ટિન્સેલપુરની શ્રદ્ધા-અંધશ્રદ્ધા

પ્રિ-નવરાત્રી ને પહેલા નોરતા બાદ સર્વત્ર “ગોરી રાધા ને કાળો કાન” અને “બોલ મારી અંબે જય જય અંબે”ના નાદ ગુંજી રહ્યા છે. એક બાજુ જ્યાં ગરબાના તાલે ને ઢોલના નાદે ખેલૈયા ઝૂમી રહ્યા છે ત્યારે હિંદી સિનેમાવાળા શાંત થઈને બેઠા છે.

આથી સોશિયલ મિડિયા પર અમુક બની બેઠેલા જાણકારો બળાપો કાઢ્યો કે નિર્માતાઓનું આવું તે કેવું રિલીઝનું પ્લાનિંગ? આટલી સરસ બે ઑક્ટોબર, ગાંધી જયંતીની રજા, નવરાત્રિનો મસ્તમજાનો માહોલ… આ દરમિયાન કે એની પહેલાં કેમ કોઈ મોટી ફિલ્મ રિલીઝ ન કરી? 15 ઑગસ્ટે રિલીઝ કરવા ‘સ્ત્રી 2,’ ‘ખેલ ખેલ મેં’ અને ‘વેધા’એ (તથા બીજી નાની ફિલ્મોએ) પડાપડી કરીને ખેલ બગાડી મૂક્યો તો હવે જ્યારે બે-ત્રણ અઠવાડિયાંથી કોઈ બિગ બજેટ ફિલ્મ રિલીઝ થઈ નથી રહી તો આનો ફાયદો કેમ ઉઠાવવામાં ન આવ્યો?

તો જત જણાવવાનું કે વર્ષોથી ટિન્સેલપુરની એક પ્રથા રહી છે કે મુંબઈના નિર્માતા શ્રાદ્ધ પક્ષ દરમિયાન ન તો નવી ફિલ્મની જાહેરાત કરતા હોય છે, કે ન મુહૂર્ત કરે કે ન નવી ફિલ્મ રિલીઝ કરે. આમાં રિલીઝ તો હજી કદાચ કોઈ કરે, પણ નવી ફિલ્મ લૉન્ચ તો ન જ થાય.

બાય કાસ્ટ કોઈ બી હોય, આજે પણ નિર્માતા શુભ ચોઘડિયામાં નારિયેળ વધેરી, હવન-પૂજાપાઠ બાદ એકાદ સીન શૂટ કરીને મુહૂર્ત સાચવી લે છે. પછી રાતે શેમ્પેનની બાટલીનાં બૂચ ખોલીને, દારૂના ફુવારા નીચે નહાઈને ઉજવણી કરે. મનમોહન દેસાઈ પણ ‘નસીબ’માં માનતા. એ નવી ફિલ્મની પ્રિન્ટના ટિનના ડબ્બા લઈને જમ્મુ જતા, માતા વૈષ્ણોદેવીના ચરણે ધરતા ને કહેતાઃ “મા, મેરી પિક્ચર હિટ બના દેના.” અમુક નિર્માતા-દિગ્દર્શકને તામિલનાડુના ગિરિમથક ઊટીના બોટાનિકલ ગાર્ડનનું બહુ. એમાં પાછું ગાર્ડનમાં એક પરટિક્યુલર ઝાડ પાસે ગીત ચિત્રિત કરવાનું એટલે કરવાનું. અમુકને એવું કે ફલાણા અભિનેતા-અભિનેત્રીને લેવાથી આપણી પિક્ચર હિટ જાય છે. જો વાર્તામાં ફિટ ન બેસતો (કે બેસતી) હોય તો પણ એને એકાદ સીન માટે લે. કોઈને અમુક આંકડા પર બેહદ વિશ્વાસ હોય- જેમ કે શાહરુખ ખાનનો લકી નંબર છેઃ 555. સલમાન ખાનનો લકી ચાર્મ છે એનું બ્રેસલેટ. અજય દેવગને પોતાની અટકની અંગ્રેજી જોડણીમાંથી એ કાઢી નાખ્યો છે. અમુકને મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક પર અસીમ શ્રદ્ધા, તો કોઈને અજમેરની ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ પર. આંગળીઓમાં નીલમ, પન્ના અને ઓપલ જેવાં રત્નોની વીંટી પહેરવાનું તો ઘણું કોમન છે.

એટલે, કહેવાનું તાત્પર્ય એ કે શ્રાદ્ધ પક્ષમાં નવાં કામ, નવી ખરીદી ટાળવામાં આવે છે તો ફિલમવાળા એમાંથી કેમ બાકાત રહે?

જો કે આમાં એક અપવાદ હતો ને તે હતા યશ ચોપડા. એ શ્રદ્ધા, મુહૂર્ત, પૂજાપાઠ, વગેરેમાં માનતા, પણ અમુક ટાઈમ એ બાજુએ મૂકીને કરવાનાં કામ કરી લેતા. જેમ કે આજથી પચીસ વર્ષ પહેલાં, 27 સપ્ટેમ્બરે શ્રાદ્ધ પક્ષમાં એમણે ‘રાજકમલ સ્ટુડિયોઝ’માં બેટા આદિત્ય ચોપરાની નવી ફિલ્મ ‘મોહબ્બતેં’નું મુહૂર્ત કરેલું. ઉલ્લેખનીય છે કે યશજી એમની ફિલ્મનાં મુહૂર્ત વી. શાંતારામે બાંધેલા ‘રાજકમલ સ્ટુડિયોઝ’માં જ કરતા.

દરમિયાન તે દિવસે પૂજાપાઠ બાદ કેસર પેંડો મેંમાં મૂકતાં કોઈએ પૂછ્યું કે “કેમ આજના દિવસે (શ્રાદ્ધ જેવા અપવિત્ર મનાતા દિવસોમાં) નવી ફિલ્મનું મુહૂર્ત કર્યું?”

તો મીઠું મલકતાં યશજીએ જવાબ આપેલોઃ “આજે, 27 સપ્ટેમ્બરે, મારો હેપી બર્થડે છે અને કહે છેને કે બર્થડે, ધ બેસ્ટ ડે.”

-અને ગયા સપ્તાહે 27 સપ્ટેમ્બરે દીર્ઘદ્રષ્ટા ફિલ્મસર્જક યશ ચોપરાનો 92મો જન્મદિવસ ગયો.