દેશ-દુનિયામાં વૉર ફિલ્મ ઘણા સર્જકોનો માનીતો વિષય રહ્યો છે. લેખનું મથાળું કહે છે એમ, યુદ્ધની કથા રમણીય હોય છે. એમાં રેડીમેડ ક્રાઈસીસ, પ્રસંગોની ઘટમાળનો મસાલો આસાનીથી મળી રહે છે. હિંદી સિનેમાની વાત કરીએ તો, 3 ડિસેમ્બર, 1971ની મધરાતે પાકિસ્તાન ઍરફૉર્સનાં વિમાનોએ ભારતના વિવિધ લશ્કરી વિમાનમથકો પર બૉમ્બ ઝીંકેલા, જેને પગલે સત્તાવાર યુદ્ધની જાહેરાત થઈ એ ઘટનાને તાજેતરમાં પચાસ વર્ષ થયાં છે ત્યારે આ યુદ્ધની આસપાસ ફરતી એક સફળ ફિલ્મ ‘બોર્ડર’ની સર્જનકથા ઈન્ટરેસ્ટિંગ બની રહે છે.
ફિલ્મમાં પાકિસ્તાનના હુમલા બાદ યુવાન લેફ્ટનન્ટ ધરમવીરસિંહ ભાણ (અક્ષય ખન્ના)ને પાંચ સૈનિક સાથે રાજસ્થાનના રણમાં લોંગેવાલા સરહદની રક્ષા કરવાનો આદેશ મળે છે અને એ રીતે ‘બૅટલ ઑફ લોંગેવાલા’ તરીકે પ્રસિદ્ધ એવી આ ઐતિહાસિક ઘટનાને રૂપેરી પરદા પર તાદ્શ કરવામાં આવી.
સાચકલા યુદ્ધ પર આધારિત બનતી ફિલ્મનો સીન બદલી નાખનારી ‘બોર્ડર’ના નિર્માતા-દિગ્દર્શક જ્યોતિ પ્રકાશ (જે.પી.) દત્તા ખરેખર તો પોતાના ભાઈ સ્કવૉડ્રન લીડર દીપક દત્તાને આદરાંજલિ અર્પવા માગતા હતા, જેમણે 1971ના વૉરમાં ફ્લાઈટ લેફ્ટનન્ટ તરીકે ભાગ લીધેલો. 1980ના દાયકામાં સ્કવૉડ્રન લીડર દીપક દત્તાનું મિગ-21 વિમાનદુર્ઘટનામાં અવસાન થયું. જે.પી.એ મનમાં ગાંઠ વાળી કે એ ‘લોંગેવાલાનું ઘમાસાણ’ પર ફિલ્મ બનાવશે. જો કે આપણો ઑફિશિયલ સિક્રેટ ઍક્ટ એવો છે કે યુદ્ધની સમાપ્તિનાં પચીસ વર્ષ સુધી એ વિશેની માહિતી છતી કરી શકાય નહીં એટલે જે.પી.એ પચીસ વર્ષ રાહ જોઈ.
1996માં મિનિસ્ટરી ઑફ ડિફેન્સ તરફથી ફિલ્મ બનાવવાની પરમિશન મળતાં જે.પી. કામે લાગ્યા. એમણે કથા-પટકથા આલેખી, જેમાં એમને મદદ કરી ‘બૅટલ ઑફ લોંગેવાલા’ના હીરો તરીકે પ્રખ્યાત, ‘મહા વીર ચક્ર’થી સમ્માનિત (હવે સ્વર્ગવાસી) બ્રિગેડિયર કુલદીપસિંહ ચાંદપુરીએ. ‘બોર્ડર’માં એમની ભૂમિકા ભજવેલી સની દેઓલે. આ ઉપરાંત રાજપૂત યોદ્ધા ભૈરોંસિંહ તરીકે સુનીલ શેટ્ટી, વિંગ કમાન્ડર આનંદ ‘ઍન્ડી’ બાજવાના રોલમાં જૅકી શ્રોફ, ધરમવીરસિંહ ભાણની ભૂમિકામાં અક્ષય ખન્ના તથા પૂજા ભટ્ટ, તબુ, વગેરેને લેવામાં આવ્યાં.
દેશના સંરક્ષણ મંત્રાલયે પણ જે.પી. દત્તાને ફિલ્મ બનાવવા માગી એ મદદ આપી. પાંચસો જેટલા સૈનિકોથી લઈને વૉર ઍરક્રાફ્ટ, ટૅન્ક, જીપ, જેવી સામગ્રી, આયૂધ આપેલાં. બીજા શબ્દોમાં આ ફિલ્મને આર્મીનો ફુલ સપોર્ટ હતો. ફિલ્મના આરંભમાં ઍરબેઝ પર પાઈલટ્સની મિટિંગ થાય છે, જેના કેન્દ્રમાં હોય છે વિંગ કમાન્ડર ઍન્ડી બાજવા (જૅકી શ્રોફ). આ ઓપનિંગ સિક્વન્સ ભૂજમાં શૂટ થયેલો. બાકી, મોટા ભાગનું શૂટિંગ રાજસ્થાનના બિકાનેરમાં થયેલું.
1997ના જૂનમાં રિલીઝ થયેલી ‘બોર્ડર’ની સફળતામાં જાવેદ અખ્તરનાં ગીત અને અનુ મલિકના સંગીતનો મોટો ફાળો હતો. જે.પી.એ એક ઈન્ટરવ્યુમાં આ લખનારને કહેલું (એમની ‘પલટન’ ફિલ્મની રિલીઝ વખતે) કે ફિલ્મના શૂટિંગમાં ભાગ લેનારા લશ્કરના ખરા સૈનિકોએ પહેલી વાર ‘સંદેસે આતે હૈ’… ગીત સાંભળ્યું ત્યારે એ ભાવુક બની ગયેલા.
અલબત્ત, જે.પી. દત્તાએ રિયલ ઘટના પરથી ફિલ્મ બનાવવા ઘણી છૂટછાટ લીધેલી, હકીકતની તોડમરોડ કરેલી, જેની અનેક વરિષ્ઠ લશ્કરી અફ્સરોએ ટીકા કરેલી. થોડાક વિવાદ પણ થયા. વળી, પટકથા અનેક ઠેકાણે ઢીલી પડતી હતી. આમ છતાં યુદ્ધના ભણકારા, ટેન્શન, લડાઈનો હિસ્સો બની જતી ઑર્ડિનરી લાઈફ, ભારતીય સેનાનાં શૌર્યનું યથાયોગ્ય ચિત્રણ, જે.પી.ના પિતા ઓ.પી. દત્તાએ લખેલા સંવાદ, વગેરેને કારણે ‘બોર્ડર’ સ-રસ માસ મૂવી બની, જે આજેય જોવી ગમે છે.
એ પછી 2007માં અમ્રીત સાગરે આ જ યુદ્ધ પર આધારિત ‘1971’ નામની ફિલ્મ બનાવી. જો કે એમની ફિલ્મના કેન્દ્રમાં હતા 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધના કેદીઓ. મનોજ બાજપાઈ-રવિ કિશન-પીયૂષ મિશ્રા-દીપક ડોબ્રિયાલ, વગેરે કલાકારોને ચમકાવતી આ ફિલ્મને ‘નૅશનલ ફિલ્મ એવૉર્ડસ’માં ‘બેસ્ટ ફીચર ફિલ્મ’થી સમ્માનિત કરવામાં આવેલી.
બોલિવૂડમાં સર્જાયેલી સત્ય ઘટના આધારિત કેટલીક યુદ્ધ ફિલ્મોઃ
|
(કેતન મિસ્ત્રી)