ઝારખંડ ચૂંટણીઃ મહારાષ્ટ્રની ઉથલપાથલની કેવી અસર થશે

હારાષ્ટ્રમાં એક મહિના કરતાં પણ વધુ સમય ચાલેલી રાજકીય ઉથલપાથલ હાલ પૂરતી શમી ગઈ છે. પરંતુ તેના પડઘા પડશે તે વાત નિશ્ચિત છે. મહારાષ્ટ્રમાં આગળ શું થશે અને ત્રણેય પક્ષોનું ત્રેખડ કેટલું ખેંચી શકશે તે સવાલો પ્રથમ દિવસથી પૂછાવા લાગ્યા છે. અજિત પવારે શપથવિધિના દિવસે પણ નખરાં કર્યાં. પોતાને ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવે તે માટે તેમણે ધમપછાડા કર્યાનું કહેવાય છે. તેઓ સવારે ગાયબ થઈ ગયા હતા અને બપોરે કાકાના ઘરે પ્રગટ થયા હતા. તે પછી એકલા જ ત્યાંથી જતા રહ્યા અને એકલા જ શિવાજી પાર્ક પહોંચ્યા હતા.
આંતરિક પડઘા કેવા પડશે તેના માટે થોડા મહિના રાહ જોવી પડશે, પણ રાષ્ટ્રીય સ્તરે શું અસર થાય છે તેનો અણસાર એકાદ મહિનામાં જ મળી જશે. ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે તેના પર કેવી અસર તેવી ચર્ચા કરવી જરૂરી છે સાથે જ કર્ણાટકમાં 15 બેઠકોની ચૂંટણીઓ યોજાઈ રહી છે, તેના પર પણ સૌની નજર રહેશે. કર્ણાટકમાં ખાસ કરીને પક્ષપલટુઓને ભાજપે ટિકિટ આપી છે, તેથી તેના પરિણામો અગત્યના રહેશે. મહારાષ્ટ્રમાં પણ કર્ણાટક પેટર્ન પ્રમાણે જ અજિત પવાર અને ધારાસભ્યોને ફોડી નાખવાની કોશિશ થઈ હતી.

ઝારખંડ અને મહારાષ્ટ્ર વચ્ચે કોઈ સીધો સંબંધ નથી, પણ અમુક રાજકીય ઘટનાઓનું સામ્ય ધ્યાન ખેંચે છે. 2014માં બંને રાજ્યોમાં ભાજપની સરકાર બની હતી, પણ તે માટે ટેકો લેવો પડ્યો હતો. મહારાષ્ટ્રમાં શિવસેનાનો ટેકો, જ્યારે ઝારખંડમાં ઑલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન (આજસુ)નો ટેકો લેવો પડ્યો હતો. આજસુ પ્રાદેશિક પક્ષ છે અને એ રીતે અગત્યનો પક્ષ બન્યો છે કે તે મહાતો કુર્મી અને કુર્મી મતોનું કોમ્બિનેશન કરી રહ્યો છે. જેએમએમ મુખ્યત્વે આદિવાસી મતો પર આધાર રાખે છે, જ્યારે ભાજપ પણ કુર્મી સહિતના ઓબીસી અને બિનઅનામત વર્ગો પર આધાર રાખે છે. મહારાષ્ટ્રમાં થયું હતું તે પ્રમાણે આજસુએ ઝારખંડમાં આ વખતે વધારે બેઠકો માગી હતી. 2014માં આજસુ 8 બેઠકો પર લડ્યો હતો અને પાંચમાં જીત્યો હતો. ભાજપને 37 બેઠકો મળી હતી. બંનેના ગઠબંધનના કારણે જ બહુમતી માટે જરૂરી 41નો આંકડો પાર કરીને સરકાર બનાવી હતી. આ વખતે આજસુએ 20 સુધીની બેઠકો માગી હતી, જ્યારે ભાજપ 10થી વધુ બેઠકો આપવા તૈયાર નહોતો.

મહારાષ્ટ્રમાં શિવસેનાને ફિફ્ટિ-ફિફ્ટિ એટલે કે 144 બેઠકો માગી હતી, પણ ભાજપે કસીને 124 આપી હતી. શિવસેનાએ સમસમીને સ્વીકારી લીધી હતી, પણ પરિણામો પછી રોન કાઢી હતી. કદાચ તે સ્થિતિને ધ્યાનમાં રાખીને જ ભાજપે આજસુને વધારે બેઠકો આપવાના બદલે ગઠબંધન તોડી નાખવાનું પસંદ કર્યું. સેનાને 124 બેઠકો અપાઈ તે પણ વધારે હતી અને ભાજપ વધારે બેઠકો પર લડ્યું હોત તો વધારે બેઠકો મળી હોત તેમ ભાજપના મોવડીઓને લાગે છે.

 

તેથી આજસુ સામે 15 બેઠકો પર સીધો મુકાબલો થાય તે જોખમ લઈને ભાજપ લડી રહ્યું છે. જોકે મહારાષ્ટ્રમાં થયું તેનાથી ઉલટું ઝારખંડમાં ચૂંટણીના પરિણામો પછી થઈ શકે છે. પરિણામો પછી પરિસ્થિતિ પ્રમાણે બંને પક્ષો ફરી ભેગા થઈ જશે તેમ લાગે છે. બંને પક્ષોએ સંબંધો તૂટે નહિ તેનો ખ્યાલ રાખ્યો છે – ભાજપે આજસુના નેતા સુદેશ મહાતો સામે ઉમેદવાર ઊભો રાખ્યો નથી, આજસુએ મુખ્યપ્રધાન રઘુબરદાસ સામે જમદેશપુર પૂર્વમાં ઉમેદવાર ઊભો રાખ્યો નથી. જોકે ભાજપના અગત્યના નેતા સરયુ રાયે બળવો ખરીને જમદેશપુર પૂર્વમાં ઉમેદવારી કરી છે, તેને આજસુનો ટેકો હોવાનું કહેવાય છે. આ બેઠક પરથી જેડી(યુ)એ પણ પોતાનો ઉમેદવાર ખસેડી લીધો છે, જેથી સરયુ રાયને ટેકો આપી શકાય. આ બેઠક પરથી ભાજપના મુખ્યપ્રધાન રઘુબરદાસ 1995થી પાંચમી વાર જીત્યા છે, પણ હવે તેમની સામે મોરચો મંડાયો છે, તેથી તેઓ બીજી બેઠક પર પણ ઉમેદવારી કરી શકે છે.

મહારાષ્ટ્રમાં જે રીતે એનસીપી અને કોંગ્રેસમાંથી નેતાઓને ઊંચકીને ભાજપમાં લઈ આવવામાં આવ્યા હતા, તેવું ઝારખંડમાં પણ થયું છે. ગયા મહિને જ કોંગ્રેસના બે, જેએમએમના બે અને એક અપક્ષ એમ પાંચ ધારાસભ્યો ભાજપમાં જોડાયા. બીજા રાજ્યોની જેમ ઝારખંડમાં પણ હવે ભાજપમાં આ બાબતે આંતરિક અસંતોષ વધી રહ્યો છે. 2015માં પણ ઝારખંડ વિકાસ મોરચાના આઠમાંથી 6 ધારાસભ્યોને તોડી નખાયા હતા અને તેમને ભાજપમાં ભેળવી દેવાયા હતા. ટિકિટ વહેંચણી વખતે આ અસંતોષ દેખાયો છે. અત્યારે રાય પક્ષ છોડીને ગયા છે, આગળના તબક્કે બીજા કેટલા નારાજ ભાજપના નેતાઓ અપક્ષ તરીકે ઝૂકાવે છે તે જોવાનું રહેશે.

મહારાષ્ટ્રમાં મરાઠાને બાજુએ રાખીને બ્રાહ્મણ ફડણવીસને મુખ્યપ્રધાન બનાવાયા હતા. ઝારખંડમાં પણ બિનઆદિવાસી રઘુબરદાસને મુખ્યપ્રધાન બનાવાયા હતા. જોકે પાંચ વર્ષ સુધી પ્રથમ વાર સ્થિર સરકાર ચાલી, તેથી ભાજપને ફાયદો થયો કહેવાય, પણ આદિવાસી મતોમાં અસંતોષ ઊભો કરવાની કોશિશ થઈ રહી છે.
મહારાષ્ટ્રમાં 2014માં એનસીપી અને કોંગ્રેસ અલગ અલગ લડ્યા હતા. ભાજપ અને શિવસેના પણ અલગ લડ્યા હતા, પણ લોકસભાના પરિણામની અસરમાં ભાજપને ખાસ મુશ્કેલી નડી નહોતી, પણ એનસીપી અને કોંગ્રેસને નુકસાન થયું હતું. ઝારખંડમાં પણ 2014માં જેએમએમ, કોંગ્રેસ અલગ લડ્યા હતા. હવે 2019માં મહારાષ્ટ્રમાં એનસીપી અને કોંગ્રેસ બંને ભેગા લડ્યા તે રીતે ઝારખંડમાં પણ જેએમએમ, કોંગ્રેસ અને આરજેડી સાથે લડી રહ્યા છે. મહારાષ્ટ્રથી ઉલટું આજસુ હવે ભાજપથી અલગ થઈને લડી રહ્યો છે. ચૂંટણી પહેલાં જ ત્રણ પક્ષો ભેગા થયા છે તેથી તેમને ફાયદો થવાની આશા છે.

પ્રાથમિક સર્વે આવ્યા છે, તેમાં પણ આવો અંદાજ છે. ભાજપને ગયા વખતે 37 મળી હતી, તેની જગ્યાએ 33, જ્યારે ગઠબંધનને 30 સુધીની બેઠકો મળી શકે છે. આ સંજોગોમાં મહારાષ્ટ્રની જેમ જ ઝારખંડમાં પણ ચૂંટણી પછી નવેસરથી ગઠબંધનો ગોઠવવા પડશે. આજસુ ફરીથી ભાજપ સાથે બેસી જાય તેવું બને, પણ મહારાષ્ટ્રનો પ્રયોગ જોયા પછી તેને સબળા ભાજપ કરતાં નબળાં ગઠબંધનના પક્ષો સાથે જોડાવાનું ફાવે કે કેમ તે પણ જોવાનું રહેશે.
મહારાષ્ટ્રમાં શિવસેનાએ વિચાર્યું કે પોતાનું અસ્તિત્ત્વ ટકાવી રાખવા માટે ભાજપ સામે પડવું પડશે. એ જ રીતે આજસુ વિચારે કે કુર્મી મતો ભાજપ તરફ વધુ ના ઢળે તે માટે ભાજપ સામે પડવું પડશે તો મહારાષ્ટ્ર જેવું ચિત્ર ઉપસી શકે.

બીજું આ વખતે હજીય બાબુલાલ મરાન્ડીનો પક્ષ ઝારખંડ વિકાસ મોરચો અલગ લડી રહ્યો છે. ગયા વખતે ભાજપે તેને તોડી નાખ્યો. તેના 8માંથી 6 ધારાસભ્યો લઈને સત્તાવાર રીતે, પક્ષપલટાના નિયમની બહાર વિભાજન કરાવ્યું હતું. તે પછી ફરી મરાન્ડી મહેનત કરી રહ્યા છે. તેઓ ફરીથી વધારે બેઠકો મેળવી શકે છે અને શરદ પવારે કર્યું તે પ્રમાણે પોતાના પક્ષમાંથી બળવો કરીને ગયેલાને હરાવી શકે છે કે કેમ તે જોવાનું રહ્યું. પરિણામો પછી કદાચ મરાન્ડી પાસે કેટલા સભ્યો છે તે પણ અગત્યનું બનશે.

શું થાય છે તે જોવા માટે એક મહિનાની રાહ જોવી પડશે, પણ જો અસ્પષ્ટ પરિણામો આવ્યા તો મહારાષ્ટ્રની માફક ખેંચતાણ થશે. રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ પણ ઝારખંડમાં રસ લેશે. ભાજપ જે રીતે મોટાભા થઈને નાના પક્ષોને નુકસાન કરી રહ્યો છે તેનો ડર બતાવાશે. કર્ણાટક અને મહારાષ્ટ્રની જેમ ભાજપને સત્તાથી દૂર રાખવા માટે બધા પક્ષોને ભેગા કરવા કોશિશ થશે. કદાચ વિપક્ષોની સરકાર બની પણ જાય, પણ પછી કર્ણાટકમાં આખરે થયું તેમ ફરી ભાજપ જ આવશે, મહારાષ્ટ્રમાં પણ આખરે ભાજપ જ આવશે અને ઝારખંડમાં પણ આખરે ભાજપ જ આવશે – કે નહિ આવે તે માટે રાબેતા મુજબ રાહ જુઓ.