તાપમાનમાં વધારાના કારણે હવામાં ભેજનું પ્રમાણ ઘટે છે. ક્લાઇમેટ ચેન્જના કારણે બીજા નુકસાન સાથે એક નુકસાન એ થઈ રહ્યું છે કે ભેજ ઓછો થવાથી ઉજ્જડ જમીન રણપ્રદેશમાં ફેરવાઈ જાય તેનું પ્રમાણ વધી રહ્યું છે. રણ આગળ ના વધે તે માટે દુનિયાભરમાં પ્રયાસો થઈ રહ્યા છે. ભારતે પણ હાલમાં જ જાહેરાત કરી કે આ દિશામાં ગંભીર પ્રયાસો કરવામાં આવશે. રાજસ્થાન અને કચ્છનું રણ એટલો વિસ્તાર જ આપણે રણ વિસ્તાર તરીકે જાણીએ છીએ. પણ તે સિવાય કેટલાક પહાડી પ્રદેશોને ઉજ્જડ ગણીને તેનું નવસર્જન કરવાની કોશિશ થશે. આ જાહેરાત થઈ તેને વધાવી લેવામાં આવી છે, પણ નિષ્ણાતો કહે છે કે આટલા વર્ષોના સંશોધનો પછીય માણસ ભૂલો કરતો આવે છે. હજીય રાજકીય હેતુઓ સાથે કોઈ કાર્યક્રમ થાય ત્યારે તેના માઠા પરિણામો આવે છે. સિંચાઈ વધવાને કારણે, નહેરો વધવાને કારણે પાણીનો ભરાવો થાય અને નવી સમસ્યા ઊભી થાય તેના જેવું આ છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે દેશમાં ઉજ્જડ પ્રદેશો, વગડા વેરાન પડેલા છે ત્યાં જળસ્રોતની વ્યવસ્થા કરીને નવપલ્લવિત કરવામાં આવશે. દેશમાં હાલમાં ખેતી થતી હોય તેવી જમીન 2.1 કરોડ હેક્ટર છે. તેમાં વધારો કરીને 2.6 કરોડ હેક્ટર કરવાનું લક્ષ્ય છે.
વધતી વસતિ સાથે વધારે ખેતી જોઈએ, પણ ખેતી આવે ત્યારે જંગલ નાશ પામે છે તે હકીકત છે. આ બંને વચ્ચે સંતુલન તૂટી ના જાય તે જોવું જોઈએ. વધારે જમીનને ખેતી નીચે લાવવાનો લક્ષ્યાંક છે, તેમાં મુખ્યત્વે વેરાન વગડામાં ખેતીની વાત છે. પણ અહીં જ કેટલીક મુશ્કેલી થશે તેમ નિષ્ણાતોને લાગે છે. વગડો એ ઉજ્જડ અને નકામો પ્રદેશ નથી. ત્યાં મોટા વૃક્ષો નથી હોતા, ગાઢ જંગલ નથી હોતું, પણ ઘાસ અને નાના છોડ ઊગતા હોય છે અને તેના પર પશુપાલન નભતું હોય છે. ટૂંકમાં વગડો એ ગૌચર છે, જ્યાં જૈવિક વિવિધતા સાથેનું જીવન ધબકતું હોય છે.
કચ્છના માલધારીઓને ખ્યાલ છે કે તેમનું જીવનધોરણ કેવી રીતે બદલાઈ ગયું. દાયકાઓ પહેલાંની વાત છે. રણને આગળ વધતું અટકાવવા માટે તે વખતના કચ્છના શાસકોએ ગાંડો બાવળ વિદેશથી લાવવાનું નક્કી કર્યું હતું. ત્યારે તેનું નામ ગાંડો બાવળ નહોતું, પણ પછી તે ગાંડાની જેમ બન્નીના ઘાસ પ્રદેશોમાં ફેલાઈ ગયો એટલે પશુપાલકોએ તેને ગાંડો બાવળ નામ આપ્યું. આજે ગાંડો બાવળ એવો ફેલાયો છે કે રણપ્રદેશને લીલોછમ કરવાને બદલે સમસ્યા થઈ ગયો છે. ગાંડા બાવળને કારણે બન્નીના ઘાસના મેદાનો નાશ પામ્યા. ચોમાસામાં ચારે બાજુ છીછરું પાણી કચ્છના નાના અને મોટા રણમાં ભરાયેલું રહે. આખો શિયાળો ભેજ હોય, ઝાંખલ થાય એટલે શિયાળામાં પણ વનસ્પતિ લીલીછમ રહે. ઘાસ લહેરાતું રહે. ઉનાળાના થોડા મહિના જ જમીન સૂકી થઈ જાય. આ આખી સિસ્ટમ ડિસ્ટર્બ થઈ ગઈ. ગાંડા બાવળને કારણે લીલોતરી દેખાય ખરી, પણ માલઢોરને ફાયદો નહિ. માલઢોર માટે જોઈતું ઘાસ ઓછું થઈ ગયું.
કચ્છના પડોશી રાજસ્થાનના જેસલમેર સુધીના વિસ્તારોને પણ તેનો અનુભવ થયો હતો. આઝાદી પછી સિંચાઈ યોજનાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. ભાખરા નાંગલની સાથે જ નર્મદા યોજનાનું આયોજન થયું હતું. તે જ રીતે હિમાલયની બાર માસી નદીઓના પાણી રાજસ્થાન સુધી પહોંચાડવા રાજસ્થાન નહેર બનવા લાગી હતી. રાજસ્થાનના રણમાં પાણી આવે તો માણસ રાજી થાય, પણ નહેરનું પાણી ચારે બાજુ ફેલાઈ જાય અને નીચે ઉતરવા લાગે તો નુકસાન થાય. સ્થાનિક લોકો જાણતા હતા કે નીચે ચૂનાના પથ્થર કહેવાય તેવી જમીન હતી. પ્લાસ્ટર ઑફ પેરિસમાં જેનો ઉપયોગ થાય છે તે માટી આ વિસ્તારમાં હતી. તેના પર પાણી પડે એટલે તે જામી જાય. સાથે જ કેમિકલ રિએક્શન પણ થાય અને વનસ્પતિ કે ઘાસ ઊગી શકે નહિ. ખેતી થઈ શકે એવી જમીન હતી ત્યાં ખેતીનો થોડો લાભ મળ્યો, પણ માલધારીઓ માટે મુસિબત સર્જાઈ. રણ કહેવાતું હતું તે હકીકતમાં વિશાળ વિસ્તારમાં ફેલાયેલું ગૌચર હતું. તેના પર રાજસ્થાની માલધારીઓ પેઢીથી નભતા હતા. ગૌચર મોટા પ્રમાણમાં ખતમ થઈ ગયા.
બન્નીમાં ઘાસ થતું હતું, તેમ રાજસ્થાનના રણમાં પણ મોટું ઘાસ થતું હતું. સિવાન તરીકે ઓળખાતું ઘાસ મળવું મુશ્કેલ બનવા લાગ્યું. ખેતીને ફાયદો થયો, પણ ગૌચરનો નાશ થયો. ખેતી અને પશુપાલન સાથેસાથે ચાલે છે. બંનેની જરૂરિયાત જુદી જુદી હોય છે. સ્થાનિક લોકો પેઢીઓના અનુભવથી આ વાત સમજતા હતા, પણ આધુનિક આયોજનમાં નહેરથી પાણી આપીને ચારે બાજુ ખેતી કરી નાખોનો ઉત્સાહ પશુપાલનને અને તેની સાથે જોડાયેલી સંસ્કૃતિને મારી નાખે છે. ખેતી પર પશુઓ નભી શકે ખરા, પણ પશુઓની તંદુરસ્તી ઘાસ, વિવિધ પ્રકારના ઘાસ પર નિર્ભર છે. ગૌચર નાબુદ થવાના બીજા પણ કારણો છે. વસતિ ફાટફાટ થવા લાગે, ગામડું પણ મોટું થાય, પછી ખુલ્લી પડેલી જમીન પર સત્તાધારીઓનો ડોળો ફરી વળે છે. ઉદ્યોગો માટે પણ જમીન જોઈએ. તેના માટે પણ લાખો એકર ગૌચરનો વિનાશ થઈ ગયો છે. ગૌસંવર્ધનનો રાજકીય નારો લગાવનારા લોકોને ગૌચર બચાવવામાં રતિભાર પણ રસ નથી. ઉલટાની ગૌચરની જમીન પોતાના મળતિયા ઉદ્યોગપતિઓને, વેપારીઓને આપી દેવામાં જ આ ગૌપ્રેમીઓને રસ રહ્યો છે.
વગડા સુધી નહેરોથી પાણી પહોંચાડવામાં આ ભયસ્થાનને પણ ધ્યાનમાં લેવું જોઈએ. સરદાર સરોવર બંધ પૂરો ભરાઈ ગયો છે, પણ તેનું પાણી ક્યાં વાપરવું તે સવાલ થવાનો છે. ખેતરો સુધી પહોંચતી સૌથી નાની નહેરો બની જ નથી. પિયત મંડળીઓ બનાવીને, પાઇપલાઇનથી પાણી પહોંચાડવાનું આયોજન થયું છે. કાગળ પર આ આયોજન બહુ સારું લાગે છે. પાણીને પાઇપલાઇનથી જ્યાં જરૂર હોય ત્યાં જ પહોંચાડવામાં આવે. વચ્ચે વેડફાઈ જતું અટકે અને ગૌચરમાં પાણી ભરાવાની સમસ્યા થાય અને ઘાસ ઊગતું અટકે તેને પણ નિવારી શકાય છે. પરંતુ તે યોજના બરાબર પાર પડે તે માટે નજર રાખવી પડશે. આ માટેનું કામ સ્થાનિક લોકો પર છોડી દેવું જોઈએ. મોડું તો થયું જ છે, પણ હવે તકનો લાભ લઈને તમારા ગામ સુધી પહોંચતા પાણીનું આયોજન તમે કરો, એવું ગ્રામજનોને કહેવું જોઈએ. ગ્રામજનોમાં માત્ર ખેડૂતો નહિ, માલધારીઓ, ખેતમજૂરો અને અન્ય લોકોનો, વૃક્ષપ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓનો પણ સમાવેશ કરવો જોઈએ. ખેતીલાયક જમીન વધારવાના બદલે, હાલમાં ઉપલબ્ધ જમીન પર હવે બે વાર પાક લઈ શકાશે. તેનો અર્થ કે ઉત્પાદન બેગણું થઈ શકે.
સરદાર સરોવર યોજના હેઠળ 17 લાખ હેક્ટરને સિંચાઈ મળશે. તેનો સીધો અર્થ એ છે કે આટલી ખેતીમાં પાક નિષ્ફળ જવાની શક્યતા ઝીરો થઈ ગઈ. આ પણ ઉત્પાદનમાં નિશ્ચિત વધારો ગણાય. બીજું 115 ડેમમાં પણ નર્મદાનું પાણી નાખવાનું છે તેમાં પણ ઝડપ કરવાની જરૂર છે. આ ડેમના પિયત વિસ્તારમાં પણ એક પાક નિશ્ચિત થઈ ગયો. ઉપરાંત કમ સે કમ એક શિયાળુ પાક વધારે લઈ શકાશે. વગડો, ગૌચર, જંગલની જમીન ઓછી કર્યા વિના, ખેતીલાયક જમીન વધાર્યા વિના ઉત્પાદનમાં વધારો કરી શકાશે. વગડો ઉજ્જડ નથી. તે જીવનથી ધબકતો હોય છે. તેનું જીવન જરા જૂદું છે. તેને જેવું છે તેવું રહેવા દઈને, માલઢોર વગડામાં ફરે અને સાંજે ઘરે આપીને તાજું, તંદુરસ્તી આપતું દૂધ આપે તો ખેતીમાં બે પાક લેવાનું જોર આપશે. સમજો જરા. શહેરમાં પણ વધારે ચોખ્ખું દૂધ પહોંચશે. તમારો જ લાભ છે ભઇ.