સબને પ્યાર કિયા ઈસ ફિલ્મ કો…

બૂતર જા જા જા… (સલમાન ખાન કી) પહેલી હિટ કી પહેલી યાદેં આજે આપવાનું મન છે. કેમ કે આ અઠવાડિયે હિંદી સિનેમાની કેટલીક સુપરડુપર હિટ ફિલ્મોમાંની એક એવી ‘મૈને પ્યાર કિયા’એ રિલીઝનાં 33 વર્ષ પૂરાં કર્યાં.

ફૅમિલી એન્ટરટેઈનરનો પરચમ લહેરાવાતી ‘રાજશ્રી પ્રોડક્શન’ની સૂરજ બડજાત્યા દિગ્દર્શિત આ ફિલ્મ વિશે હાલ સોશિયલ મિડિયા પર લોકો ચર્ચા કરી રહ્યા છે. જેમ કે, સલમાનને ફાઈનલ કરતાં પહેલાં સૂરજભાઈએ વિંદુ દારા સિંહ, દીપક તિજોરી પીયૂષ મિશ્રા જેવા ઍક્ટરોના ટેસ્ટ લીધેલા. જરા કલ્પના કરો વિંદુ દારા સિંહ હીરો પ્રેમ બન્યો હોત તો? પાડ પ્રભુનો કે સૂરજ બડજાત્યાએ આ બધાને રિજેક્ટ કર્યા.

એમ તો સૂરજે સલમાન ખાનને પણ રિજેક્ટ કરેલો. સલમાન ખાન પરિવારના નિકટજન તથા એમનાં અમુક બિઝનેસ સંભાળનાર લેખક-અભિનેતા-મોડેલ સ્વર્ગસ્થ હની છાયા (નાટ્યકાર, અભિનેતા, મોડેલ)એ આ વિશે ‘ચિત્રલેખા’ને વાત કરેલી. હનીભાઈએ સલમાનને ‘મૈને પ્યાર કિયા’ તથા એ પછીની અમુક ફિલ્મની પસંદગીમાં મદદ કરેલી. હનીભાઈના કહેવા મુજબ, સલમાન ખાસ ઉત્સાહિત નહોતો આ ફિલ્મમાં કામ કરવા, પણ એમણે (હનીભાઈએ) એને ફોર્સ કરીને ઑડિશન માટે મોકલેલો. મુંબઈમાં સિદ્ધિવિનાયક મંદિર નજીક આવેલી ‘રાજશ્રી પ્રોડક્શન’ની ઑફિસના રિસેપ્શન એરિયામાં બેઠેલા સલમાનને પહેલી વાર સૂરજભાઈએ જોયો ત્યારે એ જરા બટકો લાગેલો. થોડા દિવસ પછી બીજી ઑડિશનમાં ફાઈનલ કર્યો.

આ ફિલ્મની સફળતામાં એનાં ગીતોનો બહુ મોટો ફાળો હતો. ‘દિલ દીવાના’ અને ‘આજા શામ હોને આઈ’ અને ‘મેરે રંગ મેં રંગનેવાલી’ તો હિટ હતાં જ, પણ જે રચના સાંભળીને આજેય રૂવાંડાં ઊભાં થઈ જાય છે એ છેઃ ‘કહે તોસે સજના યે તોહરી સજનિયા… પગ પગ લિયે જાઉં, તોહરી બલઈયાઁ.’ આ અલ્પ મૂલ્યાંકિત રચનાને મૈથીલી લોકગાયિકા પદ્મશ્રી અને પદ્મભૂષણથી સમ્માનિત શારદા સિંહાનો કંઠ મળ્યો છે. સૂરજ બડજાત્યાને સલામ કરવી પડે કે એમણે અલ્પપ્રસિદ્ધ એવા સ્વરકાર,  વિજય પાટીલ, જેઓ રામ લક્ષ્મણના નામે પ્રખ્યાત થયેલા એમની પ્રતિભા પર વિશ્વાસ મૂકી તક આપી. એમણે ‘મૈને પ્યાર કિયા’ ઉપરાંત સૂરજ બડજાત્યાની ‘હમ આપકે હૈ કૌન,’ ‘હમ સાથ સાથ હૈ’ જેવી ફિલ્મોમાં સંગીત આપ્યું. આ વર્ષના મે મહિનામાં 78 વર્ષની વયે નાગપુરમાં એમનું નિધન થયું.

આ ફિલ્મની અંતાક્ષરી પણ જબરદસ્ત લોકપ્રિય નીવડેલી, જેમાં એક પછી એક ગીતો દ્વારા સુમન (ભાગ્યશ્રી) બીજાને ખ્યાલ ન આવે એમ પ્રેમ (સલમાન) પ્રત્યે પ્યારની લાગણી વ્યક્ત કરે છે. આ અંતાક્ષરીનાં ગીતો પસંદ કરતાં સૂરજ બડજાત્યાને ત્રણ મહિના લાગી ગયેલા… આવી તો જાતજાતની વણકથી વાતો છે આ ઐતિહાસિક ફિલ્મ વિશે.

જેમ કે, 1999ની સુપરડુપર હિટ હોવા છતાં પ્રેમ અર્થાત્ સલમાનને આ ફિલ્મ બાદ કામ મળતું નહોતું. એક અહેવાલ મુજબ, સલીમ ખાને બેટાની અભિનયક્ષમતાનું વર્ણન કરતી જાહેરખબરો ફિલ્મ-અખબાર સ્ક્રીન તથા અન્ય ફિલ્મટ્રેડ મૅગેઝિનોમાં આપેલી.

જેમ કે સુમન અર્થાત્ ભાગ્યશ્રીને અઢળક ઑફર મળવા છતાં એ લગ્ન કરીને ઘરસંસારમાં બિઝી થઈ ગઈ. આ વર્ષે કંગના રણોટને ચમકાવતી ‘થલાઈવી’માં ચમકનારી ભાગ્યશ્રીના કહેવા મુજબ, વીસેક વર્ષની અત્યંત સફળ અભિનેત્રી માટે અચાનક ફિલમલાઈન છોડી દેવાનો નિર્ણય સહેલો નહોતો, પણ એ સમયે ઘર અને કારકિર્દી બન્ને સંભાળવાં બહુ અઘરું કામ હતું.

જેમ કે મોહનીશ બહલનું કૅરેક્ટર એની મમ્મી નૂતનને જરાય ગમ્યું નહોતું. એમણે સૂરજ બડજાત્યાને કહ્યું કે મારા દીકરાને કોઈ સારો રોલ આપવો, પણ સૂરજભાઈએ એમને (નૂતનને) ધરપત આપતાં કહેલું કે “બિલીવ મી, આ રોલ મોહનીશ માટે અવિસ્મરણીય બની રહેશે.” બન્યું પણ એમ જ.