રાજકારણના ‘અટલ’ પ્રણેતા, આદરણીય નેતા…

ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનો જીવનદીપ આજે સાંજે 5.05 વાગ્યે બુઝાઈ ગયો. એ દેશના અતિ લોકપ્રિય નેતા હતાં. એ સરકાર, જનતા તેમજ વિપક્ષમાં પણ માનનીય તેમજ લોકપ્રિય હતા. એની સાબિતી એ વાતે મળી આવી કે વિપક્ષના અનેક નેતાઓ પણ તેમના સ્વાસ્થ્યમાં સુધારા માટે પ્રાર્થના કરતાં જોવામાં આવ્યા હતા.

વાજપેયી એમની રાજકીય કારકિર્દીમાં ત્રણ વખત વડા પ્રધાન પદ પર રહી ચૂક્યા હતા અને કુશળતાપૂર્વક દેશનો વહીવટ ચલાવ્યો હતો. તે એટલે સુધી કે 2004ની લોકસભા ચૂંટણી બાદ જ્યારે એમણે કોંગ્રેસના ડો. મનમોહન સિંહને સત્તા સોંપી હતી ત્યારે દેશની અર્થવ્યવસ્થા મજબૂત હતી. જીડીપી ગ્રોથ રેટ 8 ટકા સુધી હતો અને મોંઘવારી પણ 4 ટકાથી ઓછી હતી.

વાજપેયી દેશમાં અનેક ક્ષેત્રે ક્રાંતિ લાવ્યા હતા. જેના માટે આજે પણ એમનું નામ માનપૂર્વક લેવાય છે.

આવો જોઈએ એવા કેટલાંક મહત્વના નિર્ણયો જે વાજપેયીએ વડા પ્રધાન તરીકેની મુદત દરમિયાન લીધા હતા અને આપણા દેશને દુનિયાના અન્ય વિકસીત દેશોની સમકક્ષ લાવી દીધો છે.

અર્થતંત્રની સ્થિરતા

વાજપેયીના શાસન દરમિયાન અનેક આફતો ત્રાટકી હતી. જેમ કે, 2001માં કચ્છનો ભૂકંપ આવ્યો હતો, 1999 અને 2000માં વાવાઝોડા ત્રાટક્યા હતા, 2002-03માં કારમો દુકાળ પડ્યો હતો, 2003માં ઓઈલ કટોકટી સર્જાઈ હતી, 1999માં પાકિસ્તાન સાથે કારગીલ યુદ્ધ થયું હતું અને સંસદભવન પર હુમલો કરવામાં આવ્યો હતો. આ બધી આફતો છતાં ભારતીય અર્થતંત્ર સ્થિર રહી શક્યું હતું.

ટેલીકોમ પોલિસી

સહુથી પહેલાં તો ટેલિકોમ ક્ષેત્રે લાઈસન્સ ફી પ્રથાને હટાવીને એમાં રેવેન્યુ શેરિંગ નિયમ લાવીને તેઓ આ ક્ષેત્રમાં ક્રાંતિ લઈ આવ્યા. આંતરરાષ્ટ્રીય ટેલીફોન સેવામાં, વિદેશ સંચાર નિગમ લિમિટેડનો એકાધિકાર એમણે સમાપ્ત કર્યો. જેના પરિણામ સ્વરૂપે લોકો મફતમાં ફોન પર વાતો કરી શકે છે.

સર્વ શિક્ષા ઝૂંબેશ

સર્વ શિક્ષા અભિયાન સન 2001માં લાગુ કરવામાં આવ્યું. જેમાં 6 થી 14 વર્ષના બાળકને મફત શિક્ષણ આપવાની યોજના વાજપેયી સરકારમાં ચાલુ થઈ. એક અનુમાન મુજબ ફક્ત 4 વર્ષમાં જ અભણ વિદ્યાર્થીની સંખ્યામાં 60 ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો.

સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના

આ વાજપેયીની અનેક મોટી ઉપલબ્ધીમાંની એક છે – સડક પરિયોજના.

સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના તેમજ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના થકી દેશના 4 અતિ મહત્વનાં મહાનગરોને એટલે કે મુંબઈ, ચેન્નઈ, કોલકાતા તેમજ દિલ્હીને હાઈવે નેટવર્કથી જોડવામાં આવ્યા. જેનાથી દેશની આર્થિક વિકાસની દિશાઓ ખૂલી ગઈ. અને એનો લાભ આજે પણ અવિરતપણે મળી રહ્યો છે.

નાણાકીય ઉત્તરદાયિત્વ કાયદો

નાણાકીય ખોટને પહોંચી વળવા માટે વાજપેયીએ ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એક્ટ (આર્થિક ઉત્તરદાયિત્વ કાયદો) અમલમાં મૂક્યો હતો, જેનો હેતુ નાણાકીય ખાધ ઘટાડવા અને જાહેર ક્ષેત્રમાં બચતને ઉત્તેજન આપવાનો હતો.

ખાનગીકરણ

ભારતમાં વ્યાપાર ક્ષેત્રમાં ખાનગીકરણ લાવતાં ઉદ્યોગોમાં સરકારનો હિસ્સો ઘટી ગયો. સાથોસાથ, એમણે અલગ ડિસઈન્વેસ્ટમેન્ટ મંત્રાલયની પણ રચના કરી હતી. એ નિર્ણયને પગલે ભારત એલ્યુમિનિયમ કંપની અને હિન્દુસ્તાન ઝીંક, ઈન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડ અને વીએસએનએલ કંપનીઓમાંથી સરકારે પોતાનો હિસ્સો વેચી નાખ્યો.

પોખરણમાં સફળ ભૂગર્ભ અણુ પરીક્ષણ

પોખરણમાં ભૂગર્ભ અણુ પરીક્ષણ કરીને વાજપેયીએ ભારતને ન્યૂક્લીયર રાષ્ટ્ર બનવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 1998ની 11 મેએ પોખરણમાં ભૂગર્ભ અણુધડાકો કરવાની વાજપેયીએ લીલી ઝંડી આપી હતી. એ પરીક્ષણ સફળ રહ્યું હતું. ભારતે બે દિવસના ગાળામાં કુલ પાંચ અણુ પરીક્ષણો કર્યા હતા અને દુનિયાને ચોંકાવી દીધી હતી. ભારતના એ અણુપરીક્ષણની અમેરિકાને ખબર પણ પડી નહોતી. એ પરીક્ષણને લીધે ભારતની અણુતાકાતનો સ્વીકાર કરવાની અમેરિકા સહિત દુનિયાની મહાસત્તાઓને ફરજ પડી હતી. એ વખતે ભારતના અણુવિજ્ઞાની હતા ડો. અબ્દુલ કલામ. કોઈ દેશોને અણુપરીક્ષણની ગંધ ન આવે એ માટે વાજપેયીએ પરીક્ષણ સાથે સંકળાયેલા એન્જિનિયર્સ, વિજ્ઞાનીઓને લશ્કરી સૈનિકોના ડ્રેસમાં ત્યાં મોકલ્યા હતા. જેથી જાસૂસી સેટેલાઈટ્સ દ્વારા ભારત પર નજર રાખતા અમેરિકાને એવું લાગે આ માત્ર કોઈક લશ્કરી કાર્યવાહી ચાલી રહી છે.