મામલો આખરે નાગપુર છાવણી પર પહોંચ્યો છે. સંઘમ્ શરણમ્ ગચ્છામી થયું છે. શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેના સલાહકાર તરીકે કામ કરતા કિશોર તિવારીએ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતને પત્ર લખ્યો હતો. પોતાના પત્ર વિશે વાત કરતાં તિવારીએ કહ્યું હતું કે ‘અમે પત્રમાં માગણી કરી છે કે ભાજપે પોતાના સિનિયર નેતા નીતિન ગડકરીને સેના સાથેની વાટાઘાટનું કામ સોંપવું જોઈએ. અમને ખાતરી છે કે તેઓ ગઠબંધન ધર્મનું પાલન કરશે અને માત્ર બે કલાકમાં મડાગાંઠ ઉકેલી નાખશે.’
તિવારીના દાવા પ્રમાણે કદાચ ઉદ્ધવ ઠાકરે પ્રથમ અઢી વર્ષ માટે સીએમ બને અને ભાજપ બાદમાં પોતાના સીએમ નક્કી કરી શકે છે. તિવારીએ ફડણવીસની ટીકા પણ કરી અને કહ્યું કે ‘ભાજપ અને સેનામાં જે મૂડ છે અને ફડણવીસ જે રીતે આપખુદ અને વ્યક્તિગત રીતે વર્તી રહ્યા છે, તે જોતા ગડકરી જેવા ધીરગંભીર નેતાની જરૂર છે, જેથી બંને પક્ષનો સંયુક્ત હિન્દુત્વનો એજન્ડા આગળ વધી શકે.’ આ રીતે તિવારીએ સ્પષ્ટપણે ગડકરીનું મહત્ત્વ વધે તેવું કર્યું છે. તિવારી મૂળભૂત રીતે ગડકરીના નીકટના નેતા મનાય છે.
સૌને યાદ હશે કે ગડકરીની મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનવાની ઇચ્છા હતી, પણ સાકાર થઈ શકી નહોતી. કેન્દ્રમાં પણ તેમનું કદ ઓછું કરવાના પ્રયાસો ચાલતા રહ્યા છે. તેમના કરતાં કર્ણાટકના નેતા સદાનંદ ગોવડાને એક કદમ આગળ કરવામાં આવ્યા છે. જોકે આ બધી ચર્ચા વચ્ચે ગડકરી મૌન જ રહ્યા છે. ફડણવીસ દિલ્હી જઈને અમિત શાહને મળી આવ્યા તે પછી હવે તેમના ચક્કર ચાલતા થયા છે. તેઓ ગડકરીને પણ મળ્યા હતા. એવું મનાય છે કે ફડણવીસ અને ગડકરી હવે સમદુખિયા બન્યા છે. ફડણવીસનું પત્તું કપાઈ રહ્યું છે એમ લાગે છે.
ફડણવીસને કારણે મહારાષ્ટ્રનો મામલો વધારે ગૂંચવાયો છે એમ ભાજપના મોવડીઓને લાગે છે. ફડણવીસ સતત પોતે જ મુખ્ય પ્રધાન છે એવું કહેતા રહ્યા છે. ચૂંટણી પહેલાં પણ વારંવાર તેમણે તક મળી ત્યારે સ્પષ્ટતા કરી હતી કે ભાજપ જ સરકાર બનાવશે અને પોતે જ મુખ્ય પ્રધાન બનવાના છે. તક મળી ત્યારે ફડણવીસ નવા હતા, પણ પાંચ વર્ષમાં તેઓ જૂથબંધીમાં માહેર થઈ ગયા છે. તેમણે ધીમે ધીમે પંકજા મુંડે, વિનોદ તાવડે, એકનાથ ફડસે જેવા સ્પર્ધકોને એક કોરાણે કરી દીધા હતા. પંકજા મુંડે તો ચૂંટણી પણ હારી ગયા. ફડણવીસના ખાસમખાસ ગણાતા ગીરીશ મહાજન 220થી વધુ બેઠકો મેળવી લઈશું તેવો દાવો કરતા રહ્યા હતા. આજે તેઓ સાવ ચૂપ થઈ ગયા છે. દરમિયાન ફડણવીસની વધતી મહત્ત્વાકાંક્ષા જોઈને દિલ્હી બેઠેલા મોવડીઓએ ધીમે ધીમે મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત દાદા પાટીલને આગળ કરવાનું શરૂ કરી દીધું હતું.
ચૂંટણીના પરિણામો પછી મામલો ગૂંચવાયો, તેમાં ફડણવીસના નિવેદનો પણ હતા. તેથી આખરે શિવસેના સાથે વાતચીતનો તબક્કો આવ્યો ત્યારે ભાજપ તરફથી પાટીલ અને ભૂપેન્દ્ર યાદવને મોકલવાનું નક્કી થયું હતું. જોકે બેઠક થાય તે પહેલાં જ ફરીથી ફડણવીસને નિવેદન આપીને પાણી ડહોળ્યું કે તેમની હાજરીમાં 50-50ની કોઈ ફોર્મ્યુલા ચર્ચાઇ નહોતી. તેથી નારાજ થયેલા ઉદ્ધવ ઠાકરેએ સમજૂતિ માટેની બેઠક જ રદ કરી નાખી.
ચંદ્રકાંત પાટીલને અમિત શાહે આગળ કર્યા, ત્યારથી તેઓ નંબર ટુ ગણાય છે. પરિણામો પછી અમિત શાહે તરત જ હરિયાણામાં સરકાર બને તે માટેના પ્રયત્નો શરૂ કરી દીધા હતા. ભાજપના એક લેડી સાંસદ ચાર્ટર વિમાનમાં પેલા જાતીય શોષણના આરોપી ગોપાલ કાંડા અને અપક્ષને લઈને દિલ્હી પહોંચ્યા હતા. કાંડાનો ઉપયોગ કરીને દુષ્યંત ચૌટાલાને ઢીલા પાડી દેવાયા અને તેમને મળવા બોલાવીને અમિત શાહે સમજૂતિ પાર પાડી આપી.
મહારાષ્ટ્રમાં તેમણે સમજૂતિ થાય તે માટે દેખિતા પ્રયાસો કર્યા નથી. વાતને છેક સુધી લંબાવા દીધી છે. ફડણવીસ પર જ જાણે મામલો છોડી દેવાયો કે તમારાથી થાય તેમ હોય તો સમાધાન કરી લો. ફડણવીસ જૂથ માટે આ કસોટી હતી અને તેમાં તે નિષ્ફણ નિવડ્યું છે. ફડણવીસનું જૂથ મહારાષ્ટ્ર ભાજપમાં અત્યાર નાગપુર જૂથ તરીકે જાણીતું છે. પણ હવે નાગપુરના કેટલા આશિર્વાદ ફડણવીસ પર હશે તે નક્કી નથી. સામી બાજુ ચંદ્રકાંત પાટીલના જૂથને કોલ્હાપૂર જૂથ કહેવામાં આવે છે.
હવે જોકે કોલ્હાપૂર જૂથ પણ ચિત્રમાંથી નીકળી ગયું હોય તેમ લાગે છે. મામલો હવે સંઘના શરણે ગયો છે. ફડણવીસને ખ્યાલ આવી ગયો કે પોતાને પોતાના ભાગ્ય પર છોડી દેવાયા છે, તે પછી તેઓ નીતિન ગડકરીને પણ મળી આવ્યા. ગડકરીએ હજી સુધી મોન તોટ્યું નથી. ત્યારબાદ મંગળવારે રાત્રે તેઓ નાગપુર સંઘના શરણે પહોંચ્યા.
નાગપુરના સંઘના વડામથકે તેમણે ચર્ચાઓ કરી હતી. પરિણામો અંગ ચર્ચા થઈ હશે અને આગળ શું થઈ શકે તેની ચર્ચાઓ પણ થઈ હશે. દરમિયાન ભાજપના અન્ય મહત્ત્વના નેતા સુધીર મુનગટીવારે નિવેદન આપ્યું કે શુભ સમાચાર ટૂંક સમયમાં મળશે. તેના પરથી એવો અણસાર આવ્યો કે સરકાર રચનામાં વિલંબથી નારાજ સંઘે હવે પોતાની રીતે કોઈ નિર્ણય કરી લીધો છે.
જોકે આ નિવેદન સંઘમાં મુલાકાત પહેલાં આવ્યું હતું. ફડણવીસના સીએમ તરીકેના સત્તાવાર નિવાસસ્થાને બેઠક બાદ તેમણે આવું કહ્યું હતું. તે બેઠકેમાં પ્રદેશ પ્રમુખ પાટીલ પણ હતા. તેમણે પણ કહ્યું કે હવે શિવસેના તરફથી દરખાસ્ત આવે તેની રાહ જોવાય છે.
જોકે શિવસેનાએ દરખાસ્તના બદલે પહેલાં લેખિતમાં ફિફ્ટિ-ફિફ્ટિની ફોર્મ્યુલાની ખાતરી ફરી માગી છે. સાથે જ સંઘ તરફ દૃષ્ટિ દોડાવી છે કે જેથી આ મામલાનો ઉકેલ આવે. સેના જાણે છે કે મહારાષ્ટ્ર રાજ્યમાં સત્તા નાગપુર છાવણી માટે જરૂરી છે. સેના અને એનસીપી વચ્ચેની સમજૂતિ આગળ વધી હોય તેવા અણસાર છે, ત્યારે કોંગ્રેસ બહાર બેસે તો પણ બંનેની સરકાર બને તેવું લાગી રહ્યું છે. તેથી કદાચ ફડણવીસને બદલીને ભાજપ નવા નેતા નક્કી કરે, જે અઢી વર્ષ માટે જ સીએમ બનવા માટે તૈયાર હોય. પાટીલને છેલ્લા કેટલાક સમયથી મહત્ત્વ અપાયું છે, પણ મુનગટીવાર તેમનાથી પણ જૂના નેતા મનાય છે. બીજું નાગપુર છાવણી સામે કોલ્હાપુર છાવણી ચલાવનારા અને દિલ્હીના ભાજપના મોવડીમંડળના આશીર્વાદ ધરાવતા પાટીલ કરતાં સંઘને કદાચ મુનગટીવાર વધારે પસંદ પડે. ગયા વખતે એવું કહેવાય છે કે સંઘની ઇચ્છા છતાં ભાજપે ગડકરીને સીએમ બનવા દીધા નહોતા. આ વખતે સંઘ કદાચ પોતાનો કક્કો ખરો પણ કરે.