લોકસભાની લડાઈ પશ્ચિમ બંગાળમાં, મોદી-મમતાની મમત

લોકસભાની ચૂંટણી સમગ્ર દેશમાં લડાવાની હોય છે, પણ તેનું કેન્દ્રસ્થાન હાલ પૂરતું પશ્ચિમ બંગાળ રાજ્ય બની ગયું હોય તેમ લાગે છે. નરેન્દ્ર મોદી સામે વિપક્ષમાંથી પડકાર કરનારો ચહેરો કયો હશે તે સ્પષ્ટ નથી, પરંતુ સીબીઆઈએ કોલકાતાના પોલીસ કમિશનરની પૂછપરછ કરવાની અથવા તો ધરપકડ કરવાની કોશિશ કરી તે પછી મમતા બેનરજીએ જે રીતે હોબાળો મચાવ્યો, તે જોતા તેઓ પોતાને મહત્ત્વના મોદીવિરોધી નેતા તરીકે આગળ કરી શક્યા છે. આમ તો છેલ્લા કેટલાક વખતથી આ કશ્મકશ ચાલતી જ રહી હતી, પરંતુ પોલીસ કમિશનરના ઘરે સીબીઆઈના માણસો પહોંચ્યા તે પછી કોલકાતા પોલીસે તેમને અટકાવ્યા તે પછી મામલો એટલો વિવાદાસ્પદ બન્યો છે કે સમગ્ર દેશમાં તેની ચર્ચા થવા લાગી.
મમતા બેનરજી શેરીમાં ઉતરીને રાજકીય લડત આપવામાં માહેર છે. તેમણે પશ્ચિમ બંગાળમાં જડ નાખી ગયેલા ડાબેરી પક્ષોને હરાવવા માટે આવો જ સંઘર્ષ કર્યો હતો. કોલકાતા શહેરના મધ્યમાં આવેલા મેદાનમાં તેમણે ઘરણા શરૂ કર્યા. આ જ સ્થળે તેમણે સિંગુરમાંથી તાતા મોટર્સને હટાવવા માટેના ધરણા ત્રણ અઠવાડિયા સુધી કર્યા હતા. એ જ સ્થળે તેમણે કેન્દ્ર સરકાર દ્વારા સીબીઆઈના દુરુપયોગનો મુદ્દો ઉપાડીને ઘરણા શરૂ કરી દીધા છે. ઘરણા ક્યારેય પૂરા થશે અને શું માગણી છે તે સ્પષ્ટ થયું નહોતું, પણ એક વાત નક્કી લાગતી હતી કે કમ સે કમ 48 કલાક ઘરણા ચાલશે, કેમ કે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.
સોમવારે સુપ્રીમ કોર્ટ ખુલતા જ સીબીઆઈને કામ કરતી અટકાવાઈ છે તેની રજૂઆત કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલે કરી હતી, પણ મુખ્ય ન્યાયાધીશે કોઈ સુનાવણી કર્યા વિના મંગળવારે સવારે તેની સુનાવણી કરવાનું નક્કી કર્યું હતું. તેનો અર્થ એ કે મંગળવારે પણ આ મુદ્દો ચર્ચાતો રહેશે અને ત્યાં સુધી મમતા બેનરજી પોતાના ઘરણા છોડશે નહિ.
બીજી બાજુ મોટા ભાગના વિપક્ષના નેતાઓએ મમતા બેનરજીને ટેકો આપ્યો છે. અરવિંદ કેજરીવાલ અને ચંદ્રબાબુ નાયડુ જેવા મુખ્ય પ્રધાનો કદાચ કોલકાતા પહોંચે તેવી પણ શક્યતા સોમવારે ઊભી થઈ હતી. સીબીઆઈના કેસોનો સામનો કરી રહેલા તેજસ્વી યાદવ તો સોમવારે જ કોલકાતા પહોંચી ગયા હતા.
સૌથી અગત્યની વાત એ છે કે સામાન્ય રીતે ભાજપની સરકાર તરફ કૂણું વલણ ધરાવતા હોવાનું મનાતી ઓડિશાની સરકારે પણ મમતા બેનરજીને ટેકો આપ્યો. ઓડિશાની નવીન પટનાયકની બીજેડીની સરકારે કહ્યું કે આ મામલામાં મમતા બેનરજી સાચા છે અને રાજ્ય સરકારના અધિકારોનો ભંગ થઈ રહ્યો છે. કાયદો અને વ્યવસ્થા, પોલીસ તંત્ર રાજ્ય સરકારના વિષયમાં આવે છે. સીબીઆઈએ સરકારની મંજૂરી સાથે જ કાર્યવાહી કરવી રહી અને આ કિસ્સામાં અયોગ્ય રીતે સીબીઆઈને દોડાવાઈ તેવું બીજેડીને પણ લાગ્યું છે.
સીબીઆઈની કામગીરી દિલ્હી સ્પેશ્યલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ ચાલે છે. ભ્રષ્ટાચારના કેસોની તપાસ કરવા માટે એકથી વધુ રાજ્યોમાં કામગીરી માટે કુશળ અધિકારીઓની ટીમ હોય તે માટે સીબીઆઈની રચના થઈ હતી. આઝાદી મળી તેના થોડો વખત પહેલાં જ સેના માટે થયેલી ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો હતો. બીજા વિશ્વયુદ્ધમાં લડત માટે ભારતીય સેનાને જરૂરી પૂરવઠાની ખરીદીમાં ગોલમાલ થયો હતો. તેની તપાસ કરનારી એજન્સીને આગળ જતા 60ના દાયકામાં સીબીઆઈ તરીકે કામ કરતી કરાઈ હતી. રાજ્ય સરકારો પોતાના કાર્યક્ષેત્રમાં કામગીરી કરવા માટે સીબીઆઈને એકસાથે મંજૂરી આપી દે છે, જેથી દરેક કેસમાં મંજૂરી લેવી ના પડે.
તેના કારણે ફરી એકવાર સીબીઆઈની કામગીરી અને તેની સ્વતંત્રતા વિશે સવાલો ઊભા થયા છે. સીબીઆઈના છેલ્લા ડિરેક્ટર આલોક વર્માને હટાવવા માટે મધરાતે દિલ્હી પોલીસનો ઉપયોગ કરાયો હતો. દિલ્હી પોલીસે સીબીઆઈ હેડક્વાર્ટર્સનો કબજો લઈ લીધો અને આલોક વર્મા સહિતના એક ડઝન ટોચના અધિકારીઓની બદલી કરી દેવાઈ હતી. વર્મા અને તેની સામે ગુજરાતના ભાજપના નેતાઓના માનીતા રાકેશ અસ્થાનાને પણ હટાવી દેવાયા હતા.
પરંતુ પશ્ચિમ બંગાળમાં અત્યારે જે થઈ રહ્યું છે તે માત્ર સીબીઆઈનો અને મમતા બેનરજી દ્વારા પોલીસનું દુરુયપોગનો મામલો નથી. આ મામલો રાજકીય વધારે છે, કેમ કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષ ટીએમસી સામે સૌથી મોટી ચેલેન્જ ભારતીય જનતા પક્ષ તરફથી ઊભી થઈ છે. ડાબેરી પક્ષો અને કોંગ્રેસ પાછળ જતા રહ્યા છે. છેલ્લે લોકસભાની ચૂંઠણી થઈ ત્યારે ભાજપને બે બેઠકો મળી હતી, પરંતુ તે પછી પંચાયતોની ચૂંટણીમાં ભાજપને સારા પ્રમાણમાં મતો મળ્યા હતા. તેથી લોકસભાની ચૂંટણીમાં ભાજપ હવે સારો દેખાવની ધારણા રાખે છે. મમતા મુસ્લિમ મતો માટેનું રાજકારણ ખેલી રહ્યા છે, તેની સામે ભાજપે હિન્દુ મતોનું કોન્સોલિડેશન શરૂ કરી દીધું છે. બીજી બાજુ આ જ બાબત મમતા બેનરજીને પણ ફાયદો કરાવી રહી છે. પશ્ચિમ બંગાળના 27 ટકા જેટલા મુસ્લિમ મતોનું ધ્રુવીકરણ બેનરજીના ફાયદામાં થઈ રહ્યું છે. મુસ્લિમ મતો ડાબેરી અને કોંગ્રેસ પક્ષ તરફથી ખસીને મમતાને મળે તો મમતાને ફાયદો થાય તેમ છે. તેથી મમતા એવો મેસેજ આપી રહ્યા છે કે રાજ્યમાં તેમજ કેન્દ્રમાં ભાજપનો સામનો કરી શકે તેવા એક માત્ર નેતા મમતા બેનરજી છે. મુસ્લિમો ભાજપને હરાવે તેવા જ નેતાને ટેકો આપવાનું પસંદ કરશે.
મમતા બેનરજીએ બંગાળના મુદ્દાને જે રીતે ચગાવ્યો છે, તેના કારણે રાષ્ટ્રીય સ્તરે પણ તેઓ ફરી એકવાર ચમક્યા છે. ગયા મહિને તેમણે કોલકાતામાં 22 જેટલા વિપક્ષોની વિશાળ રેલી બોલાવી હતી. તે પછી ફરી એકવાર કોલકાતા વિપક્ષી એકતાનું કેન્દ્ર બન્યું છે અને તેમાં કેન્દ્રસ્થાને મમતા બેનરજી છે. માયાવતી કે ચંદ્રાબાબુ નાયડુ જેવા નેતાની સામે મમતાનું કદ આના કારણે વધી રહ્યું છે. જોકે માયાવતી અને અખિલેષ યાદવના ગઠબંધન માટે યુપીમાંથી સૌથી વધુ બેઠકો હશે એટલે આંકડાં તેમના તરફી હશે, જ્યારે મમતા પાસે કેટલી બેઠકો હશે તે સવાલ છે. 2009માં ટીએમસીને 19 બેઠકો હતી, જે 2014માં વધીને 34 થઈ ગઈ હતી. લોકસભામાં કોંગ્રેસ, જયલલિતાના પક્ષ એઆઇએડીએમકે પછી સૌથી વધુ બેઠકો મમતા બેનરજી પાસે હતી. આ વખતે પણ શક્યતા એવી છે કે સૌથી વધુ બેઠકો તેમની પાસે હોય, કેમ કે એસપી-બીએસપી 37 – 37 બેઠકો લડશે, તેથી સારી જીત પછીય સંયુક્ત રીતે તેમની પાસે 50થી વધુ બેઠકો આવે, પણ પક્ષદીઠ મમતા કરતા ઓછી બેઠકો હોઈ શકે છે. તામિલનાડુમાં જયલલિતાની ગેરહાજરીમાં આ વખતે ડીએમકે વધારે ફાવશે તેમ મનાય છે.
આ સંજોગોમાં પશ્ચિમ બંગાળમાં માત્ર સીબીઆઈ જેવી સંસ્થાની સ્વાયત્તતા કે વિપક્ષી એકતાનો મુદ્દો નથી, પણ ભાજપ સામે કોંગ્રેસ પછી કયો પ્રાદેશિક પક્ષ મજબૂત હશે તેની લડાઈ પણ થવાની છે. બીજી બાજુ ભાજપ માટે પણ પશ્ચિમ બંગાળ તથા તેની પડોશમાં આવેલા ઈશાન ભારતના રાજ્યો અગત્યના છે. બંગાળની 42 બેઠકો અને ઈશાન ભારતની 25 બેઠકોમાંથી મહત્તમ બેઠકો ભાજપ મેળવવા માગે છે. યુપીમાં થનારું નુકસાન અહીંથી ભરવાઈ કરવું જરૂરી છે. બંગાળમાં શરૂ થયેલી મોદી અને મમતાની લડાઈ બંનેના વ્યક્તિગત સ્વભાવ પ્રમાણે મમત્વની લડાઈ પણ બની છે, તેથી આ પ્રથમ હપ્તો જ છે, આ સિરિયલ લાંબી ચાલશે અને લોકસભામાં જે પણ પરિણામ આવે, તે પછી પશ્ચિમ બંગાળની ચૂંટણી યોજાય ત્યાં સુધી સિરિયલ ચાલતી રહેશે.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]