લાંબા વાંહે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય!

 

લાંબા વાંહે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય !

 

 

આ એક સરખામણી છે. માણસ લાંબો હોય એટલે લાંબા ડગલાં ભરીને ચાલે. એની સાથે કદમ મિલાવવા જાય તો પેલો બટકો (ટૂંકો) માણસ હોય એને તો લગભગ દોડવું પડે. આ હરીફાઈમાં લાંબો તો પોતાની સામાન્ય ગતિએ ચાલે છે.

એનાં પગ લાંબા છે. એનો એને ફાયદો છે, પણ ટૂંકો જો એનું અનુકરણ કરવા ગયો તો થોડું અંતર જતા જતામાં તો થાકીને ફેં થઈ જવાશે. મરી નહીં જવાય. પણ પગના ગોટલાની નસો ચોક્કસ ચડી જશે અને આ હડદો લગાવવાથી માંદા પણ પડી જવાય તો નવાઈ નહીં.

કહેવાનો મતલબ એમ છે કે દેખાદેખી કોઈની કરવી નહીં. આપણી ક્ષમતા પ્રમાણે જ જીવવું. આ જ મતલબની બે પંક્તિઓ નીચે ટાંકું છું.

“દેખાદેખી સાધે જોગ

પડે પંડ ને લાધે રોગ.”

(ડો.જયનારાયણ વ્યાસ) 

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)