રતે લીંબોળી યે મીઠી બને…
|
માણસ જેમ જેમ ઉંમર વધે તેમ તેમ કાળની થપાટો ખાઈને ઢીલો પડે છે. એ ગમે તેવો ખૂંખાર હોય તો પણ એનાં વર્તનમાં નરમાશ આવવી જોઈએ. જેમ લીમડા ઉપર આવેલી લીંબોળી કાચી હોય ત્યારે કડવી હોય છે. પાકે ત્યારે એનો રંગ બદલાઈને પીળો થાય અને અંદરનો ગર મીઠો થાય. આવી પાકેલી લીંબોળી ઘણી ખાધી છે.
અહીંયાં કહેવત એ અર્થમાં વપરાય છે કે, જેમ ઋતુ આવે અને પાકટ બનતાં કડવી લીંબોળી મીઠી બને છે તેમ માણસે પણ ઉંમર વધે તેમ સૌમ્ય અને મીઠા બનવું જોઈએ. સ્વભાવ બદલીને સૌને ભાવે તેવા બનવાનો અને “ભાવશે”, “ચાલશે” તેમજ “ફાવશે” શબ્દોને પોતાની જીવનશૈલીમાં ઉતારવાનો સમય એટલે કે રત (ઋતુ) છે પાકટ અવસ્થા.
(ડો.જયનારાયણ વ્યાસ)
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)