‘સુશાસન પ્રાપ્ત કરવા નવીનતાને ઉત્તેજન આપો, નીચલા સ્તરના કર્મચારીઓને તાલીમ આપો…’ અમલદારશાહી અંગેના હમણાં બહાર પડેલા એક પુસ્તકમાં આવું સૂચન કરવામાં આવ્યું છે. આમ તો ભારતની અમલદારશાહી બહુ જૂની છે અને બ્રિટીશ સમયની અમલદારશાહીના ઘણા લક્ષણો આજેપણ એમાં પ્રવર્તે છે, આમ છતાં આઝાદીના સાત દાયકા પછી એમાં ઘણા પરિવર્તનોની ય જરૂર છે.
નવીદિલ્હીસ્થિત વરિષ્ઠ પત્રકાર અશ્વિની શ્રીવાસ્તવ દ્વારા અમલદારશાહી પર લિખિત નવા પુસ્તકમાં સૂચન કરવામાં આવ્યું છે કે સુશાસનના 15 સૂત્રો છે, જેમાં કર્મચારીઓને નવીનતા લાવવા માટે પ્રોત્સાહિત કરવા અને નીચલા તથા મધ્ય સ્તરના કર્મચારીઓને તાલીમ આપવાની વાતનો સમાવેશ કરાયો છે. પ્રતિષ્ઠિત સમાચાર સંસ્થા સાથે જોડાયેલા લેખક-પત્રકાર અશ્વિની શ્રીવાસ્તવ અમલદારશાહી તથા શાસન સંબંધિત બાબતો પર એક દાયકાથી પણ વધુ સમયથી લખી રહ્યા છે અને એટલે જ આ પુસ્તકમાં એમના એ અનુભવનો નીચોડ દેખાઇ આવે છે. એમણે અમલદારશાહીને નજીકથી જોઇ છે એટલે એમની ખૂબીઓ અને ખામીઓ પર અલગ જ અંદાજથી વાચકો સુધી પહોંચાડવામાં એ સફળ રહ્યા છે.
‘ડીકોડિંગ ઈન્ડિયન બાબુડોમ’ નામના પુસ્તકમાં આમઆદમીના દ્રષ્ટિકોણથી ભારતની અમલદારશાહી પ્રથાની ખામીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યા છે. તેમજ આ પ્રથામાં સુધારો કઈ રીતે કરવો જોઈએ એના સૂચનો આપવામાં આવ્યા છે.
સુશાસન લાવવાનું સુગમતાભર્યું બની શકે એ માટે અને જાહેર જનતા પ્રતિ મોટી સંખ્યામાં સરકારી નોકરોમાં પ્રવર્તતા અવ્યાવસાયિક અભિગમને દૂર કરવા માટે લેખકે એમના પુસ્તકમાં અમુક પ્રોપર્ટી રજિસ્ટ્રેશન કાર્યાલયોમાં, RTO કાર્યાલયોમાં, અન્ય વિભાગોમાંના સિવિલ અધિકારીઓમાં, રેડ ટેપ, વહીવટીતંત્રમાંની બિનકાર્યક્ષમતામાં રહેલા સુનિયોજીત ભ્રષ્ટાચારના સંભવિત કારણો ઉપર પ્રકાશ પાડ્યો છે.
આમઆદમીના દ્રષ્ટિકોણથી આસાનીથી વાંચી અને સમજી શકાય એવી ફોર્મેટમાં લેખકે દેશની વહીવટીય સિસ્ટમ, નવા કર્મચારીઓની ભરતી અને લોકપાલ જેવા ભ્રષ્ટાચાર-વિરોધી વોચડોગ (પહેરેદાર)ની અસરકારકતાના મહત્ત્વ ઉપર પણ ભાર મૂક્યો છે.
દેશમાં અસરકારક અને કાર્યક્ષમ વહીવટીતંત્ર સ્થાપી શકાય એ માટે પુસ્તકમાં સુશાસન માટે 15-સૂત્રો દર્શાવવામાં આવ્યા છે.
શ્રીવાસ્તવ કહે છે, ‘ભારતની અમલદારશાહી વિશે અનેક વાહિયાત અને કપોલકલ્પિત વાતો ફેલાઈ છે, કારણ કે ભારત જેવા વિશાળ અને વિવિધતાસભર દેશમાંના શાસનને કોઈ બહારની વ્યક્તિ એમ આસાનીથી સમજી શકે નહીં, એના અનેક કારણો છે. અમલદારશાહી સાથે સંકળાયેલી સામાન્ય વાસ્તવવાદી ગેરસમજોને ખુલ્લી પાડવાનો પુસ્તકમાં પ્રયાસ કરવામાં આવ્યો છે અને સરકારી કર્મચારીઓનાં કામકાજને તેમજ એને લઈને શાસનમાં સુધારો લાવવા માટેના સૂચનો પણ દર્શાવવામાં આવ્યા છે.’
હાલમાં જ બહાર પાડવામાં આવેલા આ પુસ્તકમાં સંરક્ષણ સેવાઓ અને સશસ્ત્ર દળોના અધિકારીઓનું સિવિલ વિભાગોમાં પોસ્ટિંગ કરવા અંગે આમાં સૂચનો દર્શાવવામાં આવ્યા છે, કારણ કે એમની પાસે એ તમામ કાર્યાલય કામકાજ છે જેને કદાચ સિવિલ અમલદારો દ્વારા નિયંત્રિત કરાવી શકાય.
શાસનમાં નવીનતાને પ્રોત્સાહિત કરવા વિશે પણ પુસ્તકમાં ભાર મૂકવામાં આવ્યો છે.
લેખક લખે છે કે, ‘કર્મચારીઓ જેની સાથે સંકળાયેલા હોય તે વિભાગના કામકાજમાં નવીનતા મારફત શાસન પદ્ધતિમાં પરિવર્તનો લાવવા બદલ કર્મચારીઓને, ખાસ કરીને મધ્ય અને નીચલા સ્તરના કર્મચારીઓને માટે કોઈક પુરસ્કાર આપવાનું રાખો કે એમને કારકિર્દીમાં પ્રગતિ કરાવો.’
પુસ્તકમાં જણાવાયું છે કે દેશની શાસન પદ્ધતિમાં બિનકાર્યક્ષમતા, ભ્રષ્ટાચાર અને રેડ ટેપની સમસ્યા પાછળનું એકમાત્ર કારણ છે, મોટા ભાગના સિવિલ કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓનું, ખાસ કરીને જાહેર જનતા સાથેનું ‘અવ્યાવસાયિક વર્તન’.
‘આવા કર્મચારીઓને અવારનવાર હળવા કૌશલ્ય માટેની તાલીમ આપતાં રહેવું જોઈએ જેથી તેઓ લોકો સાથે સરસ રીતે વર્તાવ કરે. યુનિટ અથવા વિભાગના વડા દ્વારા નિયત સમયે સરપ્રાઈઝ ચેકિંગ-વિઝિટ પર જવું જોઈએ જેથી કોઈ કર્મચારીનું સુસ્તપણું તપાસી શકાય અને સતર્કપણું નિશ્ચિત કરી શકાય,’ એમ લેખક વધુમાં જણાવે છે.