ચાળીસીમાં પ્રવેશેલો ભારતીય જાસૂસ. નામઃ પઠાન. એ એક ખુરશીમાં બેઠો છે. જિંથરા જેવા વાળ, હડપચી પર વધેલી દાઢી, મૂઢમારથી આંખો નીચે, જડબાં પર લાલ ચકામાં, લોહી… પઠાનને ઢોરમાર મારવામાં આવ્યો છે. પીડા એના મોં પર દેખાય છે, પણ એ મશ્કરી કરવાનું ભૂલતો નથી. ત્રાસવાદીઓ એને વિદેશી ભાષામાં સવાલ કરે છે ત્યારે એ કહે છેઃ “હિંદી ઑન્લી… પ્લીઝ.” જે સુજ્ઞ પ્રેક્ષકો આ જોક નથી સમજ્યા એમને જણાવવાનું કે દક્ષિણ ભારતીય ફિલ્મોને આપવામાં આવતા વધુપડતા મહત્વની અહીં ખિંચાઈ કરવામાં આવી છે.
સંવાદલેખક અબ્બાસ ટાયરવાલાના અમુક સંવાદોમાં આવા ચમકારા છે તો સાવ બકવાસ જોક પણ છે. જેમ કે રશિયામાં ભરાવદાર શરીરવાળી સેક્સ વર્કર તરફ જોતાં શાહરુખ કહે છેઃ “20,000 બૂબ-લ્સ કમાવામાં રસ હોય તો…” ત્યારે બાજુમાં બેઠેલી દીપિકા છાશિયું કરતાં કહે છેઃ “રુબલ્સ” (રશિયન ચલણ). તો કારેન નામનાં એક રશિયન બાનુને ઉદ્દેશીને શાહરુખ કહે છે- “ક….ક….ક….કારેન!”
બહુચર્ચિત ફિલ્મ ‘પઠાન’માં ફિલ્મમાં ઉંદર-બિલાડીની પકડાપકડી જેવી એક લાંબી બાઈક સિક્વન્સ સાઈબેરિયાની ઠંડીમાં થીજી ગયેલા તળાવ પર ચિત્રિત થઈ છે. અહીં કથા-પટકથા પણ જાણે થીજી ગઈ છે. ફિલ્મ આફ્રિકા, દુબઈ, અફઘાનિસ્તાનથી સ્પેન, રશિયા, વગેરે દેશોમાં ભાગે છે, પણ વાર્તા ભાગ્યે જ આગળ વધે છે. પ્રેક્ષકને માત્ર રોમાંચક અનુભવ કરાવવામાં આવ્યા છે. હિંદી સિનેમામાં અગાઉ જોવા ન મળ્યા હોય એવા ઍક્શન સીન્સ છે. ધૂંઆધાર ઍક્શન. ખાસ કરીને શાહરુખ-જૉનના. હા, એમાં લોજિક શોધવા જશો તો નિરાશ થશો. જેમ કે દુબઈની હાર્દ સમા વિસ્તારમાં યુદ્ધ ખેલાઈ રહ્યું છે, પણ આસપાસ રાબેતા મુજબનું જીવન ચાલી રહ્યું છે. આવા ઘણા લોચાલાપસી છે.
જેમ્સ બૉન્ડની ફિલ્મોથી પ્રેરિત ‘પઠાન’ની જાસૂસી કથા ડિરેક્ટર-વાર્તાકાર સિદ્ધાર્થ આનંદે સાંપ્રત મુદ્દાની આસપાસ કથી છે. આર્ટિકલ 370ની નાબૂદી, એનાથી ભારત-પાકિસ્તાનનાં બદલાતાં રાજદ્વારી સમીકરણ, કોવિડ-19 પ્રકારના વાઈરસ, એ વિશેના નિષ્ણાત વિજ્ઞાનીનાં અપહરણ, બાયો-ટેરરીઝમ, વગેરે. જેમ્સ બોન્ડ જેવો અહીં જાસૂસ પઠાન છે તો મધ્યવયસ્ક M (જુડી ડેન્ચ) જેવી અહીં શાહરુખની બૉસ ડિમ્પલ કાપડિયા છે.
વાર્તા શરૂ થાય છે ભારતે જમ્મુ-કશ્મીરમાંથી ધારા 370 હટાવી લીધી ત્યાંથી. આ સમાચાર જોઈને પાકિસ્તાની લશ્કરી વડાના પેટમાં તેલ રેડાય છે. એ કોઈ ત્રાસવાદી સંગઠનને ભારતની બરબાદીનો કૉન્ટ્રેક્ટ આપે છે. સંગઠનનો સર્વેસર્વા છે જિમ (જૉન અબ્રાહમ). હવે ભારતની બરબાદી ટાળવા દેશના વફાદાર સૈનિક પઠાને આવવું જરૂરી છે.
ઈન્ટરવલ પહેલાંના ભાગમાં પઠાન ક્યાં જતો રહેલો, એની સાથે શું બનેલું, જિમ (જૉન અબ્રાહમ) કોણ છે, એની સાથે શું બનેલું, ડબલ ક્રૉસ કરતી પાકિસ્તાની ડૉ. રુબિના (દીપિકા પદુકોણ)નો મામલો શું છે, વગેરે બતાવવામાં આવે છે. એ પછી શરૂ થાય છે જિમીની ખતરનાક યોજનાને ઊંધી વાળવાનો સંઘર્ષ.
ફિલ્મની પટકથા લખી છે શ્રીધર રાઘવને. રાઘવન આ પહેલાં ‘વૉર’ અને ‘ખાકી’ જેવી ફિલ્મની પટકથા લખી ચૂક્યા છે. ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદે પટકથાકાર શ્રીધર સાથે મળીને યશરાજ ફિલ્મ્સની આગલી ફિલ્મનાં અમુક પાત્રોને આમાં વણી લીધાં છે. જેમ કે ટાઈગર (સલમાન ખાન), ‘વૉર’નો કબિર (રિતિક રોશન).
વાર્તાના એક વળાંકમાં પઠાન જ્યારે મુશ્કેલીમાં હોય છે ત્યારે એને બચાવવા ટાઈગર એટલે કે સલમાન ખાન આવે છે. મારા હિસાબે ફિલ્મનો આ બેસ્ટ પાર્ટ છે. ચાલતી ટ્રેનમાં વીએફએક્સની મદદથી બતાવવામાં આવેલી ઍક્શન દરમિયાન એક તબક્કે માર ખાઈને બેસી પડેલા પઠાનને ટાઈગર કહે છેઃ “ચલ, બહોત આરામ કર લિયા. અબ કામ પે લગ જા.” ચાર વર્ષથી શાહરુખની ફિલ્મ આવી નથી, ખબર છેને? આવો જ મજેદાર સીન ફિલ્મના અંતમાં છે. યસ, “ઝૂમે જો પઠાન મેરી જાન” સોંગ તથા એન્ડ ટાઈટલ્સ પૂરાં થાય પછી પણ તમારી સીટમાં બેસી રહેજો. એક જોરદાર સરપ્રાઈઝ છે.
‘પઠાન’ સર્વગુણસંપન્ન ફિલ્મ નથી, પણ એ ખરાબ ફિલ્મ પણ નથી. જો શાહરુખના અને મારધાડના ફૅન હોવ તો જોવા જજો.