નમસ્તે વિપુલભાઈ…

મુંબઈમાં મનોરંજનના કાશી ગણાતા અંધેરીમાં ‘સનશાઈન પિક્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ’ની અધધધ સેવન્ટી એમએમ ઑફિસમાં પાર્ટીનો માહોલ હશે એવું ધારી હું પ્રવેશ્યો, પણ ત્યાં તો લૉકડાઉન જેવી શાંતિ હતી. પ્રોડક્શન કંપનીના સ્થાપક, નિર્માતા-દિગ્દર્શક વિપુલ અમૃલાલ શાહ “કોઈની સાથે મીટિંગમાં છે, હમણાં પરવારી જશે” એવું કહેવામાં આવતાં હું એક કુશાંદે ખુરશીમાં બેસીને અમારી પહેલાંની મુલાકાતો, સર્જક તરીકેની એમની જર્ની, વગેરે વાગોળું છું. રંગભૂમિ પર ‘નકાબ’, ‘આંધળોપાટો’ જેવાં નાટક, ‘જીવન મૃત્યુ,’ ‘એક મહેલ હો સપનો કા’ જેવી ટીવીસિરિયલ અને 2001માં ‘આંખે’થી શરૂ થયેલી ફિલ્મી-સફર, જેમાં ‘નમસ્તે લંડન,’ ‘લંડન ડ્રીમ્સ’થી લઈને ‘સિંઘ ઈઝ કિંગ,’ ‘કમાન્ડો’ સિરીઝથી ‘સનક’ સુધીના પડાવ આવ્યા.

અચાનક મને કહેવામાં આવે છે કે “આપ જા સકતે હૈ…”

એક ટિપૉય, એકાદ સાઈડ ટેબલ ને ચારેક ખુરશી એટલું રાચરચીલું ધરાવતી એ કેબિનમાં હજી હમણાં જ કદમ રાખ્યા છે વિપુલભાઈએ. કેમ કે મુખ્ય ઑફિસની બાજુમાં આ બીજી વધારાની વિશાળ જગ્યા હમણાં જ ખરીદી છે.

“નવી જગ્યા કેવી છે, વાઈબ્સ કેવા આવે છે એ જોવા થોડાક દિવસથી જ અહીં બેસવાનું રાખ્યું છે” એવી માહિતી વિપુલભાઈ આપે છે. ત્યાં કૉફી આવી એટલે ધીમા સ્વાદે ચુસકી ભરતાં મેં કહ્યું, “હ્યુમનની કોઈ સક્સેસ-પાર્ટી ખરી કે?”

મારો સવાલ સાંભળ્યો-ન સાંભળ્યો કરી એમનો વળતો સવાલઃ ‘હ્યુમન’ જોઈ?

“હા હા…. ગયા અઠવાડિયે. એકબેઠકે.”

યસ, હાલ જેની ચોમેર ચર્ચા ચાલી રહી છે એ મેડિકલ થ્રિલર ‘હ્યુમન’ના 10 એપિસોડ્સ ‘ડિઝની પ્લસ હૉટસ્ટાર’ પર મેં એકસાથે જોયા છે. મોઝેસસિંહ-ઈશાની બેનર્જીએ લમણાંની નસ તૂટી જાય એ હદે સંશોધન કરી કથા-પટકથા આલેખી છે. શેફાલી શાહ-કીર્તિ કુલ્હરી-રામ કપૂર-સીમા બિશ્વાસ-આદિત્ય શ્રીવાસ્તવ-વિશાલ જેઠવા જેવા કલાકારોની મંત્રમુગ્ધ કરી મૂકતી આકાશગંગા, લેખન પહેલાં કરવામાં આવેલું રીસર્ચ, એને લીધે દરેક એપિસોડમાં દેખાતી ડબલ ‘ચ’વાળી સચ્ચાઈ અને બીજી અનેક વાતો દિલદિમાગ પર અસર છોડી ગઈ છે. આ જ કારણસર વિપુલભાઈ સાથે મુલાકાતનો તખ્તો ગોઠવાયો છે.

વિપુલ શાહ-મોઝેસસિંહ દિગ્દર્શિત (બન્નેએ પાંચ-પાંચ એપિસોડ્સ ડિરેક્ટ કર્યા છે) સિરીઝમાં તબીબી વ્યવસાયની કાળી બાજુ બતાવવામાં આવી છે. જે ધરી પર શો ફરે છે એ છે દવા બનાવતી નફાખોર કંપની ‘વાયુ’ની ડ્રગ ટ્રાયલ. મધ્ય પ્રદેશનો અમુક વિસ્તાર દવા-રસીના માનવપરીક્ષણનું કેપિટલ ગણાય છે એટલે ભોપાળની પૃષ્ઠભૂ લેવામાં આવી છે. ‘વાયુ’ અને એના સંચાલકો માટે માનવજિંદગીનું કોઈ મૂલ્ય નથી. કંપનીએ હાર્ટ પેશન્ટ માટે એક નવી દવા બનાવી છે, પરંતુ જેમની પર એના ટેસ્ટ કરવામાં આવ્યા એમાંના અમુકની તબિયત ગંભીર થઈ ગઈ, અમુકનાં મોત થઈ ગયાં. બીજી બાજુ છે ભોપાળની પ્રતિષ્ઠિત ‘મંથન’ હૉસ્પિટલ, જેની સર્વેસર્વા છે ન્યુરૉસર્જન ડૉ. ગૌરી નાથ (શેફાલી શાહ). બીજી છે નવીસવી જોડાયેલી ડૉ. સાયરા સભરવાલ (કીર્તિ કુલ્હરી) અને બીજો સ્ટાફ.

સ્પોઈલરના ડરથી એટલે ડિટેલમાં વાર્તા કહેવાનું માંડી વાળી આપણે સીધો સવાલ ફેંકીએઃ વિપુલભા, ‘હ્યુમન’ સર્જવામાં સૌથી મોટો પડકાર શું હતો?

“એ જ કે, ફાર્માકંપની, મેડિકલ પ્રોફેશન વિશેનાં સત્ય, તથ્ય સાથે રજૂ કરવાં પણ સાથે સાથે એમાં દર્શકોનો રસ જળવાઈ રહે એવી એક સરસમજાની વાર્તા ગૂંથી લેવી. પછી એ ઉમેરે છે કે ત્રણ વર્ષના ઊંડા રીસર્ચ અને વાર્તાના 28 જેટલા ડ્રાફ્ટ ઘડ્યા પછી ખ્યાલ આવ્યો કે એક ફિલ્મ આ વિષયને ન્યાય નહીં આપી શકે. વેબસિરીઝ બનાવીએ તો પણ 6-7 એપિસોડમાં સમેટી નહીં શકાય એટલે 10 એપિસોડ્સનો શો બનાવ્યો અને થૅન્ક્સ ટુ ‘ડિઝની પ્લસ હૉટસ્ટાર,’ જેણે 10 એપિસોડ્સ બનાવવાની મંજૂરી આપી અને અમે વિષયવસ્તુને યોગ્ય ન્યાય આપી શક્યા.”

જી પણ, પાર્ટી… એવું પૂછવા જતો હતો, પણ એમના ચહેરાના ભાવ જોઈ વિહવળ બની મેં બીજો પ્રશ્ન પૂછવાનું નક્કી કર્યું- માધ્યમ કેવું લાગ્યું?

“સર્જક તરીકે વેબશો બનાવવાની મને મજા આવી. આમાં વાર્તા વિસ્તારપૂર્વક કહી શકાય, પાત્રોને ખીલવી શકાય, એની આગળપાછળની કથની પણ કહી શકાય. ટૂંકમાં લંબાણથી કહેવા જેવી કથા હોય ને અમે ‘હ્યુમન’માં લીધો એવો બોલ્ડ અપ્રોચથી કથા માંડવી હોય તો ઓટીટી બેસ્ટ છે.”

હાલ વિપુલભાઈ જેમાં વ્યસ્ત છે એ વેબશો ‘નાણાવટી વર્સીસ નાણાવટી’માં શું હશે?

“જુઓ, ભારતનું એક સૌથી મોટું બિઝનેસ-એમ્પાયર હોય નાણાવટી, જેના બધા સભ્યો એકબીજાથી વિરુદ્ધ હોય તો કેવોક ડ્રામા સર્જાય? બસ, આ છે નાણાવટી વર્સીસ નાણાવટી.”

આ સિવાય બીજું કંઈ?

“આ સિવાય તો… હા, હરકિસન મહેતાની ‘ચિત્રલેખા’માં પ્રકાશિત અતિપ્રસિદ્ધ નવલકથા ‘આમીર અલી ઠગની પીળા રૂમાલની ગાંઠ’ પરથી વેબસિરીઝની પ્રપોઝલ એક ટૉપની ઓટીટીને આપી છે. યુ સી, મારે જે ભવ્યતાથી વાત રજૂ કરવી છે એ માટે બહુ મોટું બજેટ ફાળવવું પડે. આશા રાખીએ કે બધું સમુંસૂતરું પાર પડે.”

-અને ગુજરાતી ફિલ્મ?

“ના, કમસે કમ, 3-4 વર્ષ તો નહીં જ તમને ખબર છેને, 1990ના દાયકામાં મેં ‘દરિયાછોરું’ બનાવેલી. લેખન-નિર્માણ-દિગ્દર્શન બધી રીતે ઉત્તમ. 11થી વધુ તો સ્ટેટ એવૉર્ડ્સ મળેલા. આજે કોઈને એ ફિલ્મ યાદ નથી.”

એ પછી બીજા અનેક વિષય પર વાતચીત થતી રહે છે, અર્ધાંગિની શેફાલી, બાળકો આર્યમાન, મૌર્ય, સફળતા-નિષ્ફળતા, વગેરે વગેરે. સાંજ ક્યારનીયે ઢળી ગઈ  છે એટલે થાય છે, હવે ઊઠવું જોઈએ, કદાચ વિપુલભાઈને પાર્ટીબાર્ટીમાં જવાનું હોય તો… એવું વિચારી, ફરી ઝટ મળવાના વાયદા સાથે હું ઊભો થાઉં છું.