પ્રાદેશિક પક્ષ મજબૂત હોય છે, પણ રાજ્યની બહાર તે મજબૂતાઈનો કોઈ અર્થ નથી સરતો. આસપાસના રાજ્યમાં હાજરી પૂરાવા પૂરતી રાજકીય તાકાત હોય ત્યારે રાષ્ટ્રીય ભૂમિકા મર્યાદિત બની જાય છે તે વાત કદાચ આ વખતે બીએસપીને સમજાઈ હશે. આમ આદમી પાર્ટીનો દાખલો પણ અહીં લેવા જેવો છે. દિલ્હી જેવા નાના રાજ્યની પાર્ટીની રાષ્ટ્રીય મહત્ત્વાકાંક્ષા બહુ જ પ્રબળ હતી, પણ 2014માં લોકસભામાં પંજાબ સિવાય કોઈ જગ્યાએ ખાસ કોઈ દેખાવ ના કરી શકાયો તે પછી આપના નેતાઓએ પોતાની ભૂમિકા હાલમાં રાજ્ય પૂરતી જ મર્યાદિત રાખવાનું નક્કી કરી લીધું લાગે છે.
પંજાબ અને ગોવામાં પણ આમ આદમી પાર્ટીએ જોર કર્યું હતું, પણ તેમાંય ખાસ સફળતા મળી નહોતી. પંજાબમાંથી ચાર સાંસદો તેના જીત્યા હતા, તેના કારણે દિલ્હી પછી વધુ એક રાજ્યમાં સત્તાની તેની ગણતરી હાલ પૂરતી સફળ થઈ નથી. તેથી હવે તેણે પણ ભાજપ અને કોંગ્રેસનો સીધો જ રાષ્ટ્રીય વિકલ્પ બનવાના બદલે પ્રાદેશિક પક્ષોની જેમ ગઠબંધનની તૈયારીઓ કરી હોય તેમ લાગે છે.
બહુજન સમાજ પક્ષની રચના થઈ ત્યારે તેનો ઉત્સાહ પણ કંઈક એવો જ હતો. કાંશીરામ રાષ્ટ્રીય લેવલે ભાજપ અને કોંગ્રેસની સામે ત્રીજો વિકલ્પ બનવા માગતા હતા. તેઓ ઠેર ઠેર પોતાના કાર્યકરોને ચૂંટણી લડાવતા હતા, પણ ઉત્તર પ્રદેશમાં જ સફળતા મળી. ઉત્તર પ્રદેશમાં એકલા હાથે સરકાર બનાવવાની તક મળી ગઈ તે પછી આમ આદમી પાર્ટીની જેમ તેણે પણ થોડો સમય પ્રાદેશિક પક્ષ તરીકેની ઓળખને વધારે મહત્ત્વ આપવાનું નક્કી કરવું પડ્યું હતું. આમ છતાં યુપીના પડોશી દેશોમાં તે ચૂંટણી લડતી રહી છે, પણ મહત્ત્વના પરિબળ તરીકે ઉપસી શકી નથી.
મધ્ય પ્રદેશમાં 2008માં સાત બેઠકો હતી તે 2013માં 4 થઈ અને આ વખતે માત્ર 2 થઈ ગઈ છે. રાજસ્થાનમાં સરકાર વિરોધી હવાનો ફાયદો થયો એટલે ફરીથી 2008 જેટલી છ બેઠકો મળી, જ્યારે છત્તીસગઢમાં પણ ગઠબંધન કર્યા પછીય બે બેઠકો મળી છે. દિલ્હી, પંજાબ, બિહાર, ઝારખંડમાં તેને મળતા મતોની સંખ્યામાં કોઈ વધારો થયો નથી. ઉલટાનું પંજાબમાં આમ આદમી પાર્ટીએ ઝૂકાવ્યું તેના કારણે બીએસપીને જ નુકસાન થયું છે. દિલ્હીમાં પણ આમ આદમી પાર્ટી બીએસપીને પણ નુકસાન કરી રહી છે.
આ બધા પરિબળોને કારણે પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો પછી બીજા દિેવસે સવારે માયાવતીએ સામેથી જાહેરાત કરવી પડી કે તેમનો પક્ષ મધ્ય પ્રદેશમાં ભાજપને સત્તામાં આવતો રોકવા માટે ટેકો આપશે. જરૂર પડશે તો રાજસ્થાનમાં પણ ટેકો અપાશે તેવી જાહેરાત તેમણે કરી હતી. સાચી વાત એ હતી કે કોંગ્રેસને માયાવતીના પક્ષની જરૂર ચૂંટણી પછી પણ નહોતી. રાજસ્થાનમાં રાષ્ટ્રીય લોક દળના ટેકા સાથે 100 બેઠકો થઈ ગઈ હતી અને મધ્ય પ્રદેશમાં પણ એસપી અને અપક્ષોના ટેકા સાથે 116 બેઠકો થઈ ગઈ હતી. આ રીતે કોંગ્રેસની સરકારો બની રહી છે, બીએસપીના ટેકા વિના તે સ્પષ્ટ થઈ ગયું હતું, તેથી ત્રણેય રાજ્યોમાં સત્તામાં ભાગીદારી મળશે અને પોતાના પક્ષમાંથી પ્રધાનો બનશે તેવી માયાવતીની આશા ફળી નહોતી.
તેનો અર્થ એ થયો કે ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસે બીએસપીનો સાથ ના લેવાનો કરેલો નિર્ણય, અથવા કેલ્ક્યુલેટેડ રિસ્ક, ફાયદામાં રહ્યા. કોંગ્રેસ પક્ષને સમગ્ર રીતે, ત્રણેય રાજ્યોના કોંગ્રેસી કાર્યકરોને વિશેષ રીતે અને સર્વાધિક સ્ટ્રેટેજિક ફાયદો રાહુલ ગાંધીને વ્યક્તિગત રીતે થયો છે. ત્રણમાંથી બે મોટા રાજ્યોમાં માંડ માંડ સત્તા મળી છે. બંને રાજ્યોમાં ટેકાવાળી લઘુમતી સરકાર છે, પણ એકલા હાથે કોંગ્રેસને મળેલો વિજય જશ અપાવનારો રહ્યો છે. જો ચૂંટણીપૂર્વે ગઠબંધન સાથે ચૂંટણી લડાઈ હોત અને કદાચ પાંચથી સાત વધારે બેઠકો સાથે, પાતળી બહુમતી સાથે સરકારો બની હોત તો કોંગ્રેસને અને રાહુલ ગાંધીને જશ મળ્યો ના હોત.
ત્રણેય રાજ્યોમાં બીએસપીની સ્થિતિ કેવી રહી તે ટૂંકમાં જોઈએ એટલે ખ્યાલ આવશે કે આ રાજ્યોમાં કોઈ પ્રાદેશિક પક્ષોને ઊભા ના થવા દેવા અને રાષ્ટ્રીય પક્ષ તરીકે કોંગ્રેસનું સ્થાન મજબૂત બનાવવા માટે બચેલા રાજ્યોને બચાવી રાખવાની તક કોંગ્રેસને મળી છે. બહુજન સમાજ પાર્ટીને પોતાના દલિત મતો માટે વિચારવાનો સમય પણ આવ્યો છે, કેમ કે ત્રણમાંથી બે રાજ્યો – મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં એસસી અનામત બેઠકોમાં બીએસપીના મતોની ટકાવારી ઘટી છે. અનામત બેઠકોમાં જનરલ મતદારો પણ મોટી સંખ્યામાં હોય, પણ દલિતોની સંખ્યા પણ પ્રમાણમાં મહત્ત્વની હોય છે. બીએસપીએ બંને રાજ્યોમાં છેલ્લા દાયકામાં સમર્થન થોડું થોડું ગુમાવ્યું છે. મધ્ય પ્રદેશમાં 2008માં 10.45 ટકા મતો અનામત બેઠકોમાં મળ્યા હતા. 2013માં તે ઘટ્યા અને 7.79 ટકા થયા, જે આ વખતે શાસનવિરોધી હવામાં પણ ઘટ્યા અને 2018માં થયા 5.27 ટકા જ રહી ગયા. સામાન્ય બેઠકોમાં પણ આવો જ ઘટાડો થયો છે, પણ 2018માં 5.27 ટકાની સામે 6.10 ટકા સાથે સારો દેખાવ રહ્યો. 2008માં જનરલ બેઠકો પર 10.16 ટકા અને 2013માં 7.17 ટકા મતો મળ્યાં હતાં.
રાજસ્થાનમાં પણ આવી જ પેટર્ન જોવા મળી છે. સામાન્ય બેઠકોમાં ગત વખત કરતાં થોડા વધારે મતો મળ્યા પણ એસસી અનામત બેઠકોમાં છેલ્લી ત્રણેય ચૂંટણીઓમાં ક્રમશઃ ઘટાડો થતો રહ્યો છે. 2008માં સામાન્ય બેઠકોમાં 8.58 અને એસસી અનામત બેઠકોમાં 5.68 ટકા મતો મળ્યા હતા. 2013માં સામાન્ય બેઠકોમાં ઘટીને 3.82 ટકા અને એસસી અનામત બેઠકોમાં ઘટીને 3.11 ટકા મતો થયા હતા. આ વખતે 2018માં સામાન્ય બેઠકોમાં થોડા વધારા સાથે 4.8 ટકા મતો મળ્યા, પરંતુ અનામત બેઠકોમાં ઘટાડો ચાલુ રહ્યો અને તળિયે 2.13 ટકાએ પહોંચ્યા.
ફક્ત છત્તીસગઢમાં અજિત જોગી સાથે જોડાણને કારણે બીએસપીને મતો મેળવવામાં ફાયદો થયો છે. તે ફાયદાનું એક બીજું કારણ એ કે આ વખતે જોગી કોંગ્રેસથી જુદા થવાથી સતનામી દલિતો પણ કોંગ્રેસથી દૂર થયા હતા. મજાની વાત એ છે કે સતનામી દલિતોના નેતાઓ અને મતો ગુમાવીને કોંગ્રેસે ઓબીસી મતો પાછા મેળવી લીધા. જોગીને કારણે સતનામી દલિતોના મતો મળતા હતા, પણ કોંગ્રેસ મનવા કુર્મી અને સાહુ (તૈલી, ઘાંચી) વગેરેના મતો ગુમાવતી હતી. તે મતો આ વખતે કોંગ્રેસને મળ્યા અને જંગી બહુમતીથી જીત મળી.
બીજી બાજુ બીએસપીને 2008માં અનામત બેઠકોમાં 14.14 ટકા મતો મળ્યા હતા, તેમાં આ વખતે ખાસ્સો વધારો થઈ ગયો. 2018માં મતો વધીને 16.68 ટકા થઈ ગયા. ગત વખતે 2013માં તે 8.92 ટકા જેટલા નીચે ગયા હતા. જોગી સાથે જોડાણને કારણે જનરલ બેઠકોમાં પણ બીએસપીને મતોનો ફાયદો થયો. જનરલ બેઠકોમાં 2008માં 5.85 ટકા અને 2013માં 4.35 ટકા સામે, આ વખતે 2018માં વધારો થયો અને મતોની ટકાવારી થઈ 11.79. આમ છતાં બેઠકોનો ફાયદો થયો નથી. 2008માં બે બેઠકો હતી, તે 2013માં ઘટીને એક થઈ હતી, તે ફરીથી 2 થઈ. બેઠકોમાં ફાયદો અજિત જોગીના પક્ષ જનતા કોંગ્રેસ છત્તીસગઢને પાંચ બેઠકો મળી ગઈ. જોકે આ જોડાણની કુલ 7 બેઠકોનું નુકસાન ભાજપને જ થયું, કોંગ્રેસની બેઠકો 39થી વધીને સીધી 68 પર પહોંચી ગઈ.
આખી વાતનો સાર એટલો છે કે પાંચ રાજ્યોમાં કોંગ્રેસે ગઠબંધન ના કર્યું તેનો ફાયદો થયો છે, પણ લોકસભા વખતે કોંગ્રેસ ગઠબંધન કરવું પડશે. તેલંગાણામાં ચંદ્રબાબુ નાયડુ સાથે ગઠબંધન કર્યું અને કશો જ ફાયદો ના થયો. ઉલટાનું કેસીઆર ફાવી ગયા અને તેમના મતો વધીને 47 ટકાએ પહોંચી ગયા અને 88 બેઠકો સાથે બે તૃતિયાંશ બહુમતી મળી ગઈ. જોકે કોંગ્રેસના મતો 25.2 ટકામાંથી વધીને 28.4 ટકા થયા છે. તેની સામે ટીડીપીએ 14.7 ટકા મતો હતા, તે ગુમાવ્યા અને માત્ર 3.5 ટકા મતો મળ્યા. જોકે એ સવાલ ઊભો જ રહે છે કે ગઠબંધન ના કર્યું હોત તો ટીડીપીના મતો કોંગ્રેસ તરફ ગયા હોત કે કેમ. તેનો અર્થ એ થયો કે તેલંગાણામાં ટેસ્ટ કરવાનો હતો તે થઈ ગયો અને ત્રણ રાજ્યોમાં ગઠબંધન નહોતું કરવાનું તેનો પણ ટેસ્ટ થઈ ગયો.
હવે કસોટી થશે ઉત્તર પ્રદેશ, પંજાબ અને દિલ્હીમાં ગઠબંધન કરવાની. વિપક્ષી નેતાઓ સાથે અરવિંદ કેજરીવાલની હાજરી સાથે દિલ્હીમાં આપ પાર્ટી ભાગીદારી કરવા તૈયાર છે તેમ સમજવાનું રહ્યું. સામી બાજુ પંજાબમાં પણ તે કોંગ્રેસ પાસે બેઠકો માગશે. બીજી બાજુ બીએસપી ઉત્તર પ્રદેશમાં વધુ બેઠકો છોડવા માટે ના પાડશે. કોંગ્રેસ કેટલું દબાણ કરી શકશે? પાંચ રાજ્યોમાં ચૂંટણી પહેલાં અને પછી કોંગ્રેસે તેને બહુ ભાવ આપ્યો નથી, પણ ઉત્તર પ્રદેશની વાત આવે ત્યારે મામલો જુદો છે. કોંગ્રેસ, એસપી સહિત મોટા ભાગના પક્ષોએ પોતાના ટેકેદારો ગુમાવ્યા હતા, પણ 2014માં યુપીમાં માયાવતીએ પોતાના 19 ટકા ટેકેદારો જાળવી રાખ્યા હતા. આ આંકડો તેમના માટે મહત્ત્વનો છે, પણ બાકીના રાજ્યોમાં આ વખતે બાર્ગેઇન કરવા નથી મળ્યું તેની અસર યુપીમાં થઈ શકશે.
બીજું નાયડુ માટે હવે રાહુલ વતી ચર્ચા કરવાની જવાબદારી આવશે. બીજા નેતાઓ પણ, ભાજપ વિરોધી નેતાઓ માટે માયાવતી કરતાં કોંગ્રેસ અને કોંગ્રેસનું યુપીમાં ગઠબંધન અગત્યનું બનશે. આથી નાયડુ અને કેજરીવાલ સહિતના નેતાઓની મધ્યસ્થીને કારણે માયાવતીએ વ્યૂહાત્મક રીતે યુપીમાં ગઠબંધન કરવું પડશે. સમજૂતિમાં વધારે બેઠકો મેળવવા કરતાં, જેટલી બેઠકો મળે તેમાંથી વધુમાં વધુ બેઠકો જીતવા માટેની કોશિશ બીએસપીએ કરવી પડશે. તે સંજોગોમાં માયાવતીએ અને ફોર ધેટ મેટર મમતા બેનરજીએ પણ કોંગ્રેસનો વિરોધ થોડો મોળો કરવો પડશે. જોઈએ શું થાય છે…