જ્યારે ભૂખ્યું બાળક બિસ્કિટ ભૂલીને મોબાઇલ પકડે છે…

ર્થતંત્રની સ્થિતિ દર્શાવતું આ ચિત્ર સચોટ છે. રોજનું કમાઈને રોજનું ખાતો પરિવાર દુકાને જીવન જરૂરિયાતની વસ્તુ ખરીદવા આવે છે. બાળક બિસ્કિટનું પેકેટ જોઈને હાથ લાંબો કરે છે. ગળ્યું બિસ્કિટ બાળકને ભાવતું હોય છે. પણ પરિવાર પાસે આજનો હિસાબ એટલો નથી કે બિસ્કિટ ખરીદી શકાય. એટલે બાળકના હાથમાં મોબાઇલ આપી દેવાય છે. બાળક મોબાઇલથી રમવા લાગે છે અને બિસ્કિટ ભૂલી જાય છે. તમે છો જ વાંકા દેખા. જુઓ આજે દુનિયામાં ભારતનો ડંકો વાગે છે ડંકો. ભારતે પાકિસ્તાનને દુનિયામાં એકલું પાડી દીધું છે. પાકિસ્તાનના બદલે દુનિયાના દેશો ભારતને જ સાથ આપે છે.  અરે પણ વાત બિસ્કિટની થઈ રહી છે… તમને બિસ્કિટ જ દેખાય છે. તમારી આંખે ડાબેરી ચશ્મા લાગેલા છે. તમે હિન્દુવિરોધી છો. તમને ગરીબ પરિવાર પાસે રહેલો મોબાઇલ ના દેખાયો. આજે મજૂરીયા પાસે પણ મોબાઇલ છે, મેરા ભારત મહાન.

વાત તો સાચી પણ છે. ડેટા મળી જાય છે મફતમાં, પણ ભૂખ્યા બાળકને બિસ્કિટ નથી મળતું. પણ વિકાસ મોબાઇલ કહેવાય, બિસ્કિટ ના કહેવાય. જીડીપી 8 ટકા સુધી પહોંચ્યો હતો ત્યાંથી પાંચ ટકા થયો તેને મંદીના કહેવાય, તેને જીડીપીમાં એક ત્રિમાસિકનો ડીપ કહેવાય. લાંબા ગાળાના સુધારા માટે વચ્ચે થોડી મુશ્કેલી થાય. બાળકનું ભવિષ્ય ઉજળું છે, કેમ કે તે અત્યારથી મોબાઇલ વાપરે છે. આજે બિસ્કિટના બદલે રોટલો ખાઈ લેશે તો ચાલશે. વાત બિસ્કિટ ખાવાની કે ના ખાવાની નથી. વાત પ્રાયોરિટીની છે. કુટુંબે બિસ્કિટના પૈસા બચાવીને દાળ-ચોખા લીધા, જેથી બાળકને ખીચડી ખવરાવી શકાય. બિસ્કિટ સામે ખીચડીની સરખામણી થતી હોય ત્યાં સુધી અર્થતંત્રમાં વચગાળાની થોડી મંદી ચાલી શકે; એક સાયકલ હોય છે, તેમાં આંક થોડો ઉપરનીચે આવ્યા કરતા હોય છે. પણ નીચે આવેલો આંક ઉપર લઈ જવા માટે મહેનત કરવી પડશે. આંક નીચે આવ્યો છે તે સ્વીકારવું પડે.

અત્યારે કદાચ એવું થઈ રહ્યું છે કે મંદી છે તેવું સ્વીકારવા માટે કેન્દ્ર સરકાર તૈયાર નથી. નાણા પ્રધાને વાહન ઉદ્યોગમાં કે અન્ય ઉદ્યોગમાં વેચાણમાં આવેલો ઘટાડો થોડો સ્વીકાર્યો છે, પણ મંદી છે અને દેશનું અર્થતંત્ર મંદીમાં બેસી ગયું છે તેવું સ્વીકારવા તૈયાર નથી. ટાયડું ઘોડું ધીમું પડે, તેને ખોરાક પાણી અને થોડો આરામ આપો તો વળી ધીમે ધીમે ચાલતું થાય. પણ એકવાર નીચે બેસી જાય પછી તેને બેઠું કરવું ભારે હોય છે. અત્યારે સરકારની પ્રાયોરિટી અર્થતંત્ર બેસી ના જાય તે માટેની હોવી જોઈએ. વચ્ચે ચર્ચા દરમિયાન કેટલાક અર્થશાસ્ત્રીઓએ એવું કહ્યું કે ભારત મીડલ ઇન્કમ ટ્રેપમાં આવી ગયો છે. મીડલ ઇન્કમ ટ્રેપનો અર્થ એવો થાય કે તમારું અર્થતંત્ર બીજા દેશો કરતાં સારું ચાલતું રહે, પણ મધ્યમ કદમાંથી બહાર ક્યારેય આવે જ નહિ. આજે છે તેવી સ્થિત ચાલ્યા જ કરે. થોડો થોડો અભાવ સૌને નડ્યા કરે, પણ કોઈ ભૂખ્યું ના મરી જાય.

દેશ વિશ્વની ચોથા નંબરની અને પછી ત્રીજા નંબરની ઇકોનોમી થઈ જશે, પણ ત્યારે બાળકને બિસ્કિટને બદલે મોબાઇલ જ પકડાવવો પડે તેવી હાલત હશે. દેશનો મજૂર પોતાની સેકન્ડ હેન્ડ સાદી કારમાં બેસીને કડિયાકામ કરવા જાય તેવું સપનું પૂરું નહિ થાય. ઘરેથી મજાના વસ્ત્રો પહેરીને નીકળે. કામના સ્થળે પહોંચી પાછલી સીટમાંથી સુરક્ષાના સાધનો સાથેની મજૂરી કામની વેશભૂષા કાઢે, તૈયાર થાય અને મજૂરી કરે. આવી સ્થિતિ આવશે કે કેમ તે ખબર નથી.

દેશ પ્રાચીન સમયમાં બહુ સમૃદ્ધ હતો તેવા ગુણગાન ગાઈએ છીએ, તેની વાસ્તવિકતા પણ કદાચ એ જ હતી. દેશ બહુ સમૃદ્ધ હતો, પણ તેની 15 ટકા પ્રજા જ સમૃદ્ધ હતી. 85 ટકા પ્રજા વેઠ જ કરતી હતી. બિસ્કિટ છોડીને મોબાઇલ પકડનારા બાળકની તંદુરસ્તી કેવી રહેશે તે કલ્પનાનો વિષય છે. એ બાળક પણ પરિવારની જેમ અભાવ વચ્ચે મજૂરી જ કરતો રહેશે, ફક્ત તેના જિલ્લાનું મથક પણ હવે સ્માર્ટ સિટી બની ગયું હશે એટલો ફરક પડ્યો હશે.