|
રામના રાજ્યમાંય ધોબી હતો |
કોઈપણ પરિસ્થિતિ આદર્શ હોતી નથી. સ્વયં સંપૂર્ણ પણ હોતી નથી. દરેક ઘટના, પરિસ્થિતિ અથવા વ્યક્તિત્વના સારાં અને નરસાં બંને પાસાં
હોય છે.
‘રામરાજ્ય’ એક આદર્શ રાજ્યવ્યવસ્થા માટે વપરાતો શબ્દ છે. એવી રાજ્યવ્યવસ્થા, જેમાં કોઈ કોઈની કૂથલી ન કરે, નિંદા ન કરે, ચોરી ન કરે અને સત્ચરિત્ર બનીને પોતાનું જીવન સન્માર્ગે વિતાવે.
પરંતુ આવી આદર્શ પરિસ્થિતિમાં પણ, લંકાવિજય પછી જ્યારે ભગવાન શ્રી રામ અયોધ્યા પરત આવ્યા અને માતા સીતાજીએ પોતાની પવિત્રતા અગ્નિપરીક્ષા દ્વારા સાબિત કરી, ત્યારે પણ એક ધોબીએ તેમની ટીકા કરી અને આક્ષેપ કર્યો હતો.

આ ઘટના દર્શાવે છે કે સૌથી શ્રેષ્ઠ અને આદર્શ ગણાતી વ્યવસ્થામાં પણ કોઈ ને કોઈ અસંતોષી, ટીકાખોર અથવા દુષ્ટવૃત્તિ ધરાવતી વ્યક્તિ હાજર હોઈ શકે છે. આવી અપવાદરૂપ સ્થિતિનું વર્ણન કરવા માટે ‘રામના રાજ્યમાંય ધોબી હતો’ કહેવત પ્રચલિત બની છે.
આ કહેવતનો અર્થ એ છે કે કોઈપણ વ્યક્તિ, વ્યવસ્થા કે પરિસ્થિતિ સંપૂર્ણ નિર્દોષ અથવા સર્વાંગસંપૂર્ણ હોતી નથી. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વાતમાં પણ કોઈને કોઈ ખામી શોધનાર વ્યક્તિ મળી જ રહે છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)






