વાદળાં ઘેરાયા હતાં કર્ણાટકમાં પણ હજી ધોધમાર વરસ્યો નથી. તેના બદલે ગોવામાં ભરપુર વરસાદ થયો. ભાજપના આંગણામાં કોંગ્રેસી ધારાસભ્યોના દસ કરાં પડ્યાં. 15થી દસ ધારાસભ્યો ભાજપમાં ભળી ગયાં. ભાજપના આંગણામાં પડેલાં અને કદાચ તેમને નડી રહેલાં ગોવા ફોરવર્ડ પાર્ટીના ત્રણ ધારાસભ્યોના કુંડા પણ ભારે વરસાદમાં ધોવાઈ ગયાં.
ગોવામાં ભાજપની સંખ્યા હવે 27ની થઈ ગઈ છે એટલે વિજય સરદેસાઈના પક્ષના ટેકાની જરૂર નહોતી. તેમને ડેપ્યુટી સીએમ બનાવવા પડેલાં. તેમને પણ રવાના કરી દેવાયાં છે. તેમના બે સાથી પ્રધાનો હતાં તે અને એક અપક્ષને પણ પ્રધાનપદેથી પાણીચું આપી દેવાયું. મજાવી વાત એ છે કે ગોવામાં હિન્દુત્વવાદી ભાજપમાં હવે હિન્દુ ધારાસભ્યો કરતાં ખ્રિસ્તી ધારાસભ્યોની સંખ્યા વધારે છે. ભાજપના ધારાસભ્યો કરતાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા વધારે થઈ ગઈ છે – 17માંથી 16 મૂળ કોંગ્રેસીઓ છે.
કર્ણાટકમાં હજીય વાદળા ગોરંભાયેલાં જ છે. મધ્ય પ્રદેશની ઉપર પણ વાદળો છવાયેલાં જ છે. જ્યોતિરાદિત્ય સિંધિયા હાલમાં જ ભોપાળ પહોંચ્યાં હતાં અને મુખ્ય પ્રધાન કમલનાથ સાથે એક મોંઘી રેસ્ટોરન્ટમાં પક્ષના ધારાસભ્યો સાથે ભોજન પર લાંબી લાંબી ચર્ચાઓ કરી હતી. આવનારું રાજકીય વાવાઝોડું કેવી રીતે ટાળવું તેની તૈયારીઓ મધ્ય પ્રદેશ કોંગ્રેસમાં પણ થવા લાગી છે.
દરમિયાન પશ્ચિમ બંગાળમાંથી ‘હવામાનશાસ્ત્રી’ મુકુલ રોયે આગાહી કરી કે તેમના રાજ્યમાં પણ જોરદાર વરસાદ થવાનો છે. 107 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ જશે એવી તેમણે આગાહી કરી છે. ગોવામાં કોંગ્રેસના આવેતુ ત્રણને પ્રધાન બનાવાયાં તે દિવસે જ તેમણે આ આગાહી કરી હતી. મમતા બેનરજી, ડાબેરી અને કોંગ્રેસ બધામાંથી ધારાસભ્યો ભાજપમાં આવી જશે એમ તેમણે કહ્યું. ભાજપના જ એક નેતાએ સોશિઅલ મીડિયામાં મજાક કરી હતી. તેમણે જ કહ્યું હતું કે ગોવાથી આગળ વધી રહેલું ચોમાસુ વાયા કર્ણાટક થઈને મધ્ય પ્રદેશ પહોંચવાનું છે. રૉયે ચોમાસુ વધારે આગળ વધશે અને પશ્ચિમ તરફ ફંટાતા વાવાઝોડાનું સ્વરૂપ લેશે એટલું જ કહ્યું છે.
કર્ણાટકમાં નાટક એવું દેશની ચેનલોને બોલવાની મજા પડી ગઈ છે. નાટકા ઈન કર્નાટકા એવું અંગ્રેજીવાળાઓ પણ બોલી રહ્યાં છે. સમાચારપ્રેમીઓને ભારે મોજ પડે તેવું નાટક કર્ણાટકમાં ચાલી રહ્યું છે. કુમારસ્વામીને બોલતા સાંભળો ત્યારે તે પણ નાટકનું કોઈ કોમિક પાત્ર બોલી રહ્યું હોય તેવું જ લાગે. યેદીયુરપ્પાને બોલતા સાંભળો ત્યારે નાટકનું કોઈ ટ્રેજિકોમેડી પાત્ર બોલી રહ્યું હોય તેવું લાગે. યેદીરુપ્પા વધુ વાર એકવાર નિષ્ફળ જશે એવું મનોમન ઇચ્છનારા ભાજપના નેતાઓની ખોટ નથી.
કર્ણાટકના એક વિશ્લેષકે કરેલી કમેન્ટ ખોટી લાગતી નથી. તેમણે કહેલું કે તમે જુઓ ગોવામાં મામલો ફટાફટ પતી ગયો. વાદળા આવ્યાં અને વરસી ગયા. કોંગ્રેસીઓને દિલ્હી ભેગા કરાયા અને જે. પી. નડ્ડાની હાજરીમાં ખેસ પહેરાવીને ભાજપમાં ભેળવી પણ દેવાયા. કર્ણાટકમાં કેન્દ્રના ભાજપના કોઈ નેતા કશું બોલી રહ્યા નથી. યેદીયુરપ્પા પોતાની રીતે પ્રયાસો કરી રહ્યા છે અને કેન્દ્રીય નેતૃત્ત્વને એટલો રસ નથી એમ તેમનું કહેવું હતું.
ભૂતકાળમાં યેદીયુરપ્પાએ કરેલા કમલમ-1, કમલમ-2 વગેરેને કારણે ભાજપને સત્તા મળેલી, પણ બદનામી પણ ભારે થયેલી. કમલમ-3ને કારણે પણ અત્યારે ભારે જોણું થઈ રહ્યું છે. કોંગ્રેસી પાટલીબદલુઓને દિલ્હીના બદલે મુંબઈ લઈ જવાયા. વળી ચારેક માની ગયા છે તેવું લાગ્યું. એક એમએલએના ઘરે શિવકુમારે સાડા પાંચ કલાક ધામા નાખ્યા પછી તેઓ માની ગયા તેવું લાગ્યું પણ ખરું. શિવકુમારે સાડા છ કલાક મુંબઈમાં ફાઇવસ્ટાર હોટલની બહાર રસ્તા પર ધામા નાખ્યા હતા ત્યારે પણ ભારે જોણું થયું હતું.
જોકે વધારે જોણું ત્યારે થયું જ્યારે માની ગયેલા એમએલએ એમટીબી નાગરાજ વળી પાછા ચાર્ટર વિમાનમાં બેસીને મુંબઈ ભેગા થઈ ગયા. ટૂંકમાં કર્ણાટકમાં ગોરંભાયેલા વાદળાં વરસવાના ખરા. સોમવારે જ તમે વિશ્વાસનો મત લઈ લો એવો પડકાર યેદીયુરપ્પાએ ફેંક્યો છે. જોકે મંગળવારે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. ધારાસભ્યોના રાજીનામાં સ્વીકારી લેવા જોઈએ કે તેમની સામે પક્ષપલટાની કાર્યવાહી થવી જોઈએ તે મંગળવારે જ નક્કી થશે. વિશ્વાસનો મત લેવાની વાત આગળ પર ટાળવામાં આવી છે.
મામલો થોડા દિવસ ટાળવાનો જ છે. કુમારસ્વામીની સરકારે બચી શકે તેવી કોઈ શક્યતા દેખાતી નથી. રાજીનામાં સ્વીકારી લેવાય કે ગેરલાયક ઠરે સરકાર જવાની છે. ફસાઈ જશે પાટલીબદલુ કોંગ્રેસી ધારાસભ્યો. ફસાઈ પણ જવા જોઈએ. ગોવામાં વિજય સરદેસાઈ અને તેમના બે સાથી પ્રધાનો ફસાયા તેમ. બળવાખોરી કરનારા ગોવા કોંગ્રેસના નેતાઓએ પણ સરદેસાઈને કહેલું કે તમે ટેકો આપો તો આપણી સરકાર બને. મનોહર પર્રિકરના અવસાન પછી સરદેસાઈ માની જશે એમ લાગતું હતું. પરંતુ સરદેસાઈને ભાજપની લાલચ વધારે ફાવી. આજે ભાજપે તેમને પડતા મૂકીને પેલા કોંગ્રેસી ધારાસભ્યોને લઈ લીધા છે.
મધ્ય પ્રદેશમાં પણ થોડા જ રાજીનામાં પાડવાની જરૂર છે. કર્ણાટકમાં પડેલાં રાજીનામાં મામલે સુપ્રીમ કોર્ટનું કાયદાકીય અવલોકન પણ ત્યાં સુધીમાં આવી જશે. તેના આધારે મધ્ય પ્રદેશમાં આગળ વધવામાં આવશે અને કમલ નાથની સરકાર પાડી દેવામાં આવશે.
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી આડે બે વર્ષ છે, ત્યારે ભાજપ માટે પૂરતી તક છે. લોકસભામાં ભાજપને 40 ટકા મતો મળી ગયા છે. ડાબેરી ટેકેદારોના મતો પણ મોટા પાયે મળ્યા છે. વિધાનસભાની સ્થિતિ કદાચ જુદી હોય તેમ માની લઈએ તો પણ 35 ટકા મતો સાથે ભાજપ બાજી મારી શકે છે. ડાબેરી અને ટીએમસી જુદા લડવાના છે. કોંગ્રેસની સ્થિતિ કેવી હશે તે કોઈ કળી શકે તેમ નથી, પણ એટલું ખરું કે બંગાળમાં તેનો ખાસ કંઈ ગજ વાગવાનો નથી. ત્રણેય પક્ષો અલગ અલગ લડશે અને ભાજપ 35 ટકા મતોથી પણ સત્તા મેળવી શકે છે.
આમ છતાં ભાજપને ઉતાવળ હોય તેમ મુકુલ રોય કહે છે કે 107 ધારાસભ્યોને તોડી નાખવામાં આવશે. મુકુલ રોય પોતે પણ પાટલીબદલુ જ છે. મમતાના ખાસ ગણાતા હતા અને ટીએમસીના તેઓ નંબર ટુ જેવા સ્થાને હતા. જોકે મમતા પણ આખરે દેશના બીજા રાજકારણી જેવા જ નીકળ્યા છે. મમતાની રાજકીય સમજ મર્યાદિત હોય તેવું દેખાઇ આવ્યું. તેમણે સામે ચાલીને લોકસભામાં પોતાની બેઠકો ઓછી થાય તેવું વર્તન કર્યું. મમતાએ પોતાના વારસદાર તરીકે ભત્રીજાને આગળ કરવાનું શરૂ કર્યું તે પણ રાબેતા મુજબનું જ છે. માયાવતીએ પણ ભાઈ અને ભત્રીજાને આગળ કરી દીધાં છે.
આવા સંજોગોમાં હેમંતા બિશ્વા સરમા કે મુકુલ રોય કે જય પાંડા કે ગોવા અને કર્ણાટકના કોંગ્રેસી નેતાઓ પક્ષ છોડીને ભાજપ ભેગા થઈ જાય તેમાં નવાઈ લાગતી નથી. ભાજપ રાબેતા મુજબનું રાજકારણ કરી રહ્યો નથી. ભાજપ કલ્પના બહારનું રાજકારણ કરી રહ્યો છે. ભાજપે નીતિનિયમોને એક જમાનામાં કોંગ્રેસે મૂક્યા હતા તેના કરતાં પણ બેશરમી સાથે તડકે મૂક્યાં છે. વિપક્ષને યેનકેનપ્રકારણે તોડી નાખવાનો છે. વિપક્ષના નેતાઓની દુખતી રગો પકડીને તેને દબાવાઈ રહી છે. વિપક્ષી નેતાઓના વેપારધંધાને રોળીટોળી નાખવાના, જૂની ફાઈલો ખોલવાની, સરકારી તંત્રને કામે લગાડવાનું, કોંગ્રેસ ભૂતકાળમાં કરતો હતો તે વધારે તીવ્રતા અને તેજ ગતિએ ભાજપ કરી રહ્યો છે, ત્યારે કોંગ્રેસના ખંધા ખેલાડીઓ પણ ખત્તા ખાવા લાગ્યાં છે. ગોવાથી શરૂ થયેલું વાવાઝોડું, કર્ણાટકમાં થોડું રોકાઇને પછી મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળ તરફ કેવી રીતે આગળ વધે છે તે કહી શકે તેવા કોઈ રાજકીય હવામાનશાસ્ત્રીઓ દેશમાં વધ્યાં નથી.