વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી પ્રમુખ આલોક કુમારે જાહેર કર્યું છે કે અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટેનું આંદોલન ચાર મહિના માટે મુલતવી રાખવામાં આવ્યું છે. ચાર મહિના સુધી એટલે કે લોકસભાની ચૂંટણી પૂરી ના થઈ જાય ત્યાં સુધી હવે વિહિપ રામમંદિરનું આંદોલન નહિ કરે. નવી સરકાર આવે ત્યાં સુધી આ વાત આ રીતે ટાળી દેવાઈ છે અને તે માટે સૂફિયાણું બહાનું અપાયું છે કે વિહિપ આ મુદ્દાને ‘રાજકીય મુદ્દો’ બનવા દેવા માગતી નથી.
આખી દુનિયા જાણે છે કે ભારતીય જનતા પક્ષ અને વિશ્વ હિન્દુ પરિષદ માટે રામમંદિરનો મુદ્દો રાજકીય મુદ્દો છે. તેઓ વાતો એવી કરે છે કે આ મુદ્દો દેશના કરોડો હિન્દુઓની આસ્થાનો મુદ્દો છે. વાત સાચી છે – દેશના કરોડો હિન્દુઓ માટે રામમંદિર આસ્થાનો જ મુદ્દો છે, પણ ભાજપ અને વિહિપ રબ્બરની જેમ આ મુદ્દાને ખેંચીને એક પછી એક ચૂંટણીઓમાં તેને વાપરતો આવ્યા છે. હવે કોઈ બહાના બચ્યા નથી ત્યારે વિપક્ષના લોકો કોર્ટમાં વિલંબ કરાવે છે તેવું તકલાદી બહાનું ચલાવ્યું તે ચાલ્યું નથી. તેથી હવે ચૂંટણી ટાણે વિહિપે જાહેરાત કરી કે ચાર મહિના તેઓ આ મુદ્દો નહિ ચલાવે.
આ પણ ભ્રમમાં નાખવાની વાત છે. બિન્દાસ રામમંદિરનો મુદ્દો ચાલ્યા કરવાનો છે. સાચી વાત એ છે કે સરકારની દાનત હોત તો મુદ્દો ક્યારનોય ઉકેલાઈ ગયો હોત. ભાજપના જ એક નેતા સુબ્રમણ્યમ સ્વામી વારંવાર કરી રહ્યા છે કે સરકાર અયોધ્યામાં જમીન સંપાદન કરી શકે છે. સરકારે કેટલીક જમીન સંપાદન કરેલી જ છે. કેટલીક જમીન વકફ બોર્ડ પાસે છે અને કેટલીક જમીન અખાડા પાસે છે. આ બધી જ જમીન જાહેર હેતુ માટે, જાહેર શાંતિ અને સંવાદિતા માટે સરકાર એક્વાયર કરી શકે છે.
બીજો ઉપાય મુસ્લિમ જૂથો સાથે સમાધાનનો છે. ઘણા નિરિક્ષકો કહી રહ્યા છે કે મુસ્લિમોનો એક મોટો વર્ગ પણ હવે આ મુદ્દે શાંતિ ઇચ્છે છે. તેઓ ઇચ્છે છે કે અયોધ્યામાં રામમંદિર બની જાય. કેટલાક કટ્ટર જૂથો જોકે વિરોધ કરે છે, પણ તેને એકલા પાડી શકાય છે. સરકારની સાચી દાનત હોત તો કોઈ સારા મધ્યસ્થીને તૈયાર કર્યા હોત. બંને પક્ષને વિશ્વાસ બેસે એવા મધ્યસ્થીથી બંને જૂથો સમાધાન માટે તૈયાર થઈ શકે છે. કેટલાક કટ્ટર મુસ્લિમ જૂથો વિરોધ કરે તેને કરવા દેવાનો.
સમાધાન સાધીને અયોધ્યામાં જે જમીનને વિવાદિત ગણવામાં આવે છે તે મુસ્લિમો છોડી દે. તે જગ્યાએ રામમંદિર બને અને મુસ્લિમો અયોધ્યામાં થોડે દૂર અથવા ફૈઝાબાદમાં ભવ્ય મસ્જિદ બનાવી શકે છે. પરંતુ સરકારે ન તો સમાધાન માટે કોઈ ગંભીર પ્રયાસો કર્યા કે ના તો જમીન સંપાદન કરવાના મુદ્દે કાનૂની ગૂંચ ઊભી થાય તો તેને ઉકેલવાના પ્રયાસો કર્યા.
દરમિયાન શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદે જાહેરાત કરી છે કે 21 ફેબ્રુઆરીથી તેમના ભક્તો કારસેવા કરી દેશે. આવી જાહેરાતથી સંઘ પરિવાર, વિહિપ અને ભાજપ ફફડ્યો છે. રામનો મુદ્દો આ જૂથો પોતાના હાથમાંથી સરી જવા દેવા માગતા નથી. તેથી જ સંઘના વડા મોહન ભાગવતે હાલમાં જ કહ્યું કે કાર સેવા કરવાની જરૂર પડશે. એ નિવેદન તરફ બહુ ધ્યાન નથી ગયું, પણ તેમનું કહેવું થતું હતું કે ફરી એકવાર કાર સેવા કરીને મંદિરનું નિર્માણ શરૂ કરી દેવાનો સમય નીકટ આવી ગયો છે. સાથે જ સંઘના અન્ય એક નેતાએ વચ્ચે એવું નિવેદન કરેલું કે 2025માં રામમંદિરનું બાંધકામ શરૂ થવું જ જોઈએ. તેનો અર્થ એ થયો કે 2024ની ચૂંટણીમાં પણ રામમંદિરના મુદ્દાનો ઉપયોગ કરવાની દાનત ભાજપની છે.
પરંતુ અચાનક હવે વિહિપના નેતાએ કહ્યું કે ચાર મહિના આંદોલન મોકૂફ રખાશે તેની ઘણાને નવાઈ લાગી છે. વિહિપે આવું નિવેદન શા માટે કર્યું, તેના કરતાં કોના કહેવાથી કર્યું તેની ચર્ચા વધારે થશે. વિહિપના નેતા પદેથી ગુજરાતના ડૉ. પ્રવીણ તોગડિયાને હટાવી દેવાયા છે. તોગડિયાને પરાણે હટાવીને વિહિપનો પણ કબજો લઈ લેવાયો છે. તેથી સંઘે વિહિપને સૂચના આપી કે ભાજપે સૂચના આપી તેવો સવાલ થવાનો. સંઘના નેતાઓના નિવેદનો એવું સૂચવે કે તેમને ચૂંટણી હોય કે ના હોય બહુ ફરક પડતો નથી. તેથી ચૂંટણી હોવાથી રામમંદિરના વાત ના કરવી તેવી વાત સંઘની વિચારધારામાં બંધબેસતી નથી. આવો વિચાર ભાજપને ફાવે તેવો છે, કેમ કે ભાજપને હવે સાધુસંતો પણ પૂછી રહ્યા છે કે ક્યાં છે રામમંદિર. રામમંદિરનું બાંધકામ ક્યારે શરૂ કરો છો તેવો સતત સવાલ ભાજપને મૂંઝવી રહ્યો છે. તેથી ભાજપની સૂચનાથી વિહિપે આવી જાહેરાત કરી હોય તેવી શક્યતા વધારે છે.
વિહિપના નેતા પ્રવીણ તોગડિયા હતા ત્યારે નરેન્દ્ર મોદી જૂથનું તેમાં ચાલતું નહોતું. એક જમાનામાં સાથે મળીને કામ કરનારા પ્રવીણ તોગડિયા અને નરેન્દ્ર મોદી આગળ જતા દુશ્મન બન્યા. સત્તા ભલભલા દોસ્તોને દુશ્મન બનાવી દે છે. નરેન્દ્ર મોદીએ એક પછી એક નેતાઓને કોરાણે મૂકવાનું શરૂ કર્યું, તેમાં છેલ્લો વારો તોગડિયાનો આવ્યો. તોગડિયા સ્વતંત્ર સંસ્થાના વડા હોવાથી અને વિહિપને મજબૂત કરવામાં તેમનો ફાળો હોવાથી તેમને હટાવવા મુશ્કેલ હતા. આખરે તે ઑપરેશન પણ પાર પડાયું અને વિહિપનો કબજો પણ મોદી જૂથે લઈ લીધો છે. તેથી વિહિપને સૂચના ભાજપ તરફથી મળી હોય તેવું બની શકે છે.
વિહિપના નેતા આલોક કુમારે કહ્યું કે પ્રયાગરાજમાં ચાલતા કુંભ દરમિયાન સંતો સાથે ચર્ચા કરવામાં આવી હતી. કુંભ દરમિયાન યોજાયેલી ધર્મસંસદમાં સાધુઓએ એવો મત વ્યક્ત કર્યો કે રામમંદિરને રાજકારણથી દૂર રાખો એમ આલોક કુમારનું કહેવું થાય છે. લોકસભાની ચૂંટણી દરમિયાન રામમંદિરના મુદ્દે વાત કરવાથી તે મુદ્દો ચૂંટણીનો ‘સસ્તો રાજકીય મુદ્દો’ બની જશે તેમ ધર્મસંસદમાં ભાગ લેનારા મહાનુભાવોને લાગ્યું. રામમંદિરને રાજકારણનો મુદ્દો થતો અટકાવવાની વિહિપ અને સંતોની વાત ઘણાને આશ્ચર્યજનક લાગી શકે છે. આલોક કુમારે કહ્યું કે ‘રામમંદિર બાંધવાની બાબતમાં કોઈ રાજકીય પક્ષને રસ હોય તેમ લાગતું નથી. તેથી અમે વર્તમાન સરકારને પણ સોખમણમાં મૂકવા માગતા નથી.’ પ્રયાગરાજમાં પત્રકાર પરિષદમાં વિહિપના નેતા સુરેન્દ્ર જૈને પણ કહ્યું હતું કે: “અમે મંદિર મુદ્દે વિરોધ પ્રદર્શનો હાલ પૂરતા પડતા મૂકી રહ્યા છીએ, કેમ કે અમે તેને ‘ચુનાવી મુદ્દા’ બનાવવા માગતા નથી.”
એવું પણ કહેવાય છે કે ધર્મસંસદમાં મોહન ભાગવતે એવું કહેલું કે મોદી સરકાર બે વર્ષમાં મંદિર બાંધી આપશે. તેની સામે કેટલાક સાધુસંતોએ સવાલો ખડા કર્યા હતા એમ મનાય છે. આ રીતે હવે સાધુસંતો જ કંટાળ્યા છે કે રામમંદિરની વાતો કરીને અમને ભરમાવો નથી, પાકી તારીખ આપો. કદાચ તેના કારણે પણ ચૂંટણીના ચાર મહિના તારીખ ના આપવી પડે તે માટે વિહિપે રામમંદિરના મુદ્દાને કોરાણે મૂકવાની વાત કરી હશે. ભાજપે પ્રજાને જવાબ આપવાનો છે, જ્યારે વિહિપ અને સંઘે સાધુસંતોને જવાબ આપવાનો છે. તેથી કદાચ સંઘની સૂચના પણ હોય અને વિહિપે જાહેરાત કરી હોય કે ચાર મહિના વાત પડતી મૂકાઈ છે.
આ રીતે કોઈકની સૂચનાથી વિહિપે આ જાહેરાત કરી છે તે નક્કી છે. પણ એવું નક્કી નથી કે રામમંદિરની વાત ચૂંટણી દરમિયાન થશે જ નહિ. હકીકતમાં ભરપુર થતી રહેશે. પણ તે માટેનું આઉટસોર્સિંગ હવે કદાચ નાના નેતાઓને કરી દેવાશે. ભાજપના મોટા નેતાઓ, સ્ટાર પ્રચારકો કે વિહિપના નેતાઓ તેના વિશે ઓછી વાત કરશે. અથવા આ નવું બહાનું, કે રામમંદિરનો મુદ્દો રાજકીય મુદ્દો બને તેવી અમારી ઈચ્છા નથી, તે બહાનું વધારે ચાલશે. તે બહાને પણ વાત તો રામમંદિરના મુદ્દાની જ થશે..