એમ કહેવાય છે કે રાગ રસોઈ ને પાઘડી બનતાં બની જાય. ડિરેક્ટર યશ ચોપરાની ફિલ્મોગ્રાફીમાં ‘કભી કભી’ પણ
બનતાં બની ગયેલી ફિલ્મ છે. બે દાયકા કરતાં લાંબા સમયકાળમાં વિસ્તરેલી કથાવાળી આ પ્રેમકથા એક પેઢીથી બીજી પેઢી સુધી વહેતો લાગણીનો પ્રવાસ છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન-રાખી ગુલઝાર-શશી કપૂર-વહિદા રેહમાન-રિશી કપૂર-નીતુસિંહ જેવા કલાકારો છે.
આ ફિલ્મને આજે પણ એની ઋજુ પ્રણયકથા, પરફેક્ટ કાસ્ટિંગ, સશક્ત અભિનય, દર્જેદાર ડિરેક્શન હૃદયસ્પર્શી કવિતાઓ અને સંગીત માટે યાદ કરવામાં આવે છે, પરંતુ આ બધા ઉપરાંત આ ફિલ્મ યાદ રહેશે બચ્ચન સાહેબને એન્ગ્રી યંગ મેનની ઈમેજમાંથી બહાર કાઢીને સંવેદનશીલ પ્રેમી-કવિ તરીકે ફરીથી જન્મ આપવા માટે. એકતરફી પ્રેમ, ત્યાગ અને લગ્નની ગૂંચવણભરી લાગણી પર આધારિત આ ફિલ્મ 1976માં રિલીઝ થઈ ત્યારે એણે બોક્સ ઓફિસના બધા રેકોર્ડ તોડી નાખ્યા હતા.
તે વખતે ફિલ્મો દેશભરમાં એકસાથે રિલીઝ થતી નહોતી, પણ સમયાંતરે અમુક શહેરોમાં થતી. એ ક્રમે ‘કભી કભી’ 26 ફેબ્રુઆરીએ મુંબઈના મેટ્રો થિએટરમાં રિલીઝ થયેલી… આ સીમાચીહ્ન રૂપ ફિલ્મની રિલીઝને પચાસ વર્ષ પૂર્ણ થાય છે ત્યારે એના નિર્માણ વિશેની કેટલીક રસપ્રદ વાતો મમળાવીએઃ
* ફિલ્મનો કથાવિચાર યશ ચોપરાને પ્રસિદ્ધ શાયર સાહિર લુધિયાણવીની કવિતા (“કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ”) વાંચતાં આવ્યો હતો. શરૂઆતમાં ફિલ્મ અમિત (અમિતાભ બચ્ચન) પૂજા (રાખી), વિજય (શશી કપૂર) અને અંજલિ (વહિદા રેહમાન)ની હતી, પરંતુ યશજીનાં પત્ની અને ફિલ્મનાં લેખિકા પામેલા ચોપરાએ એક મેગેઝિનમાં દત્તક સંતાનને મળતી માતા વિશેનો લેખ વાંચીને સબ-પ્લોટ ઉમેરવાનું સૂચન કર્યું. મને હંમેશાં લાગ્યું છે કે આ સબ-પ્લોટે અને સાગર સરહદીના સંવાદોએ ફિલ્મને ઊંડાણ આપ્યું.
* શીર્ષક ગીતનાં બે વર્ઝન હતાં. એક રોમેન્ટિક, જે અમિત ગાય છે, જ્યારે બન્ને ગળાડૂબ પ્રેમમાં હતાં. બીજું વર્ઝન પૂજાનાં વિજય સાથેનાં લગ્ન બાદ અમિતના ભાંગેલા હૃદયમાંથી નીકળેલો કરુણ સ્વર. રસપ્રદ વાત એ કે સાહિર સાહેબે પહેલા દુઃખભર્યું વર્ઝન લખ્યું; પછી ખાસ ફિલ્મ માટે રોમેન્ટિક આવૃત્તિ રચી. આ વાત સાંભળીને સમજાય છે કે સાહિરની કલમે દુઃખને કેટલી ઊંડાઈથી અનુભવ્યું હશે.
* યશ ચોપરા ‘દાગ’ બનાવી રહ્યા હતા ત્યારે એમને ‘કભી કભી’ બનાવવાનો વિચાર આવેલો. ‘દાગ’ની હીરોઈન રાખીએ કભી કભીમાં કામ કરવાની હા પાડેલી. પરંતુ શૂટિંગ શરૂ થાય તે એમનાં ગુલઝાર સાથે લગ્ન થઈ ગયાં. ગુલઝારની ઈચ્છા હતી રાખી ફિલ્મોમાંથી નિવૃત્તિ લે. પરંતુ યશ ચોપરાએ એમને મનાવી લીધા. આ ઘટના ફિલ્મી દુનિયાની પાર્શ્વકથા જેટલી જ રસપ્રદ છે, નહીં?

* સંગીત માટે યશ ચોપરાની પસંદગી લક્ષ્મીકાંત-પ્યારેલાલ હતા. કેમ ભલા, સાહિર સાહેબ અને એલ.પી.એ મળીને યશ ચોપરાની જ પ્રણયકથા ‘દાગ’નાં દિલડોલ ગીત-સંગીત તૈયાર કરેલાં, પરંતુ કોણ જાણે કેમ, સાહિર લુધિયાણવીને ઊંડે ઊંડે શંકા હતી કે એલ.પી. એમની કવિતાને ન્યાય નહીં આપી શકે. અંતે ખય્યામે સંગીત આપ્યું… બાય ગૉડ, અને શું સંગીત આપ્યું.
* શૂટિંગ શરૂ થયું ત્યારે આખો બચ્ચનપરિવાર કશ્મીરમાં રજા માણી રહ્યો હતો. યશ ચોપરાએ પરિવારને નાની નાની ભૂમિકા ભજવવા મનાવી લીધા. ડૉ. હરિવંશરાય બચ્ચન અને તેજી બચ્ચન વિજય-પૂજાનાં લગ્નવાળા દૃશ્યમાં દેખાય છે, જ્યારે અજિતાભ બચ્ચન વિજયના (શશી કપૂરના) મિત્ર તરીકે. આવી નાની-નાની વાતો ફિલ્મને વધુ ખાસ બનાવી દે છે.
* આ એકમાત્ર ફિલ્મ છે, જેમાં શશી કપૂર ભત્રીજા રિશી કપૂરના પિતા બન્યા.
* આ પહેલાં અમિતાભ બચ્ચન ‘ઝંજીર,’ ‘દીવાર’ અને ‘શોલે’ જેવી ફિલ્મમાં રિવેન્જ લેનારા એન્ગ્રી યંગ મેન હતા. કભી કભીમાં એ ફરીથી રોમેન્ટિક હીરો તરીકે આવ્યા…
* રિશી કપૂરની હીરોઈન પહેલાં પરવીન બાબી હતી, પરંતુ અચાનક નીતુસિંહ આવી ગઈ. હકીકતમાં રિશી કપૂરે ફિલ્મમાં કામ કરવાની ચોખ્ખી ના પાડી દીધેલી કેમ કે, એમની ડાયરી ભરચક્ક હતી, એમની પાસે ટાઈમ જ નહોતો, પણ કાકા શશી કપૂરે કોઈ વચલો માર્ગ કાઢી એમને મનાવી લીધેલા.
* ફિલ્મના શૂટિંગ દરમિયાન જ રિશી-નીતુ પ્રેમમાં પડ્યાં. કશ્મીરમાં શૂટિંગ પૂરુ કરીને રિશી તરત ‘બારુદ’ના શૂટિંગ માટે પેરિસ ગયા. ત્યાંથી તેમણે નીતુને ટેલિગ્રામ મોકલ્યો (સ્માર્ટ ફોનમાં મેસેજિંગ ઍપ છે તે ટેલિગ્રામ નહીં, પણ ખરેખરો પોસ્ટ દ્વારા પાઠવવામાં આવતો ટેલિગ્રામ અથવા તાર.). તારમાં લખેલું કે, “યે સિખની બડી યાદ આતી હૈ.” રાજીની રેડ થયેલી નીતુએ આ ટેલિગ્રામ યશ અને પામેલા ચોપરાને બતાવેલો.
* સાચે જ ‘કભી કભી’ માત્ર એક ફિલ્મ નથી, પણ કવિતા-સંગીત-પ્રેમની અવિસ્મરણીય અનુભૂમતિ છે અને મારી દ્રષ્ટિએ, જ્યારે પણ હિન્દી સિનેમાની સૌથી કાવ્યાત્મક ફિલ્મોની યાદી બનશે, ‘કભી કભી’ મોખરે હશે.
* ‘કભી કભી’ રિલીઝના એક મહિના પહેલાં રાજકુમાર કોહલી નિર્મિત-દિગ્દર્શિત ‘નાગિન’ આવી. તે પછી, ફેબ્રુઆરીમાં જ આવી સુભાષ ઘાઈ દિગ્દર્શિત ‘કાલીચરણ.’ બન્ને સુપરહિટ. આવા ટાઈમમાં ઋજુ પ્રણયકથા, અને બે પેઢીની વાર્તા ફિલ્મરસિકો સ્વીકારશે કે કેમ? એવી શંકા ફિલ્મ ઈન્ડસ્ટ્રીના માંધાતા સેવી રહ્યા હતા, પરંતુ ‘કભી કભી’નાં ગીતોએ બાજી પલટી નાખીઃ *કભી કભી મેરે દિલ મેં…* મૈં પલ દો પલ કા શાયર… *તેરે ચેહરે સે નજર નહીં હટતી… *તેરા ફૂલોં જૈસા રંગ… *મેરે ઘર આયી એક નન્હી પરી… જેવાં ગીતોની રેકર્ડ ધૂમ વેચાઈ, ‘બિનાકા ગીતમાલા’માં ‘કભી કભી મેરે દિલ મેં’ની બોલબાલા હતી, અને થિયેટરોમાં પ્રેક્ષકોની ભીડ સતત વધતી ગઈ.
-અને સાચુંખોટું તો સાહિર સાહેબ અને ખૈય્યામ સાહેબ જાણે, પણ કહેવાય છે કે “કભી કભી મેરે દિલ મેં…” સોંગ 1950ના દાયકામાં ચેતન આનંદ દિગ્દર્શિત ફિલ્મ ‘કાફિર’ માટે ખય્યામ સાહેબે કમ્પોઝ કરેલું, પણ ફિલ્મ બની જ નહીં એટલે એ ધૂન ‘કભી કભી’ માટે વાપરવામાં આવી.




