પ્રજા તરીકે આપણે એક નંબરના ફૂડી હોવા છતાં જીભના જલસા વિશેની ફિલ્મો આપણે ત્યાં ભાગ્યે જ બને છે. થોડા સમય પહેલાં ફૂડના સ્ટાર્ટઅપ વિશેની એક સરસ ફિલ્મ, અનિશ શાહની ‘ધૂનકી’ આવેલી. આમ જોવા જઈએ તો હિંદીમાંયે આ વિષય પર ઝાઝી ફિલ્મો બની નથી. 2018માં જેકી ભગનાની, પ્રતીક ગાંધીને ચમકાવતી, અમદાવાદમાં સર્જાયેલી ‘મિત્રોં’ આવેલી. એમાં શેફ જેકી ભગનાની પિતાના પ્રેશરથી એન્જિનિયર તો બને છે, પણ એની પૅશન છે કૂકિંગ. એનું સપનું છે ફૂડ ટ્રક શરૂ કરવી. તો એ પહેલાં સૈફ અલી ખાનને ચમકાવતી ‘શેફ’ આવેલી જે હોલિવૂડની ફિલ્મની રિમેક હતી.
આજે એટલે કે શુક્રવાર, 10 ડિસેમ્બરે મુંબઈ-ગુજરાતનાં થિયેટરોમાં ડિલિવર થયેલી ડિરેક્ટર વિજયગિરિ બાવાની ’21’મું ટિફિન આ શ્રેણીની ફિલ્મ છે. વિજિયગિરિ બાવા જાણીતા છે ‘પ્રેમજીઃ રાઈઝ ઑફ અ વૉરિયર’, શૉર્ટ ફિલ્મ ‘મહોતું’ તથા ‘મોન્ટુની બિટ્ટુ’ જેવી ફિલ્મો માટે. અલબત્ત, ફૂડ અહીં એક ડિવાઈસ છે વાત કહેવા માટેની, બાકી ’21મું ટિફિન’ માનવીય લાગણી, માનવસંબંધ વિશેની સ્ટોરી છે, જે રામ મોરીના સાહિત્ય અકાદમી પારિતોષિકથી સમ્માનિત વાર્તાસંગ્રહ ‘મહોતું’ની એક વાર્તા પરથી સર્જાઈ છે. એક ટૂંકી વાર્તા પરથી 88 મિનિટની ફુલ લેન્ગ્થ ફિલ્મ બનાવવી એ ડિરેક્ટર માટે મોટો પડકાર હતો, જે એમણે વાર્તાકાર સાથે મળીને ઝીલ્યો છે, જેમાં મહદંશે એ સફળ થયા છે.
ફિલ્મની નાયિકા (નીલમ પંચાલ) મધ્યવયસ્ક ગૃહિણી છે. નામ? શોભાબહેન, રંજનબહેન, પૂર્ણિમાબહેન કે ભાવનાબહેન… ઘરના સભ્યોનું ધ્યાન રાખવામાં આયખું ખર્ચી નાખતી લાખ્ખો ગૃહિણીમાંની એક ગૃહિણી. એ દીકરી છે, બહેન છે, નણંદ, પત્ની, માતા, સોસાયટીમાં પડોશી પૂર્વીબહેનની સખીસહિયારી છે અને… ટિફિન સર્વિસ ચલાવતી ઉદ્યમી છે. એવું નથી કે ઘરની પરિસ્થિતિ સારી નથી એટલે એને ટિફિન-સર્વિસ ચલાવવી પડે છે. પાકકલા એની પૅશન છે. શહેરમાં પીજી એટલે કે પેઇંગ ગેસ્ટ તરીકે રહેતા વીસ ગ્રાહકોને એ ટિફિન પહોંચાડે છે, જેમાં નીતુ એને મદદ કરે છે… ટીનએજ નીતુ નોંધે છે કે મમ્મી ઉપરથી ખુશ દેખાય છે, પણ ક્યાંક કશુંક ખૂટે છે. એના જીવનમાં ખાલીપો છે. એની ભાષામાં ફોમો અથવા ફીઅર ઑફ મિસિંગ આઉટ જેવું કંઈ. ત્યાં એન્ટ્રી થાય છે ધ્રુવ (રોનક કામદાર)ની. ભાવનગરથી અમદાવાદ નવશીખિયા નકોરિયાત તરીકે આવેલા ધ્રુવને ઘરેથી મમ્મીની હિદાયત છે કે “બહારનું ખઈને પેટ ના બગાડીશ, લ્યા”. એટલે એને ઘરની રસોઈની જરૂર છે.
નીતુની મમ્મીના ટિફિનનો આ 21મો ગ્રાહક બીજા કરતાં જરા જુદો છેઃ એ તો છાલવાળા બટેકાનું રસાવાળું શાક, શીંગવાળી દાળ, ફૂલકાંરોટલી ને ગોળકેરીના અથાણાંનાં અને બદામવાળી સુખડીનાં વખાણ કરવા માંડે છે. આ અચાનક મળવા માંડેલા અપ્રિશિયેશનથી નામવિહોણી એ મિડએજ ગૃહિણીની વર્તણૂક બદલાવા માંડે છે, જીવન એને સુંદર લાગવા માંડે છે…
ઓકે, ’21મું ટિફિન’માં પળે પળે ઘટના-પ્રસંગ બનતાં નથી. એને બદલે પાર્થ ચૌહાણના કૅમેરાએ સર્જેલું વાતાવરણ માણવાનું છે, પાત્રો દ્વારા થતા હૃદયસ્પર્શી સંવાદ સમજવાના છે, લાગણીનીતરતી કવિતા, “રાહ જુએ શણગાર અધૂરો”થી તરબતર થવાનું છે. ટૂંકમાં ’21મું ટિફિન’ જન્ક ફૂડ કે ફાસ્ટ ફૂડની જેમ ખાઓ ને ભૂલી જાઓ એવી નથી. બલકે એ મમ્મીના હાથની સાદી, લાંબો સમય સ્વાદ દાઢે વળગી રહે એવી સ્વાદિષ્ટ સાત્વિક રસોઈ જેવી છે.
મિડલાઈફ ક્રાઈસીસ અનુભવતી ગૃહિણીની ભૂમિકા નીલમ પંચાલે સુપેરે, સહજતાથી ભજવી છે. નેત્રી અને રોનક કામદાર પણ સરસ. પ્રેમ ગઢવી, મૌલિક નાયક, નાની પણ અસરકાર ભૂમિકામાં જોવા મળે છે.
ગયા મહિને ગોવામાં આટોપાઈ ગયેલા 52મા આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં પસંદગી પામેલી ’21મું ટિફિન’માં મેહુલ સુરતીનું સંગીત છે. પાર્થ તારપરા લિખિત ગીત (‘રાહ જુએ શણગાર અધૂરો’)ને સ્વર આપ્યો છે મહાલક્ષ્મી ઐયરે.
એન્ડમાં એટલું જ કહેવાનું કે, આપણાં મિડલ ક્લાસ ઘરોની ગૃહિણીની ભાગ્યે જ નોંધ લેવાય છે કે એને જશ આપવામાં આવે છે. ગૃહિણની લાગણીને વાચા આપવા બદલ લેખક-દિગ્દર્શકની પીઠ થાબડવી પડે.