આંગળીથી નખ વેગળા તે વેગળા… |
આમ તો નખ આંગળીનો ભાગ હોય તે રીતે જ એની સાથે જોડાયેલા છે. જો નખ જીવતો ખેંચાય તો ભયંકર પીડા થાય. આમ છતાંય નખ વધે ત્યારે આપણને ખબર પણ ન પડે તે રીતે એ આંગળીથી દૂર થઈ જાય છે.
એક દિવસ આપણે એને કાપી નાખીએ છીએ તોયે પીડા થતી નથી. આવું જ સંબંધોનું છે. જે પારકાં તે પારકાં જ રહે છે. ઘણી વખત એમને પોતાના બનાવવાનો આપણે પ્રયત્ન કરીએ અથવા એમને પોતાના ગણવાની ભૂલ કરીએ તો સરવાળે દુઃખી થવાનો જ વારો આવે છે. આ બાબત માનવ સંબંધોમાં બધાને લાગુ પડે છે.
એટલે જ કહેવાય છે કે, હા,ભાઈ! આંગળીથી નખ વેગળા તે વેગળા.
(ડો.જયનારાયણ વ્યાસ)
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)