દાઢીના દોઢસો, ચોટીના ચારસો |
એક રાતે કોઈ વ્યક્તિના ઘરમાં ચોર ઘૂસી જાય છે. આ વ્યક્તિએ માથે મુંડન કરાવેલું હોય છે પણ દાઢી જેમની તેમ છે. અંધારાનો લાભ લઈ ઘૂસેલ ચોર કોડીયાના અજવાળામાં આ દાઢી જૂએ છે અને પેલા વ્યક્તિને કાબુ કરવા દાઢી પકડીને ખેંચે છે. એ કહે છે કે, તારે આ દાઢી છોડાવવી હોય તો દોઢસો રૂપિયા આપ.
પેલો ચતુર વ્યક્તિ પોતાની પત્નીને ઘાંટો પાડીને કહે છે કે, આ ચોરે મારી દાઢી પકડી છે અને દોઢસો રૂપિયા માંગે છે. તું એ જલદી લઈ આવ. જો એ ભૂલેચૂકે મારી ચોટી પકડી લેશે તો ચારસો રૂપિયા આપવા પડશે. પેલો ચોર લાલચમાં ફસાય છે. એ દાઢી છોડીને ચોટી પકડવા જાય છે. દાઢી છૂટવાથી મુક્ત થયેલો આ માણસ ધક્કો મારીને ચોરને પાડી દે છે અને એને બરાબરનો માર મારે છે. ગભરાઈને છેવટે પેલો ચોર ભાગી જાય છે. આમ, દાઢી છોડીને ચોટી પકડી વધુ પૈસા મેળવવાની લાલચમાં ચોર ફસાય છે અને પેલો ચતુર માણસ મુક્ત થઈ જાય છે.
(ડો.જયનારાયણ વ્યાસ)
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે.