ફ્લૅશબૅકઃ બ્રહ્માંડ ધ્રુજાવી દેનારા પોપટલાલની એન્ટ્રી

આ સપ્તાહની કોલમ લખવા લેપટૉપ ઉઘાડ્યું તો સમાચાર ફ્લૅશ થયાઃ ટેલિવિઝનની અતિપ્રસિદ્ધ ટીવીસિરીઝ તારક મહેતા કા ઊલટા ચશ્માંમાં ટપુ બનતા કલાકારે એલાન કર્યું કે સિરિયલ સાથે મારો સંબંધ પૂરો થાય છે….

હશે. આપણે તો એની એન્ટ્રી-એક્ઝિટની માથાકૂટમાં પડવાને બદલે આ સિરિયલના એક ધૂમ પ્રખ્યાત પાત્ર પોપટલાલ એટલે શ્યામ પાઠકની એન્ટ્રીની વાત કરવી છે. મુંબઈમાં લોઅર મિડલ ક્લાસ પરિવારમાં જન્મેલા શ્યામ કૉલેજમાં ભણતા ત્યારે ઘરની પરિસ્થિતિ એવી કે એમણે કૉલેજ બા પંજાબી ડ્રેસની દુકાનમાં નોકરી કરવી પડતી. અનેક વાર એવું બનતું કે એમની કૉલેજમાં ભણતી છોકરીઓ દુકાનમાં ખરીદી કરવા આવતી. એ સેલ્સમૅન બહુ સારા એટલે દુકાનના મિલકનો આગ્રહ કે ઘરાકને શ્યામે જ ડ્રેસ બતાવવાના. એમને વસમું લાગતું, પણ શું થાય? નોકરી કરવી જ પડે.

શ્યામ સીએનું ભણતા ત્યારે એમને નરીમન પૉઈન્ટ વિસ્તારમાં નોકરી (આર્ટિકલશિપ) મળી ત્યારે એમને આવેલા ‘નૅશનલ સેન્ટર ફૉર પર્ફોર્મિંગ આર્ટ્સ’ (‘એનસીપીએ’)ની કલાને લગતી બુક્સ-ઑડિયો લાઈબ્રેરીનો પરિચય થયો અને એમની સામે એક નવું વિશ્વ ખૂલી ગયું. સોમથી શુક્ર નોકરી. રજાના દિવસે લાઈબ્રેરી. લંચમાં સેન્ડવિચ અને ચા. રવિવારે ‘એનસીપીએ’માં નાટક જોવાનાં. એ રીતે એમને અભિનયનો એરુ આભડી ગયો.

1994-95નો સમયગાળો. દિલ્હીથી બેરી જૉન નાટક લઈને મુંબઈ આવેલા. નાટક જોતાં જોતાં શ્યામભાઈને ‘બેરી જૉનની ઍક્ટિંગ સ્કૂલ’ વિશે ખબર પડી. બીજા દિવસે એમણે બેરી જોનને પત્ર લખ્યોઃ

સાહેબ, હું રંગભૂમિના પાઠ ભણતો એક વિદ્યાર્થી છું. તમારી ઍક્ટિંગ સ્કૂલમાં દાખલ થવું છેપણ ફીના પાંચ હજાર રૂપિયા હમણાં નથી. થોડા થોડા કરીને ચૂકવી શકું.

બેરી જૉનનો જવાબ આવ્યોઃ તમને ઍડમિશન આપીએ છીએ. આવો.

રાજીના રેડ શ્યામભાઈએ અહીંતહીંથી પૈસા ભેગા કરી દિલ્હીની વાટ પકડી. બેરી જૉનને ત્યાં ઍક્ટિંગ કોર્સ બાદ શ્યામભાઈને થયું કે દિલ્હીમાં જ છીએ તો અભિનયનું કાશી ગણાતી નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામા (એનએસડી)માં ટ્રાય કરવામાં શું જાય. એમાં પણ એ નાટ્યપાઠ ભણ્યા.

દિલ્હીથી પરત આવ્યા બાદ શ્યામભાઈને ‘જશુબહેન જેંતીલાલ જોશી કી જૉઈન્ટ ફેમિલી,’ ‘સુખ બાય ચાન્સ,’ ‘એક ચાબી હૈ પડોશ મેં,’  જેવા ટીવીશો મળ્યા. આ દરમિયાન આસિત મોદીની ‘નીલા ટેલિફિલ્મ્સ’માંથી કહેણ આવ્યું- ‘અમે ‘ચિત્રલેખા’ની લોકપ્રિય કટાર ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ પરથી દૈનિક સિરિયલ શરૂ કરીએ છીએ. આવો.’

તે વખતે શ્યામ ‘જશુબહેન જેંતીલાલ…’માં કામ કરતા હતા એટલે જઈ શક્યા નહીં. સિરિયલ શરૂ થઈ ને અપાર લોકપ્રિય થઈ.

ફરી એક વાર કહેણ આવ્યું- ‘સિરિયલમાં એક નવું પાત્ર રજૂ કરવા માગીએ છીએ. મળવા આવો.’ સદનસીબે ‘જશુબહેન જેંતીલાલ…‘ પૂર્ણ થઈ ગયેલી એટલે શ્યામ મળવા ગયા.

19 મે, 2009. ‘…ઊલટા ચશ્માં’ના એપિસોડમાં પત્રકાર પોપટલાલનું કૅરેક્ટર ઈન્ટ્રોડ્યુસ થાય છે. ઘરવખરી લઈને એ ભોપાલથી ગોકુલ ધામ આવે છે. ચાર-પાંચ દિવસ ચાલેલી આ વાર્તા જબરદસ્ત દર્શકપ્રિય થઈ. ત્યારની ઘડી ને આજનો 8 ડિસેમ્બર, 2022નો દિવસ. ભારતના સીમાડા ઓળંગીને સિરિયલની ખ્યાતિ દૂરસુદૂર દેશોમાં પહોંચી છે અને એ ક્રમે પોપટલાલ એટલે કે શ્યામ પાઠક પણ જનપ્રિય થયા છે.

એ કહે છેઃ ‘ઍક્ટર હોવાનો ફાયદો એ કે તમે એક જીવનમાં ઘણાં બધાં જીવન (વિવિધ પાત્રો) જીવવાનો મોકો મળે છે. મને આવી તક આપનાર આસિત મોદીનો આજીવન ઋણી રહીશ.’

સિરિયલમાં લગ્નોત્સુક પોપટલાલને એનએસડીમાં કેરળથી આવેલી કન્યા રશ્મિ મળી ગઈ ને એમણે લગ્ન કરી લીધાં. પતિ-પત્નીએ મળીને રંગસંસ્કૃતિ નામની સંસ્થા સ્થાપેલી, જેમાં એ રસ્તે રઝળતાં બાળકો, દિવ્યાંગ બાળકો માટે થિયેટર વર્કશૉપ કરતાં. આજે શ્યામભાઈ એમનાં જીવનસાથી રશ્મિબહેન સાથે સ્થિર ગૃહસ્થી ચલાવે છે. ઈશાન મુંબઈના પરા ઘાટકોપરની નાની ઓરડીમાંથી હવે પાઠકપરિવાર એક વિશાળ ફ્લૅટમાં શિફ્ટ થયો છે.