આનંદ એલ. રાય નિર્મિત ‘ગુડલક જેરી’ શરૂ થયાની પાંચેક મિનિટ બાદ એક સીન આવે છે. જેરી (જાહન્વી કપૂર) કામ પરથી પાછી ફરે છે ત્યારે એની મા સરબતી (મીતા વશિષ્ઠ) એને ઘરમાં ઘૂસવા દેતી નથી, કેમ કે જેરી મસાજ પાર્લરમાં નોકરી કરે છે એ એને પસંદ નથી. જેરીની નાનકી બહેન ચેરી (સમતા સુદીક્ષા) કાનમાં મોબાઈલ ફોનના ભૂંગળા ખોસીને મોટી બહેન-માની રોજિંદી હુંસાતુંસી જોઈ રહી છે. જેરી કહે છે, “ઝટ ઘરમાં આવવા દે, મને જોરથી સૂસૂ લાગી છે, હવે જરીક વાર થઈ તો અહીં જ થઈ જશે…”
બે કલાકની મહિલાકેન્દ્રી ફિલ્મ ‘ગુડલક જેરી’માં જિવાતા જીવનના, આપણી આસપાસ દરરોજ જોવા મળતા આવા તો ઘણા વિઝ્યુઅલ્સ છે. બલકે ફિલ્મમાં કેટલાક શ્રેષ્ઠ કહેવાય એવા સીન્સ જેરી-ચેરી અને એમની મમ્મી સાથેના છે. માતા-પુત્રીના સંબંધોનાં સમીકરણ, નાનામોટા મુદ્દે થતા એમના ઝઘડા, એકમેક માટેનાં પ્રેમ-કાળજી, વગેરે હૃદયસ્પર્શી તો છે જ, રમૂજી પણ.
સિદ્ધાર્થ સેન દિગ્દર્શિત ‘ગુડલક જેરી’ ચારેક વર્ષ પહેલાં આવેલી તમિળ ફિલ્મ ‘કોલમાવુ કોકિલા’થી પ્રેરિત છે. એક કબૂલાતઃ ‘કોલમાવુ કોકિલા’ મેં જોઈ નથી એટલે બન્ને ફિલ્મની સરખામણી અથવા બેમાંથી કઈ સારી એ કહેવું પોસિબલ નથી. મૂળ ફિલ્મમાં જહાન્વી કપૂરની ભૂમિકા નયનતારાએ ભજવેલી. તમિળ ફિલ્મના રાઈટર-ડિરેક્ટર હતા નેલ્સન દિલીપકુમાર, જ્યારે હિંદી-પંજાબી ફ્લેવરવાળી કહાની લખી છે પંકજ મટ્ટાએ. સિદ્ધાર્થ સેને વાર્તા કહેવા પંજાબના એક નાના નગરને પસંદ કર્યું છે. બિહારના દરભંગાથી અહીં સૅટલ થયેલાં વિધવા સરબતી અને એની બે દીકરી, જયાકુમારી- જેરી અને છાયાકુમારી- ચેરી મોમોસ બનાવીને ગુજરાન ચલાવે છે, ભાડાના મકાનમાં રહે છે. જિંદગીની ગાડી આડીતેઢી જતી હોય છે એવામાં સરબતીને ફેફસાંનું કૅન્સર નીકળે છે. ટ્રીટમેન્ટનો ખર્ચો પચીસેક લાખ રૂપિયા છે, જે એમને માટે મુશ્કેલ જ નહીં, અશક્ય છે. પણ પરિવારની મોટી દીકરી જેરી ગાંઠ વાળે છે કે એ ગમે તે ભોગે માનો ઈલાજ કરાવશે. અમુક નાટ્યાત્મક વળાંક બાદ જેરી પરાણે ડ્રગ સ્મગલિંગ તરફ વળે છે. અહીંથી ફિલ્મમાં અને જેરીના જીવનમાં આવેલા એક ડાર્ક ટર્નના આપણે સાક્ષી બનીએ છીએ. મજાની વાત એ છે કે માનવજીવનની અસલી અને ડાર્ક સાઈડને સર્જકોએ હળવાફૂલ તરીકાથી રજૂ કરી છે. લગભગ પાંચેક મિનિટનો એક ટુકડો છે, જેમાં જેરી-ચેરી અને માતા શરબતી ડુક્કરની ગમાણ જેવી જગ્યામાં એક ગૅન્ગસ્ટરને પતાવવાની વેતરણમાં છે. અંદર શું બની રહ્યું છે એની આતુરતાપૂર્વક પ્રતીક્ષા કરતા પરિવારના ઓળખીતાપાળખીતા, એમના હાવભાવ, રેપ વિશેની ઈશારત… આ અને એની પછીના સીન પર જો હજી વધારે ધ્યાન આપવામાં આવ્યું હોત તો હિંદી સિનેમાનો એક અવિસ્મરણીય સીન બની રહેત.
શરમાળ અને અમુક અંશે ગભરુ, પણ અંદરથી એક જાતની મક્કમતા ધરાવતી કન્યાની ભૂમિકામાં જાહન્વી બિલકુલ ફિટ છે અને ઝાઝા એફર્ટસ વિના એણે એની ભૂમિકા ભજવી છે. એક સીનમાં એ કહે છેઃ “હમ જિતના દિખ રહે હૈં ઉતના (ખાલી જગ્યા) હૈ નહીં.” જાહન્વી ઉપરાંત ઉપરાંત આ ફિલ્મને જબરદસ્ત ટેકો મળ્યો છે સપોર્ટિંગ કાસ્ટનોઃ જેમ કે મીતા વશિષ્ઠ. જેરીના એકતરફી પ્રેમીની ભૂમિકામાં દીપક ડોબ્રિયાલ રાબેતા મુજબ સ-રસ, આ સિવાય, જાહન્વીનો બૉસ જસવંતસિંહ દલાલ, બૉસનો બૉસ સુષાંતસિંહ, ગમેત્યારે રિવોલ્વરનું ટ્રિગર દબાવી દેવા ઉત્સુક એવો સાહિલ મેહતા, સરબતીનો મકાનમાલિક નીરજ સૂદ, વગેરે.
હાલ જોવા મળી રહેલા ફાલતુ ફિલ્મોના ફાલ વચાળે ‘ગુડલક જેરી’ એક તાજી લહેર બનીને આવી છે એમ કહેવામાં મને કોઈ અચકાટ નહીં થાય. હા, વચ્ચે વચ્ચે પટકથા ઝોલાં ખાય છે એ પણ હકીકત છે. ગયા વર્ષે આવી જ એક ફિલ્મ આવેલી ‘મીમી,’ જે આપણને સરપ્રાઈઝ કરી ગયેલી. યાદ છે? બસ, કંઈ એવી જ છે ‘ગુડલક જેરી.’ (મારી જેમ) ઝાઝી અપેક્ષા વિના ડિઝનીહૉટસ્ટાર પર આ ફિલ્મ જોશો તો નિરાશ નહીં થાઓ.
-અને હા, ટીમ ‘ગુડલક જેરી’ને ઘણીબધી શુભેચ્છા.
