કોરોનાએ બતાવ્યા ધોળા દિવસે તારા..

આફત, પછી એ કુદરતી હોય કે માનવસર્જિત, માનવજાતને હંમેશા પાઠ ભણાવતી જાય છે. યુધ્ધ એને શાંતિની કિંમત સમજાવે છે અને કુદરતી હોનારત એને પ્રકૃતિનો મહિમા યાદ અપાવે છે. એ તો માનવજાત છે જ અળવીતરી એટલે કાંઇ શીખવા માગતી નથી, અન્યથા કોરોના નામની આ આફતે પણ જગત આખાને એક મહત્વનો પાઠ ભણાવ્યો છેઃ પ્રદૂષણનો પાઠ.

પ્રતિષ્ઠિત સાયન્સ વેબસાઇટ સાયન્સએલર્ટ.કોમના એક અહેવાલમાં લેખક જેકિન્તા બાઉલર લખે છે એમ, કોરોનાના આ સંકટના કારણે હજારો માનવ જિંદગી અને અર્થતંત્રનું નુકસાન થયું છે એનો ઇન્કાર ન થઇ શકે, પણ આ કાળા ડીબાંગ વાદળોની રૂપેરી કોર જેવી વાત એ છે કે ત્રીજા ભાગની દુનિયા લોકડાઉન હેઠળ આવવાથી એશિયા, યુરોપ અને અમેરિકા સહિતના દેશોમાં હવાનું પ્રદૂષણ અત્યંત ઘટી ગયું છે. આર્થિક-ઔદ્યોગિક પ્રવૃત્તિ અને વાહનોના પૈડાં થભી જવાના લીધે રોજબરોજ હવામાં ફેંકાતા કાર્બન ડાયોક્સાઇડ નામના ઝેરનું પ્રમાણ ઘટયું છે અને હવા શ્વાસ લેવા જેવી બની છે.

આજકાલ તમારું ધ્યાન પંજાબના જલંધરથી આવેલા એક સમાચાર તરફ ગયું જ હશે. હિમાલયની ગોદમાં ફક્ત 200 કિલોમીટરના અંતરે રમતું હોવા છતાં અહીંના રહેવાસીઓ છેલ્લા ત્રીસેક વર્ષથી હિમાલયની ધોળાધર રેન્જ જોઇ શકતા નહોતા, પણ લોકડાઉનના કારણે હવા ચોખ્ખી થતાં આજે લોકો પોતાના ઘરની અગાશીએથી બરફીલી પહાડીને નરી આંખે જોઇ શકે છે. આઇએફએસ અધિકારી સુશાંત નંદાએ એક ટ્વિટર યુઝરની આ મતલબની ટ્વિટ અને ફોટોગ્રાફ્સ શેર કર્યા પછી બધાનું ધ્યાન અચાનક આ તરફ ગયું છે. વિચાર કરો, એક આખી પેઢી નીકળી ગઇ ત્યાં સુધી કોઇ આ પર્વતમાળાને જોઇ શકતું નહોતું અને આજે લોકો સ્પષ્ટ દેખાતી આ પહાડીના ફોટોગ્રાફ્સ શેર કરી રહયા છે.

વાત ફક્ત આટલી જ નથી. નવી દિલ્હીસ્થિત એર-પોલ્યુશન નિષ્ણાત પાર્થા બાસુ ચિત્રલેખા.કોમ સાથેની વાતચીતમાં કહે છે એમ, ગયા વર્ષના માર્ચ મહિનામાં દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 400 ને વટાવી ગયેલો, એ જ ઇન્ડેક્સ આ વર્ષે માર્ચના અંતમાં 280 જેટલો હતો અને એપ્રિલની શરૂઆતમાં તો ગયા વર્ષના 250 ના આંકની સરખામણીએ એ 100 ની પણ અંદર જોવા મળ્યો છે. દિલ્હી તો ફક્ત એક ઉદાહરણ છે, અમદાવાદ અને મુંબઇ સહિત દેશના બધા જ મોટા શહેરોમાં હવાનું પ્રદૂષણ ઘટયું છે. મોટાભાગના શહેરોમાં આ ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં છે. અર્થાત, તમે મોકળા મને શ્વાસ લઇ શકો એટલી શુધ્ધ બની ચૂકી છે હવા.

ગાંધીનગરસ્થિત ગુજરાત ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઇન્સ્ટીટયુટના ડો. અભિયન્ત તિવારી પણ યોગ્ય રીતે જ ધ્યાન દોરે છે કે, ફક્ત હવા જ નહીં, શહેરોમાંથી નીકળતી નદીઓના પાણીનું સ્તર ય સુધર્યું છે. ઔદ્યોગિક પ્રવૃત્તિ ઠપ્પ થવાથી કારખાનાઓમાંથી નીકળતો અને નદીઓમાં ઠલવાતો કચરો ય બંધ થયો છે એટલે પાણી ચોખ્ખું થયું જ હોય. દિલ્હીમાં યમુના નદીનાં નીર નિર્મળ થયા એની જે તસવીરો સામે આવી છે એ આ વાતની ગવાહી છે. મુંબઇના દરિયામાં અચાનક માછલીઓ દેખાવા માંડી છે અને સાબરમતીનું પાણી પીવાલાયક બન્યું છે. લોકો ય હરખઘેલાં થયા છે એટલે સોશિયલ મિડીયામાં ગામેગામની આવી તસવીરો ફરતી થઇ છે.

બીજી એક વાત તરફ બધાનું ધ્યાન હજુ નથી થયું એ વાત એ છે કે ધરતી પરનો જે ધણધણાટ અટકી ગયો છે એના લીધે ઇંગ્લેન્ડની ઇમ્પિરિયલ કોલેજના અર્થ સાયન્સ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી સ્ટીફન હિક્સ કહે છે એમ ધરતીના પેટાળમાં ચાલતી ગતિવિધીઓને વધારે સ્પષ્ટ રીતે નિરિક્ષણ કરવાનું શક્ય બન્યું છે. એક ટ્રક રસ્તા પર જતો હોય, એક કારખાનું ધમધમતું હોય કે એક ટ્રેન દોડતી હોય તો એ બંધ થવાથી ફરક ન પડે, પણ દુનિયાભરમાં બધા જ વાહનો, ટ્રેનો અને કારખાનાંઓ બંધ પડવાથી પૃથ્વીના પેટાળને જાણે હાશકારો થયો છે. ધરતીને તમે માતા ગણો છો, પણ એ માતા આપણો રોજ કેટલો બોજ સહન કરતી હશે એનો ખ્યાલ આના પરથી આવે છે. સતત હાંફતી-ફાંફતી એ માતાને ય કુદરતે જાણે થોડોક શ્વાસ લેવાની ફૂરસદ આપી છે.

એક દ્રષ્ટિએ તો, હવા અને પાણીના પ્રદૂષણથી બચવાના ફાંફાં મારતી માનવજાતને ય હાશકારો થાય એવી ઘટના છે આ. થોડીક વાત વિચિત્ર અને કડવી લાગશે, પણ સાચી ય છે. સ્ટેનફર્ડ યુનિવર્સિટીના વિજ્ઞાની માર્શલ બર્કેએ આ સમયગાળામાં કરેલા સંશોધન પ્રમાણે, લોકડાઉન દરમ્યાન હવાના પ્રદૂષણથી થતા મૃત્યુમાં જે ઘટાડો થયો છે એની સામે કોરોનાથી થયેલા મૃત્યુનો આંક ઓછો છે! 8 માર્ચ સુધીમાં ફક્ત ચીનમાં જ હવાનું પ્રદૂષણ ઘટવાના કારણે 4000 બાળકો અને 73000 થી વધુ વૃધ્ધોની જિંદગી બચી ગઇ છે. અર્થાત, પ્રદૂષણથી થતા સંભવિત મૃત્યુદરમાં લોકડાઉનના કારણે ઘટાડો થયો છે.

આમ છતાં, કાયમ માટે તો કાંઇ આખી દુનિયાને લોકડાઉન ન જ કરી દેવાય ને?

યસ, દિલ્હીસ્થિત સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટના સુનીતા નારાયણ ચિત્રલેખા. કોમ સાથેની વાતચીતમાં કહે છે એમ, લોકડાઉનથી સ્થિતિ સુધરી હોવા છતાં એ પ્રદૂષણની સમસ્યાનો ઉકેલ ન જ હોઇ શકે. લોકડાઉને ફરીથી પ્રદૂષણની સમસ્યાના કારણો સ્પષ્ટ કરી દીધા છે, ઉકેલ આપણે નક્કી કરવાનો છે.

પાર્થા બાસુ પણ એ જ વાત દોહરાવે છે. આપણે આર્થિક પ્રવૃત્તિ કે આર્થિક વિકાસના ભોગે પ્રદૂષણ ઘટાડી ન શકીએ, પણ લોકડાઉને એક વાત તો સાબિત કરી છે કે અમુક આર્થિક પ્રવૃત્તિનું સ્વરૂપ બદલીને કે અમુક ટેવો બદલીને આપણે જીવી તો શકીએ જ છીએ. ફરજિયાત જીવવું પડ્યું તો જીવ્યા કે નહીં? આર્થિક વિકાસ ન અટકે એ રીતે પ્રદૂષણ એટકાવી શકે એવી જીવનશૈલી વિકસાવવી પડશે અને સરકારે એ પ્રકારની નીતિઓ બનાવવી પડશે.

લોકો ઘરેથી કામ કરતા થયા એટલે મોબીલિટી ઓછી થઇ તો રસ્તા પર વાહનો ઘટયાં. બધા જ લોકો ઘરેથી કામ ન કરી શકે, પણ તબક્કાવાર નીતિઓ ઘડીને જો વર્ક ફ્રોમ હોમ કલ્ચરને પ્રોત્સાહન અપાય તો કમસેકમ મોબીલિટીમાં એટલો તો ઘટાડો થશે. બીનજરૂરી માસ-મોબીલિટીને કાબૂમાં રાખવા કડક કાયદા કરવા ય પડે તો પડે. શહેરી વિસ્તારમાં સ્લમમાં રહેતા લોકોને સાર્વજનિક ગેસ આપી શકાય. નદીઓમાં છોડાતા ઔદ્યોગિક કચરાને બંધ કરશો તો જ ચોખ્ખું પાણી પીવા પામશો એ વાતની ય ખબર પડી ગઇ. પબ્લિક ટ્રાન્સપોર્ટને જો અસરકારક બનાવવામાં આવે તો ટ્રાફિકનું ભારણ ઘટે અને હવામાં ઓકાતો ધૂમાડો ય ઘટે. માથાદીઠ વાહનનું ભારણ ઘટાડવા રેશનિંગ કરવું પડે તો કરો, પણ કરો.

નવી દિલ્દીમાં કેજરીવાલ સરકારે ઓડ-ઇવન યોજના અમલમાં મૂકી એની બધાએ બહુ મજાક ઉડાવી હતી. યોજનાના અમલમાં ખામી રહે કે એનાથી હવાના પ્રદૂષણ પર સંપૂર્ણ કાબૂ ન મેળવી શકાય એ બીજા મુદ્દા છે, પણ રસ્તા પર વાહનોની સંખ્યા ઘટે તો પ્રદૂષણ પણ ઘટે એ તો દીવા જેવું સ્પષ્ટ છે તો પછી કોઇપણ પક્ષની, કોઇપણ સરકારને આ યોજનામાં રહેલી ખામીઓ સુધારીને, લોકો માટે અસરકારક પબ્લિક ટ્રાન્સપોર્ટ સુવિધા વિકસાવવામાં શું પેટમાં દુઃખે છે?

ઇતિહાસ ગવાહ છે કે, માનવજાત જ્યાં સુધી ફરજ ન પાડવામાં આવે ત્યાં સુધી સુધરતી નથી, પણ હવે તો કોરોનાએ આ ફરજ પાડી છે તો પછી સુધરવામાં શું વાંધો છે? પણ નહીં, સુધરવાની આપણને આદત જ નથી. જલંધરથી હિમાલયની પર્વતમાળા દેખાઇ એટલે બધા હરખપદૂડાં થઇને ફોટો શેર કરવા લાગી ગયા, પણ 5 એપ્રિલે સાંજે દીવાની સાથે ફટાકડા ફોડીને હવાના પ્રદૂષણની ઐસી કી તૈસી ય કરી નાખી! એ દિવસે રાત્રે 9 વાગ્યા પહેલાં દિલ્હીની હવામાં PM2.0 નું પ્રમાણ 48.6 હતું એ એક જ કલાકમાં વધીને 10 વાગ્યે 96.9 થઇ ગયું!

કહેવાનો મતલબ એ નથી કે પ્રદૂષણ ઘટાડવા દુનિયાને કાયમ લોકડાઉન કરી નાખો. ના, આર્થિક પ્રવૃત્તિ બંધ કરવાનું તો શક્ય જ નથી, પણ લોકડાઉનથી એ ય સ્પષ્ટ થયું છે કે પ્રદૂષણ ઘટાડી ય શકાય છે. લોકડાઉનમાં કાયદાઓનું સરકાર કડક પાલન કરાવી શકે છે, કેમ કે વાત જીવ પર આવી ગઇ છે. તો પછી પ્રદૂષણમાં ય વાત તો જીવ બચાવવાની જ છે ને?

બાકી એ વાત સાચી કે, કોરોનાએ બન્ને રીતે માનવજાતને ધોળે દિવસે તારા બતાવી દીધા છે. એક તરફ માનવજાત એની સામે રીતસર લાચાર પૂરવાર થઇ રહી છે તો બીજી તરફ લોકડાઉનના કારણે હવાનું પ્રદૂષણ ઘટતાં ખરેખર અવકાશમાં તારાઓ સ્પષ્ટ દેખાઇ રહયા છે!

(કેતન ત્રિવેદી)  

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]