2014નું વર્ષ ભારતીય રાજકારણમાં પરિવર્તનનું વર્ષ હતું. દેશમાં પરિવર્તન આવશે તેવી આશા સાથે ઘણા વખત પછી એક પક્ષને, ભારતીય જનતા પક્ષને, એકલા હાથે 283 બેઠકો સાથે બહુમતી મળી હતી. એનડીએના સાથી પક્ષો સાથે આંકડો 300ને પાર થઈ ગયો હતો. તે પછી ભાજપને એક પછી એક રાજ્યોમાં પણ એકલે હાથે અથવા સાથી પક્ષો સાથે સત્તા મળવા લાગી હતી. પાંચ રાજ્યોની ચૂંટણી પહેલાં 15 રાજ્યોમાં ભાજપની સરકારો હતી અને 6 રાજ્યોમાં સાથી પક્ષોને ટેકો આપેલો હતો. 21 રાજ્યોમાં ભાજપની આગેવાની હેઠળના એનડીએની સત્તા સાથે તે ખરા અર્થમાં રાષ્ટ્રીય પક્ષ બન્યો હતો. અગાઉનો એકમાત્ર ખરા અર્થના રાષ્ટ્રીય પક્ષ કોંગ્રેસ પાસે માત્ર પંજાબ, કર્ણાટક, મિઝોરમ ત્રણ જ રાજ્યો રહી ગયા હતા.
આંકડામાં વાત કરીએ તો દેશની 71 ટકા વસતિ ધરાવતા રાજ્યોમાં ભાજપ અને એનડીએની સત્તા થઈ હતી. પરંતુ ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની સરકાર ફરી આવી તે સાથે હવે તે આંકડો ઘટીને 51 ટકાનો થયો છે. રાજ્યોની સંખ્યા કોંગ્રેસ અને યુપીએની ફરી 5 થઈ છે. તેના કારણે કોંગ્રેસને રાષ્ટ્રીય પક્ષ કહેવો કે કેમ તે સવાલ થાય, પણ હવે છ જ મહિનાનો સવાલ છે અને છ મહિના પછી આ સવાલનો જવાબ મળી જશે.
યુપી, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, તમિલનાડુ જેવા 5 મોટા રાજ્યોમાં કોંગ્રેસની નહિવત હાજરી છે, સામા પક્ષે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, તેલંગણા, આંધ્ર પ્રદેશ જેવા 5 મોટા રાજ્યોમાં ભાજપની હાજરી નહિવત છે.
2014માં ભાજપને માત્ર 31 ટકા મતો મળ્યા હોવા છતાં 282 બેઠકો સાથે સત્તા મળી હતી. એનડીએ સાથે કુલ મતો 39 ટકા જેટલા થતા હતા. પણ 2004માં સ્થિતિ બહુ જુદી નહોતી, કેમ કે તે વખતે યુપીએને 36 ટકા જેટલા મતો સાથે સત્તા મળી ગઈ હતી. પરંતુ વ્યક્તિગત રીતે ભાજપના મતોની સંખ્યા 2014માં એટલી વધી હતી કે તે રાષ્ટ્રીય પક્ષ બની ગયો હતો. 2009માં ભાજપને 18.5 ટકા મતો મળ્યા હતા, તે 2014 વધીને 31 ટકા પર પહોંચી ગયા હતા. 2009માં કોંગ્રેસના મતો 29 ટકા હતા, તે 2014માં ઘટીને 19.3 ટકા થઈ ગયા હતા અને તેની પાસે માત્ર 44 બેઠકો બચી હતી. કોંગ્રેસ વતા સાથી પક્ષોની, યુપીએના મતો 2014માં માંડ 23 ટકાએ પહોંચ્યા હતા.
મતોની ટકાવારી માત્ર નિષ્ણાતો ગણતા હોય છે, નાગરિકો અને રાજકીય પક્ષના નેતાઓ પણ તેને બહુ મહત્ત્વ આપતા નથી. સૌથી વધુ મતો મેળવનાર જીતે તેવી આપણી પદ્ધતિ છે, તેથી બેઠકો કેટલી જીતવામાં આવી તે જ મહત્ત્વનું છે. દાખલા તરીકે 2014માં 19.3 ટકા મતો સાથે કોંગ્રેસને માત્ર 44 બેઠકો મળી હતી, પણ તેની સામે ભાજપને 2009માં માત્ર 18.5 ટકા મતો મળ્યા હતા, પણ તેને 116 બેઠકો મળી ગઈ હતી. ત્રીજો પક્ષ કોણ છે, અપક્ષો કેટલા મતો તોડે છે, કુલ કેટલી બેઠકો પર પક્ષ લડ્યો અને કેટલી સરસાઈથી બેઠકો જીતવામાં આવી તે બધા પરિબળોની અસર મતોની ટકાવારી સામે બેઠકોની સંખ્યા નક્કી કરતી હોય છે. ગુજરાતમાં ભાજપ શહેરી વિસ્તારમાં વધારે જીતે છે અને જ્યારે જીતે ત્યારે વધારે માર્જિનથી જીતે છે, તેથી 2017માં અગાઉ કરતાં વધુ મતો મળ્યા છતાં બેઠકો ઘટીને 99 થઈ ગઈ હતી.
આમ છતાં દેશમાં અને રાજ્યોમાં પોતાના ટેકેદારોની સંખ્યા કેટલી છે તેના આધારે રાજકીય પક્ષોનું ભવિષ્ય હોય છે, તેથી કુલ કેટલા મતો મળ્યા તેની ગણતરી થતી રહે છે. ગઠબંધન થશે કે કેમ અને તેનાથી કેવો ફાયદો થશે તેની ગણતરી અને નેતા કે પક્ષની લોકપ્રિયતાનો અંદાજ પણ તેનાથી આવે છે.
ભાજપ અને એનડીએને 2014માં વધુ મતો અપાવી શક્યા તેના કારણે નરેન્દ્ર મોદી સૌથી લોકપ્રિય નેતા તરીકે ઉપસ્યા હતા. પણ તેમની એ લોકપ્રિયતા ત્યારબાદ સતત ઘટી રહી છે. નોટબંધી પછી યુપીમાં જંગી બહુમતી મળી અને ભાજપને એક પછી એક રાજ્યો મળતા ગયા, તેમ છતાં ભાજપ અને યુપીએને મળતા મતોની ટકાવારી વધી નથી, પણ ધીમે ધીમે તેમાં ઘટાડો થતો રહ્યો છે. આખરે છ મહિના પહેલાંની પાંચ રાજ્યોની ચૂંટણીમાં પણ મતોનો તે ઘટાડો અસર દેખાડી ગયો અને ત્રણ મહત્ત્વના હિન્દીભાષી રાજ્યો ભાજપે ગુમાવવા પડ્યા.
નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના દાવેદાર તરીકે ચૂંટણી લડ્યા તેના કારણે ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં ભાજપના મતોની સંખ્યા 50 ટકા કરતાં પણ વધી ગઈ હતી. પરંતુ તે પછી એક પછી એક રાજ્યમાં થયેલી ચૂંટણીઓ, પેટાચૂંટણીમાં ભાજપના મતોની સંખ્યા ઘટતી રહી છે.
ગોવામાં -21.7 ટકા, રાજસ્થાનમાં -16.8 ટકા, છત્તીસગઢમાં -16 ટકા, મધ્ય પ્રદેશમાં -13.7 ટકા, અને ગુજરાતમાં પણ -11.7 ટકા મતોનો ઘટાડો થયો છે. તેની સામે જોકે ઈશાન ભારતમાં ભાજપના મતોમાં મોટો વધારો પણ થયો છે. ત્રીપુરામાં 37.8 ટકા, મણીપુરમાં 24.3 ટકા, નાગાલેન્ડમાં 15.3 ટકા મતો વધી ગયા હતા.
(આ લિન્ક પર આંકડાં જોઈ શકો છો.)
httpss://infogram.com /1p9z0v5ym0167qi7kn0qmzeyxda33m0g1d5
ભાજપના નુકસાનનો બધી જગ્યાએ કોંગ્રેસને ફાયદો થયો નથી. પ્રાદેશિક પક્ષો કેટલીક જગ્યાએ ફાવ્યા છે. કેટલીક જગ્યાએ મતો વધ્યા પણ સત્તા નહોતી મળી, જેમ કે ગુજરાતમાં 8 ટકા મતો વધ્યા અને બેઠકો વધીને 77 થઈ, પણ સત્તા મળી નહોતી. તેની સામે આ વખતે રાજસ્થાન (કોંગ્રેસ- 39.3 ભાજપ-38.8) અને મધ્ય પ્રદેશમાં (કોંગ્રેસ- 40.9, ભાજપ-41.0) મતોની ટકાવારીમાં ભાજપ અને કોંગ્રેસ લગોલગ હોવા છતાં કોંગ્રેસને સત્તા મળી ગઈ, જ્યારે છત્તીસગઢમાં (કોંગ્રેસ – 43, ભાજપ – 33) 10 ટકા મતો પણ વધારે મળ્યા અને જંગી જીત પણ મળી.
હવે પાંચ રાજ્યોના પરિણામોનું એક વિશ્લેષ એ થયું છે કે આ રાજ્યોમાં ગ્રામીણ વિસ્તાર વધારે હતો અને શહેરી વિસ્તાર ઓછો, તેથી 2014માં આશા સાથે ભાજપ અને મોદીને મતો આપ્યા પછી નિરાશા મળી છે. તેથી આ વખતે આ મતો પાછા હટી ગયા છે. આ ઉપરાંત એસસી અને એસટીમાં પણ ભાજપ સ્વીકાર્ય બન્યો હતો, પણ દલિતો સામે ધિક્કાર, વર્ણવાદી વાતો અને ખેડૂતોના બદલે ઉદ્યોગપતિઓ ખુશ થાય તેવી નીતિ અને આદિવાસી વિસ્તારમાં કારખાના છતાં ફાયદો બહારના લોકોને તે બધા કારણોસર ભાજપ અને મોદી માટેનો ઉત્સાહ ઓસર્યો છે.
ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં ભાજપના વિજયનું કારણ એ હતું કે કોંગ્રેસના પરંપરાગત મનાતા એસસી અને એસટી વૉટ્સ ભાજપને મળતા થયા હતા. એસસી અને એસટી અનામત બેઠકો પર ભાજપનો વિજય થવા લાગ્યો હતો. આ વખતે ફરી એકવાર ત્રણેય હિન્દીભાષી રાજ્યોમાં એસસી અને એસટી બેઠકો પર કોંગ્રેસ ફરીથી આગળ નીકળી શકી છે. મધ્ય પ્રદેશમાં ભાજપના આદિવાસી મતોમાં 3 ટકાનું, જ્યારે છત્તીસગઢમાં 8 ટકાનું ગાબડું પડ્યું છે. એસસી અને એસટી મતોને સાથે રાખીને ગ્રામીણ વિસ્તારોનું વિશ્લેષણ કરીને એવું જણાવાઈ રહ્યું છે કે ગ્રામીણ વિસ્તારોમાં ભાજપના મતો 4 ટકા ઘટી ગયા છે. 2019 સુધીમાં તે પાછા વળે તે માટે હવે સમય રહ્યો નથી, કેમ કે ખેડૂતોની આવક બમણી કરવાનું વચન છેક 2022માં પાળવાનું છે. અત્યારે ખેડૂતોની આવક વધી નથી અને ખેડૂતોના દેવા માફીનું (આમ નુકસાનકારક) વચન કોંગ્રેસ ત્રણ રાજ્યોમાં પાળશે તો કોંગ્રેસ ગ્રામીણ વિસ્તારમાં નવેસરથી મળેલો ટેકો છ મહિના સુધી જાળવી શકે છે.
ભાજપ રાષ્ટ્રવાદની વાત કરવા લાગ્યો ત્યારે પછાતોને લાગ્યું કે આ તો ફરી પાછા મધ્યયુગમાં લઈ જવાની વાત થઈ રહી છે. રાષ્ટ્રવાદના નામે વર્ણ વ્યવસ્થા અને જ્ઞાતિ વ્યવસ્થાને મજબૂત કરવાની પેરવી ચાલી થઈ ગઈ હતી તેમ લાગ્યું. અનામતના નામે આર્થિક રીતે સદ્ધર જ્ઞાતિઓની ઉશ્કેરણી થઈ. આ બધા કારણોસર એસસી અને એસટીને લાગ્યું કે લોકશાહીને કારણે તેમનો અવાજ થોડો સંભળાતો થયો છે, તે ઉગ્ર રાષ્ટ્રવાદમાં ક્યાંક ફરી દબાઈ ના જાય. ઇન્ડિયાસ્પેન્ડ નામની વેબસાઇટે પાંચ રાજ્યોની એસસી અને એસટી અનામત બેઠકોના પરિણામોને અલગ તારવ્યા તો ખ્યાલ આવ્યો કે 180માંથી 120 બેઠકોમાં ભાજપને હાર મળી છે. 180માંથી કોંગ્રેસ 111 બેઠકો જીતી શક્યું છે. 66 ટકા અનામત બેઠકો ભાજપે ગુમાવી દીધી છે. 2013માં આ રાજ્યોમાં ચૂંટણી થઈ હતી ત્યારે ભાજપને 77 ટકા અનામત બેઠકો મળી ગઈ હતી. કોંગ્રેસ 2013માં માત્ર 42 અનામત બેઠકો જીતી શક્યું હતું, પણ 2018માં 111 બેઠકો તેને મળી ગઈ.
2014 પછી જુદા જુદા રાજ્યોમાં થયેલી ચૂંટણીમાં પણ ભાજપનો ભગવો લહેરાતો રહ્યો હતો. સમગ્ર દેશનો નકશો જુઓ તો ભગવા રંગે રંગાઈ ગયો હતો, 21 રાજ્યો ભાજપના, કોંગ્રેસના માત્ર ચાર અને બાકીના પ્રાદેશિક. પરંતુ પેટાચૂંટણીઓમાં ભાજપ હારવા લાગી. યુપીમાં સીએમ યોગી અને ડેપ્યુટી સીએમ શર્માની બેઠકો પણ ભાજપ હાર્યું. વિધાનસભાઓમાં કોંગ્રેસ જીતી નહિ, પણ તેના મતોની સંખ્યા વધતી રહી. હવે ત્રણ રાજ્યો જીતવા પણ મળ્યા.
આ આંકડાંઓના આધારે હવે 2019માં બેઠકોમાં કેટલો ફેરફાર થઈ શકે છે તેની ગણતરીઓ થઈ રહી છે. આ પાંચ રાજ્યોમાં 83 લોકસભા બેઠકો છે. તેમાંથી મિઝોરમમાં એક જ બેઠક છે અને તેલંગાણામાં કોંગ્રેસને ખાસ કોઈ ફાયદો નથી થયો, પણ ત્રણ રાજ્યોમાં કોંગ્રેસ હવે લોકસભામાં પણ સારી બેઠકો જીતવાની આશા રાખે છે. ત્રણ રાજ્યોમાં 65 બેઠકો છે, તેમાંથી ભાજપે ગયા વખતે સફાયો બોલાવીને 62 જીતી લીધી હતી. પણ હવે તેમાંથી અડધો અડધ ગુમાવવી પડે તેવું ગણિત મંડાઈ રહ્યું છે. વર્તમાન આંકડા પ્રમાણે પાંચ રાજ્યોની 83 બેઠકોમાંથી 64 ભાજપની છે, તે ઘટીને 31 થઈ શકે છે તેવું ગણિત મંડાયું છે. ત્રણ હિન્દી બેલ્ટ સાથે ગુજરાત, મહારાષ્ટ્ર, યુપીમાં પણ ભાજપને જંગી બેઠકો મળી હતી. આ રાજ્યોમાં હવે શું થશે. તમે પણ તમારી રીતે ગણિત માંડો…
જોકે રાજકારણનું ગણિત આંકડાંઓની પાકું થતું નથી. રાજકારણનું ગણિત બે વત્તા બે પાંચનું હોય છે એટલે પાંચ મહિના બાકી રહ્યા છે ત્યારે આંકડાં ભલે આના આ રહે, પણ મુદ્દાઓ બદલાઈ જાય તો પછી આ ગણિતના આંકડાંઓ માત્ર અનુમાનો પણ રહી જાય.