‘આપ’ની ક્રિકેટ ટીમ જીતી, કેમ કે ઑલરાઉન્ડરો છે

ક્રિકેટની વાત કર્યા વિના આપણને ચાલતું નથી. બીજા ખેલને આપણે અન્યાય કરતાં હોઈએ છીએ તે ભૂલી જઈએ છીએ. દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પક્ષ (આપ) કેવી રીતે જીત્યો તેની સરખામણી મેરી કોમના બોક્સિંગ કે વિનેશ ફોગટની કુસ્તી સાથે પણ કરી શકાય. બોક્સિંગ અને કુસ્તીમાં તમારી તાકાત જીત માટે જરૂરી ખરી જ, પરંતુ હરિફના દાવપેચ, હરિફની માનસિકતા સામે તમારી માનસિકતા પણ અગત્યની હોય છે. પરંતુ આપણે તો સચિન તેંડુલકરની ક્રિકેટની જ વાત કરવી પડે, કેમ કે તે વધારે ઝડપથી ગળે ઉતરે.

સચિનના ચાહકો તેને ભગવાન ગણાવવા સુધીની વાહિયાત ભક્તિ કરતાં હતા. પણ સચિન એકલો સદી કરી નાખે એટલે ભારતની ટીમ જીતે ખરી? ના, ના, ભક્તિ જરાક બાજુમાં મૂકીને વિચારો, સચિન માત્ર પોતાની એકલાની, અંગત સિદ્ધિ માટે જ વધારે નહોતો રમતો? વિવાદમાં પડવું નથી – મુદ્દાની વાત એ કે સચિન સદી કરીને આવે કે સહેવાગ ફટકાબાજી કરી લે તે પછી અનિલ કુંબલેનો વારો આવે. કુંબલેનો બૉલ હરિફને બેબાળકા કરે અને બેટ અડી જાય ત્યારે વિકેટકિપર ધોનીએ કૂદકો મારીને કેચ કરવો પડે ત્યારે મેચ જીતાય છે.

પ્રથમવાર 2013માં સારો દેખાવ કર્યો હતો અને કોંગ્રેસના ટેકાથી ટૂંકા ગાળાની સરકાર આપની બની હતી. તેને બાદ કરીએ તો આમ આદમી પક્ષે બીજી વાર ભારતીય રાજકારણના ઇતિહાસમાં અભૂતપૂર્વ જીત મેળવી છે. નવો પ્રાદેશિક પક્ષ ઊભો થાય ત્યારે કેટલાક મુદ્દે ભારે આશા અને અપેક્ષાને કારણે સારી જીત મળે. ઉદાહરણો – આંધ્રમાં એન.ટી. રામરાવ રાતોરાત જીતી ગયા હતા. આસોમ ગણ પરિષદના વિદ્યાર્થી નેતાઓ સત્તામાં બેસી શક્યા હતા. પરંતુ બીજી વાર મતદારો પાસે જવાનું થાય ત્યારે હિસાબ તૈયાર થઈ ગયો હોય છે. પાંચ વર્ષની કામગીરીના લેખાંજોખાં લેવાય, આશા અને અપેક્ષાની વાત પૂર્ણ થઈ ગઈ હોય. તે અર્થમાં બીજી વાર પણ જંગી જીત મેળવવી અભૂતપૂર્વ છે.
આમ આદમી પાર્ટીને 53.6 ટકા મતો મળ્યા, જે ગયા વખતના 54 ટકાની નજીક છે. ભારતનું રાજકારણ એવી રીતે ગોઠવાયું છે કે 50 ટકા કરતાં વધારે મતો મેળવવા બહુ અઘરા હોય છે. ભાજપને લોકસભામાં 2014માં અને 2019માં કેટલાક રાજ્યોમાં 50 ટકા કરતાં વધારે મતો મળ્યા હતા. મોદી સરકાર પણ બીજી વાર વધારે મતોથી જીતી હતી, પણ ફરક એટલો કે તે વર્ષો જૂનો પક્ષ અને વ્યાપક સંગઠન ધરાવતો પક્ષ છે. આપને હજી દાયકો પણ થયો નથી અને સંગઠન કરતાંય એક વ્યક્તિના આધારે ચાલતો પક્ષ છે.

બીજું કે બંને ચૂંટણીમાં ભાજપ સામે વિપક્ષો વિખરાયેલા અને નબળા હતા. ભાજપ બે વિજયો સાથે વધારે મજબૂત થયો હતો અને તેવા મજબૂત હરિફ પક્ષ સામે આપે લડવાનું હતું. છતાં આપ જીતી શક્યો. ભાજપે પણ ગત વખત કરતાં સારો દેખાવ કર્યો – મતોની ટકાવારી પાંચેક ટકા વધી અને પાંચ બેઠકો પણ વધી. પરંતુ સત્તા ફરી આપને જ મળી, કેમ કે તેની ટીમમાં પણ ભાજપની જેમ ઑલરાઉન્ડરો છે.

હવે મૂળ વાત પર આવીએ. આપના વિજયને મોટા ભાગે એવી રીતે લેવામાં આવી રહ્યો છે કે વિભાજનનું રાજકારણ ચાલ્યું નથી, શાહિનબાગને કરન્ટ લાગવાને બદલે ભાજપને સામો કરન્ટ લાગી ગયો છે, હવે તો માત્ર કામની જ વાતો કરવી પડશે, શિક્ષણ અને આરોગ્યને જ મહત્ત્વ આપવું પડશે, વીજ અને પાણી બીલમાં કાપ સહિતની રાહતો નાગરિકોને આપવી પડશે અને આટલું કરવામાં આવશે તો ભાજપ જેવા સશક્ત બની ગયેલા પક્ષને હરાવી શકાશે.
આ વાત ખોટી પણ નથી, સાચી પણ નથી. પોતે કરેલા કામની જ વાતો કરવાથી કામ થઈ જશે અને બીજા ઉશ્કેરણી કરનારા મુદ્દાઓની અસર જ નહિ થાય તેમ માની લેવું ભૂલ ભરેલું ગણાશે. સરકારમાં બેસીને સારા કાર્યો કરવા અનિવાર્ય છે. પહેલાં પણ હતા, આજેય છે અને રહેશે. ચૂંટણી પ્રચાર વખતે એ જ મુદ્દાની બૉલિંગ કરવાની. કામના દડા જ જોરશોરથી ફેંકવાના અને સામા પક્ષને રમવાનો મોકો જ આપવાનો નહિ.

આવી નીતિ ઉપયોગી છે, પણ પછી બેટિંગ કરવાની આવશે અને સામા પક્ષને પણ બાઉન્સર ફેંકવાની તક મળવાની છે તે યાદ રાખવાનું કે નહિ? અને એ કેમ ભૂલી જવાય કે બૉલિંગ કરતી વખતે નો બોલ નાખવાના નથી? અને ચૂસ્ત ફિલ્ડિંગ પણ જોઈએ ને?

સત્તામાં હો અને પ્રચારના મેદાનમાં ઉતરો એટલે વિપક્ષ તરફથી બાઉન્સરો શરૂ થવાના છે. હવે બેટિંગમાં ઉતરેલા પક્ષે નક્કી કરવાનું હોય છે કે બાઉન્સર સામે હિંમત કરીને બાઉન્ડ્રી મારવા કોશિશ કરવી કે પછી ડક કરી દેવું. બાઉન્સરને જતા કરવા અને રમવા જેવા બોલ મળે ત્યારે રમી લેવું તે સ્ટ્રેટેજી પણ હોવી જોઈએ. ભાજપ તરફથી વિપક્ષો સામે જયશ્રી રામનો બાઉન્સર (આમ તો ગુગલી) આવે ત્યારે તેઓ બઘવાઈ જાય છે. જયશ્રી રામ કોઈ રાજકીય નારો નથી, જયશ્રી રામ ફરિયાદ કરી શકાય તેવું નિવેદન નથી. જયશ્રી રામ સામે સિતારામ પણ બોલી શકાય છે અને જય બજરંગ બલી પણ બોલી શકાય છે. અરવિંદ કેજરીવાલે એ જ કામ કર્યું હતું. તેમણે જય બજરંગ બલી બોલીને બાઉન્સરોને ખાળ્યા છે.

આપના સૌરભ ભારદ્વાજે પરિણામના દિવસે તેમના પક્ષની ‘ફિલ્ડિંગ’ની નીતિ કેટલી અસરકારક હતી તેનો નમૂનો આપ્યો હતો. તેમણે કહ્યું કે મતદાનના દિવસે ભાજપના કાર્યકરો રસ્તા પર ઊભા રહીને જયશ્રી રામના નારા લગાવતા હતા. ભારદ્વાજે કહ્યું કે અમે અમારા કાર્યકરોને ત્યાં મોકલ્યા અને જય બજરંગ બલીના નારા લગાવ્યા. આપની ટીમ આ રીતે દરેક ભાજપના દરેક બોલ વખતે ‘ફિલ્ડિંગ’ ગોઠવતી રહી અને ભાજપના ‘ફટકાબાજો’ને કેચ આઉટ કરતી રહી.

અરવિંદ કેજરીવાલ મતદાન પહેલાં હનુમાનજીના દર્શન કરવા ગયા હતા. કેજરીવાલે હાથ ધોયા વિના દર્શન કર્યા એમ કહીને ભાજપના નેતા મનોજ તિવારીએ છી.. છી.. કર્યું. કેજરીવાલે કહ્યું કે અરે ભાઇ હું તો સાદા જૂતા પહેરું છે એને હાથ અડાડ્યા વિના જ કાઢી શકાય. આટલી જ વાત કરીને કેજરીવાલે એ દર્શાવી આપ્યું કે વાત હાથ ગંદા હતા કે નહિ તેની નથી, પણ મનોજ તિવારી જેવા લોકોના મનમાં રહેલી ગંદકીની છે. મનોજ તિવારી આણી મંડળીની માનસિક ગંદકી બહુ અસરકારક રીતે કેજરીવાલે દર્શાવી આપી. તેમણે સહજભાવે હનુમાન ચાલીસા સંભળાવીને રામના નામે રાજકારણ કરતાં ભાજપની બોલતી બંધ કરી દીધી.

હવે અહીં ભાજપની બોલતી બંધ કરી દીધી – આ વાક્યને પકડીને એવું માની લેવામાં આવે કે અમુકતમુક પ્રકારના રાજકારણનો સામનો કામનું રાજકારણથી કરી શકાશે તો તે માન્યતા ભૂલ ભરેલી હશે. રામમંદિરનો મુદ્દો ઘણા લોકો માટે આસ્થાનો મુદ્દો હતો અને તેથી ભાજપે તેને પોતાનો રાજકારણનો મુદ્દો બનાવ્યો હતો. ભાજપનો રાજકારણનો મુદ્દો હતો એટલે લોકોએ આસ્થાનો મુદ્દો નહોતો બનાવ્યો.

લાંબી વાત કરવાની જરૂર નથી. તમે સમજદાર છો એટલે સમજી જશો કે દિલ્હીમાં આમ આદમી પક્ષની જીતને કારણે હવે બસ રાજકીય પક્ષો માત્ર શિક્ષણ, આરોગ્ય, વીજળી, ચોખ્ખું પાણી, ચોખ્ખી હવાની વાત કરશે એટલે જીતી જશે એવું બનવાનું નથી. સત્તામાં હોય તે પક્ષે નવી ચૂંટણી આવે ત્યારે પોતાના કામનો હિસાબ આપવાનો હોય અને વિપક્ષમાં હોય તેણે વિકલ્પ આપવાનો હોય. સાથે જ અગાઉ જે મુદ્દાઓ અને બાબતો સાથે સત્તા પર આવ્યા હોય તેને શાસક પક્ષ ભૂલી શકે નહિ. તે મુદ્દાઓ યથાવત છે અને સારું કામ કર્યું છે ત્યારે બીજી તક આપશો મહેરબાન મતદારો એવું કહેવું પડે. સાથે જ વિપક્ષ તરફથી કામની બાબતે અને વિવિધ વિચારસરણીના મુદ્દા બાબતે પ્રહારો થવાના તેનો અસરકારક સામનો કરવો જરૂરી છે. હરિફ પક્ષ તરફથી આવતા મુદ્દાઓને કેવી રીતે વાળી દેવા કે ટાળી દેવા તે પણ ફરીથી જીત માટે જરૂરી છે. વિપક્ષ માટે એ જરૂરી છે કે સરકારે કરેલા કામની ખામીઓ દર્શાવવા સાથે, પોતાના વિકલ્પો રજૂ કરે. જેમ શાસક પક્ષના મુદ્દા હોય, તેમ વિપક્ષના પણ મુદ્દા હોય – વિપક્ષે તે મુદ્દાઓને વળગી પણ રહેવું પડે. શાસક અને વિપક્ષની વાત કરવાના બદલે રાજકીય પક્ષની વાત કરીએ તો કહેવું પડે કે ક્રિકેટની જેમ ઑલરાઉન્ડરોથી ભરેલી ટીમ બનાવવી પડે.