હૃદયસ્પર્શી, ક્યૂટ ‘અંજલિ’નાં 35 વર્ષ…

તાજેતરમાં રિલીઝ થયેલી બે ફિલ્મ, ‘સિતારે જમીં પર’ ને ‘તન્વી ધ ગ્રેટ’નાં મુખ્ય પાત્રો ન્યુરોડાઈવર્જન્ટ છે. અર્થાત્ એવા લોકો જેમની વિચારવાની, શીખવાની કે આસપાસની દુનિયાને સમજવાની રીત સામાન્ય માનવ-માપદંડ કરતાં અલગ હોય. એ પહેલાં આવેલી ‘લાલસિંહ ચઢ્ઢા’માં પણ કંઈ આવો જ મામલો હતો.

આ બધી ફિલ્મ વિશે વિચારતાં વાનર જેવું મન હૂપાહૂપ કરતું પહોંચી જાય છે 1990માં ને યાદ આવી જાય છે મણિ રત્નમની ‘અંજલિ’. તાજેતરમાં જ ‘અંજલિ’ની રિલીઝને 35 વર્ષ થયાં.

કોગ્નિટિવ ડિસઑર્ડર ધરાવતી એક માસૂમ બાળાની વાર્તા ‘અંજલિ’ આજે પણ તાજી લાગે છે. કોગ્નિટિવ ડિસઑર્ડરવાળી વ્યક્તિમાં વૈચારિક ક્ષમતા, યાદશક્તિ, એકાગ્રતા, નિર્ણય લેવાની શક્તિ જેવી માનસિક ક્ષમતામાં ખરાબી હોય છે. ‘અગ્નિપથ’, ‘થાનેદાર’, ‘ઘાયલ’, ‘નાકાબંદી’, ‘બાઘી’ જેવી મસાલા ફિલ્મોની ભરમાર વચ્ચે આવેલી સંવેદનશીલ ‘અંજલિ’ના કેન્દ્રમાં છે કોગ્નિટિવ ડિસઑર્ડર સાથે જન્મેલી બાળકી અને તેને જોવાનો સમાજનો દૃષ્ટિકોણ.

તામિલનાડુના મૉડર્ન શહેર ચેન્નઈમાં વસતા અપર મિડલ ક્લાસનાં દંપતી શેખર-ચિત્રા (રઘુવરન-રેવતી)ને બે સંતાન છે. એક મેઘલી રાતે પ્રેગ્નન્ટ ચિત્રાને વેણ ઊપડે છે, એને હૉસ્પિટલ લઈ જવામાં આવે છે ત્યાંથી ફિલ્મ શરૂ થાય છે. ત્રીજું સંતાન, બાલિકા જન્મે છે અમુક મનોરુગ્ણ સાથે. ચિત્રાને કહેવામાં આવે છે કે ત્રીજું સંતાન મૃત જન્મ્યું છે. એ રીતે થોડો શેખર અંજલિને ઘર-પરિવારથી દૂર રાખે છે. અમુક નાટ્યાત્મક વળાંક બાદ ચારેક વર્ષની અંજલિને ઘરે લાવવામાં આવે છે.

ઘરમાં અંજલિનું સ્વાગત એનાં નાનકાં બહેન-ભાઈ આવી કેવી બહેન? એમ કહી બહેનનો તિરસ્કાર કરતાં અંજલિનાં ભાઈ-બહેન અનુ-અર્જુનને પિતા સમજાવે છેઃ “જુઓ, અંજલિ તો  ઈશ્વરની ભેટ છે, ઈશ્વરનું બાળક છે, જેને એક ખાસ પરિવારની જરૂર છે. એવો પરિવાર, જે એની યોગ્ય કાળજી લઈ શકે, એને વિશેષ પ્રેમ આપી શકે. આથી જ ઈશ્વરે અંજલિને આપણી પાસે મોકલી છે”. આ સીનમાં આપણને રાઈટર-ડિરેક્ટરનું કૌશલ દેખાય છે.

ધીરે ધીરે ભાઈ-બહેનના સ્વીકાર બાદ સોસાયટીનાં અન્ય બાળકો અંજલિને સ્વીકારે છે. છેવટે આખો અપાર્ટમેન્ટ કૉમ્પ્લેક્સ અંજલિને સ્વીકારે છે.

મણિ રત્નમના સ્ક્રિનપ્લે દ્વારા આપણે મનોરુગ્ણથી પીડાતાં બાળકોને ઉછેરતાં મા-બાપનો આંતરિક સંઘર્ષ અનુભવીએ છીએ. એમણે ડગલે ને પગલે સમાજના નકારાત્મક વર્તનનો સામનો કરવો પડે છે. આવાં બાળકો પ્રત્યે પ્રેમ, હૂંફ અને ખાસ તો સમજદારી દાખવવાની જરૂરિયાતને ફિલ્મ ભાવનાત્મક રીતે રજૂ કરે છે.

ફિલ્મના મારા અનેક ફેવરીટ સીનમાંનો એક છેઃ અંજલિ પહેલી વાર ઘરે આવે છે. પતિ-પત્ની લિફ્ટમાં પ્રવેશે છે. દરેક ફ્લોર પર અપાર્ટમેન્ટના રહેવાસી (જાળીવાળી) લિફ્ટમાંથી અંજલિને જોઈને ખીંખીંખીં કરે છે: “સ્પાસ્ટિક છે?” “માંદી છે?” “રિટાર્ડેડ છે?” વગેરે. દંપતી પોતાના ફ્લોર પર લિફ્ટની બહાર નીકળતાં હોય છે ત્યારે લિફ્ટમૅન કહે છે: “મેમસા’બ, તમે જરાયે માઠું ન લગાડશો… આ લોકો માણસ જ નથી.”

અહીં સર્જક જાણે કહેવા માગે છે કે જે લોકોએ ઘણાં સાધન-સગવડથી સંપન્ન છે એ કેટલી સંકુચિત વિચારસરણી ધરાવે છે, જ્યારે (લિફ્ટમૅન જેવા) વંચિત લોકો ઘણી વાર સમજદાર હોય છે.

ફિલ્મમાં કોઈ હીરો નથી- અંજલિ હીરો છે. કલાકારોમાં ફક્ત રેવતી જાણીતી હતી, રઘુવરન પણ ઊભરતો અભિનેતા હતો. બાળકલાકાર શામલીએ કાચી વયે દૃશ્યના ઈમોશન્સ, આત્મસાત્ કરીને અંજલિનું પાત્ર ભજવ્યું છે.

‘અંજલિ’ પહેલાં મણિ રત્નમે ‘મૌન રાગમ’ (રોમાન્ટિક ડ્રામા), ‘નાયકન’ (અન્ડરવર્લ્ડ ડૉનની કહાની), ‘અગ્નિનક્ષત્રમ્’ (આધુનિક શહેરમાં પાંગરતો પ્રેમ, પારિવારિક ડ્રામા) અને ‘ગીતાંજલિ’ (લવસ્ટોરી) જેવી ફિલ્મો બનાવેલી. તે પછી એમણે સામાજિક સભાનતાવાળી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. એવી ફિલ્મ, જેમાં પ્રેક્ષકને એક મેસેજ આપી શકાય, જે મેસેજ ન લાગે અને, ફિલ્મ નફો પણ કરે. યસ, ‘અંજલિ’એ બુકિંગ ક્લર્કનાં મોઢાં હસતાં રાખેલા. તમિળ અને હિંદી (ડબ્ડ) સહિત અન્ય ભાષામાં ‘અંજલિ’ હિટ થયેલી. મધુ અંબાટની સિનેમેટોગ્રાફી, ઈલિયારાજાનાં ગીત-સંગીત તથા પ્રભુ દેવાના બ્રધર રાજુ સુંદરમની કોરિયોગ્રાફીવાળી ‘અંજલિ’એ ધૂમ મચાવેલી.

આ વાંચ્યા પછી જો મૂડ બની જાય તો ઈન્ટરનેટ પર ફિલ્મ જોવા મળી જશે. પ્રિન્ટ કેવી હશે એ વિશે કંઈ કહી શકાય નહીં. ચાન્સ લઈ શકાય.