મોદી-શાહનું બાહોશીભર્યુ કામઃ જમ્મુ કશ્મીરમાં હવે થશે આ 11 ફેરફાર…

નવી દિલ્હીઃ જમ્મુ કશ્મીરમાં છેલ્લાં પંદર દિવસથી ભારે હલચલ હતી, આમ જોવા જઈએ તો મોદી સરકાર સ્પષ્ટ બહુમતી સાથે જીતીને આવી અને અમિત શાહ ગૃહપ્રધાન બન્યાં તે પછી કશ્મીર મુદ્દો હાથ પર લેવાયો હતો. બંધારણ નિષ્ણાતોના સલાહસૂચન અને કાયદાકીય જોગવાઈઓનો અભ્યાસ કર્યા પછી કલમ 370 અને 35 એ હટાવવાનો તખતો તૈયાર થઈ ગયો હતો. માત્ર સમયની રાહ જોવાતી હતી. આજે 5 ઓગસ્ટ, 2019નો દિવસ ઐતિહાસિક બની ગયો છે. આમ તો ઓગસ્ટ મહિનો ક્રાતિકારી છે, ક્રાતિ વિષયક નિર્ણયો ઓગસ્ટ મહિનામાં જ લેવાય છે. તે જ રીતે 5 ઓગસ્ટને સોમવારે સવારે સંસદ શરૂ થાય તે પહેલાં કેબિનટની બેઠક મળી અને તેમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો. ગૃહપ્રધાન અમિત શાહે રાજ્યસભામાં 11 વાગ્યે જમ્મુ કશ્મીરમાંથી 370 રદ કરવાનો સંકલ્પ જાહેર કર્યો હતો.

 

અમિત શાહે રાજ્યસભામાં ચાર બિલ રજૂ કર્યા, ત્યારે વિરોધપક્ષોએ ભારે હોબાળો મચાવ્યો હતો. કશ્મીરમાં છેલ્લા પાંચ દિવસથી ભારેલા અગ્નિ જેવી સ્થિતી છે, સેનાનો ખડકલો કેમ કર્યો છે, મહેબૂબા મુફતી અને ઓમર અબ્દુલા જેવા રાજકીય નેતાઓને નજર કેદ કર્યા છે, મસ્જિદ-મદરેસાઓના એડ્રેસ અને સંખ્યાની નોંધ લેવાઈ છે. સંવદેનશીલ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન કરાયું, કશ્મીરમાં કઈંક નવાજૂની થશે, તે ગભરાટ વચ્ચે જમ્મુ કશ્મીરના લોકોમાં ભારે ભયનો માહોલ હતો. પણ કોઈ કશું બોલવા તૈયાર ન હતું. કેન્દ્રીય ટીમે ચુપચાપ રીતે 370 કલમ હટાવવા માટેનું ઓપરેશન પાર પાડ્યું.

 

જમ્મુ ક્શમીરમાં રાષ્ટ્રપતિ શાસન લદાયેલું છે. કેન્દ્ર સરકારે સલામતીનું કારણ આગળ ધરીને અમરનાથ યાત્રા રદ કરી અને યાત્રાળુઓને કશ્મીર છોડી જેવા રાજ્યપાલ દ્વારા એડવાઈઝરી જાહેર કરાઈ, કશ્મીરમાં અફરાતફરીનો માહોલ ઉભો થયો હતો. યાત્રાળુઓ ઝડપથી જમ્મુ ક્શમીર છોડી દે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પણ વિશેષ વ્યવસ્થા કરી હતી. આ બધી પૂર્વ તૈયારી પછી અમિત શાહ અને મોદી સરકારે બાહોશીભર્યા સંકલ્પની જાહેરાત રાજ્યસભામાં કરી હતી. સંસદનું સત્ર પુરુ થઈ ગયું હતું, પણ તેને એક સપ્તાહ માટે લંબાવી દીધું હતું. અને કશ્મીર મુદ્દાનો ઉકેલ લાવી દીધો હતો.

 

અમિત શાહ રાજ્યસભામાં બોલ્યાંઃ

महोदय, मैं संकल्प प्रस्तुत करता हूं कि यह सदन अनुच्छेद 370(3) के अंतर्गत भारत के राष्ट्रपति द्वारा जारी की जाने वाली निम्नलिखित अधिसूचनाओं की सिफारिश करता है। संविधान के अनुच्छेद 370(3) के अंतर्गत भारत के संविधान के अनुच्छेद 370 खंड 1 के साथ पठित अनुच्छेद 370 के खंड 3 द्वारा प्रदत्त शक्तियों का प्रयोग करते हुए राष्ट्रपति संसद की सिफारिश पर यह घोषणा करते हैं कि यह दिनांक जिस दिन भारत के राष्ट्रपति द्वारा इस घोषणापत्र पर हस्ताक्षर किए जाएंगे और इसे सरकारी गैजेट में प्रकाशित किया जाएगा उस दिन से अनुच्छेद 370 के सभी खंड लागू नहीं होंगे, सिवाय खंड 1 के”

 

અમિત શાહે જમ્મુ કશ્મીરના પુનર્ગઠન વિધેયક 2019 રાજ્યસભામાં રજૂ કર્યું, જે અનુસાર જમ્મુ ક્શમીર રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજન કરી દીધા છે. જમ્મુ કશ્મીરનો પહેલો હિસ્સો જમ્મુ કશ્મીર હશે, તે દિલ્હીની જેમ જ એક કેન્દ્ર શાસિત પ્રદેશ હશે, ત્યાં એક વિધાનસભા રહેશે. અત્યાર સુધી જમ્મુ ક્શમીરમાં હતું તે લદાખ હવે અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ થઈ ગયું છે. લદાખમાં વિધાનસભા નહી હોય. લદાખના લોકોની વર્ષો જૂની માંગ હતી કે તેને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવે, જેથી તે વિકાસની મુખ્યધારામાં ભળી જાય.

 

કલમ 370 હટવાથી જમ્મુ કશ્મીરમાં શું પરિવર્તન આવશે?

(1) જમ્મુ કશ્મીર રાજ્યનો દરજ્જો સમાપ્તઃ ગૃહપ્રધાન અમિત શાહે પોતાની જાહેરાતમાં દર્શાવ્યું છે કે જમ્મુ ક્શમીર અને લદાખ હવે કેન્દ્ર સરકારને આધીન અલગઅલગ કેન્દ્ર શાસિત પ્રદેશના રૂપમાં ઓળખાશે. એટલે કે જમ્મુ કશ્મીરનો રાજ્યનો દરજ્જો સમાપ્ત થઈ ગયો છે. એ હવે દિલ્હીના જેવું રાજ્ય રહેશે. જેની પોતાની વિધાનસભા હશે, પણ તે કેન્દ્રને આધીન જ મનાશે.

(2) લદાખમાં વિધાનસભા નહી હોયઃ અમિત શાહના ભાષણ મુજબ સ્પષ્ટ થાય છે કે પર્વતીય ક્ષેત્ર લદાખ જે અત્યાર સુધી કશ્મીરનું અંગ હતું હવે તે જમ્મુ કશ્મીરથી અલગ થયું છે. અને તેને પણ કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરી દેવાયું છે. હવે તે ચંદીગઢની જેમ વિધાનસભા વગરનો કેન્દ્ર શાસિત પ્રદેશ રહેશે.

(3) સમાપ્ત થયા વિશેષાધિકારઃ હવે જમ્મુ કશ્મીરમાં દેશના અન્ય કેન્દ્ર શાસિત પ્રદેશની જેમ જ ભારતની નિતી નિયમ અને કાયદા લાગુ થશે. કેન્દ્ર સરકારની વિકાસ યોજનાઓ અથવા અન્ય કાયદાની જેમ તમામ રાજ્યોની સાથેસાથે લાગુ કરાશે. કલમ 370 હટવાની સાથે સાથે કલમ 35 એ પણ રદ થઈ જશે. તે અનુસાર આ રાજ્યને દેશના બાકીના રાજ્યોથી અલગ અધિકાર મળ્યા હતા.

(4) બીજા રાજ્યોના લોકો હવે કશ્મીરમાં નોકરી કરી શકશેઃ આર્ટિકલ 370ની પેટા કલમ 35 એ દૂર થતાં દેશના બીજા રાજ્યોના લોકો ક્શમીરમાં સરકાર નોકરી જોઈન કરી શકે તે માટેના રસ્તા ખૂલી ગયા છે.

(5) ક્શમીરમાં મિલ્કત ખરીદવા માટે માર્ગ મોકળો બન્યોઃ કલમ 370 હટવાથી હવે કશ્મીરમાં બીજા રાજ્યોના લોકો સંપત્તિનું ખરીદ વેચાણ કરી શકશે. પહેલા બીજા રાજ્યોના રહેવાસીઓ અહીંયા રોકાણ પણ કરી શકતા ન હતા, અને મિલકત પણ વસાવી શકતા ન હતી. મિલ્કત ખરીદી હોય તો દસ્તાવેજ ન થઈ શકે.

(6) બંધારણની જોગવાઈઓ લાગુ થશેઃ પહેલા જમ્મુ કશ્મીરનું અલગ બંધારણ હતું, પણ હવે આર્ટિકલ 370 હટી જતાં ભારતીય બંધારણ જ જમ્મુ કશ્મીરને લાગુ થશે. કેન્દ્ર સરકાર કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લે તો તેના માટે રાજ્ય સરકારની મંજૂરી લેવાની રહેતી નથી.

(7) રાજ્ય બહાર લગ્ન કરનાર મહિલાઓને મિલકતના વારસામાંથી નામ રદ નહી કરાયઃ પહેલા જમ્મુ કશ્મીરની મહિલા જો બીજા રાજ્યમાં લગ્ન કરે તો તેને પ્રોપર્ટીમાંથી નામ કાઢી નાંખવામાં આવતું હતું. હવે આર્ટિકલ 370 હટી જતાં આ જોગવાઈનો અંત આવે છે.

(8) અલગ ઝંડા અને અલગ એજન્ડા પણ સમાપ્તઃ કલમ 370 દૂર થતાં કશ્મીરમાં અલગ ઝંડા રહેશે નહી, ત્યાં પણ ત્રિરંગો જ માન્ય રહેશે. ત્રિરંગાનું અપમાન કરનાર સામે રાષ્ટ્રદ્રોહની કલમ લાગુ પડશે અને કાર્યવાહી થશે. આરટીઆઈ અને સીએજી જેવા કાયદા કશ્મીરમાં લાગુ થશે.

(9) બેવડી નાગરિકતા ખતમ થશેઃ જમ્મુ કશ્મીરના નાગરિકોને અત્યાર સુધી બેવડી નાગરિકતા મળતી હતી. પહેલા જમ્મુ કશ્મીરની અને બીજી ભારતીય નાગરિકતા. કલમ 370 દૂર થતાં હવે કશ્મીરના નાગરિકો હવે ભારતીય નાગરિક જ કહેવાશે.

(10) વિધાનસભાના કાર્યકાળઃ જમ્મુ કશ્મીર વિધાનસભાનો કાર્યકાળ અત્યાર સુધી છ વર્ષનો હતો. હવે 370 કલમ હટી જતાં વિધાનસભાનો કાર્યકાળ ભારતના અન્ય રાજ્યોની જેમ પાંચ વર્ષનો રહેશે

(11) પછાત વર્ગના લોકોને અનામતનો લાભ મળશેઃ દેશમાં લાગુ અનામતનો લાભ હવેથી જમ્મુ કશ્મીરના નાગરિકોને મળશે. પહેલા આ અનામતનો લાભ તેમને મળતો ન હતો. હવે જમ્મુ ક્શમીરમાં હવે રાજ્યપાલ શાસનની જગ્યાએ રાષ્ટ્રપતિ શાસન લાગુ થશે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]