(કૌશિક મહેતા)
1 ડિસેમ્બરના રોજ પહેલા તબક્કાના મતદાન માટે સૌરાષ્ટ્રની 48 પૈકી 44 બેઠકોની ભાજપે યાદી જાહેર કરી છે, એમાં 2017ના નુકસાનને યાદ રાખી 2022માં સૌરાષ્ટ્રમાં વધુ બેઠકો મળે એ વાત ધ્યાને રાખી ઉમેદવારોની પસંદગી કરી છે – એમ સમજાય છે. ભાજપ દ્વારા અપક્ષની વિચારધારા કે સિદ્ધાંતો કરતાં કોણ જીતી શકે એમ છે એ વાત પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. અહી માત્ર જ્ઞાતિનાં સમીકરણો જ ધ્યાને લીધાં નથી, પણ કેટલાક સંદેશ પણ પક્ષના કાર્યકર્તા અને નેતાઓને અપાય છે. ક્યાંક કોઈનું દબાણ પણ કામ કરી ગયું છે.
આ પસંદગીમાં ઊડીને આંખે વળગે એવી બે વાત છે. ભૂતપૂર્વ મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી અને પક્ષપ્રમુખ સી. આર. પાટીલનું બહુ ઊપજ્યું નથી એવું સ્પષ્ટ લાગે છે. રાજકોટની ચારેય બેઠક પર ઉમેદવારો બદલાયા છે અને એમાં વિજયભાઈની રાજકોટ-પશ્ચિમ બેઠક પર વિજયભાઈના નજીકના સાથી નીતિન ભારદ્વાજને ટિકિટ મળશે એમ મનાતું હતું, પણ મળી નથી અને અહી સંઘનું ચાલ્યું છે. સંઘ સાથે વર્ષોથી નાતો ધરવાતા દોશી પરિવારનાં દીકરી અને રાજકોટનાં ડે. મેયર દર્શિતા શાહને ટિકિટ આપવામાં આવી છે. વિજયભાઈના બીજા સાથી ધનસુખ ભંડેરીને પણ રાજકોટ-દક્ષિણમાં ટિકિટ મળી નથી અને મહત્વની વાત એ છે કે પાટીલની એકદમ નજીક ગણાતા ભારત બોઘરાને તો ના જસદણમાં કે ના રાજકોટમાં ટિકિટ આપવામાં આવી છે. રાજકોટ-દક્ષિણમાં ઉદ્યોગપતિ અને ખોડલધામ સાથે જોડાયેલા રમેશ ટિલાળાને ટિકિટ આપવામાં આવી છે. જેથી સૌરાષ્ટ્રમાં ખોડલધામને કારણે ભાજપને ફાયદો થશે એવી ગણતરી કામ કરી ગઈ છે.
બીજો એક મુદો ધ્યાને લેવા જેવો છે, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્યો પૈકી કેટલાકને ટિકિટ આપવામાં આવી છે તો કેટલાકની બાદબાકી પણ થઈ છે. પક્ષે કુંવરજી બાવળિયા, જે વી કાકડિયા, રાઘવજી પટેલ , ભગાભાઈ બારડ અને હર્ષદ રીબડિયાને ટિકિટ આપી છે. તો હકુભા જાડેજાથી માંડી બાવકું ઉંધાડની બાદબાકી કરવામાં આવી છે. ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં 2017માં ભાજપને ફટકો પડેલો એ કારણે ભગાભાઈ બારડ કે જે છેલ્લી ઘડીએ ભાજપમાં આવ્યા એમને ટિકિટ આપવામાં આવી છે, પણ જામનગરમાં હકુભા જાડેજા કપાયા છે . એ પાછળનું કારણ તાજેતરમાં પરિમલ નથવાણીનું ટ્વીટ જવાબદાર ગણવામાં આવે છે. હકુભા સામે કોર્ટમાં કેસ ચાલે છે એ વાત તેમને નડી ગઈ છે. અને સાંસદ પૂનમ માડમની નજીક એવા ભારતની ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાની પત્ની રિવાબાને ટિકિટ આપવામાં આવી છે. જોકે રવીન્દ્રની બહેન કોંગ્રેસની બેઠક માટે દાવેદાર છે.
આ નાપસંદગીમાં બીજોય એક સંદેશ એ છે કે તમે હારી ગયા હતા અને પછી તમને ટિકિટ આપવામાં નથી આવી, પણ તમે જો પક્ષને વફાદાર રહ્યા છો તો તમને તક મળી શકે છે. એવા ઘણા ઉમેદવાર છે જેઓ હારી ગયેલા અને પછી પસંદગીમાંથી બાકાત થયા હતા એવાને પણ ટિકિટ આપવામાં આવી છે. એમાં રાજકોટ ગ્રામ્યમાં ભાનુબહેન બાબરિયાથી માંડી જામજોધપુરમાં ચીમનભાઈ શાપરિયા જેવાં નામો પણ છે. કેટલાંક નામો રિપીટ પણ થયાં છે. એમાં જયેશ રાદડિયા, પબુભા માણેકથી માંડી બાબુભાઈ બોખીરિયા પણ છે. પણ પરષોતમ સોલંકી અને ભાઈ હીરાભાઈ સોલંકી બંનેને ટિકિટ આપવામાં આવી એ જરા આશ્ચર્યજનક છે. પરષોતમથી ભાજપ પીછો છોડવવા માગતો હતો એટલે તો કુંવરજી બાવળિયાને સાચવી લેવાયા. આમ છતાં સોલંકીબંધુઓને જે ટિકિટ આપવામાં આવી એ કોળી મત બેન્કનું વર્ચસ સમજાવે છે.
હા, કેટલાક યુવા ઉમેદવારોને પણ તક આપવામાં આવી છે, એમાં જૂનાગઢમાં સંજય કોરડિયાથી માંડી વઢવાણમાં જિજ્ઞા પંડ્યાનો સમાવેશ થાય છે. કેટલાક કર્મઠ કાર્યકર્તાની પસંદગી પણ થઈ છે. મોરબીમાં ઝૂલતા પૂલની દુર્ઘટના પ્રત્યે લોકરોષને ટાળવા મંત્રી બ્રિજેશ મેરજાને કાપી જૂના જોગી અને પાંચ વાર આ બેઠક પર જીતવાનો વિક્રમ ધરાવનાર કાંતિભાઈ અમૃતિયાની પસંદગી થઈ છે. સમગ્રતયા જોઈએ તો પટેલ–કોળી જ્ઞાતિ સમીકરણો તો ઠીક છે પણ ધાર્યું ધણીનું થયું છે.
(લેખક રાજકોટસ્થિત વરિષ્ઠ પત્રકાર અને જાણીતા રાજકીય વિશ્લેષક છે.)