લોકસભાના સેક્રેટરી જનરલ તરીકે કામ કરી ચૂકેલા પીડીટી અચેરી માને છે કે વિપક્ષના નેતાના પદ માટે મુખ્ય વિપક્ષી રાજકીય પક્ષ પાસે 10 ટકા બેઠકો હોવી જરૂરી નથી. સૌથી વધુ બેઠકો જેની પાસે હોય તે વિપક્ષી પક્ષના નેતાને મુખ્ય વિપક્ષી નેતાનું પદ આપી શકાય છે એમ તેઓ કહે છે. કારણ એ કે બંધારણ કે કાયદામાં ક્યાંય 10 ટકા બેઠકો જરૂરી હોવાની વાત કરવામાં આવી નથી. તો પછી શા માટે 10 ટકા બેઠકો હોવાની વાત થાય છે?
અચેરીએ હાલમાં જ એક લેખ લખીને જણાવ્યું છે કે આવું થવાનું કારણ લોકસભામાં ઊભી થયેલી પરંપરા છે. તેનું ખોટું અર્થઘટન કરીને 10 ટકાનો નિયમ હોવાનું સૌએ સ્વીકાર્યું છે, જ્યારે કાયદા કે બંધારણમાં ઓછામાં ઓછી 10 ટકા બેઠકો હોવાનો કોઈ ઉલ્લેખ નથી. વિપક્ષના નેતાની નિમણૂક માટેની કલમો કઈ છે તે પણ અચેરીએ પોતાના લેખમાં ટાંકી છે. આ અંગેનો નિયમ હકિકતમાં ઘણો મોડો બન્યો હતો. સેલેરીઝ એન્ડ એલાવન્સીઝ ઓફ લીડર્સ ઓફ ઓપોઝિશન ઇન પાર્લામેન્ટ એક્ટ, 1077માં વિપક્ષના નેતાપદની વ્યાખ્યા આપવામાં આવી છે.
2. વ્યાખ્યા – આ કાયદા અન્વયે, બંને ગૃહમાં ‘વિપક્ષના નેતા’ એટલે રાજ્ય સભા અથવા લોક સભાના એવા સભ્ય કે જેઓ, જે તે સમયે, સરકારના વિપક્ષમાં રહેલા, સંખ્યાબળની દૃષ્ટિએ સૌથી વધુ સભ્યો ધરાવતા રાજકીય પક્ષના નેતા હોય અને નેતા હોવાની વાત રાજ્યસભાના અધ્યક્ષ અથવા લોકસભાના સ્પીકર, જ્યાં જરૂર હોય ત્યાં, સ્વીકારતા હોય.
સમજૂતિ – જો રાજ્યસભામાં અથવા લોકસભામાં સરકારના વિરોધમાં એક સરખું સંખ્યાબળ ધરાવતા એકથી વધારે રાજકીય પક્ષો હોય તો રાજ્યસભાના અધ્યક્ષ અથવા લોકસભાના સ્પીકર જરૂર પ્રમાણે, રાજકીય પક્ષોનો દરજ્જો જોઈને, જુદા જુદા પક્ષોના નેતાઓમાંથી કોઈ એકને આ કલમ હેઠળ પસંદ કરી શકે છે અને આવી પસંદ આખરી અને બંધનકર્તા ગણાશે.
આ રીતે 1977ના કાયદાની કલમ પ્રમાણે ક્યાંય દસ ટકા સભ્યો હોવા જોઈએ તેવી વાત નથી. સૌથી મોટો વિપક્ષી રાજકીય પક્ષ હોય તેના નેતાને, તે રાજ્યસભામાં હોય કે લોકસભામાં, વિપક્ષના નેતા તરીકે માન્ય કરી શકાય છે. રાજ્યસભાના અધ્યક્ષ અને લોકસભાના સ્પીકરને આવી પસંદગી કરવા માટેનો અધિકાર અપાયો છે. ગયા વખતે કોંગ્રેસને માત્ર 44 બેઠકો મળી હતી તેથી સત્તાવાર રીતે તેને વિપક્ષનો હોદ્દો પણ નહિ મળે તેવી ચર્ચા ચાલી હતી. તે પછી જોકે કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેને વિપક્ષના નેતા તરીકે બિનસત્તાવાર રીતે સ્વીકારાયા હતા. છેલ્લે સીબીઆઈના વડાની નિમણૂક વખતે વડાપ્રધાન, ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ અને ત્રીજા સભ્ય તરીકે ખડગેને બેઠકમાં હાજર રહેવા જણાવાયું હતું. સત્તાવાર રીતે અગાઉ પણ વિપક્ષના નેતાનું પદ ખાલી રહ્યું હતું. આ વાત 1977ના કાયદાની પહેલાની છે. આઝાદી પછી કોંગ્રેસનું જબરદસ્ત વર્ચસ્વ હોવાથી વિપક્ષમાં કોઈ ખાસ મોટો પક્ષ નહોતો. તેથી 1969 સુધી સત્તાવાર રીતે કોઈને વિપક્ષના નેતા બનાવાયા નહોતા. આ ઉપરાંત 1980થી 1989 સુધી કોંગ્રેસનું શાસન જબરી બહુમતી સાથે આવ્યું ત્યારે પણ કોઈને સત્તાવાર રીતે વિપક્ષના નેતા ગણાવાયા નહોતા. તેથી કોંગ્રેસ 2014માં નૈતિકના મુદ્દે પોતાને વિપક્ષનો હોદ્દો મળે તેવી માગણી કરવાની સ્થિતિમાં નહોતી.
અચેરીએ પોતાના લેખમાં એવું પણ જણાવ્યું છે કે કઈ રીતે 10 ટકા સભ્યો હોવા જોઈએ તે વાત પરંપરામાં આવી ગઈ હતી. આ પરંપરા 1977ના કાયદાની પહેલાં શરૂ થઈ હતી અને પ્રથમ સંસદની રચનાથી થઈ હતી.
આઝાદી પહેલાં પણ ભારતમાં ચૂંટણીઓ થવા લાગી હતી. પ્રાંતીય સરકારો બની હતી અને સંસદ પણ બની હતી. બંધારણ ઘડવા માટે બંધારણ સભા બની હતી. ત્રણ વર્ષ સુધી કાર્યવાહી ચાલી તે પછી 1950થી ભારત પ્રજાસત્તાક બન્યું અને 1952માં ભારતીય બંધારણના નેજા હેઠળ પ્રથમ ચૂંટણી થઈ. પરંતુ એ પ્રથમ ચૂંટણી થઈ તે પહેલાં સંસદમાં જે પક્ષો હતા તેની બેઠક વ્યવસ્થા માટે સ્પીકરે વિચારવું પડે તેમ હતું. તેથી તે વખતના સ્પીકરે જુદા જુદા રાજકીય પક્ષોના અથવા ‘જૂથો’ સંસદીય દળોને સંસદીય પક્ષો ગણવાનું શરૂ કર્યું હતું.
બેઠક વ્યવસ્થા ફાળવવા ઉપરાંત સંસદ ભવનમાં કોને કેટલા કમરા ફાળવવા, ચર્ચા દરમિયાન કોને કેટલો સમય ફાળવવો તે પણ સ્પીકરે નક્કી કરવાનું હતું. તેથી સ્પીકરે સ્પષ્ટપણે રાજકીય પક્ષ હોય તેને રાજકીય પક્ષ ગણવાનું શરૂ કર્યું હતું. કેટલાક સંસદસભ્યો એકબીજા સાથે જોડાયેલા હતા, પણ તેમની કોઈ સ્પષ્ટ પાર્ટી નહોતી. એવા સભ્યોના જૂથને એક ગણીને તે જૂથને સંસદીય પક્ષ ગણવાનું શરૂ કર્યું હતું. રાજકીય પક્ષ તરીકે માન્યતા આપવા માટે આવા કોઈ જૂથ પાસે ઓછામાં ઓછા 10 ટકા સભ્યો હોવા જોઈએ એવું સ્પીકરે નક્કી કર્યું હતું. 10 ટકા કરતાં પણ ઓછા સભ્યો હોય તેવા જૂથ કે રાજકીય પક્ષને માત્ર જૂથ તરીકે ગણવામાં આવ્યા. આ પ્રકારના નિયમો સ્પીકરે નક્કી કર્યા હતા, પણ તેમાં ક્યાંય વિપક્ષના નેતાનો સ્પષ્ટપણે ઉલ્લેખ કરાયો નહોતો. તે વખતની સ્થિતિ પ્રમાણે કોંગ્રેસ સિવાય કોઈ પક્ષ પાસે 10 ટકા કરતાં વધારે બેઠકો નહોતી. તેથી તે કોઈ પક્ષ કે જૂથને સંસદમાં સંસદીય રાજકીય પક્ષ તરીકે માન્યતા સ્પીકર તરફથી મળી નહોતી. સંસદીય પક્ષ તરીકે માન્યતા જ ના મળતી હોવાથી તેના નેતાને માન્યતા આપવાનો સવાલ રહેતો નહોતો.
અચેરી માને છે કે આ માન્યતા ખોટી છે. જૂથને રાજકીય પક્ષ નહિ, પણ રાજકીય જૂથ ગણવાની જ વાત હતી. સૌથી મોટા રાજકીય જૂથના નેતાને વિપક્ષના નેતા ગણવા સામે વાંધો હોવાની જરૂર નહોતી. તે વખતથી જ કોઈને વિપક્ષના નેતાનો હોદ્દો આપવાની જરૂર હતી. બ્રિટનમાં આ પ્રથાને વધારે સારી રીતે પાળવામાં આવે છે. વિપક્ષના નેતાનું ત્યાં વધારે મૂલ્યા ગણાય છે. બ્રિટનના વિપક્ષના નેતા હકીકતમાં પોતાને ભાવી વડાપ્રધાન તરીકે જ જુએ છે. વર્તમાન સરકાર ગમે ત્યારે બહુમતી ગુમાવે ત્યારે સત્તા સંભાળવા માટેની તેમની તૈયારી હોય છે. તેથી જ બ્રિટનમાં શેડો મિનિસ્ટ્રી પણ હોય છે. વિપક્ષના નેતા પોતાની શેડો સરકાર એટલે કે પ્રતિકાત્મક સરકાર બનાવીને તૈયાર પણ રાખે છે.
ભારતે બ્રિટનની પદ્ધતિમાંથી ઘણા સિદ્ધાંતો લીધા પણ કેટલાક બાકી રહી ગયા છે. તેમાં વિપક્ષને મહત્ત્વ આપવાનું બાકી રહી ગયું છે. કોંગ્રેસ આજે 52 બેઠકો સાથે પણ વિપક્ષનો હોદ્દો માગી શકે તેમ નથી, કેમ કે ભૂતકાળમાં તેની સરકારોએ જ વિપક્ષી નેતાના હોદ્દાની પરવા કરી નહોતી. જોકે અચેરી માને છે કે આ પરંપાર 1977ના કાયદા પછી અર્થહિન બની ગઈ છે. 1977ના કાયદામાં સ્પષ્ટ છે કે રાજ્યસભા અથવા લોકસભામાં સરકારના વિરોધમાં હોય તેવા સૌથી મોટા રાજકીય પક્ષના નેતાને વિપક્ષના નેતાનો દરજ્જો આપવાનો રહે છે. વિરોધમાં રહેલા પક્ષ પાસે કેટલી સભ્યસંખ્યા છે તે જોવાનું રહેતું નથી. સ્પીકરે અહીં પોતાનો વિશેષાધિકાર પણ વાપરવાનો નથી. તેમણે સૌથી મોટા વિપક્ષના નેતાને વિપક્ષી નેતા તરીકે માન્ય કરવાના રહે છે. સંજોગોવશાત કોઈ બે વિપક્ષની સભ્યસંખ્યા એકસમાન થાય ત્યારે જ સ્પીકરે વિશેષાધિકાર વાપરીને બેમાંથી કોઈ એકના નેતાને પસંદ કરવાના છે.
આ વખતે આ દિશામાં કોંગ્રેસ અને અન્ય વિપક્ષો વિચારશે ખરા? કોંગ્રેસ હકીકતમાં પોતાના વિશે વિચારવામાં એટલી ગોટે ચડી છે કે તેને તંદુરસ્ત લોકતંત્ર અને તેની પ્રણાલીઓ વિશે વિચારવાનો સમય નહિ હોય. પણ નાગરિકોએ વિચારવું રહ્યું. નાગરિકોએ વિપક્ષની જરૂરિયાત વિશે વિચારવું રહ્યું. છવ્વીસમાથી છવ્વીસ એ રાજી થવા જેવી સ્થિતિ નથી. આ ઉપરાંત સમગ્ર ચૂંટણી પ્રક્રિયા વિશે, મતદાનની પદ્ધતિ વિશે, આચારસંહિતા વિશે, ઇલેક્ટોરલ બોન્ડ વિશે, પક્ષોને મળતા ભંડોળ વિશે, રાજકીય પક્ષોની આંતરિક લોકશાહી વિશે, ચૂંટણી દરમિયાન લાઇવ ટીવી પ્રસારણની અસરો વિશે… ઘણી બધી બાબતો વિશે વિચારવું જરૂરી બન્યું છે.