2014માં મૃત્યુ પામેલા સ્પેશિયલ સીબીઆઈ જજ બી.એચ. (બ્રિજગોપાલ હરકીશન) લોયાના પુત્ર અનુજ લોયાએ આજે મુંબઈમાં પત્રકાર પરિષદ બોલાવીને એવો ખુલાસો કર્યો હતો કે એમના પિતાનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હોવા વિશે અમને પહેલાં શંકા હતી, પરંતુ હવે નથી.
અનુજ લોયાએ પત્રકાર પરિષદ મારફત મિડિયા, બિનસરકારી સંસ્થાઓ તથા નેતાઓને અપીલ કરી છે કે મારા પિતાના મૃત્યુના મામલે હવે મને કે મારા પરિવારજનોને કોઈએ પરેશાન કરવા નહીં. મારા પિતાના મૃત્યુ અંગે અમને કોઈ પ્રકારની શંકા નથી અને અમે કોઈની પર આરોપ લગાવતા નથી.
પત્રકાર પરિષદમાં અનુજ લોયા એના વકીલ અમીત નાઈક સાથે આવ્યો હતો અને પત્રકાર પરિષદનું સંચાલન વકીલે કર્યું હતું.
અનુજ લોયાએ કહ્યું કે, મારા પિતાનું મૃત્યુ થયું ત્યારથી અમારો પરિવાર સખત માનસિક તાણ હેઠળ આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં બનેલી અનેક ઘટનાઓને કારણે અમે દુઃખી થયા છીએ. અમે પિતાના મૃત્યુની બાબતમાં કોઈ પ્રકારની તપાસ યોજાય એવું ઈચ્છતા નથી.
પત્રકાર પરિષદમાં અનુજના અન્ય સગાં પણ ઉપસ્થિત હતા.
પરિવારના વકીલ અમીત નાઈકે લોયા પરિવાર વતી કહ્યું કે આ સમગ્ર પ્રકરણને કારણે અનુજ સહિત પરિવારજનો ખૂબ જ વ્યથિત થયાં છે અને એમણે મિડિયાને અપીલ કરી છે કે જજ લોયાના મૃત્યુને રાજકીય રંગ આપવામાં ન આવે. ઘણા લોકો પરિવારજનોને પરેશાન કરવાનો પ્રયત્ન કરે છે અને એમને ગભરાવી રહ્યા છે. જોકે જજ લોયાના મૃત્યુ અંગે પરિવારજનોને મનમાં કોઈ પ્રકારની શંકા નથી. તેથી તેઓ ઈચ્છે છે કે આ ઘટનાને કોઈ રાજકીય રંગ આપવામાં ન આવે. મૃત્યુ દુખદ હતું, પણ વિવાદાસ્પદ નહોતું અને એને બિનવિવાદાસ્પદ જ રહેવા દો.
ઉલ્લેખનીય છે કે 48 વર્ષીય, જજ બી.એચ. લોયા સોહરાબુદ્દીન શેખના એન્કાઉન્ટરના કેસની કાર્યવાહી પર સુનાવણી કરતા હતા. એ કેસમાં હાલના ભાજપના પ્રમુખ અમિત શાહ જ્યારે ગુજરાતમાં ગૃહ પ્રધાન હતા ત્યારે એક આરોપી હતા, પણ એમને અદાલતે નિર્દોષ જાહેર કર્યા હતા. એમને નિર્દોષ જાહેર કરવાના ચુકાદાને સીબીઆઈ એજન્સીએ અપીલ કહી નહોતી.
2012ની સાલમાં સુપ્રીમ કોર્ટે તે કેસની કાર્યવાહી મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કરી હતી અને કેસની કાર્યવાહી અંત સુધી માત્ર એક જ જજ સંભાળે એવો નિર્ણય લીધો હતો. સુપ્રીમ કોર્ટે જજ લોયાને સ્પેશિયલ સીબીઆઈ જજ તરીકે નિયુક્ત કર્યા હતા અને કેસ એમને સોંપ્યો હતો. 2014ની 1 ડિસેમ્બરે જજ લોયા એમના એક સાથી જજ સ્વપ્ના જોશીની પુત્રીનાં લગ્ન સમારંભમાં હાજરી આપવા માટે નાગપુર ગયા હતા. ત્યારે હૃદયરોગનો હુમલો આવતા એમનું મૃત્યુ થયું હતું. સ્વપ્ના જોશી હાલ મુંબઈ હાઈકોર્ટમાં ફરજ બજાવે છે.
ગયા વર્ષના નવેમ્બરમાં અમુક મિડિયાએ જજ લોયાના બહેનને ટાંકીને અહેવાલો પ્રસિદ્ધ કર્યા બાદ મામલો પ્રકાશમાં આવ્યો હતો. જજ લોયાના બહેન અનુરાધા બિયાનીએ કહ્યું હતું કે એમના ભાઈનું જે સંજોગોમાં મૃત્યુ થયું હતું એ વિશે એમને શંકા છે અને એમના મૃત્યુને સોહરાબુદ્દીન કેસ સાથે સંબંધ છે. એમના ભાઈના મૃત્યુમાં ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
એને પગલે કોંગ્રેસના નેતા તેહસીન પૂનાવાલા તથા મહારાષ્ટ્રના પત્રકાર બી.આર. લોને સુપ્રીમ કોર્ટમાં પીટિશન નોંધાવીને એવી માગણી કરી હતી કે જજ લોયાના રહસ્યમય મૃત્યુના મામલે નિષ્પક્ષ રીતે તપાસ યોજવી જોઈએ.
પરંતુ હવે આજે, જજ લોયાના 20 વર્ષીય પુત્ર અનુજે પત્રકાર પરિષદ બોલાવીને એમના પિતાના મૃત્યુ મામલે પરિવારજનોને કોઈ શંકા નથી એવી જાહેરાત કરતા આ વિવાદમાં નવો વળાંક આવ્યો છે.
જજ લોયાના મૃત્યુ અંગે 2017ના નવેમ્બરમાં વિવાદ થયો ત્યારપછી લોયા પરિવાર આ પહેલી જ વાર જાહેરમાં આવ્યો છે.
આખો મામલો શું છે?
જસ્ટિસ લોયા 2005ની 26 નવેમ્બરે ગુજરાતમાં કથિત નકલી એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા સોહરાબુદ્દીન શેખના કેસની સુનાવણી કરતા હતા. સીબીઆઈના કહેવા મુજબ, સોહરાબુદ્દીન શેખ અને એની પત્ની કૌસર બી હૈદરાબાદથી મહારાષ્ટ્રના સાંગલી જતા હતા ત્યારે ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડના અધિકારીઓએ એમનું અપહરણ કર્યું હતું. 2005માં ગાંધીનગર નજીક એમનું નકલી એન્કાઉન્ટરમાં મોત નિપજાવવામાં આવ્યું હતું. એવો આરોપ પણ મૂકાયો હતો કે સોહરાબુદ્દીનને પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈબા સાથે સંબંધ હતો. સોહરાબુદ્દીનનું એન્કાઉન્ટર કરાયું હતું ત્યારે અમિત શાહ ગુજરાતના ગૃહ પ્રધાન હતા.
2012માં સર્વોચ્ચ અદાલતે કેસને મહારાષ્ટ્રની ટ્રાયલ કોર્ટમાં ટ્રાન્સફર કર્યો હતો. 2014માં કેસની સુનાવણી કરનાર જજ જે.ટી. ઉત્પતની અચાનક બદલી કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ જજ લોયાને કેસ સુપરત કરવામાં આવ્યો હતો.
આ કેસમાં અમિત શાહ, રાજસ્થાનના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન ગુલાબચંદ કટારિયા, રાજસ્થાનના ઉદ્યોગપતિ વિમલ પટની, ગુજરાત પોલીસના ભૂતપૂર્વ વડા પી.સી. પાંડે, એડીજીપી ગીતા જૌહરી, ગુજરાત પોલીસના અધિકારી અભય ચુડાસમા અને એન.કે. અમીન પણ નિર્દોષ જાહેર કરાયા છે. હાલ અમુક પોલીસ અધિકારીઓ સહિત 23 આરોપીઓ સામે કેસમાં તપાસ ચાલી રહી છે.
વાસ્તવમાં, ‘કારવાં’ નામના એક મેગેઝિનના એક અહેવાલને પગલે જજ લોયાના મૃત્યુ અંગે શંકા ઊભી થઈ હતી. કારવાંના અહેવાલમાં એવો દાવો કરાયો હતો કે લોયાના શરીર પર લોહીના નિશાન હતા. એને પગલે વરિષ્ઠ ફોરેન્સિક એક્સપર્ટનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ વખતે મૃતદેહમાંથી લોહી નીકળવું સામાન્ય બાબત છે, કારણ કે ડોક્ટર ચકાસણી માટે બોડીને ખોલતા હોય છે.
નાગપુરની હોસ્પિટલમાં જજ લોયાના મૃતદેહને કોઈ અજાણ્યા શખ્સે સ્વીકાર્યો હતો એવા કારવાંના દાવા બાદ જજ લોયાના મૃત્યુમાં તપાસ કરવા મામલે મુંબઈ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટમાં અરજીઓ કરવામાં આવી છે.
અનેક અગ્રગણ્ય નાગરિકો, બિનસરકારી સંસ્થાઓ, સેક્યૂલરવાદી સંગઠનો, બુદ્ધિજીવીઓ, સામાજિક કાર્યકરો, નેતાઓ, વિદ્યાર્થીઓએ સાથે મળીને જાહેરાત કરી છે કે તેઓ આવતી 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિને મુંબઈમાં ઓવલ મેદાનથી ગેટવે ઓફ ઈન્ડિયા સુધી બે કિ.મી.ની કૂચ કાઢશે.