અમરનાથની યાત્રામાં ગુજરાતીઓ મોટી સંખ્યામાં જાય છે. રક્ષાબંધનના દિવસ સુધી યાત્રા ચાલતી હોય છે. ઘણાં યાત્રાળુઓ શ્રાવણના તહેવારોમાં જવા નીકળે છે. ગયા અઠવાડિયે ગુજરાતમાંથી ઘણા યાત્રાળુઓ કાશ્મીર જવા નીકળી રહ્યાં હતાં. હજી પણ ઘણાંં એવા છે, માહિતી યુગમાં, કે માહિતીથી પર હોય. એક મોટું જૂથ અમરનાથ જવા ટ્રેનમાં બેસીને અમદાવાદથી આગળ નીકળી ગયું. ત્યાર પછી કોઈએ ખબર આપ્યાં કે અમરનાથની યાત્રા તો સરકારે બંધ કરી દીધી છે. નિરાશ થયેલાં ગુજરાતીઓનું ટોળું રસ્તામાં ઉતરી ગયું અને બળાપો કાઢ્યો કે એવું તો શું થયું છે કાશ્મીરમાં. અમરનાથની ગુફા સુધી પગપાળા જઈને દર્શન કરવા પહોંચી ગયેલાં હજારો યાત્રીઓને પણ કહી દેવાયું કે પરત ફરો. અમરનાથની ગુફાને તાળાં લાગી ગયાં – ગુફાને દરવાજા નથી એટલે તાળા ન લાગે, પણ યાત્રા અટકાવી દેવાઈ.
બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, વિમાન સ્ટેશન, ટેક્સી સ્ટેશન પર ભારે ભીડ જમા થઈ હતી. સૌ કોઈ ઝડપથી પરત ફરવા માગતાં હતાં, કેમ કે કાશ્મીર મેં ક્યા હો રહા હૈ તેનો કોઈ જવાબ મળતો નહોતો. જવાબ અચાનક સોમવારે મળી ગયો. વહેલી સવારથી હલચલ શરૂ થઈ ગઈ હતી. અમિત શાહ નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યાં. કાનૂન પ્રધાનને બોલાવી લેવાયાં. ત્યારબાદ કેબિનેટની બેઠક પણ વડાપ્રધાનના નિવાસસ્થાને જ મળી. કાશ્મીરમાં મોટા પાયે ફેરફારો થઈ રહ્યાંં છે તે સ્પષ્ટ થઈ ગયું. કલમ 35એ ફગાવી દેશે હવે તો… સૌને લાગ્યું, કેમ કે કાનૂન પ્રધાનને બોલાવાયા હતા. પરંતુ રાજ્યસભામાં ગૃહ પ્રધાન અમિત શાહ બોલવા ઊભાં થયાં અને તેમને જાહેરાત કરી કે રાષ્ટ્રપતિના આદેશ મારફતે બંધારણની કલમ 370ની, એકને છોડીને, બધી જ જોગવાઈઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે છે. અને હંગામો મચી ગયો. સાથે જ બીજો ખરડો પણ આવ્યો કે જમ્મુ કાશ્મીર રાજ્યની નવરચના કરવી – બે ટુકડા કરવા. બંને કેન્દ્રશાસિત પ્રદેશો. લડાખ અલગ પ્રદેશ બનશે, કેન્દ્રશાસિત રહેશે અને ત્યાં વિધાનસભા નહીં હોય. જમ્મુ અને કાશ્મીરનો બચેલો હિસ્સો પણ હવે કેન્દ્રશાસિત રહેશે, તેમાં વિધાનસભા હશે, તેનું ડિલિમિટેશન થશે અને સાત બેઠકો વધશે. આ બીજો મોટો ધડાકો હતો. મોદી સરકારે એક સાથે અનેક કામ પાર પાડી દીધાં. કલમ 35એ પણ આની સાથે જ રદ થઈ.
હવે જવાબો મળી ગયાં પણ આશ્ચર્ય એ થયું કે આ થયું કેવી રીતે. આટલી ઝડપથી અને આટલી સહેલાઈથી કઈ રીતે સરકાર નિર્ણય કરી શકે અને કઈ રીતે તેને બંધારણ, સંસદ અને કાનૂનના પરિઘમાં પાસ કરાવી શકશે.
સામસામી દલીલો ચાલી રહી છે એટલે હજી ઘણા અર્થઘટનો આવશે, પણ તાત્કાલિક કેટલીક વાતો સમજમાં આવી છે તે સમજી લેવા જેવી છે.
કશ્મીર મેં ક્યાં હુવા?
કશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી બંધારણની કલમની એકને છોડીને તમામ જોગવાઈઓ રદ કરી દેવામાં આવી છે. કલમ હજી ઊભી જ છે. કલમ 370ની જોગવાઈ (3) મુજબ રાષ્ટ્રપતિ હુકમ કરીને આ કલમની બાકીની બધી જોગવાઈઓ અને કલમ પણ રદ કરી શકે. તેથી રાષ્ટ્રપતિનો હુકમ થઈ ગયો. બીજું બંધારણની કલમ 35એ અલગથી ઉમેરાઈ હતી. તેને રાષ્ટ્રપતિના હુકમથી ઉમેરાઈ હતી. તેને સીધી જ બંધારણના અનુચ્છેદમાં ઉમેરી દેવામાં આવી હતી. તે વખતે પણ રાષ્ટ્રપતિનો હુકમ થયો હતો, આ વખતે પણ થયો – 2019ના રાષ્ટ્રપતિના હુકમથી 1954નો રાષ્ટ્રપતિનો હુકમ રદ કરી દેવાયો. ત્રીજું કામ થયું રાજ્યની પુનઃરચનાનું. બે ટુકડા કરવામાં આવ્યાં. લડાખ અલગ. બંને પ્રદેશો હવે કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરાયાં – લડાખમાં વિધાનસભા નહી, પણ જેએન્ડકેમાં વિધાનસભા કરી. તે માટેનો રાજ્ય પુનઃરચનાનો ખરડો પણ દાખલ કરવામાં આવ્યો. ડિલિમેટેશન કરીને સાત બેઠકો પણ વધારવાનું નક્કી થયું.
કૈસે હુવા?
રાષ્ટ્રપતિનો હુકમ મેળવી લેવાયો, કેમ કે રાષ્ટ્રપતિ કેન્દ્રના પ્રધાનમંડળની ભલામણ પ્રમાણે કામ કરવા માટે બંધાયેલા છે. વડાપ્રધાનના નિવાસસ્થાને સોમવારે સવારે તાકીદની પ્રધાનમંડળની બેઠક મળી હતી. તેમાં જમ્મુ અને કાશ્મીર માટે લેવાયેલા નિર્ણયોને મંજૂર કરાયાં હતાં અને રાષ્ટ્રપતિની સહી માટે મોકલી દેવાયાં હતાં. અહીં એક બંધારણની કલમ 370ની જોગવાઈ (3)માં આગળ એક શરત હતી અથવા છે. શરત એ કે રાષ્ટ્રપતિ જે હુકમ કરે તેને જમ્મુ અને કશ્મીરની બંધારણીય સભાએ મંજૂરી આપવી પડે. આ મંજૂરી ક્યાંથી આવી? જમ્મુ અને કશ્મીરની બંધારણીય સભા હાલમાં છે જ નહીં. કશ્મીરનું બંધારણ ઘડવા માટે તેની રચના થઈ હતી. તે ઘડેલું બંધારણ માન્ય થઈ ગયું અને કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ તે પછી 1956માં તેને સમાપ્ત કરી દેવામાં આવી. તેને અનિશ્ચિત મુદત માટે સ્થગિત નહોતી કરવામાં આવી, પણ સમાપ્ત કરી દેવામાં આવી હતી એવું અર્થઘટન નિષ્ણાતોએ કર્યું છે. તેથી એ સભા તો છે નહીં.
તેની જગ્યાએ આગલા દાયકાઓમાં જમ્મુ અને કશ્મીર વિધાનસભા કામ કરતી હતી. જ્યારે જરૂર પડી ત્યારે જમ્મુ અને કશ્મીર વિધાનસભાએ ખરડા પસાર કર્યા અને ભારતીય બંધારણના સુધારા વધારા અને બીજા નિયમોને રાજ્યમાં લાગુ પાડવાનું કામ ચાલુ કર્યું હતું. અમિત શાહે બે દાખલા પણ આપ્યાં છે કે કોંગ્રેસે કઈ રીતે ભૂતકાળમાં આ જ રીતે બે નિયમો લાગુ કરી દીધાં હતાં. હવે અહીં પેચીદો મામલો ઊભો થયો છે. હાલમાં કલમ 356 હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાગેલું હોવાથી વિધાનસભા પણ ઉપસ્થિત નથી. પરંતુ કલમ 356 હેઠળ વિધાનસભા ઉપસ્થિત ન હોય ત્યારે તેનું સ્થાન અને કાર્ય કેન્દ્રની સંસદ લઈ શકે છે. તેથી જમ્મુ અને કશ્મીરની વિધાનસભાએ જે કાર્ય કરવાનું છે તે કાર્ય હવે સંસદે કરીને રાષ્ટ્રપતિએ બહાર પાડેલા હુકમને માન્ય કરી દેવાનું છે.
મોદી સરકારની બહુમતી હોવાથી તે થઈ શકશે. રાજ્યસભામાં પ્રથમ બિલ રજૂ કરવામાં આવ્યું, કેમ કે સ્પષ્ટ બહુમતી રાજ્યસભામાં જ નથી. પરંતુ બીએસપી, બીજેડી, વાયએસઆર કોંગ્રેસ સહિતના પક્ષોએ પણ ટેકો આપ્યો એટલે ત્યાં પણ બહુમતી થઈ ગઈ. વિરોધમાં કોંગ્રેસ, પીડીપી જેવા થોડા પક્ષો જ રહ્યા. કોંગ્રેસમાં પણ એક સભ્યે રાજીનામું આપી દીધું અને વિરોધ કર્યો. આ રીતે કામ થઈ ગયું. પણ ભાજપે આવું શા માટે ક્યું?
ક્યું હુવા?
ભાજપના ટેકેદારોમાં, ભાજપના મતદારોમાં અને તે સિવાયના પણ મોટા વર્ગમાં, દેશભરમાં આ નિર્ણયને વધાવી લેવાયો હતો તેનાથી ખ્યાલ આવી જાય કે ભાજપે આવું શા માટે કર્યું. ભાજપનો આ પાયાનો મુદ્દો રહ્યો છે. આ મુદ્દે ભાજપને સતત સમર્થન મળતું આવ્યું હતું. ભાજપ જ નહી, મૂળ અવતાર જનસંઘ હતો તેનો પણ આ મૂળભૂત મુદ્દો હતો. કોંગ્રેસ અને હિન્દુ મહાસભા છોડીને શ્યામાપ્રસાદ મુખરજી સંઘ પરિવાર સાથે જોડાયાં. તેમણે જનસંઘની સ્થાપના કરી ત્યારે તેમના માટે પણ આ જ મુદ્દો મહત્ત્વનો હતો. તેમણે નહેરુને ત્યારે જ જોરદાર વિરોધ કરેલો. કાશ્મીર જઈને, શ્રીનગર જઈને આ કલમનો જોરદાર વિરોધ કરેલો. બીજું, ભાજપને વ્યાપક સમર્થન મળ્યું તેનું કારણ એ કે કાશ્મીરના મુદ્દાને આગળ કરીને જ આ દેશમાં લઘુમતી તુષ્ટિકરણનું રાજકારણ શરૂ થયું હતું. નહેરુ પોતાના રાજ્યના લોકોને, પંડિતોને રાજી રાખવા કરતાંય, શેખ અબ્દુલ્લાને અને મુસ્લિમોને રાજી રાખવા માટે વધારે તત્પર હતાં. આઝાદી પછી સ્થિતિ નાજૂક હતી અને તેના કારણે સૌને સાથે રાખવાની નીતિ યોગ્ય ગણી શકાય, પણ પછીના દાયકે પણ તે સ્થિતિ ચાલતી રહી.
કાશ્મીરના વિશેષાધિકારોનું અમે રક્ષણ કરીએ છે એમ કહીને કોંગ્રેસ પછીના દાયકામાં મુસ્લિમોને એમ કહેતી રહી હતી કે અમે જ તમારા અધિકારોનું રક્ષણ કરી શકીશું. આઝાદી પછી સૌના અધિકારોનું રક્ષણ, સૌને સમાન તક, સૌને સમાન દરજ્જો, સૌ માટે સમાન નાગરિક કાયદાને બદલે આપણે કંઈક જુદી દિશામાં અને વૉટબેન્કની રાજનીતિ તરફ જતાં રહ્યાં, તેના મૂળમાં કાશ્મીરનો મુદ્દો હતો. કેમ કે અહીં મુસ્લિમ બહુમતી હતી એટલે થાભડભાણાં કરવાં એ નીતિ કેટલાક દાયકા કોંગ્રેસને ફળી, પણ આખરે એ જ તેને નડી છે. તેની સામે બહુમતીની વૉટબેન્કનું રાજકારણ રમવાની તક પણ જનસંઘ-ભાજપને મળી અને આખરે તેને તે રાજનીતિ ફળી.
2014 પછી સરેરાશ શાસન પછી, નોટબંધી જેવી કમરતોડ ભૂલ પછી, જીએસટીના ખામી ભરેલા અમલ પછી, બેરોજગારી અને કૃષિમાં સંકટ પછીય પાકિસ્તાન સામે પગલાં લેવાની વાત આવી ત્યારે જોરદાર ઘા થયો. પ્રથમવાર પાકિસ્તાની સરહદમાં એક બોમ્બ નાખ્યો. એક તો એક પણ બોમ્બ નાખ્યો, તે આ દેશના લોકોને ગમી ગયો. 2019માં વધારે જનસમર્થન મળ્યું, વધારે બેઠકો મળી એ પછી ભાજપે પોતાના મૂળ કાર્યકમો, પોતાના ટેકેદારો અને મતદારોના મનમાં રહેલા મુદ્દામાં ઝડપ કરવી જરૂરી હતી અને એટલે આ કામ અમિત શાહે ગૃહ પ્રધાન બન્યાં પછી ઝડપથી પાર પાડ્યું છે.