કમ્બખ્ત આ ગોઝારો ફરવરી. કેટલા મિત્રો, સ્નેહીજનોની વિદાય જોઈ આ મહિનાએઃ અમીન સાયાણી, પંકજ ઉધાસ, મુંબઈ-ગુજરાતના ચાર પત્રકાર ભેરુ અને છેલ્લે, જામનગરનો ઍક્ટર-મિત્ર જય વિઠલાણી. ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા’થી અમારી દોસ્તી થયેલી. વિરલ રાચ્છે એનું ઓળખાણ કરાવ્યાનું સ્મરણ છે. આ વર્ષની નાટ્યસ્પર્ધામાં જયના દીકરાએ ‘અલિખિત’ શીર્ષકવાળા જામનગરના જ નાટકમાં અભિનય કરેલો. મળવાનું ઓછું થતું, પણ મેસેજની આપ-લે થતી. છેલ્લો મેસેજ ‘કમઠાણ’ ફિલ્મ વિશે હતો, જેમાં જયે ભૂમિકા ભજવેલી. જીવનના રંગમંચ પરથી જયને 42 વર્ષની વયે આમ અચાનક એક્ઝિટ કરાવવાની કુદરતની રીત જરીકેય ન ગમી.
-અને હવે પંકજભાઈ. થોડાં વર્ષ પહેલાં એક વિષય પર એમનો ઈન્ટરવ્યુ લેવા લેન્સમૅન સનત તન્ના સાથે મુંબઈમાં એમના નિવાસસ્થાને ગયો ત્યારે ફેડેડ જીન્સ, નેવી બ્લુ પૉલો ટી-શર્ટમાં સજ્જ પંકજભાઈએ આવકાર આપતાં કહ્યું, “ઈન્ટરવ્યુ પછી. પહેલાં આ જો”… અને એમણે કમ્પ્યૂટર સ્વિચઑન કર્યું, “આજકાલ આત્મકથા લખી રહ્યો છું”. એક-બે ફકરા વાંચીને અચાનક બોલી ઊઠ્યાઃ “મારી સંગીતસફરમાં મકર સક્રાંતિનો એટલે કે પતંગનો મોટો ફાળો છે”.
“વૉટ? ગઝલગાયકી અને પતંગ”?
કૉફીની ચુસકી લેતાં એ કહેઃ “યસ, નાનો હતો ત્યારે રાજકોટમાં કપાયેલો પતંગ પકડવા દોડ્યો ને એવો પડ્યો કે પગનું હાડકું ભાંગેલું. એક મહિનો બેડરેસ્ટ. પલંગમાં પડ્યો પડ્યો હું રૂમની એક દીવાલે ગોઠવાયેલા દિલરુબાને જોયા કરતો. મારા પિતા દિલરુબા છેડતા, દાદીમા ગાતાં. માતા (જિતુબહેન)ને પણ સંગીતનો શોખ. આમ, પતંગના લીધે ખાટલો થયો ને એમાંથી સંગીતનો પરિચય થયો. જો કે મારે બનવું હતું ડૉક્ટર, પણ”…
જેતપુરમાં ટેક્સટાઈલ કન્ટ્રોલરની ગવર્નમેન્ટ જૉબ કરતા કેશુભાઈ ઉધાસને ત્રણ દીકરા. મનહર, નિર્મલ અને પંકજ. ઉધાસબંધુના દાદાજી ભાવનગર સ્ટેટના વહીવટકર્તા હતા. ચરખડીમાં જન્મ બાદ ચાર-પાંચ વર્ષના પંકજ પિતાની બદલી થતાં રાજકોટ આવ્યા. અહીં એમણે પહેલી ફિલ્મ જોઈ ‘નાગિન’. ફિલ્મનું સોંગ ‘મેરા દિલ યે પુકારે આજા’થી પ્રભાવિત થયેલા.
જો કે પિતાની સ્પષ્ટ સૂચના કે સંગીત-બંગીત ઠીક, ભણવાનું, ડિગ્રી તો લેવાની જ. મનહરભાઈ મિકેનિકલ એન્જિનિયરિંગ ભણ્યા. નિર્મલભાઈ પણ ભણવામાં હોંશિયાર, પણ પંકજ એવરેજ સ્ટુડન્ટ. ગીત-સંગીત સાથે ભણવાનું ચાલુ હતું. મેટ્રિકમાં પંચોતેર ટકા આવતાં સાયન્સમાં ઍડ્મિશન લીધું. ડૉક્ટર બનવાનો નિર્ધાર તો હતો જ, પરંતુ જાતજાતના સંગીતકાર્યક્રમોમાં ગાવા-વગાડવાની વ્યસ્તતા વચ્ચે ભણતરના સૂર બરાબર મળતા નહોતા. ઈન્ટર સાયન્સમાં માત્ર પંચાવન ટકા આવતાં મેડિકલનું માંડી વાળવું પડ્યું.
તે પછી પંકજ મુંબઈ આવ્યા. તે પહેલાં કલ્યાણજી-આણંદજીના સહયોગથી મનહરભાઈ મુંબઈમાં ગાયક તરીકે ઠીક ઠીક જામી ગયેલા. સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ઍડ્મિશન લઈને પંકજ બી.એસસી. થયા, સાથે પ્રોગ્રામ કર્યા, નાની-મોટી સ્પર્ધા જીત્યા. મુંબઈમાં એમને રમેશ સાહની નામના મિત્ર મળ્યા, જેમની પાસે બેગમ આખ્તરનું કલેક્શન હતું. ગઝલસમ્રાજ્ઞી બેગમ અખ્તરને પંકજ સાંભળતા. તે વખતે મનહરભાઈ ઉર્દૂ શીખતા. બેગમ અખ્તરની ગઝલમાં અમુક ઉર્દૂ શબ્દ ન પકડાય તો એ મૌલવી સાહેબને પૂછી લેતા.
ધીમે ધીમે નાની નાની પાર્ટીમાં, બેઠકોમાં ગઝલ ગાતા, પણ કંઈ જામતું નહોતું. થોડો સમય એક પ્લાયવૂડ કંપનીમાં નોકરી કરી. ૪૦૦ રૂપિયા પગાર, પણ સંઘર્ષ પૂરો થતો નહોતો. એક તબક્કે એ એટલા કંટાળી ગયા કે મિત્ર રમેશ સાહનીના નિમંત્રણથી કેનેડા જતા રહ્યા. રમેશ કેનેડામાં સૅટલ થયેલા. એક ટ્રાવેલ એજન્ટે ઉધારીમાં વિમાનની રિટર્ન ટિકિટ કરી આપી. આ વાત હશે ૧૯૭૬ની. વિઝા મહિનાના હતા, પરંતુ રમેશે ઓળખીતા-પાળખીતામાં ગોઠવેલી બેઠકો એવી જામી કે દસ મહિના રહી પડ્યા.
હવે એ એક ન્યુ, ઈમ્પ્રુવ્ડ પંકજ ઉધાસ હતા, પણ મુંબઈમાં તે વખતે જગજિતસિંહ, નીના-રાજેન્દ્ર મહેતા, તલત અઝીઝ અને અનુપ જલોટાના નામના સિક્કા પડતા. આમાં નવાસવા પંકજ ઉધાસનો ક્યાં ગજ વાગે? ફુલ નવરાશના એ દિવસોમાં પંકજભાઈ નવા શાયરોને વાંચતા, એમની ગઝલો સ્વરબદ્ધ કરતા. લક્ષ્મણપ્રસાદ જયપુરવાલે, તાજ મહંમદ ખાં, ફૈય્યાઝ અહમદ ખાં જેવા કિરાણા ઘરાણાના ઉસ્તાદોનાં ગીતસંગીત કાનમાં જમા કરતા. પદ્ધતિસરની તાલીમ સંગીતગુરુ માસ્ટર નવરંગ નાગપુરકર પાસેથી મેળવી. જેમણે શિષ્યને પહેલો પાઠ શીખવ્યો ખમાજ રાગમાં “કૌન ગલી ગયો શ્યામ”… ઠૂમરી.
એમ તો લતા મંગશેકરને પણ એ ગુરુ માનતાં. લતાજીના અવસાન વખતે મેં એમને ફોન કરી લતાજી સાથેનાં ડ્યુએટ્સ વિશે બોલવા કહ્યું, પંકજભાઈ કહેઃ “લતા મંગેશકર મારા મનોમન ગુરુ હતાં. હું મારી જાતને નસીબદાર માનું છું કે મેં એમની સાથે ડ્યુએટ્સ ગાયાં છે. જેમ કે 1990ના દાયકાની ‘થાનેદાર’ (“ઔર ભલા ક્યા માઁગુ મૈં રબ સે”), ‘ઘાયલ’ (“માહિયાઁ તેરી કસમ”) વગેરે, પણ અમે ક્યારેય સાથે રેકોર્ડિંગ કર્યું નહોતું.”
1970ના દાયકામાં મુંબઈના રંગભવનમાં લતાજીના એક કાર્યક્રમમાં એમણે લતાજીનો ભેટો કરાવવાની મનહરભાઈ આગળ જિદ કરી. ઈન્ટરવલમાં બન્ને ભાઈ બૅકસ્ટેજમાં ગયા. સ્ટેજ પર લતાજી એક ખુરશીમાં બેઠેલાં. ગરમી અસહ્ય હતી, પ્રખ્યાત કવયિત્રી પદ્મા સચદે સાડીના પાલવથી પંખો નાખી રહ્યાં હતાં. મનહરભાઈએ ઓળખાણ કરાવી “આ મારો નાનો ભાઈ પંકજ”. પંકજભાઈએ ડરતાં ડરતાં લતાજીને ઑટોગ્રાફ આપવા કહ્યું. લતાજીએ એમનું ટ્રેડમાર્ક સ્માઈલ ફરકાવી સ્વાક્ષર આપતાં લખ્યુઃ “અચ્છા ગાતે રહો, ખુશ રહો”. પંકજભાઈના કહેવા મુજબ, જીવનમાં મેં લીધેલા એ પહેલા હસ્તાક્ષર હતા”.
તે પછી 1980માં એક સુવર્ણ તક પંકજભાઈના ઘરનાં બારણાં ખખડાવતી આવી. મુંબઈમાં રજનીભાઈ કોઠાવાલાને ત્યાં એક બેઠક, જેમાં અનુપ જલોટા અને તલત અઝીઝ મહેમાનોને ડોલાવતા હતા. આમાં એમને એક-બે ગઝલ ગાવાની તક મળી. એ સાંભળીને ઈન્ડિયા બુક હાઉસ (આઈ.બી.એચ.)ના એક ડાયરેક્ટરે પંકજને કૅસેટ બનાવવાની ઑફર કરી. પંકજભાઈને પ્રોફેશનલી પરફેક્ટ એવી કૅસેટ કાઢવી હતી, પણ એ માટે પૈસા કાઢવા ક્યાંથી?
અહીં એમની મદદે આવ્યાં ઍર હૉસ્ટેસ પારસી ફ્રેન્ડ ફરીદા (જે પછી પંકજનાં અર્ધાંગિની બન્યાં) અને પ્રખ્યાત શાયર-પત્રકાર શેખાદમ આબુવાલા. એમણે ખૂટતી રકમની વ્યવસ્થા કરી આપી. આમ એમની પહેલી કૅસેટ રિલીઝ થઈઃ ‘આહટ’.
તે પછી પંકજ ઉધાસ ટોચના બીજા ગઝલગાયકોની હરોળમાં આવી ગયા. એક પછી એક લૉન્ગ પ્લે (એલપી) રેકર્ડ અને કૅસેટ્સ આવવા માંડીઃ ‘મુકર્રર’, ‘મહેફિલ’, ‘બેસ્ટ ઑફ પંકજ’, ‘નાયાબ’, ‘આફરીન’, ‘સગુફતા’… વચ્ચે વચ્ચે ટિન્સેલ ટાઉનમાંથી કહેણ આવતાં. ‘નામ’ (એકએક પંક્તિમાંથી ટપકતા મેલોડ્રામાવાળું ‘ચિઠ્ઠી આયી હૈ’), ‘સાજન’ (‘જિયે તો જિયે કૈસે’) ‘મોહરે’ (‘ના કજરે કી ધાર’), વગેરે…
1990ના રિમિક્સના એક પાગલ દૌર (‘કલિયોં કા ચમન’, ‘કાંટા લગા’, ‘કભી આર કભી પાર’, વગેરે) વચ્ચે પણ પંકજભાઈ અચ્છી ગાયકી-સંગીતની સરિતા વહાવતા રહ્યા. જેમ કે, ‘સ્ટૉલન મોમેન્ટ્સ’. આ આલબમની એક નઝમ ‘ઔર આહિસ્તા કીજે બાતેં’ (ઝફ્ફર ગોરખપુરી)ની મ્યુઝિક વિડિયો સરસ હતી. છોકરો-છોકરી પહેલી વાર મળે ત્યારથી ઋજુ પ્રણય આગળ વધે એની રજૂઆત કરતી મ્યુઝિક વિડિયો ઑસ્ટ્રેલિયામાં શૂટ થયેલી. ૨૦૦૩માં ‘ઈન સર્ચ ઑફ મીર’ (સૂફી શાયર મીર તકી મીરની દસ ગઝલ) આલબમ માટે ‘પરિણીતા’ ફેમ દિગ્દર્શક સ્વ. પ્રદીપ સરકારે મ્યુઝિક વિડિયો બનાવી.
૧૯૮૧માં પિતા કેશુભાઈના અવસાન બાદ પંકજભાઈ ‘કૅન્સર પેશન્ટ્સ એઈડ ઍસોસિયેશન’ સંસ્થા માટે કામ કરતા. ૧૯૮૭થી એમણે થેલેસેમિક બાળકો તથા કૅન્સર પેશન્ટ માટે એક ઉમદા પ્રવૃત્તિ નામે ‘ખઝાના’ શરૂ કરેલી.
26 ફેબ્રુઆરીએ જેમનું જીવનસંગીત સમાપ્ત થયું એવા ગઝલસમ્રાટ અને ઉમદા ઈન્સાન પંકજ ઉધાસને તથા અમીન સાયાણી, પત્રકારમિત્રો અને, જય વિઠલાણીને ‘ચિત્રલેખા’ની આદરાંજલિ.