બે મહિને કોંગ્રેસ કારોબારીની બેઠક મળી ત્યારે એમ લાગતું હતું કે કંઈક ઉકેલ આવશે. કોંગ્રેસ મુકુલ વાસનિકને નવા પ્રમુખ જાહેર કરશે. કમસેકમ કોઈને કાર્યકારી પ્રમુખ બનાવાશે અને પૂર્ણ સમયના પ્રમુખ માટે આગળની કાર્યવાહી થશે એવું મનાતું હતું. આ બધી જ ધારણાઓ ખોટી પડી. કશીક હલચલ થઈ રહી છે તેવું લાગતું હતું તેમાંથી પણ કંઈ નીપજ્યું નહિ. સવારે કારોબારીની બેઠક મળી અને પાંચ સમિતિઓ બનાવવાનું નક્કી થયું. પાંચ સમિતિઓ બને, પાંચેય અલગ અલગ રીતે નવા પ્રમુખ વિશે વિચારે, પ્રાદેશિક નેતાઓનો અભિપ્રાય લેવામાં આવે અને પછી પ્રમુખ નક્કી કરવામાં આવે તેવું નક્કી થયું હતું. રાત્રે ફરીથી કારોબારીની બેઠક મળી, પણ પરિણામ શૂન્ય આવ્યું.
સવારની બેઠક શરૂ થઈ ત્યારે ફરી એકવાર રાહુલ ગાંધીએ મક્કતાથી કહ્યું કે પોતાનું રાજીનામું આખરી છે એટલે બિનગાંધીને પ્રમુખ બનાવો. તેઓ અને સોનિયા ગાંધી બેઠકમાંથી વિદાય થયા, જેથી તેમના પ્રભાવ વિના કારોબારી સમિતિના વરિષ્ઠ સભ્યો નવા નેતાની પસંદગી કરી શકે. પ્રિયંકા ગાંધી જોકે બેઠકમાં હાજર રહ્યા હતા, પણ બિનગાંધીન પ્રમુખનો આગ્રહ છે એટલે તેમને પ્રમુખ નહિ બનાવાય તેમ નક્કિ હતું.પ્રભાવ ના રહે, કાર્યવાહી નિષ્પક્ષ થાય, કોઈ વફાદાર નેતાની બિનજરૂરી તરફેણ ના થઈ જાય તે માટે રાહુલ અને સોનિયા ગાંધીએ કાર્યવાહીમાં ભાગ ના લીધો, પણ પ્રભાવ યથાવત રહ્યો. મોડી રાત્રે લાંબી ચર્ચા પછી સમિતિએ નવાઈ ના લાગે, આમ લાગે, પણ આમ ના લાગે, તેઓ નિર્ણય લીધો. ફરી એકવાર પ્રમુખપદ સોનિયા ગાંધીને સોંપવામાં આવ્યું છે.
નરસિંહરાવ વડાપ્રધાન બન્યા ત્યારે તેઓ અવારનવાર સોનિયા ગાંધીને મળવા જતા હતા. તે મુલાકાતો ધીમે ધીમે ઓછી થતી ગઈ હતી. સોનિયા ગાંધીને જાહેરજીવનમાં રસ નથી તેમ લાગતું હતું. કોંગ્રેસ હવે ગાંધી પરિવાર વિના આગળ વધશે તેમ લાગતું હતું. જોકે નરસિંહરાવની ઉંમર પણ ઢળતી ઉંમર હતી. તેમની સરકાર ડગુંમગું ચાલી રહી હતી. ચૂંટણી પછી ફરીથી સત્તા મળે તેવી શક્યતા દેખાતી નહોતી. સરકારની રચના પહેલાં જ નરસિંહરાવ નિવૃત્ત થઈને આંધ્ર પ્રદેશ જતા રહેવાના હતા. તેના બદલે પાંચ વર્ષ તેમણે ખેંચી કાઢ્યા. હવે કોંગ્રેસ અને સરકારમાં તેઓ ક્યાંય નહોતા ત્યારે સીતારામ કેસરી, બીજા એવી જ ઢળતી ઉંમરના નેતાને પ્રમુખ બનાવાયા હતા. બહુ ડ્રામેટિક દૃશ્યો સર્જાતા રહ્યા હતા અને સીતારામ કેસરી પાસેથી પરાણે પ્રમુખપદનું રાજીનામું લઈ લેવાયું હતું. તેમની જગ્યાએ સોનિયા ગાંધીને પ્રમુખ બનાવાયા અને તેમણે બે દાયકા સુધી કોંગ્રેસ કમાન સંભાળી હતી.
આ વખતે કોઈ પાસેથી પ્રમુખપદ આંચકી લેવાની જરૂર નહોતી, કેમ કે કોઈ પદ ઝાલવા જ તૈયાર નથી. ભૂતકાળમાં રાજદરબારમાં બીડૂ ફરતું કે કોની છે હિંમત… અત્યારે કોંગ્રેસ દરબારમાં બીડૂ ફરી રહ્યું છે… કોની છે હિંમત કોંગ્રેસના પ્રમુખ બનવાની? કોઈ કામચલાઉ કે વચગાળાના પ્રમુખ પણ બનવા તૈયાર નથી તે દેશના સૌથી જૂના પક્ષની વિડંબણા છે. 134 વર્ષના પક્ષના નેતા તરીકે ફરી એકવાર 72 વર્ષના સોનિયા ગાંધીને જ જવાબદારી પરત સોંપાઈ છે. કોંગ્રેસની વર્તમાન સમસ્યાનો ઉકેલ પ્રમુખ કોણ બને છે તે નક્કી કરવાથી આવવાનો નથી. કોંગ્રેસના વધુ એકવાર ટુકડા થાય અને આ વખતે ફોર એ ચેન્જ ગાંધી વફાદારોનું જૂથ નાનકડું હોય અને બીજું જૂથ મોટું હોય તો જ વાત આગળ વધવાની શક્યતા રહે છે. રાહુલ ગાંધી પાસેથી પ્રમુખપદ લીધા પછી હવે પ્રિયંકા ગાંધીને આપી દેવાનું પણ સહેલું નથી. વિપક્ષની વંશવાદની ટીકા ઉલટાની તીવ્ર બનશે. રાહુલની જેમ પ્રિયંકાએ પણ એક દાયકો પોતાને સાબિત કરવા માટે જોઈએ. ત્યાં સુધીમાં કોંગ્રેસની હાલત ન રાષ્ટ્રીય પક્ષ, ન પ્રાદેશિક પક્ષ એવી થઈ શકે તેમ છે. ત્રણ રાજ્યોમાં સત્તા મળી હતી, પણ તે ક્યારે જતી રહેશે તે નક્કી નથી. ગુજરાત મહારાષ્ટ્ર બંગાળ જેવા રાજ્યોમાં સદાય વિપક્ષ જેવી સ્થિતિ દૂર થાય તેમ પણ લાગતું નથી.
આ સંજોગોમાં આગળ શું તે સમજવું મુશ્કેલ છે. આજની કટોકટી આવતીકાલ પર ટાળવામાં આવી છે. સોનિયા ગાંધીને ફરીથી પ્રમુખ બનાવીને થોડા વખત માટે કોંગ્રેસ ફરીથી રાબેતા મુજબ કામ કરી શકશે. ભૂતકાળમાં સોનિયા ગાંધી સલાહકારોથી અને સિનિયર નેતાઓથી પક્ષ ચલાવતા હતા. રાહુલ ગાંધીને બે વર્ષ પહેલાં પ્રમુખ બનાવાયા, તે પછી તેમણે પોતાની ટીમ બનાવવાની હતી. તેમના આગવા સલાહકારો અને સિનિયર નેતાઓની સાથે જૂનિયર નેતાઓને જોડવાના હતા. એ પ્રક્રિયા ચાલી પણ હતી, પણ તેમાં ક્યાંક મોટી ખામી રહી ગઈ. સલાહકારો એવા મળ્યા કે પરિણામ ઊંધે માથે આવ્યું. સિનિયર નેતાઓ સાથે જૂનિયર નેતાઓની જોડી બરાબર બની શકિ નહિ. બંનેને એમ લાગ્યું કે તેમનું મહત્ત્વ નથી. સિનિયર્સને લાગ્યું કે હવે તેમની અવગણના થઈ રહી છે, જ્યારે યુવાન નેતાઓને લાગ્યું કે અસલી સત્તા હજીય જૂના જોગીઓ પાસે છે. સોનિયા ગાંધી પ્રમુખ હોય, પક્ષ સંભાળે, નેતાઓને સંભાળે, જૂથોને સંભાળે અને સલાહકારોને સાંભળે; રાહુલ ઉપાધ્યક્ષ તરીકે જાહેર મંચમાં દેખાતા રહે, નીતિઓનો અમલ કરે, પ્રચાર કરે – એ વ્યવસ્થા દસેક વર્ષ બરાબર ચાલી હતી.
ફરી એ જ વ્યવસ્થા ચાલવાની છે તેમ લાગે છે. ફરક એટલો હશે કે રાહુલ ગાંધીની નિષ્ક્રિયતા વધશે. સંસદમાં પણ તેઓ બોલવા ઊભા થતા નથી. રાજ્યોની ચૂંટણીમાં તેઓ કેટલી સભાઓ કરે છે તે જોવાનું રહ્યું. તેની સામે પ્રિયંકા ગાંધી મહામંત્રી તરીકે માતા સાથે વધારે નીકટતાથી કામ કરે છે કે કેમ તે પણ જોવાનું રહે છે. આગામી ચૂંટણીઓમાં પ્રિયંકા ગાંધી વધારે સક્રિય થઈને પ્રચાર કરે છે કે રાહુલ કરે છે તેના પર પણ નજર રહેશે. નવા પ્રમુખની શોધ, કોઈની નિમણૂક અથવા ચૂંટણી, થોડા વખત માટે કામચલાઉ પ્રમુખ, કાર્યકારી પ્રમુખની ફોર્મ્યુલા પણ લાગે છે કે હાલ પૂરતી અટકશે. સોનિયા ગાંધીએ ફરીથી પ્રમુખ બનવાની હા પણ નથી પાડી, પણ ના પણ નથી પાડી. સંસદનું સત્ર સમાપ્ત થઈ ગયું છે અને હવે ત્રણેક મહિનામાં ત્રણ રાજ્યોની ચૂંટણી આવવાની છે. તે દરમિયાન કોઈ મોટી રાજકીય ગતિવિધિ જણાતી નથી.
તેનો એક અર્થ એ થાય છે કે ત્રણ રાજ્યોની ચૂંટણી સુધી વાતને ટાળી દેવામાં આવી છે. આ રાજ્યોમાં, ખાસ કરીને મહારાષ્ટ્રમાં એનસીપી સાથે ચૂંટણી સમજુતિ અને કોંગ્રેસ પ્રચારનો એ બે મુખ્ય મુદ્દાઓ છે. ચૂંટણી સમજૂતિ, ટિકિટોની વહેંચણી જૂની પદ્ધતિ પ્રમાણે સોનિયા ગાંધી સલાહકારો અને સિનિયર નેતાઓને વચ્ચે રાખીને કરી શકશે, પણ 72 વર્ષની ઉંમરે તેઓ સભાઓ ગજાવી શકવાના નથી. રાહુલ ગાંધીની સભામાં કોઈ જોશ હશે કે કેમ તે પણ નક્કી નથી. પ્રિયંકા ગાંધીને મોકલાશે ખરા? રાહુલની જગ્યાએ વધારે પ્રચાર પ્રિયંકા કરશે? કે પછી અચાનક કોઈને પ્રમુખ તરીકે નિમવામાં પણ આવે અને ત્રણેય રાજ્યોની ચૂંટણીમાં ત્રણેય ગાંધી અળગા પણ રહે? સવાલો છે, પણ રાબેતા મુજબ જવાબો નથી.