પાપડી ભેળી ઇયળ બફાઈ જાય |
પાપડી જ્યારે એના વેલા પર હોય ત્યારે એમાં ઘર કરીને રહેતી ઇયળ પાપડીનો દાણો ખાઈને પોષણ મેળવે છે. ઇયળ બીજા કોઈને નુકસાન કરતી નથી. માત્ર પાપડીમાં પોતાનું ઘર બનાવીને રહે છે.
પણ આ પાપડીને ઊંધિયું અથવા એવી કોઈ વાનગી બનાવવા માટે જ્યારે બાફવામાં આવે ત્યારે ઇયળ પણ એના ભેગી બફાઈ જાય છે.
આમ, કારણ વગરની દંડાઈ જઈને ઇયળ પોતાનો જાન ગુમાવે છે. આવા જ અર્થની કહેવત છે, ‘સૂકા ભેગું લીલું પણ બળે’. આમ, સંપૂર્ણ નિર્દોષ હોવા છતાં કોઈકને કારણે વેઠવું પડે ત્યારે સંગ પ્રભાવે મળતા આ દંડને માટે ‘પાપડી ભેળી ઇયળ બફાઈ જાય’ કહેવત વપરાય છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
