સોમવારે બે મહત્ત્વની ઘટનાઓ એક સાથે બનશે. એક તરફ પ્રિયંકા ગાંધીનો રોડ શૉ લખનૌમાં યોજાશે, ત્યારે બીજા બાજુ રફાલના મુદ્દે સરકારને ક્લિનચીટ આપનારો કેગનો રિપોર્ટ સંસદમાં રજૂ થશે. ક્લિનચીટ જ આપી દેવાઈ હશે, તેમ માની લેવું રહ્યું, કેમ કે ચૂંટણી માથે હોવા છતાં સરકાર કેગનો રિપોર્ટ જાહેર કરવા તૈયાર થઈ છે (આમ તો કેગનો રિપોર્ટ જાહેર કરવો જ પડે) ત્યારે રફાલના મુદ્દે જવાબો આપવાનું સરકાર માટે આસાન થશે.
ગયા અઠવાડિયે પ્રિયંકા ગાંધી વાડરા દિલ્હીની કોંગ્રેસની કચેરીમાં મહામંત્રી તરીકે હાજર થયા તે જ દિવસે તેમના પતિ રોબર્ટ વાડરાને ઇડી સમક્ષ હાજર થવાનું કહેવાયું હતું. તેથી એક તરફ પ્રિયંકાની રાજકીય કારકિર્દીના સમાચારો ચાલતા હતા, ત્યારે સાથેસાથે રોબર્ટ વાડરાની આઠ આઠ મિલકતો તેમના સાથીઓના નામે લંડનમાં છે તે સમાચારો ચાલતા રહ્યા હતા. તે જ રીતે એક તરફ લખનૌમાં પ્રિયંકા ગાંધી વાડરાનો રોડ શૉ ગાજતો હશે, ત્યારે સાથેસાથે રફાલના મુદ્દે કેગના અહેવાલમાં શું કહેવાયું તેની ચર્ચા પણ ચાલશે.
જોકે રફાલના મુદ્દે પ્રિયંકા કશું બોલશે ખરા તેના પર સૌની નજર રહેશે. આ મુદ્દો રાહુલ ગાંધીનો મુદ્દો છે અને તેઓ સતત રફાલનું રટણ કરે છે. ઘણા બધા વિપક્ષના નેતાઓ પણ હવે રફાલના મુદ્દે બોલવા લાગ્યા છે. આ સંજોગોમાં પ્રિયંકા પણ તે મુદ્દે બોલશે કે પછી પ્રિયંકા હજી પોતાના પત્તા નહિ ખોલે? પ્રિયંકા માત્રે ઉત્તર પ્રદેશના મુદ્દાઓ પર બોલશે કે કેમ તે જોવાનું રહેશે છે. લખનૌ જવાના આગલા દિવસે ભાજપની સ્ટાઇલમાં એક ઑડિયો મેસેજ તૈયાર કરીને પ્રિયંકાએ મૂક્યો છે. તેમાં પોતે યુપીમાં આવી રહી છે તેવો મેસેજ છે, જે કોંગ્રેસના વર્તુળોના જણાવ્યા અનુસાર 60 લાખ લોકોને મોકલાયો છે.
પ્રિયંકા રફાલના મુદ્દે બોલે કે ના બોલે, પણ રફાલના મુદ્દે કેગને જે પણ કહ્યું હશે તે ચર્ચાનો મુદ્દો બનશે. તેથી ભાજપનો હેતુ પાર પડે જ છે કે પ્રિયંકાના યુપીમાં પ્રવેશનો મુદ્દાની ચર્ચામાં કાપ મૂકાય. રફાલના મુદ્દે વધારે ચર્ચા થશે તેનો અણસાર એ રીતે મળ્યો છે કે કોંગ્રેસે કેગના અહેવાલનો આગોતરો વિરોધ શરૂ કરી દીધો છે.
કૉમ્પ્ટ્રોલર એન્ડ ઑડિટર જનરલ ઑફ ઇન્ડિયા તરીકે મૂકાયેલા રાજીવ મેહરિશિનો વિરોધ કોંગ્રેસે શરૂ કર્યો છે. કેગ તરીકે મૂકાયા તે પહેલાં રાજીવ મેહરિશિ નાણા મંત્રાલયમાં હતા. કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે કહ્યું કે રફાલના રિવ્યૂમાં મહેરિશિ સામેલ ના થવા જોઈએ, કેમ કે તેઓ 24 ઑક્ટોબર 2014થી 30 ઑગસ્ટ 2015 સુધી નાણા સચિવ હતા. આ જ સમયગાળામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પારિસની મુલાકાતે હતા અને તેમણે રફાલની નવી ડીલની જાહેરાત કરી હતી.
પોતાના કાર્યકાળમાં સંરક્ષણ મંત્રાલયના સોદાની ફાઇલ તેમણે પાસ કરી હોય ત્યારે તેઓ કેવી રીતે તેનું ઑડિટ કરી શકે તેવો સવાલ કોંગ્રેસે ઉઠાવ્યો છે. જોકે નાણા પ્રધાન અરુણ જેટલીએ સ્પષ્ટતા કરી છે કે સંરક્ષણ મંત્રાલયની ફાઇલો નાણા સચિવ પાસે નહોતી ગઈ, પરંતુ સેક્રેટરી (એક્સપેન્ડિચર) પાસે ગઈ હતી. જેટલીએ વિપક્ષ પર રફાલનો મામલો નાહકનો ચગાવવાનો આરોપ મૂક્યો છે અને કહ્યું છે કે રાહુલ ગાંધી સતત જૂઠું બોલી રહ્યા છે.
ભાજપ રફાલના મુદ્દે કેગનો રિપોર્ટ જાહેર કરીને એક સાથે બે કામ કરવા માગે છે. રફાલના મુદ્દે થતા આક્ષેપો ખોટા છે તેવો પ્રચાર થઈ શકે અને બીજું પ્રિયંકા ગાંધીના યુપી પ્રવેશને પૂરતો પ્રચાર ના મળે. જોકે આનાથી ઉલટું પણ થઈ શકે છે, કેમ કે રોબર્ટ વાડરાની પૂછપરછ શરૂ થઈ ત્યારે સૌએ એવો જ સવાલ કર્યો હતો કે પ્રિયંકાના સત્તાવાર પ્રવેશ સાથે જ શા માટે રોબર્ટ વાડરાની પૂછપરછ શરૂ થઈ. તે જ રીતે રફાલના મુદ્દામાં સરકારનો બચાવ કેગે કર્યો હશે તો પણ તે બહાને રફાલની ચર્ચા અવશ્ય થશે. સાથે જ રફાલના મુદ્દાને હવે કેવી રીતે કોંગ્રેસ આગળ વધારવા માગે છે તેની પણ ચર્ચા થશે. પ્રિયંકા રફાલના મુદ્દાનો ઉલ્લેખ કરશે તો પણ ચર્ચા થશે. પ્રિયંકા રફાલનો મુદ્દો નહિ ઉપાડે તો પણ ચર્ચા થશે કે આ મુદ્દો રાહુલ ગાંધી પોતે જ રાખશે, જ્યારે પ્રિયંકા વધારે પાયાનું કામ કરશે. પાયાનું કામ એટલે ઉત્તર પ્રદેશમાં પૂર્વાંચલમાં કોંગ્રેસને મજબૂત કરવાનું. આ વિસ્તારની 42 બેઠકો પર પ્રિયંકા પ્રચાર કરશે, તેમાં વારાણસી પણ આવી જાય છે અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગીનો વિસ્તાર ગોરખપુર પણ આવી જાય છે. અમેઠી અને રાયબરેલી પણ તેમાં આવે છે, જ્યારે ફુલપુર નામની બેઠકનો પણ સમાવેશ થાય છે, જ્યાંથી ભૂતકાળમાં જવાહરલાલ નહેરુ ચૂંટણી લડ્યા હતા. પ્રિયંકા કદાચ ચૂંટણી લડવાનું વિચારે તો ફૂલપુરની પસંદગી થઈ શકે છે તેવું પણ મનાય છે. એક શક્યતા વારાસણીમાં તેમને વિપક્ષના સંયુક્ત ઉમેદવાર બનાવવાની છે, પણ કદાચ નરેન્દ્ર મોદી સામે એ રીતે સીધી ટક્કર લેવાનું ટાળવામાં પણ આવે.
રફાલ અને કેગ સાથે વિપક્ષ એક મુદ્દો એ પણ ચગાવશે કે વધુ એક બંધારણીય સંસ્થાને નબળી પાડવામાં આવી છે. બંધારણીય સંસ્થાઓ મુક્તપણે કામ કરતી નથી. બંધારણીય સંસ્થાઓ સરકારના ઇશારે કામ કરે છે તે મુદ્દો વિપક્ષે પકડી રાખ્યો છે. સીબીઆઈના દુરુપયોગનો મામલો ખુલ્લો પડી ગયો તે પછી અન્ય સંસ્થાઓને પણ કામ કરવા દેવાતું નથી તેવો મુદ્દો વિપક્ષને ટીકા કરવા માટે ફાવે તેવો છે. જોકે સંસ્થાઓનો દુરુપયોગ કરવાથી પ્રજાને શું નુકસાન થાય તે જનતાની ભાષામાં વિપક્ષે સમજાવવું પડે. માત્ર બંધારણની ભાવનાની, આદર્શ સ્થિતિની ચર્ચા કરવાથી લોકોના ગળે વાત ઉતરે નહિ.
કેગના અહેવાલો ગુજરાતમાં ભાજપની સરકાર વિધાનસભાના છેલ્લા દિવસે જ મૂકતી આવી છે. કેગમાં હંમેશા સરકારી હિસાબોની ટીકા હોય છે. તેથી છેલ્લા દિવસે કેગનો અહેવાલ મૂકીને ગૃહ સમાપ્ત કરી દેવામાં આવે, તેથી વિપક્ષ ગૃહમાં તેને ઉઠાવે નહિ. જોકે અખબારોમાં કેગનો અહેવાલ થોડા દિવસ ચમકતો રહે છે અને પછી ભૂલી જવામાં આવે છે.
પરંતુ આ વખતે કેગના રફાલ અંગેની નોંધને સહેલાઇથી ભૂલી જવામાં નહિ આવે. રફાલનો મામલો ચૂંટણીમાં સતત ગાજવાનો છે એ નક્કી છે. વિપક્ષી નેતાઓ ઉપરાંત ભાજપના સાથી પક્ષ શિવ સેનાએ પણ આ મુદ્દે નરેન્દ્ર મોદી સરકારની ટીકાઓ કરી છે. બંને પક્ષો વચ્ચે હવે સમાધાનની તૈયારીઓ ચાલી રહી છે. વચ્ચે થોડો સમય શિવ સેનાએ ટીકાઓ ઓછી કરી હતી, પણ સંસદમાં પોતાના છેલ્લા ભાષણમાં રફાલનો બચાવ કર્યો ત્યારે ફરીથી શિવ સેનાએ એ મુદ્દે ટીકા કરી. એક ઉદ્યોગપતિને ફાયદો કરાવવા શા માટે ડીલ થઈ તેવો સવાલ સેનાનો છે. આ મુદ્દો રાષ્ટ્રપ્રેમનો છે એવું વડા પ્રધાને કહ્યું તેની સામે શિવ સેનાએ વાંધો લેતા કહ્યું કે વિપક્ષો શા માટે આ મુદ્દો ના ઉઠાવે. ધ હિન્દુ અખબારમાં પ્રગટ થયેલા અહેવાલની પણ વાત કરીને સેનાએ કહ્યું કે આ સોદામાં વડાપ્રધાન પોતે શા માટે રસ લઈ રહ્યા હતા તે સવાલ છે.
સોમવારે રફાલના મામલે કેગના અહેવાલની ચર્ચા ચાલતી રહેશે. કેગમાં કેવી નોંધ છે તેની પણ ચર્ચા થશે. સાથે જ કેગ જેવી સંસ્થા પણ હવે બરાબર કામ કરતી નથી તે મુદ્દો પણ વિપક્ષ ઉછાળશે. જોકે કેગનો અહેવાલ સાનુકૂળ હશે તો સરકાર માટે બચાવની વધુ એક તક હશે. સુપ્રીમ કોર્ટ ઉપરાંત કેગ દ્વારા પણ હવે રફાલના સોદાને ક્લિન ચીટ અપાઈ છે તેવું કહીને વિપક્ષ આ મુદ્દે નકામો કકળાટ કરે છે તેમ જણાવશે. વાત કંઈ પણ હોય, રફાલ અને કેગના મુદ્દે સોમવારથી કકળાટ ચાલશે ખરો.