દીપાવલીના પાંચ દિવસના તહેવારનો બીજો દિવસ એટલે કાળી ચૌદસ. શાસ્ત્રોક્ત રીતે એનું મહત્વ એવું છે કે આ દિવસે સાંજના સમયે યમરાજાને દીપદાન કરવામાં આવે તો નર્કલોકથી બચી શકાય. ધાર્મિક માન્યતા પ્રમાણે આ દિવસે વડા બનાવી ચાર રસ્તા મળતા હોય એ ચોકમાં મૂકી, એની ફરતે પાણીનું કુંડાળું કરી કકળાટ કાઢીએ તો આખું વર્ષ કકળાટ વગર પસાર થાય.
આ તો થઇ શ્રદ્ધા-અંધશ્રદ્ધાની વાતો, પરંતુ ક્યારેય આપણે અલગ દ્રષ્ટિકોણથી એમ વિચાર્યું છે કે આ દિવસને કાળી ચૌદસ શા માટે કહેવાય છે? કૃષ્ણ પક્ષની ચૌદસ એટલે અમાસનો આગલો દિવસ. અમાસ એટલે જ અંધારું. તો પછી એનો આગલો દિવસ અંધારો જ હોય ને? આમ છતાં, તેને કાળી ચૌદસ કહે છે. એવું પણ બની શકે કે દરેક અમાસ તો અંધારી જ હોય છે, પરંતુ દીપાવલી એ પહેલી અને એકમાત્ર એવી અમાસ છે જે અજવાળી છે અને એટલે જ કદાચ આ અજવાળી અમાસના આગળના દિવસને કાળી ચૌદસ કહેતા હશે.
અંધારું એટલે શું? સૂરજ આથમી જવાની સ્થિતિ એ અંધારું છે. પરંતુ આ ચૌદસની કાળાશ અંધારાની નથી. એ તો છે અંધકારની કાળાશ. અંધારું એ કુદરતી-પ્રાકૃતિક સ્થિતિ છે, પરંતુ અંધકાર એ વૈચારિક સ્થિતિ છે. કાળી ચૌદસ એ અંધકારનું પ્રતીક છે. અંધારું થયા પછી બધું જ લગભગ ઝાંખું, અસ્પષ્ટ કે નહીવત્ દેખાતું હોય છે, પરંતુ એ જ અંધારામાં આપણને આપણી જાત સ્પષ્ટ દેખાય છે. આ અંધારામાં જાતને જોયા પછી જે અવગુણો, જે ખામીઓ આપણી સામે આવે છે એ છે આપણી ભીતરમાં વ્યાપેલો અંધકાર. એ અવગુણોને સુધારી લઈ બીજા દિવસના અજવાળા સાથે જાતને અજવાળવાનું આ પર્વ એટલે કાળી ચૌદસ.
ચૌદસ ભલે કાળી છે, પરંતુ એ ધનતેરસ અને દીપાવલી જેવા પ્રકાશના પર્વનો સંગ કરીને પોતાનું મહાત્મ્ય વધારી શકી છે. માણસ જાતને પણ આ નિયમ, આ દ્રષ્ટાંત લાગુ નથી પડતું? આપણે પણ આપણા વિચારો, વાણી અને વ્યવહારની ખામીઓ સુધારીને મનનો આ અંધકાર આવનારા પ્રકાશમાં ન ઓગાળી શકીએ? સારા મિત્રો, સારા સંબંધો, સારું વાંચન આ બધા જ આપણી આસપાસની ધનતેરસ અને દીપાવલી જેવા છે, જેના સંગે આપણે આપણા નકારાત્મક વિચારોની કાળી ચૌદસને દીપાવલીના અજવાસની હકારાત્મકતામાં ફેરવી શકીએ છીએ.
આપણાં સૌના વિચારોમાં ક્યાંકને ક્યાંક છૂપાયેલી નકારાત્મકતાની ચૌદસ આથમે અને હકારાત્મકતાના દીવડા ઝગમગે એવી જ કામના કરીએ.
(નીતા સોજીત્રા)