પોરબંદર ગાંધીજીના નામથી પૂરા વિશ્વમાં પ્રખ્યાત છે તો એની ગેંગ વોરના કારણે કુખ્યાત પણ છે. પોરબંદર અને એના જ એક તાલુકા કુતિયાણાએ અનેકના ખૂન થતાં જોયા છે. એક સમય એવો હતો કે અહી બારેક ગેંગ અસ્તિત્વમાં હતી અને એમાં સરમણ મુંજાની ગેંગ સૌથી વધુ ખતરનાક રહી. એક મિલ મજદૂર ગેંગસ્ટર બની જાય અને પછી એના ભાઈ , પત્ની અને સંતાનો ગેંગના સભ્યો બને અને ખાનથી માંડી ટ્રાન્સપોર્ટ સુધીના ધંધા પર રાજ કરે , એટલું જ નહીં આજ સુધી આ વિસ્તારમાં એ પરિવારની ધાક હોય એવી ફિલ્મી કહાણી છે આ પરિવારની.
પોરબંદર અને કુતિયાણામાં કોઈ કહું આ ગેંગ દ્વારા થયું હોય તો એની સામે કોઈ જુબાની આપવાની હિંમત ના કરે એવો સમય પણ આ વિસ્તારે જોયો છે. આ વિસ્તારમાં ખૂનના કિસ્સાઓમાં રિપોર્ટિંગ કરવા ગયો ત્યારે આવા અનુભવો એકવાર નહીં અનેકવાર થયા છે. પણ છબીલદાસ મહેતા અને બાદમાં કેશુભાઈ પટેલના શાસનમાં આ વિસ્તારમાં કડક કાર્યવાહી થઈ. ડીએસપી સતીશ વર્માને સરકારે છુટ્ટો દોર આપ્યો અને આ વિસ્તાર ગેંગના ખોફમાંથી મુક્ત થયો. પણ સરમણ મુન્જા અને સંતોકબેન જાડેજાની ગેંગ સામે 14 ખૂન કેસ અને અન્ય 500થી વધુ કેસ નોંધાયેલા છે.
સરમણ મુન્જાએ કદી રાજકારણમાં પ્રવેશ ના કર્યો, પણ એની હાક તો રાજકારણમાં પણ વાગતી હતી. કુતિયાણાના કડછ ગામમાં જન્મેલા સરમણ મુન્જા સ્વાધ્યાય પરિવારના સંપર્કમાં આવ્યો અને એનું હ્રદય પરિવર્તન થયું એમ માનવામાં આવે છે અને એણે ગુનાખોરીનો રસ્તો છોડ્યો પણ એ દુનિયાએ એનો પીછો ના છોડ્યો. એક કાર્યક્રમમાં એની હત્યા થઈ. એ પછી એમના પત્ની સંતોકબેન જાડેજાએ ફરી જાડેજા ગેંગને જીવતી કરી અને પતિ જેવો જ ખોફ પેદા કરી દીધો. એટલું જ નહીં પતિના ખૂનમાં જેટલા લોકો સામેલ હતા એ બધાની એક પછી એક હત્યા થઈ. અને એમાં 1990માં ચીમનભાઈ પટેલે એને કુતિયાણા માટે ટિકિટ આપીને આ પરિવારને રાજકારણમાં લાવવાનું ‘કામ’ કર્યું. જનતા દળમાંથી એ ભારે સરસાઈથી ચૂંટાયા. 75 ટકાની લીડ. એ પહેલા આ બેઠક પર કોંગ્રેસનો દબદબો રહ્યો. મહંત વિજયદાસ અહીથી ત્રણવાર ચૂંટાયા. 1998થી ભાજપના કરસન ઓડેદરા ચૂંટાવા લાગ્યા. એ પહેલા સંતોકબેનના ડેર ભૂરા મુન્જા પણ અહી ચૂંટાયા હતા. પછી એ બે વાર હાર્યા પણ ખરા. પણ છેલ્લી બે ટર્મથી સંતોકબેન જાડેજાનો પુત્ર કાંધલ ચૂંટાય છે. એ એનસીપીમાંથી લડતા આવ્યા છે.
જો કે, રાજ્યસભાની ચૂંટણીમાં કાંધલે ભાજપની તરફેણમાં ક્રોસ વોટિંગ કર્યું એ કારણે આ વેળાએ એનસીપીએ એને ટિકિટ ના આપી એટલે કાંધલ આ વખતે સમાજવાદી પાર્ટીમાંથી લડે છે. કાંધલ સામે પણ ખૂન સહિતના ગુનાઓ છે. 2005માં એની સામે કેશુભાઈ ઓડેદરાની હત્યાનો ગુનો નોંધાયો. જેલની સજા પડી. રાજકોટમાં એક હોસ્પિટલમાં એ દાખલ હતો અને ત્યાંથી એ નાસી ગયો અને બાદમાં જડપાયા બાદ એણે જેલવાસ પણ ભોગવ્યો. જો કે, પાછળથી ખૂન કેસમાં એ નિર્દોષ છૂટી ગયા.
આ કાંધલ માત્ર આઠ ધોરણ પાસ છે અને એની પહેલી પત્ની રેખાની હત્યા રાજકોટમાં થઈ ત્યારે એના ભાઈ સામે શંકા પડી હતી. સંતોકબેન પાછળથી રાજકોટમાં રહેવા આવી ગયા અને 2011માં એમનું મૃત્યુ થયા બાદ કાંધલ વારસદાર બની ગયા, પણ આ વેળા એના માટે ચૂંટાવાનું આસાન નથી. કારણ કે, આ વેળા ત્રિપાંખિયો જંગ છે. એની સામે ભાજપે ઢેલીબેન ઓડેદરાને ટિકિટ આપી છે. મેર કોમમાં સ્ત્રીઓ મલાજો પાલતી રહે છે. મર્યાદા હોય છે પણ સંતોકબેન બાદ એ કદાચ આ વિસ્તારમાં પહેલી મેર મહિલા છે જે રાજકારણમાં સફળ રહી છે. કુતિયાણા નગરપાલિકાના એ પ્રમુખ છે. એમના પતિ માલદે સરમણ મુન્જાના મામાના દીકરા થાય. એટલે એક રીતે બે પરિવાર વચ્ચે આ જંગ છે. ફૈબા– ભત્રીજા વચ્ચે લડાઈ છે.
ઢેલીબેન પાંચ વરસથી ભાજપમાં છે પણ એ કુતિયાણામાં 28 વરસથી નગરપાલિકામાં પ્રમુખ છે. અને આ વર્ષોમાં એક જ વાર ચૂંટણી થઈ છે. બાકી તો એ બીનહરીફ ચુનાતા આવ્યા છે. નાગરિક સમિતિ બનાવી એ લડતા રહ્યા છે. અને એમની આબરૂ ઊંચી છે. સૌથી મહત્વની વાત એ કે એમની સામે એક પણ ગુનો નોંધાયો નથી. કુતિયાણામાં એમના કામ બોલે છે. સરમણ મુન્જા અને આ પરિવાર વચ્ચે કોઈ ઝાઝો સબંધ નથી. ભાજપે ઢેલીબેનને ટિકિટ આપી કાંધલની મુશ્કેલી વધારી દીધી છે. સંતોકબેન આ વિસ્તારમાં પહેલા મહિલા ધારાસભ્ય બન્યા . ઢેલીબેન શું એ ઇતિહાસને આગળ વધારી શકશે?
વળી, ત્રીજા કોંગ્રેસના ઉમેદવાર નાથાભાઈ ઓડેદરા પણ મેર કોમના જ છે. પણ એ સેવાભાવી તરીકે આ વિસ્તારમાં જાણીતા છે. ખાસ કરીને કોરોના કાળમાં એમની સેવા નોંધપાત્ર રહી હતી. અને એમનો લોકસંપ્રક ઘનિષ્ઠ છે. એ કારણે મેર મતોની વહેચણી થવાની. આમ આદમા પાર્ટીના ઉમેદવાર ભીમાભાઈ રબારી કોમના છે અને એ જ્ઞાતિણાં મત પણ ઠીક ઠીક છે. પણ કહે છે કે, કાંધલે એને મનાવી લીધા છે.
એની વે, આ વાત સાચી કેટલી એ નક્કી કરવું મુશ્કેલ છે. આ બેઠક પર સવા બે લાખ મતદારો છે. એમના માટે આ વેળા કુતિયાણાની જે બગડેલી છાપ છે એને બદલવાનો મોકો છે. એમની પાસે કાંધલના વિકલ્પો છે પણ શું પરિવર્તન આવશે ખરું? શું આ ચૂંટણી સરમણ મુંજાના પરિવારના દબદબાને ખતમ કરશે? સંતોકબેન જાડેજા પર ગોડમધર નામે ફિલ્મ બની હતી અને શબાના આજમીએ સંતોકબેનનું પાત્ર ભજવ્યું હતું. એ માટે શબાનાને રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો. હવે કુતિયાણાની પ્રજા કોને એવોર્ડ આપશે, ચૂંટશે?
(કૌશિકભાઈ મહેતા)
(લેખક રાજકોટસ્થિત વરિષ્ઠ પત્રકાર છે. પોરબંદરની ગેંગવોર અને રાજકારણના પ્રવાહોને વર્ષોથી એમણે નજીકથી જોયા છે.)