જેઠવા-પટેલ-કામાણી કાન્સમાં શું કરી આવ્યાં?

યારોં-બિરાદરો… મારી એક હેબિટ છેઃ કોઈ બી ફિલ્મ જોઉં તો એન્ડ ટાઈટલ્સ અથવા અંતમાં આવતી નામાવલિ ધ્યાનથી વાંચું, ફિલ્મનું શૂટિંગ ક્યાં ક્યાં થયું ને ટેક્નિકલ ટીમમાં કોણ કોણ છે, વગેરેની નોંધ લઉં. એમાંય ઈન્ટરનેશનલ ફિલ્મ હોય તો ખાસ ચેક કરું કે આમાં ગુજરાતી કલાકાર-કસબીઓ કેટલા?

વીતેલા અઠવાડિયે પૂર્ણાહુતિ પામેલા ફ્રાન્સના પ્રખ્યાત 78મા કાન્સ ફેસ્ટિવલ (13-24મે) વિશે જાણીને આનંદ થયો કે એમાં જેઠવા-પટેલ-કામાણી ગાજ્યાં. અલબત્ત, બીજા પણ હશે, પણ આપણે આ ત્રિપુટીની વાત કરીએ.

પ્રથમ તો જાણે ઘોઘલા દરિયાના કાંઠે વસેલા દીવમાં મૂળિયાં ધરાવતો વિશાલ જેઠવા. બહેતરીન ઍક્ટર વિશાલની ફિલ્મ, નીરજ ઘેવાન દિગ્દર્શિત ‘હોમબાઉન્ડ’નો 21 મેએ કાન્સમાં પ્રીમિયર યોજાઈ ગયો. ‘ક્રાઈમ પેટ્રોલ’થી લઈને ‘મહારાણા પ્રતાપ’ ટીવીસિરિયલ્સ, ‘મરદાની ટુ’, ‘સલામ વેન્કી’, ‘ટાઈગર થ્રી’ તથા ‘આઈબી 71’ જેવી ફિલ્મોમાં કામ કરનાર વિશાલે ઓટીટી પર ‘હ્યુમન’ નામની મેડિકલ થ્રિલર વેબસિરીઝમાં પણ કામ કર્યું છે.

ઈન્ટરેસ્ટિંગ્લી, ‘હોમબાઉન્ડ’માં અમેરિકાના દિગ્ગજ ફિલ્મમેકર માર્ટિન સ્કોર્સેઝેને રસ પડ્યો એટલે એમણે ફિલ્મનું નિર્માણ પણ કર્યું. હોમબાઉન્ડ’ ઉત્તર પ્રદેશના કોઈ ગામમાં રહેતા બે ગોઠિયા (ઈશાન ખટ્ટર-વિશાલ જેઠવા)ની કથા કહે છે. બન્ને મિત્રો પોલીસમાં ભરતી થવાના પ્રયાસ કરી રહ્યા છે. એમને એમ છે કે પોલીસ બન્યા બાદ એમનો રુઆબ પડશે. બન્ને પોતાનાં સપનાં સાકાર કરવાની દિશામાં આગળ વધતા જાય છે, પણ મારગમાં સાંપડતી નિરાશાથી એમની બાળપણની મૈત્રી જોખમમાં આવી જાય છે. પ્રીમિયરમાં ફિલ્મ જોનારા દુનિયાભરના નિર્માતાઓ-દિગ્દર્શકો-ટેક્નિશિયનો તથા ફિલ્મસમીક્ષકોએ ‘હોમબાઉન્ડ’નાં ભરપેટ વખાણ કર્યાં, ખાસ કરીને વિશાલ-ઈશાનના અભિનયનાં. ફિલ્મમાં જાહ્નવી કપૂરની પણ મહત્વની ભૂમિકા છે.

આ તરફ રાજકોટથી નીકળેલા ઍક્ટર-મૉડેલ પ્રીત કામાણી અભિનિત શૉર્ટ ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી. યુવા દિગ્દર્શક નિહાર પાલવે લિખિત-દિગ્દર્શિત શૉર્ટ ફિલ્મ ‘ધ સ્ટૉર્મ, ધ કામ, ધ મૅડનેસ’ કાન્સ ફેસ્ટિવલની પ્રખ્યાત Straight 8માં વૈશ્વિક સ્તરની ટૉપ આઠ શૉર્ટ ફિલ્મોમાં પસંદગી પામી. Straight 8 ઉપક્રમ છેલ્લાં પચીસ વર્ષથી ચાલે છે, જેમાં સહભાગી થનાર સર્જકે એક જ સુપર 8 કૅમેરાથી, 8 mmની એક જ રીલ પર ફિલ્મ શૂટ કરવાની હોય છે.

દર વર્ષે Straight 8માં દુનિયાભરમાંથી એન્ટ્રી આવતી હોય છે, જેમાંથી માત્ર આઠ ચૂંટેલી ફિલ્મની કાન્સ પ્રીમિયર માટે પસંદગી થાય છે. ટોપ 8માં સ્થાન મેળવનારી કદાચ પહેલી ભારતીય શૉર્ટ ધ સ્ટૉર્મ, ધ કામ, ધ મૅડનેસની વાત કરીએ તો એના સિનેમેટોગ્રાફર લેસ્લી ડિસોઝાએ કૅમેરા બિલ્ટ-ઈન-વ્યુ-ફાઈન્ડરથી શૂટ કરી છે. કોઈ રિ-ટેક નહીં (કોઈ સીનનું ફરી શૂટિંગ નહીં), કોઈ એડિટિંગ પણ નહીં. પરદા પર સાવ સહજતાથી વાર્તા કહેવાની. મજાની વાત એ છે કે મ્યુઝિક કમ્પોઝર આનંદ અદીથે દશ્યો  જોયા વગર જ સંગીત આપ્યું.

પ્રીત માટે વ્હાઈટ શર્ટ, ટક્સીડો સૂટ ને રેડ કલરની બો પહેરવાનો મંગળ દિવસ આવ્યો ૧૯ મેના રોજ. એ દિવસે ઓલિમ્પિયા કાન્સમાં એનો પ્રીમિયર યોજાયો ત્યારે. તે પછી ૨૪ મેના રોજ લંડનમાં બ્રિટિશ ફિલ્મ આઈમેક્સ ખાતે વર્લ્ડ પ્રીમિયર યોજાયો.

બે વખત TEDxમાં પોતાની મૌલિક શૈલીથી યુવાનોનાં હૃદયમાં સ્થાન મેળવનાર, આશરે પંચાવનથી વધુ ઍડ્સ, ફિલ્મ તથા વેબ સિરીઝમાં કામ કરી ચૂકેલા પ્રીતે હમણાં જ ‘એમેઝોન-એમએક્સ પ્લેયર’ માટે એક વેબસિરીઝ ‘કિલ દિલ’માં સાવ વેગળી ભૂમિકા ભજવીને ધ્યાન ખેંચ્યું. મજાની વાત એ છે કે આ સિરીઝમાં પ્રીતે સ્વરકાર શાન દ્વારા કમ્પોઝ કરેલાં બે ગીતને કંઠ આપ્યો. સ્ક્રિપ્ટ વિશે ઊંડી સમજ ધરાવતો પ્રીત જે મળ્યું એ કામ લેવાને બદલે વાર્તા તથા પાત્રને મહત્વ આપીને ફિલ્મ, સિરીઝ પસંદ કરે છે. આવા જ કેટલાક  નવા વિષયવાળી ફિલ્મમાં એ ટૂંક સમયમાં જોવા મળશે.

તો નર્મદનગરી સુરતથી આવેલાં નિર્માતા-દિગ્દર્શક ચંદા પટેલે એમની આગામી ફિલ્મ ‘તેરા મેરા નાતા’નું ઑફિશિયલ પોસ્ટર લૉન્ચ કર્યું. ચંદાબહેન આ પહેલાં એક ગુજરાતી ફિલ્મ, ‘હું તારા ઈશ્કમાં’ સર્જી ચૂક્યાં છે. ઋજુ પ્રણય, નિયતિ અને લાગણીનીતરતા સંબંધની આસપાસ ફરતી રોમાન્ટિક ડ્રામા ફિલ્મ, ‘તેરા મેરા નાતા’માં સૂરજકુમાર-ભાવિકાની મુખ્ય ભૂમિકા છે.

જસ્ટ રિમાઈન્ડરઃ ગયા વર્ષે પાયલ કાપડિયાએ અને એમના ડિરેક્શનમાં બનેલી ‘ઑલ વી ઈમેજિન એઝ લાઈટે’ કાન્સ ગજવેલું.