શીર્ષકમાંની ખાલી જગા પૂરવા માટેનો શબ્દ અને આ અઠવાડિયે આ વિષય પર લેખ શું કામ? એનો જવાબ લેખ વાંચતાં, એમાં આપવામાં આવેલી ક્લૂ પરથી જડી જશે. તો જનાબ, એકાદ દાયકા પહેલાં કુણાલ દેશમુખ દિગ્દર્શિત ફિલ્મ આવેલીઃ ‘રાજા નટવરલાલ’. કલાકારોઃ ઈમરાન હાશમી-હુમૈમા મલિક-પરેશ રાવલ અને કેકે મેનન. ફિલ્મમાં ઈમરાન-પરેશભાઈ મળીને સાઉથ આફ્રિકામાં વસતા બિઝનેસમૅન અને આઈપીએલ જેવી ક્રિકેટટીમ ખરીદવાના તલબગાર કેકે મેનનને એવો ચૂનો ચોપડે છે કે મેનનભાઈ લગભગ કંગાલ બની જાય છે. એમાં નકલી ઈન્ડિયન ક્રિકેટ બોર્ડના અફ્સર મેનન ભાઈને ક્રિકેટટીમના માલિક બનાવે છે. ફિલ્મ, જો કે, ફ્લૉપ હતી, પણ હિંદી સિનેમાની આ એક નોંધપાત્ર કૉન-ફિલ્મ એટલે કે ઠગાઈના વિષય પર બનેલી ફિલ્મ હતી.
ઠગાઈના વિષય પર હોલિવૂડમાં ‘કૅચ મી ઈફ યુ કૅન’થી લઈને ‘ઓશન’સ ઈલેવન’, ‘નાઉ યુ સી મી’, જેવી અનેક ફિલ્મ બની છે. મારી ફેવરીટઃ લિઓનાર્દો દ’કેપ્રિયો, ટૉમ હેન્ક્સવાળી ‘કૅચ મી ઈફ યૂ કૅન’.
યાદ રહે, ચોરીચપાટી કે બૅન્કલૂંટ પર તો અઢળક ફિલ્મ બની છે. વાત છે ઠગાઈની. આથી જ અભય દેઓલ-પરેશ રાવલવાળી ‘ઓયે લકી, લકી ઓયે’ને આમાં નથી સમાવી. જેમ કે ‘બન્ટી ઔર બબલી’ અને બેએક વર્ષ પહેલાં આવેલી ‘બન્ટી ઔર બબલી ટુ’ જેવી ફિલ્મ. પહેલીમાં અભિષેક બચ્ચન-રાણી મુખર્જી કોઈ ફોરેનરને તાજ મહલ વેચવા જેવી વિવિધ પ્રકારના ચૂના ચોપડે છે. પાર્ટ ટુમાં ઠગ સિદ્ધાંત ચતુર્વેદી-શર્વરી વાઘ અને એમને પકડવા નીકળેલાં રાણી મુખર્જી-સૈફ અલી ખાન ઉપરાંત પંકજ ત્રિપાઠી હતાં. આ ફિલ્મમાં ઠગલોકો ઉત્તર પ્રદેશના રાજકારણીને ગંગામાંથી મિનરલ વૉટર લઈને વેચવાનો સરકારી કૉન્ટ્રેક્ટ આપે છે અને બીજી ઠગાઈઓ આચરે છે.
અભિષેક બચ્ચનની જ ‘બ્લફમાસ્ટર’ પણ આ જ કુળની ફિલ્મ. રોહન સિપ્પી ડિરેક્ટર. ફિલ્મમાં રિતેશ દેશમુખ-નાના પાટેકરની ઠગાઈ હતી, સારી ફિલ્મ હતી, જે એવરેજ ચાલેલી.
અહીં વર્ષો પહેલાં આવેલી કૉન-કૉમેડી ‘બાપ નંબરી બેટા દસ નંબરી’નો એક સીન યાદ આવે છે. ફિલ્મમાં કાદર ખાન-શક્તિ કપૂર અમુક શ્રમજીવીઓને ઈલ્લિગલ દુબઈ મોકલવાનાં વચન આપી એમની પાસેથી મોટી રકમ પડાવે છે. મધરાતે એમને મુંબઈથી હોડીમાં બેસાડી એક સૂમસામ દરિયાકિનારે ઉતારી દેવામાં આવે છેઃ “ચલો ચલો દુબઈ આ ગયા”. પેલા ઊતરે છે ને ટાપુ જેવી એ જગ્યા પર મળનારી વ્યક્તિને હિંદીમાં બોલતી જોઈ ખુશ થાય છેઃ “અરે, આ તો ઈન્ડિયન લાગે છે, હિંદીમાં બોલે છે.” પેલો કહે છે “હા ભાઈ, હું ઈન્ડિયન છું ને આ ઈન્ડિયા જ છે. આ મઢ આઈલૅન્ડ છે.” ત્યારે પેલા લોકોને ખ્યાલ આવે છે કે આપણે મૂંડાઈ ગયા.
આ પરંપરામાં આવેલી એક બહેતરીન ફિલ્મ એટલે ‘સ્પેશિયલ છબ્બીસ’. આ કોલમના વાંચનારા લગભગ બધા જ સિનેમાપ્રેમીએ સત્ય ઘટના આધારિત આ ફિલ્મ જોઈ જ હશે. નકલી સીબીઆઈ ઑફિસર, રાજકારણીઓથી લઈને કાળાંબજારિયા વેપારીને ત્યાં નકલી રેઈડ, મુંબઈના જાણીતા જ્વેલરને ત્યાં રેઈડ અને જકડી રાખતો ક્લાઈમેક્સ. અનુપમ ખેર-મનોજ બાજપાઈ-અક્ષય કુમાર-જિમી શેરગિલ જેવી નીવડેલા કલાકારો અને નીરજ પાંડેનું ડિરેક્શન. ભઈ વાહ.
છેલ્લા થોડા સમયથી તાશ્કંત ફાઈલ્સ, દિલ્હી ફાઈલ્સ, ‘કશ્મીર ફાઈલ્સ’ ને ‘વેક્સિન વૉર’ જેવી ફિલ્મો બનાવનાર વિવેક અગ્નિહોત્રી એક જમાનામાં ઝિદ અને હૅટ સ્ટોરી જેવી ફિલ્મ બનાવતા. એમણે હોલિવૂડની યુઝવલ સસ્પેક્ટ્સ પરથી ઉંદર-બિલાડીની રમત જેવી ચૉકલેટ (અનિલ કપૂર-સુનીલ શેટ્ટી-ઈરફાન ખાન) બનાવેલી, જેમાં વાત બૅનકલૂંટની હતી, પણ આ એક કૉન-ફિલ્મ જ હતી.
કપિલ શર્માના શોમાં અટ્ટહાસ્ય કરી કરીને કમાણી કરતી અર્ચના પૂરણસિંહના ધણી પરમીત સેઠીએ શાહીદ કપૂર-અનુષ્કા શર્મા (કેવી વિચિત્ર જોડી, નહીં?), મિયાંગ ચાંગને લઈને ‘બદમાશ કંપની’ બનાવી, જે સેમી હિટ હતી.
-અને નીરજ વોરા લિખિત-દિગ્દર્શિત ‘ફિર હેરાફેરી’? બાબુરાવ-રાજુ-શ્યામ-પપ્પુને (પરેશ રાવલ-અક્ષય કુમાર-સુનીલ શેટ્ટી-રાજપાલ યાદવને) પૈસા ડબલટ્રિબલ કરવાનું પ્રૉમિસ આપતી અનુરાધા (બિપાશા બસુ) ને ઠગાઈમાંથી નિષ્પન્ન થતી કૉમેડી.
ઠગાઈનો આ અફસાનો માંડવાનું કારણ છે સુરતના વન મિસ્ટર મિતુલ ત્રિવેદી, જેમણે ચંદ્રયાન-3ના મિશનમાં પોતાનો અમૂલ્ય ફાળો હોવાનો દાવો કરીને પોતાના હિસ્સાની પબ્લિસિટી મેળવી લીધી. પછી અમુક જાગરૂક પત્રકારોએ છાનબીન કરી ત્યારે ખબર પડી કે આ મોરલો તો કળા કરી ગયો. હાલ કહેવાતા વિજ્ઞાની મિતુલભાઈ પોલીસ તપાસનો સામનો કરી રહ્યા છે. એ પહેલાં આ ટાઈપની કળા કરનારા કિરણ પટેલ પણ સર્વેને યાદ હશે જ.
-કહેવાનું એ જ કે, જીવનમાં જે બનવું હોય ઈ બનજો, પણ મિતુલ-કિરણ ના બનતા.