રહ રખાયો ત્યારે, કોંગ્રેસની એક ખામી જણાવી હતી. રાહુલ ગાંધીના જણાવ્યા અનુસાર કોંગ્રેસની એક ખામી કદાચ એ છે કે તે અનઓર્ગેનાઇઝ્ડ છે. અમે અસ્તવ્યસ્ત છીએ તેવું રાહુલ ગાંધીએ ટૂંકમાં કહ્યું. જોકે કોંગ્રેસનો એક સૌથી મોટો ગુણ કયો તેનો લાંબો જવાબ આપ્યો હતો કે પક્ષ લોકોની વાત સાંભળે છે. સૌની વાત સાંભળે છે. કોંગ્રેસમાં બધા નેતાઓ બોલતા હોય છે, તેને આપણે જૂથબંધી કહીએ છીએ, પણ કોંગ્રેસ તેને આંતરિક લોકશાહી કહે છે.
એ બધું ઠીક પણ આવડો મોટો રાજકીય મુદ્દો બન્યો હોય અને તે મુદ્દે જવાબ આપી શકાય તેમ આપણને લાગતું હોય તો પણ કોંગ્રેસ કેમ જવાબ નથી આપતી? આપણને લાગતું હશે કે જવાબ આપી શકાશે, પણ કોંગ્રેસના અસલી જાણકાર નેતાઓ જાણતા હશે કે જવાબ આપવા જતા સામા વધારે સવાલો પણ કદાચ થઈ શકે તેમ છે. મૂળ પોતાના મુદ્દાને વળગી રહેવાની વાત પણ હોય. લોકોને 72000 મળશે અને ન્યાય મળશે તેમાં પણ કદાચ રસ પડ્યો હોય. કદાચ નોકરી ના મળી હોય તેવા યુવાનોને અને પાક નિષ્ફળ જવાથી પાયમાલ થયેલા ખેડૂતોને પણ સુરક્ષાના મુદ્દાની નાહકની ચર્ચામાં રસ ના પણ હોય.
બહુ બધું હોઈ શકે છે. તમે પણ વિચારોને શું હોઈ શકે. તમે હોંશિયાર મતદાર અને નાગરિક છો. ગુજરાતી તરીકે મત પણ હવે આપી દીધો છે, ત્યારે તમે પણ થોડું વિચારોને તમારી રીતે….